અખબારોમાં છેલ્લા થોડા સમયથી ભૂત-ભૂવા વશીકરણની જાહેરાતો પ્રકાશિત થવા લાગી છે. આપણને
નવાઈ લાગે એ હદે અંધશ્રદ્ધા અને વહેમ સમાજમાં ઘૂસી ગયા છે. આપણે માની ન શકીએ એવા,
ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ, સ્ટાર્સ અને રાજકારણી, ગુરૂ-ગ્રહો અને કુંડળીઓના અજ્ઞાનમાં અટવાય છે. ભારતીય સંસ્કૃતિમાં
જ્યોતિષને ‘શાસ્ત્ર’ તરીકે આદર મળે છે. ગ્રહોના ગણિત અને નક્ષત્રોના પ્રવાસને કારણે માનવજીવન પર થતી
અસર વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે, પરંતુ જે લોકો આવા ગણિતને જાણતા હોવાનો દાવો કરે છે એમાંના
કેટલા સાચા હોય છે ? આપણે કુંડળીમાં માનીએ છીએ, ગ્રહો અને સનસાઈન વાંચીએ છીએ. રોજના અને
અઠવાડિક રાશિ ભવિષ્યો ઉપરથી દિવસનો નિર્ણય કરનારા લોકોને આપણે ઓળખીએ છીએ, પરંતુ એ કેટલું સાચું
છે એ વિશે આપણી પાસે કોઈ પ્રમાણ નથી.
26 સપ્ટેમ્બર, 1932… બ્રિટીશ ઈન્ડિયાના પાકિસ્તાનમાં બે જુદા ઘરોમાં બે બાળકો જન્મ્યા. ગાહ,
પંજાબ… અને બીજું બાળક લાહોરમાં જન્મ્યું. એક જ દિવસે જન્મેલા બે બાળકોના જીવન કેટલા જુદા છે એ
જાણીને વાચકને નવાઈ લાગશે. એક બાળકનું નામ મનમોહન સિંઘ જે ભારતના વડાપ્રધાન બન્યા અને બીજા
હરિ ઓમ શરણ જેમણે સંગીતને ભક્તિમાં ઢાળીને એવાં ભજનો આપ્યા જે આજે પણ અવિસ્મરણિય છે. ઐસા
પ્યાર બહા દે મૈયા, મૈલી ચાદર ઓઢકે કૈસે, આરતી કુંજબિહારી કી, દુર્ગતી હારિણી દુર્ગા, જય ભોલા ભંડારી
શિવહર, તેરે નામ કા સુમિરન કરકે અને એમના અવાજમાં ગવાયેલા હનુમાન ચાલીસા આજે પણ ઘર ઘરમાં
ગૂંજે છે અને બીજા, આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ જેમને વડાપ્રધાન પદ ‘એક્સિડેન્ટલી’ મળ્યું હોવાની
મજાક વર્ષો સુધી ચાલતી રહી. એમના અંગત સચિવ સંજય બારૂએ લખેલા પુસ્તક ‘એક્સિડેન્ટલ પ્રાઈમ
મિનિસ્ટર’માં લેખકે એવો આક્ષેપ કર્યો કે, મનમોહન સિંઘ ફક્ત સોનિયા ગાંધીના રબર સ્ટેમ્પ વડાપ્રધાન બનીને
રહ્યા.
આ બંને વચ્ચે સરખાપણું જોવા જઈએ તો રસપ્રદ છે. મેરઠ વિશ્વ વિદ્યાલયમાંથી ફિઝીક્સ, ગણિત અને
સ્ટેટેસ્ટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી એમણે ઈકોનોમિક એનાલિસિસમાં માસ્ટર કર્યું. નેશનલ સ્ટોક એક્સચેન્જ
ઓફ ઈન્ડિયામાં લેવલ ફાઈવ કેપિટલ માર્કેટ પ્રોફેશનલ હતા… બીજી તરફ, મનમોહન સિંઘે પણ ઈકોનોમિક્સમાં
માસ્ટર્સ કરીને ડિ ફીલ કર્યું હતું. દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઓનરરી પ્રોફેસર્સ રહી ચૂક્યા હતા. રિઝર્વ બેન્ક
ઓફ ઈન્ડિયા અને આઈડીબીઆઈના ડિરેક્ટર પદે રહી ચૂકેલા મનમોહન સિંઘે નાણાપ્રધાન તરીકે પ્લાનિંગ
કમિશનના ડેપ્યુટી ચેરમેન તરીકે જવાબદારી નિભાવી. 22 મે, 2004થી 26 મે, 2014 સુધી એ વડાપ્રધાન
રહ્યા. બંને ઈકોનોમિક્સ અને ગણિત, આંકડા અને નાણાં સાથે કામ કરતા રહ્યા.
હરિ ઓમ શરણનું પહેલું આલ્બમ 1973માં એચએમવીએ રિલીઝ કર્યું. એ પછી એમના લગાતાર
ભજનના આલ્બમ રિલીઝ થતાં રહ્યાં. એમના આલ્બમમાં પંડિત જસરાજ, પંડિત શિવકુમાર શર્મા, સોનુ નિગમ,
હરિહરન, અનુપ જલોટા, શંકર મહાદેવન, રિચા શર્મા, સાધના સરગમ, શાન, મહાલક્ષ્મી ઐયર અને સુનિધી
ચૌહાણ જેવા ગાયકોને એમણે આમંત્રિત કર્યા…
ત્રીજી એક વ્યક્તિ જે 26 સપ્ટેમ્બરે, (1923)માં જન્મી. બ્રિટીશ ઈન્ડિયાના ગુરૂદાસપુર જિલ્લામાં.
ફિલ્મી દુનિયામાં એમણે પોતાનું એક નામ અને અવિસ્મરણિય સ્થાન ઊભું કર્યું. ધરમદેવ આનંદ એમનું જન્મનું
નામ, દેવ આનંદ એમનું ફિલ્મી નામ.
આ ત્રણ જણાંને સાથે મૂકીને જોઈએ તો સમજાય કે, આ ત્રણેય જણાં કેટલા અલગ અને કેટલા ભિન્ન
વ્યક્તિત્વ ધરાવતા હતા ! એક એવી દલીલ કરવામાં આવે છે કે, કુંડળીમાં એક મિનિટ કે થોડી સેકન્ડનો ફેર પડે તો
પણ ગ્રહોનું ગણિત બદલાઈ જાય. આ વાત માની લઈએ તો પણ જે લોકો દિવસ, મહિના કે રાશિ મુજબ પોતાનું
ભવિષ્ય વાંચીને એના પર આધારિત નિર્ણયો કરે છે એમને માટે આ એક સમજવા જેવી બાબત છે. 26
સપ્ટેમ્બરે, જન્મેલા બીજા લોકોના નામ પણ જાણવા જેવા છે. ચંકી પાડે (1962), જાણીતા જૈનાચાર્ય
રાકેશભાઈ ઝવેરી (1966), ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858).
મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આત્મકથા ‘આત્મવૃતાંત’માં એમણે લખ્યું છે કે, કોલેજકાળ દરમિયાન
એમણે અનેક સેક્સવર્કર્સ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેને કારણે એમને સિફીલિસ નામનો રોગ થયો હતો.
બીજી તરફ રાકેશભાઈ નાની ઉંમરથી જ ધર્મ તરફ વળી ગયા ને ત્રીજી વ્યક્તિ ચંકી પાડે જે પ્રસિદ્ધિ અને
પબ્લિસિટી માટે ‘કંઈ પણ’ કરતા રહ્યા… કહેવાનું તાત્પર્ય એ નથી કે જ્યોતિષ, જન્મતારીખો, ગ્રહોનું ગણિત કે
જન્મકુંડળી તદ્દન હંબગ કે અર્થહીન છે, મહત્વનો મુદ્દો એ છે કે, આપણે માત્ર ગ્રહો કે ‘સનસાઈન’ના આધારે
માણસના વ્યક્તિત્વનો નિર્ણય કરી લેતા હોઈએ તો એ યોગ્ય નથી. અખબારોમાં પ્રકાશિત થતા રાશિ ભવિષ્યો કે
અઠવાડિક ભવિષ્યોને અંતિમ સત્ય માનીને મહત્વના નિર્ણય કરનારા લોકોએ જરા વિચારવાની જરૂર છે.
જ્યોતિષને એક શાસ્ત્ર તરીકે જાણીને એનો સાચો ઉપયોગ કરનારા જ્ઞાની વ્યક્તિઓ નથી, એવું માની
લેવાની જરૂર નથી, પરંતુ સામે એ પણ એટલું જ સત્ય છે કે, જ્યોતિષ હોવાનો દાવો કરનારી દરેક વ્યક્તિ જ્ઞાની
નથી હોતી !
આપણે સૌ એવું માની લઈએ છીએ કે, કોઈ એકાદ ગુરૂ, બાવા, સાધુ, જ્યોતિષ, અમુકતમુક પ્રકારની
વિધી કરીને આપણને ઈચ્છિત ફળ આપશે અથવા આપણી મનોકામના, ઝંખના, ઈચ્છા કે લાલસા પૂરી કરશે…
પરંતુ, મોટાભાગે એવું શક્ય નથી અંધશ્રદ્ધા સમાજમાં જે ઝડપે ફેલાઈ રહી છે એ જોતાં આપણે ભલે ચંદ્ર પર
પહોંચ્યા હોઈએ અને મંગળ પર પહોંચવાની તૈયારી કરતા હોઈએ, પરંતુ વીંટીઓમાં એ ગ્રહોને બાંધીને એમની
પાસે ધાર્યું કરાવવાનો દાવો કરનાર ઢોંગીઓને આપણે હજીયે ઓળખી શકતા નથી એ પણ એટલું જ સત્ય છે.
સુદર્શન ફાકીરની એક ગઝલનો શેર, આદમી આદમી કો ક્યા દેગા, જો ભી દેગા વહી ખુદા દેગા…