ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરઃ સ્ત્રી શિક્ષણના પાયોનિયર

આવતીકાલે, 26 સપ્ટેમ્બર… મોટાભાગના લોકો 26 સપ્ટેમ્બરને ‘દેવ આનંદ’ના
જન્મદિવસ સાથે જોડે છે. ભારતીય સિનેમાના એવરગ્રીન કલાકાર, રોમેન્ટિક હીરો, પ્રોડ્યુસર,
ડિરેક્ટર… હા, પરંતુ 26 સપ્ટેમ્બરની એક બીજી ઓળખ છે. આજે ભારતમાં જો દીકરીઓ ભણી
શકે છે, દેશની સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે, સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ શકી છે તો એને માટે
આખો દેશ જેનો આભારી છે એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે. ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખનાર
વ્યક્તિ, લેખક-સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી, અનુવાદક, મુદ્રક, પ્રકાશક સહિત જેમણે આખા
સમાજની સામે ઊભા રહીને સ્ત્રીના સન્માન માટે યુધ્ધ કર્યું એવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના
જન્મદિવસે એમને યાદ કરવા જોઈએ. આપણી નવી પેઢીને તો કલ્પના પણ નથી કે, 1800ની
સાલમાં ભારતની શું સ્થિતિ હતી! આજે જે જીવન સરળ અને સગવડભર્યું લાગે છે એ દેશમાં
વિધવાના પુનઃવિવાહનો વિચાર પણ અસંભવ હતો. દીકરીઓને માસિક શરૂ થાય તે પહેલાં પરણાવી
દેવાની પધ્ધતિ હતી. સાત-આઠ વર્ષની દીકરીના લગ્ન 18-20-22 વર્ષના છોકરા સાથે કરવામાં
આવે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એટલી નાની બાળકીના લગ્ન ક્યારેક પ્રૌઢ અને વૃધ્ધત્વને આરે
પહોંચેલા વ્યક્તિ સાથે કરવામાં આવતા. દીકરી યુવાન થાય એ પહેલાં આવા પતિ મૃત્યુ પામતા ત્યારે
એને ‘સતી’ કરવાનો અથવા ‘ભયાનક વિધવા જીવન’ જીવવાની ફરજ પાડવાનો આ સમાજમાં
રિવાજ હતો.

1856માં એમણે વિધવા પુનઃવિવાહનો કાયદો પસાર કરાવ્યો. માત્ર વાતો કરીને
જાગૃતિ નહીં આવે એવું એ સમજતાં હતા. સમાજમાં દાખલો બેસે એ માટે એમણે પોતાના એક
માત્ર પુત્રના લગ્ન વિધવા સાથે કર્યા!

1820, 26 સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મ બંગાળના મેદીની પુલ જિલ્લાના
વીરસિંહ ગામમાં થયો. એમનું મૂળ નામ ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય હતું. ‘વિદ્યાસાગર’ એમને મળેલું
સન્માન હતું. અત્યંત ગરીબ અને પરિવારમાં એમનો જન્મ થયો હતો. ગામમાં પ્રાથમિક શિક્ષણ પણ
ઉપલબ્ધ નહોતું ત્યારે પહેલાં એ રોજ આઠ કિલો મીટર ચાલીને નજીકના ગામમાં જતા. એમણે
પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું એ પછી પોતાના ગામથી પગે ચાલીને કોલકાતા પહોંચ્યા. ત્યાં એમણે
આગળ ભણવાનું શરૂ કર્યું. લોકોના ઘેર કામ કર્યા, ભયાનક આર્થિક કષ્ટ સહન કર્યાં જેને કારણે અનેક
શારીરિક અસ્વસ્થતાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ એ બધા પછી 1841માં ફોર્ટ વિલિયમ
કોલેજમાં એમને ‘મુખ્ય પંડિત’ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. 50 રૂપિયાના પગારમાંથી એ પાંચ
રૂપિયા પોતાને માટે રાખતા. બાકીના 45 રૂપિયા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખર્ચી નાખતા.
એમને ‘વિદ્યાસાગર’ વિભૂતિથી સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ પાંચ જ વર્ષમાં અંગ્રેજી મેનેજમેન્ટ
સાથે મતભેદ થતાં એમણે રાજીનામુ આપ્યું. 1851માં એમને સમજાવીને પાછા લાવવામાં આવ્યા,
1855માં આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર અને પછી સ્પેશિયલ ઈન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયા. જોકે, ત્યાં
સુધીમાં 1857નો વિપ્લવ શરૂ થઈ ચૂક્યો હતો. વિપ્લવવાદીઓની મદદ કરવાના અને સ્વરાજ્ય
માટેના યુધ્ધમાં સહયોગી થવાના આક્ષેપ હેઠળ એમના ઉપર ઈન્ક્વાયરી બેઠી અને 1858માં એમણે
રાજીનામુ આપ્યું.

અત્યાર સુધીમાં બચાવેલા તમામ પૈસા એમણે નિઃસહાય વિધવા, નિર્ધન વિદ્યાર્થી અને
શિક્ષણની પુનઃસ્થાપના માટે ખર્ચવાનું શરૂ કર્યું. હાથે વણેલા સુતરાઉ કપડા પહેરતા, બે ટંક સાદા
ભોજન સિવાય કશું ખાવું નહીં, કોઈની પાસે કશું સ્વીકારવું નહીં અને સમાજમાં જે લોકોની સ્થિતિ
દયનીય છે એને માટે સતત કામ કરતાં રહેવું એ એમનો સિધ્ધાંત હતો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ બંગાળી ગદ્યના પ્રથમ લેખકોમાં લેવાય છે. એમણે 52
પુસ્તકો લખ્યાં. જેમાંથી 17 સંસ્કૃતમાં, પાંચ અંગ્રેજીમાં અને બાકીના બંગાળીમાં લખ્યાં.
વૈતાળપંચવિસંતિ, શકુંતલા, સીતા વનવાસ જેવાં પુસ્તકોને મૂળ સંસ્કૃતમાંથી બંગાળીમાં લાવવાનું
શ્રેય એમના ફાળે જાય છે. એમને શિક્ષણ અને સ્ત્રીઓના અધિકારો માટે સમાજને જાગૃત કરનારા
સમાજ સુધારકોમાં રાજારામ મોહનરાયના ઉત્તરાધિકારી તરીકે પણ જોવામાં આવે છે. 1856થી 60
દરમિયાન એમણે 36 વિધવાઓના પુનઃવિવાહ કરાવ્યા, જે એમના સમય માટે બહુ મોટી સંખ્યા
ગણી શકાય. એમણે મહિલાઓ માટેની અનેક શાળાઓની સ્થાપના કરી, જેમાં બાળકીઓથી શરૂ
કરીને મોટી ઉંમરની મહિલાઓ સુધી સૌને મફત શિક્ષણ આપવામાં આવતું. એમના આવા જાગૃત
અને આધુનિક વિચારોને કારણે સમાજના કેટલાક રૂઢિચુસ્ત લોકોએ એમને ખૂબ હેરાન કર્યા. એમના
આખા પરિવારે એમની સાથે સંબંધ કાપી નાખ્યો. જ્ઞાતિ દ્વારા એમને વારંવાર અપમાનિત કરવામાં
આવ્યા, એટલું જ નહીં એમના માતાની માંદગી દરમિયાન એમને સારવાર આપવા આવનારા વૈદ્યને
પણ એમના ઘર સુધી જતા રોકવામાં આવ્યા, જેને કારણે એમના માતાનું મૃત્યુ થયું.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળ છોડીને જવાનો નિશ્ચય કર્યો. એમના જીવનના અંતિમ
18થી 20 વર્ષ એમણે બિહારના જામતાડા જિલ્લામાં આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરતાં
વિતાવ્યાં. એમના ઘરનું નામ ‘નંદન કાનન’ હતું. જુલાઈ, 1891માં એમના મૃત્યુ પછી એમના પુત્રએ
એમનું ઘર વેચી નાખ્યું, પરંતુ એ ઘર તોડીને નવું બાંધવામાં આવે એ પહેલાં બિહારના બંગાળી
લોકોએ ભેગા થઈને 29 માર્ચ, 1974માં એને ખરીદી લીધું. ત્યાં એક બાલિકા (ગર્લ્સ) સ્કૂલ શરૂ
કરવામાં આવી અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું મ્યુઝિયમ શરૂ કરવામાં આવ્યું. એમના મૃત્યુ સમયે
રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, ’40 લાખ બંગાળીઓની વચ્ચે આવો એક જ મનુષ્ય પેદા થયો એ
દુર્ભાગ્ય છે… જો આવા ચાર હોત તો ભારતમાં સ્ત્રીઓની સ્થિતિને સંપૂર્ણપણે બદલી શક્યા હોત!’

આજે જેને 2014માં ‘સર્વશ્રેષ્ઠ બંગાળી’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા એને
પોતાના સમયમાં બહિષ્કૃત અને તિરસ્કૃત કરવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે કોઈએ રૂઢિચુસ્તતા
અને જડતા સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે એ સમયનો સમાજ આવા અવાજને દબાવી દેવા માટે
મરણિયો થઈ જતો જોવા મળ્યો છે. નરસિંહ મહેતા હોય, મીરાં હોય, સિંધુતાઈ સપકાળ હોય કે
અનસુયા સારાભાઈ, એમના સમયમાં એમણે જે કંઈ કહ્યું તે પછીના વર્ષોમાં સત્ય પૂરવાર થયું છે…
જે સમાજે એમનો તિરસ્કાર કર્યો, એમને અપમાનિત કર્યા એ જ સમાજે એમના મૃત્યુના થોડા વર્ષો
પછી એમને માથે બેસાડ્યા છે, એમની કથાઓ કહી છે. જેણે સમાજને બદલવો હોય કે કશુંક નવું
વિચારીને રૂઢિચુસ્તતા અને જડતાની સામે પોતાની વાત કહેવી હોય તે સૌએ એટલી માનસિક તૈયારી
રાખવી જ પડે કે સમાજના જડ અને રૂઢિચુસ્ત તત્વો એમની વાત નહીં સાંભળે, એટલું જ નહીં
બીજા પણ એમની વાત ન સાંભળે એવો પ્રયાસ કરશે. જે લોકો જુનવાણી વિચારો ધરાવે છે એ સહુ
પાસે પૂરું જ્ઞાન નથી. જે શાસ્ત્રોના દાખલા આપે છે એ સહુએ શાસ્ત્રો વાંચ્યા કે જાણ્યા નથી, જે
લોકો સંસ્કૃતિના નામે જડતાને પ્રમોટ કરે છે એમને કદાચ ખબર પણ નથી કે ભારતીય સંસ્કૃતિ તો
સૌથી આધુનિક અને નવા વિચારો ધરાવતી સંસ્કૃતિ હતી જ. અહીં સ્ત્રીઓને સ્વયંવરની છૂટ હતી.
ગાર્ગી, અપાલા, ઘોષા અને લીલાવતી જેવી વિદ્વાન સ્ત્રીઓ હતી. અહીં કૃષ્ણ અને દ્રૌપદી જેવી
સ્ત્રી-પુરુષની મૈત્રીને ખેલદિલીપૂર્વક અને સન્માનપૂર્વક સ્વીકારવામાં આવી છે.

આપણા સમાજમાં આજે પણ કેટલાક માતા-પિતા એવું માને છે કે, દીકરીને બહુ
ભણાવવામાં આવે તો એ ‘વંઠી’ જાય, ‘છકી’ જાય કે બગડી જાય… એથી આગળ કેટલાક માતા-પિતા
એવું માને છે કે, બહુ ભણેલી દીકરીને એવું ભણેલો યોગ્ય મુરતિયો ન મળે માટે એને વધુ પડતું શિક્ષણ
ન આપવું. કેટલાંક ઘરોમાં પુત્રવધૂને કોઈ છૂટછાટ કે સ્વતંત્રતા આપવામાં આવતી નથી કારણ કે,
‘નવા વિચાર’ સાથે આવેલી છોકરી ઘરની ‘મર્યાદા’ કે ‘પ્રતિષ્ઠા’ ને હાનિ પહોંચાડશે એવો ભય હજીયે
સમાજમાં પ્રવર્તે છે.

આપણે નવી ટેકનોલોજી સ્વીકારીએ છીએ, પણ નવો વિચાર સ્વીકારતાં આપણને
દસકાઓ લાગી જાય છે… નવો વિચાર લઈને આવેલી વ્યક્તિ દરેક વખતે સમાજનું અહિત કે
મર્યાદાનું ઉલ્લંઘન કરવા નથી આવતી એટલું સમજી શકીએ તો કદાચ આપણે સન્માનનીય
વ્યક્તિઓને એમના સમયમાં જ સન્માનિત કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *