ઈસ દેશ કો રખના મેરે બચ્ચોં સંભાલ કે…

આ લગાતાર બીજું વર્ષ છે, આપણે ઉત્સવો ઊજવ્યા વગર, એકઠા થયા વગર જીવી રહ્યા છીએ… અષાઢી
બીજની રથયાત્રા, એ દિવસે પડતો ઝરમર વરસાદ, મગનો પ્રસાદ અને ટ્રકની વણઝાર તો જાણે નવી પેઢી માટે
ઈતિહાસ બની જશે. કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા નગર યાત્રાએ નીકળે, સહુ એને આનંદથી વધાવે… એ વાત
હજારો વર્ષ પહેલાંની કથા હોય તો પણ કેટલી રોચક અને રસપ્રદ છે !

વીર વિક્રમ પણ નગર યાત્રાએ નીકળતા અને પોતાની પ્રજાના સુખ-દુઃખ જાણવાનો પ્રયાસ કરતા, એવી કથા
આપણે સાંભળી છે. બાદશાહ અકબર અને કવિ કલાપી પણ છુપા વેશે પોતાની પ્રજાને મળવા જતા. કવિ કલાપી-
રાજા સૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલની રચના ‘ગ્રામ માતા’ આવી જ એક નગરચર્યામાંથી જન્મેલી કવિતા છે. રાજા
અને પ્રજા વચ્ચે એક અતૂટ સંબંધ છે. મહાભારતમાં એક રાજા કેવો હોવો જોઈએ એ વિશે બાણશૈયા પર સૂતેલા ભિષ્મ
થનાર રાજા યુધિષ્ઠિરને જ્ઞાન આપે છે… મૃત્યુ પામી રહેલા રાવણ પાસે રાજનીતિ શીખવા સ્વયં રામ પોતાના ભાઈ
લક્ષ્મણને મોકલે છે. સંસ્કૃત સાહિત્યના ઉત્તમ વાક્યોમાં એક, ‘યથા રાજા તથા પ્રજા’ છે, જેનો અર્થ છે કે જેવો રાજા
તેવી જ એની પ્રજા હોય છે !

આપણે બધા જાણીએ છીએ કે, ભારતની આઝાદી પછી જે લોકોએ સ્વતંત્ર ભારતની બાગડોર સંભાળી
એમને ‘રાજા’ને બદલે ‘પ્રધાન’ અથવા ‘નેતા’ ની ઓળખ આપવામાં આવી. અંગ્રેજોએ ભારત જે સ્થિતિમાં પાછું સોંપ્યું
એ પછી કદાચ દેશની હાલમડોલમ થતી નૌકાને સંભાળતા થોડાં વર્ષ વીતે એ આપણે સમજી શકીએ, પરંતુ આઝાદીના
સાત દાયકા કરતા વધારે સમય પછી પણ આપણું અર્થતંત્ર, ન્યાયતંત્ર કે પોલીસતંત્ર પ્રજાલક્ષી નથી એ સાચે જ દુઃખની
વાત છે.

ગુલઝાર સાહેબની ફિલ્મ ‘આંધી’ માં (ગાંધીમાંથી જી કાઢી નાખો તો…) એમણે લખેલું એક ગીત ‘યે પાંચ
સાલોં કા લેને હિસાબ આયે હૈ…’ આજે, 46 વર્ષ પછી પણ એટલું જ સાચું છે. ગુજરાતમાં જ્યારે ‘ઈલેક્શન ઈન ધ
એર’ છે ત્યારે આપણે બધા આપણા હાથમાં રહેલા શસ્ત્રને સાચી રીતે વાપરતા શીખવું પડશે. આપણે વોટર તરીકે બહુ
નબળા મનના છીએ. પડોશી કોને વોટ આપે છે કે પતિ/પત્ની કોને વોટ આપે છે એના ઉપર આપણા નિર્ણયનો
આધાર કેવી રીતે હોઈ શકે ? બપોરે તડકામાં જઈને લાઈનમાં કોણ ઊભું રહે ? અમારું વોટર કાર્ડ નથી, અમને
અમારું સેન્ટર ખબર નથી કે પછી એવું કોણ છે જેને વોટ આપીને આપણો ઉધ્ધાર થવાનો છે-બધા સરખા છે, મને
કંટાળો આવે છે જેવાં અનેક બહાના હેઠળ આપણે વોટિંગ કરતા નથી…

ખાસ કરીને, ઉચ્ચ મધ્યમવર્ગ અને કમ્ફર્ટ ઝોનમાં જીવતા લોકો વોટિંગ કરવાનું ટાળે છે. આવા નકામા
બહાનાને લીધે જે લોકો વોટિંગ નથી કરતા એમના નામ અને આઈડી ક્યારેક ખોટી રીતે વપરાય છે અથવા બાતલ
જાય છે. જે ભણેલા-ગણેલા સમજદાર અને દેશ-દુનિયાની પરિસ્થિતિ સમજી શકતા લોકો વોટિંગ નથી કરતા એ
દેશના ગુનેગાર છે કારણ કે, એમનો મત મહત્વનો, સમજદારી ભર્યો છે, પરંતુ એ વોટિંગ નથી કરતા, અને ઓછું
ભણેલા, ગરીબ અને અણસમજુ લોકોને ખરીદીને, લલચાવીને કે ખોટા વચનો આપીને વોટ બટોરવામાં આવે છે.
આને કારણે એક ખોટી સિસ્ટમ, ખોટી ડિઝાઈન ટકી જાય છે. મૂર્ખાઓના બોલવાથી જેટલું નુકસાન નથી થતું, એટલું
નુકસાન સમજદાર અને ભણેલાના મૌનથી થાય છે.

આપણને બધાને પરિસ્થિતિ સામે વાંધો છે. આપણે ભરપેટ ફરિયાદ કરીએ છીએ, પણ પરિસ્થિતિ બદલવા
માટે જે કરવું પડે એ કોઈની તૈયારી નથી. એવા કેટલાય લોકો હશે જેમના વોટર કાર્ડ નથી, જૂનું એડ્રસ હશે કે ઘરમાં
અઢાર વર્ષના થઈ ગયેલા બાળકોના વોટર કાર્ડ કઢાવવાની એમણે તસદી નહીં લીધી હોય ! અત્યારે એવું માનવામાં
આવે છે કે (2020 સુધીમાં) ભારતમાં 34.33 ટકા વસતિ યુવાનોની છે. આ 34 ટકામાંથી કેટલા યુવાનો વોટર કાર્ડ
ધરાવે છે? કદાચ, વોટર કાર્ડ હોય તો પણ કેટલા યુવાનો વોટ આપવા જશે ?

જાણીતા અંગ્રેજી અખબારના એક સર્વે પ્રમાણે 78.08 ટકા યુવાનોએ વોટ આપવા જવાની ના પાડી છે
જેના કારણોમાં આળસ, કંટાળો, દેશમાં ચાલી રહેલી રાજનીતિક પરિસ્થિતિ વિશે અણગમો, નેતાઓ વિશેનો અનાદર
અને સિસ્ટમ સામેનો આક્રોશ છે. આ બધા યુવાનો સાચા છે, એમ માની લઈએ તો પણ સિસ્ટમ અને સત્તા બદલવા
માટે એમની જરૂર પડશે. માતા-પિતા, શિક્ષકો અને પ્રોફેસર્સની ફરજ છે કે એ આ દેશના યુવાનને પોતાના
મતઅધિકાર વિશે જાગૃત કરે. મીડિયાએ, ખાસ કરીને સોશિયલ મીડિયામાં એક્ટિવ ઈન્ફ્લુએન્સર્સ પણ આ વિશે
જવાબદારી લઈને માત્ર પ્રોડક્ટ વેચવાને બદલે પેટ્રીઓટિક (દેશ પ્રેમને લગતી) પોસ્ટ મૂકે એ જરૂરી છે.

પોતાના વિસ્તારમાં કેટલા મતદારો/ઉમેદવારો છે, એ ઉમેદવારનું બેકગ્રાઉન્ડ શું છે, એમણે જે-તે વિસ્તાર
માટે શું કામ કર્યું છે, એ કઈ પાર્ટીના છે… થી શરૂ કરીને પોતાના વિસ્તારમાં કઈ કામગીરીની જરૂરિયાત છે, શું થવું
જોઈએ અને એ માટે કયો ઉમેદવાર યોગ્ય છે… આવી કોઈ વિગતો નવી પેઢીના મતદારો પાસે નથી. ફિલ્મસ્ટાર્સના
લફરાં કે સોશિયલ મીડિયાના રિલ્સ, ઈન્સ્ટા પોસ્ટ અને ઓનલાઈન શોપિંગને આખો દિવસ મચડતા રહેતા આ
યુવાનોને મતદાર બનાવવાની ફરજ એ લોકોની છે જે લોકો એમના વિચારો પર અસર કરે છે.

આવી રહેલા ઈલેક્શનમાં જો ગુજરાતમાં 7.15 કરોડ યુવા વોટર્સને આપણે પોલિંગ બુથ સુધી નહીં લાવી
શકીએ તો આવનારા વર્ષોમાં આ દેશ કોના હાથમાં જવો જોઈએ એ વિશેના નિર્ણયની ફરિયાદ કરવાનો અધિકાર
ખોઈ બેસીશું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *