અનુપમ ખેર, એક વર્સેટાઈલ એક્ટર… એના જીવન-સંઘર્ષ અને અનુભૂતિઓથી ભરેલી
આત્મકથા ‘લેસન્સ લાઈફ ટોટ મી-અનનોઈંગલી’ના કેટલાક અંશ, આજે… એમનો જન્મદિવસ સાત
માર્ચે છે ત્યારે. 67 વર્ષ પૂરા કરી રહેલા આ અભિનેતા સાથે ઈન્ડસ્ટ્રીના ભાગ્યે જ કોઈ અભિનેતાએ
કામ નહીં કર્યું હોય…’
”માત્ર દસ વર્ષની ઉંમરમાં મેં મારી આત્મકથા લખવાની શરૂઆત કરી દીધેલી. હું એક એક્ટર,
ફિલ્મ સ્ટાર કે એવોર્ડ વિનિંગ પર્ફોર્મર બન્યો એનાં વર્ષો અગાઉ જ આ પ્રક્રિયા શરૂ થઈ ગયેલી. હું
અનાયાસે જ મારા બાળપણ, મારા પરિવાર, અન્ય એક્ટર્સ-ડિરેક્ટર્સ સાથેની મુલાકાતો અને યાદોનાં
મનોચિત્રો મારા માનસપટ પર સંઘરતો જતો હતો.
મને આજે પણ બધું જ યાદ છે. પહેલીવાર પડેલો મમ્મીના હાથનો લાફો, સ્કૂલનો એ
પહેલો દિવસ, ક્લાસટીચરનો પહેલો માર, પહેલો પ્રેમ, (પ્રેમમાં) પહેલું રિજેક્શન, થિયેટરમાં મળેલો
પહેલો રોલ, ફિલ્મમાં મળેલો પહેલો રોલ, મારા ઉતાર-ચડાવ, તમામ સફળતાઓ અને
નિષ્ફળતાઓ… બધું જ… હું ભાગ્યે જ કંઈ ભૂલ્યો હોઈશ.
1984માં મેં ‘સારાંશ’નો મુહૂર્ત શોટ આપ્યો એ જાણે ગઈ કાલની જ ઘટના હોય એ રીતે મને
યાદ છે. મારો પહેલો શોટ એક સ્લોમોશન દૃશ્ય હતું કે, જેમાં મને અમેરિકાથી સમાચાર મળે છે કે,
ન્યૂયોર્કના સબ વેમાં થયેલી મૂર્ખતાપૂર્ણ હિંસામાં મારા પુત્રની હત્યા થઈ ગઈ છે. ડિરેક્ટર મહેશ ભટ્ટે
મને એ ડ્રામેટિક સિક્વન્સ સમજાવી કે ફોનની ઘંટડી રણકે છે, હું ફોન ઉપાડું છું અને સામા છેડેથી
કહેવામાં આવે છે કે, ‘આપ કા બેટા મારા ગયા હૈ.’ એ ક્ષણે કેમેરા માટે મારા એક્સપ્રેશન કેવા હોવા
જોઈએ તે વિશે ડિરેક્ટરે મને સૂચના આપી. એ પર્ટિક્યુલર શોટમાં મેં જીવનના એટલાં વર્ષોમાં
અનુભવેલા તમા ફ્રસ્ટ્રેશન, હૃદયભંગ અને અપમાનોનો અર્ક કાઢીને મૂકી દીધેલો. હું ‘સારાંશ’ની
વાર્તાના પ્રેમમાં પડી ગયેલો. બી.વી. પ્રધાનનું પાત્ર જાણે મારા પર સવાર થઈ ગયેલું. એ શોટ પત્યા
બાદ પણ એ ઘેરા આઘાતની લાગણીમાંથી બહાર નીકળીને નોર્મલ થતાં મને થોડી વાર લાગેલી.
બીજે દિવસે સવારે 9.30 વાગ્યે શૂટિંગ શરૂ થવાનું હતું. સેટ પર તૈયારીઓ ચાલી રહી હતી
અને હું મહેશ ભટ્ટ પાસે પહોંચી ગયો. કહ્યું કે, ‘હવે આપણે એ ફિલ્મ લોન્ચ કરી રહ્યાં છીએ જેમાંથી
મને ફેંકી દેવાયેલો અને ફરીથી સાઈન કરવામાં આવેલો.’ (આ એક કિસ્મતના અનેરા ખેલની વાત છે
જેનો સંદર્ભ આગળના ચેપ્ટર્સમાં આવશે.) હું એ જાણવા મથી રહ્યો છું કે, મારા પાત્રનો પ્રતિનિધિ
એટલેકે મુખ્ય ભાવ કયો છે? નિરાશા, દયા-કરુણા, પ્રેમ… કયો છે? કોણ છે બી.વી. પ્રધાન? તમે
એના ચરિત્રનો આત્મા કહી શકાય એવો ભાવ કયો માનો છો?
તેમણે માત્ર એક જ શબ્દમાં સરળ જવાબ આપ્યો, ‘કરુણા’. અને એ જવાબ મારા માટે
દીવાદાંડી સમાન બની રહ્યો.
‘સારાંશ’ માત્ર મારું વ્યક્તિગત જનૂન જ નહોતું એ મને મારી જાત પુરવાર કરવા અને મારા
સપનાંઓને હકીકતમાં બદલવા મળેલી એક અમૂલ્ય ભેટ હતી.
મારા મુંબઈ પહોંચવાની વાત પર આવું તો એ ક્ષણે હું માત્ર નોકરીના નામે છેતરાયેલો જ
નહોતો, પરંતુ આવડા વિશાળ શહેરમાં મારી પાસે રહેવાનું કોઈ ઠેકાણું પણ નહોતું. મેં બહુ લાંબા
સમયથી સુહાસના ઘરે ધામા નાંખ્યા હતાં અને મારા માટે રહેવાની જગ્યા શોધી રહ્યો હતો. અંતે
મારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી અને ત્રણ વિદ્યાર્થીઓ સાથે એક ખોલીમાં રહેવા જવું પડ્યું. એ
ખોલી એક વિધવા ‘બાઈ’ની હતી જે લોકોના ઘરે કામ કરવા જતી હતી. ખોલીના રસોડામાં એ
પોતાના એક દીકરી અને બે દીકરીઓ સાથે રહેતી હતી અને એક રૂમમાં અમે ચાર જણા રહેતાં હતાં.
રસોડા અને રૂમ વચ્ચે એક નાનકડા પડદાથી પાર્ટિશન કરવામાં આવ્યું હતું. એ બહુ ખરાબ સ્થિતિ
હતી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. મને યાદ છે કે મેં મારી સાથે રહેતાં એક
વિદ્યાર્થીને ત્યાંનું એડ્રેસ પૂછેલું. જે હું મીરાંને આપી શકું અને તે મારા પત્રોના જવાબ આપી શકે અને
એ સરનામે મારાં માતાપિતા પણ જરૂર પડે ત્યારે સંપર્ક કરી શકે. જોકે, મેં સ્વાભાવિક રીતે જ મારા
ઘરવાળાઓને મારી આ સ્થિતિની જાણ કરી નહોતી. પેલાએ મને મરાઠીમાં એડ્રેસ લખીને આપ્યું.
વાંચીને મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એડ્રેસ હતું-
અનુપમ ખેર, 2/15, ખેરવાડી, ખેર નગર, ખેર રોડ, બાન્દ્રા ઈસ્ટ, બોમ્બે.
એ વાંચીને હું હસ્યા વિના રહી ન શક્યો. એ ચોક્કસ જ ભગવાનનો મારા માટેનો કોઈ
ઈશારો હતો. એ ઈશારો હું સમજી શકું છું કે નહીં એ હવે મારા પર હતું.
ઓક્ટોબર 2000માં અન્ય એક ચેનલ પર મને પણ ‘સવાલ દસ કરોડ કા’ નામના ગેમ શોનું
સંચાલન કરવાની તક મળી. એનું મેગા પ્રાઈઝ ‘કૌન બનેગા કરોડપતિ’ કરતાં દસ ગણું મોટું હતું. મને
થયું કે, આ શો મને જીવનમાં એક નવી શરૂઆત કરવાની તક આપશે. હું શોની તૈયારી કરવા લાગ્યો.
હું અમિતાભ બચ્ચનના આશીર્વાદ લેવા પણ ગયો અને એમને કહ્યું કે, ‘સર, હું જાણે સાતમા
આસમાન પર પહોંચી ગયો હોઉં એવું લાગે છે.’
જોકે, મારા પ્રયાસો અને મારી મહેનતની મારી આર્થિક સ્થિતિ પર કોઈ અસર ન થઈ. સ્પષ્ટ
શબ્દોમાં કહું તો એ શો મહાફ્લોપ પુરવાર થયો. સ્થિતિ એટલી ખરાબ હતી કે, મારા પર જોક્સ પણ
બનવા લાગેલા.
સૌથી ગંભીર બાબત તો એ હતી કે, અપૂરતા બેલેન્સના કારણે મેં લોકોને આપેલા ચેક્સ પણ
બાઉન્સ થઈ રહ્યા હતા. હું કોઈની સામે હાથ લાંબો કરી શકવાની સ્થિતિમાં પણ નહોતો કારણ કે, હું
સેલિબ્રિટી હતો અને શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, શ્રીદેવી, અનિલ કપૂર, ડિમ્પલ કાપડિયા, બોની
કપૂર, કાજોલ અને એવા અનેક સેલિબ્રિટીઝની કંપનીમાં રહેતો હતો, પરંતુ અસ્ત-વ્યસ્ત અને
ઘોંઘાટભરી બાન્દ્રા સેશન્સ કોર્ટમાં હું ખૂનીઓ, બળાત્કારીઓ, પાકીટમાર અને ચોર જેવા લોકોની
કંપનીમાં ઊભો હતો!
મારા વકીલને પૂછવામાં આવ્યું કે, ‘તમારા અસીલે શું કર્યું છે?’
‘એમનો સિત્તેર હજાર રૂપિયાનો ચેક બાઉન્સ થયો છે.’ એમણે જવાબ આપ્યો, ‘ઓહ, પણ એ તો
એમના માટે બહુ જ નાની રકમ કહેવાય.’ સ્વાભાવિક છે કે એ રકમ બહુ નાની હતી અને મારા પર
કોઈ મોટો કેસ બનતો નહોતો.
અંતે જેમ તેમ કરીને હું એ કેસમાંથી તો નીકળી ગયો, પણ એ દિવસે બીજી વાર હું મારી
જિંદગીમાં એક બહુ મોટો પાઠ ભણ્યો કે-સફળતાને ક્યારેય હળવાશથી લેવી નહીં. એને ક્યારેય ટેકન
ફોર ગ્રાન્ટેડ ન લેવી જોઈએ.
મારા જીવન અને કારકિર્દીની ગતિ બદલાતી રહી છે. શરૂઆતનાં વર્ષોમાં હું કાયમ ઉતાવળમાં
રહેતો હતો. આજે મને કશાની પણ અને જરા પણ ઉતાવળ નથી. હું માત્ર મારી જાત સાથે આનંદથી
રહેવા માગું છું. હું કશું જ વધારે પડતું પ્લાન કરવા માગતો નથી. આજે હું માત્ર ને માત્ર વર્તમાનમાં
જીવું છું. આજમાં જીવું છું. એ દૃષ્ટિએ હું આજે પણ સ્ટ્રગ્લર છું, જે પોતાની લાઈફ ફરીથી જીવી રહ્યો
છે, જેથી એ તેમાંથી કંઈક શીખી શકે… જે મારી જાતને સંપૂર્ણ બનાવે. મારો વિશ્વાસ કરો. બહુ જ
સારી લાગણી થઈ રહી છે. એવું કંઈક થઈ રહ્યું છે જે મને રોજબરોજ અલૌકિક અનુભવ આપી રહ્યું
છે!
પણ ચોક્કસપણે આ અંત તો નથી જ. હજુ ઘણા દૃષ્ટિકોણથી જોવાનું બાકી છે અને એ પણ
આ એક જ જિંદગીમાં! શક્યતાઓ અનંત છે અને મારા ભવિષ્યની સ્ક્રીપ્ટ હજુ સુધી લખાઈ નથી.
એમની આત્મકથાનો ભાવાનુવાદ ગુજરાતી ભાષામાં તુષાર દવેએ કર્યો છે, ‘જાણતાં અજાણતાં
જીવને શીખવેલા પાઠ.’ (આ બધા જ અંશ એ જ પુસ્તકમાંથી લીધા છે.)