ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ મોતીલાલ નેહરુનો આજે 132મો જન્મદિવસ છે.
નેહરુ અને સરદાર વિશે અનેક લોકોએ પોતપોતાના મંતવ્યો પ્રગટ કર્યા છે. એમની વચ્ચેના સંબંધો
ખરેખર શું અને કેવા હતા એ વિશે તો એમના સિવાય બીજું કોઈ સત્તાવાર રીતે કહી શકે નહીં, પરંતુ
એમની વચ્ચેના કેટલાક પ્રગટ સંવાદના અંશો વાંચતા આપણને કેટલીક બાબતો સમજાય… જેનાથી
સરદારની સમજદારી અને નેહરુના કેટલાક ખોટા નિર્ણયો અને ગેરસમજ સ્પષ્ટ થાય છે…
‘નવજીવન’ પ્રકાશન દ્વારા સરદાર સાહેબનો કેટલોક પત્રવ્યવહાર પુસ્તકો સ્વરૂપે પ્રગટ થયો
છે. વી. શંકર દ્વારા સંપાદિત આ પત્રવ્યવહારમાં વી. શંકરની પોતાની આગવી કલમે લખાયેલી
ભૂમિકામાં પણ એમણે કેટલીક વાતો સ્પષ્ટ કરી છે.
સરદાર અને પ્રથમ વડાપ્રધાન વચ્ચેના કહેવાતા મતભેદો અંગે ઘણી જાહેર ટીકા થઈ છે એટલે
આ મુદ્દા ઉપર થોડું વિવેચન અસ્થાને નહીં ગણાય. એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે એમની
વચ્ચેના મતભેદો અથવા હકીકતમાં નેહરુ અને ગાંધીજી વચ્ચેના મતભેદો પણ, કંઈ નવી વાત
નહોતી. ગાંધીજીના અવસાન પછી પંડિત નેહરુ અને સરદાર વચ્ચે પરસ્પર લખાયેલા પત્રો બતાવે છે
તેમ એ મતભેદો કોંગ્રેસની અંદરના એ બન્નેના સમગ્ર સહકાર્ય દરમિયાન ચાલુ હતા, પણ એમની
મહત્તા એ મતભેદો હોવા છતાં એક જોડી તરીકે કામ કરવામાં રહેલી છે. મતભેદો સ્વભાવને લગતા
હતા, અમુક બાબતમાં અને ખાસ કરીને આર્થિક બાબતો અને કોમોને લગતી બાબતોમાં દૃષ્ટિબિંદુને
લગતા હતા. ઝઘડાના જે મુદ્દા પર એકવાર સરદાર અને જવાહરલાલ નેહરુ બન્ને રાજીનામું
આપવાની હદે પહોંચી ગયેલા તે કોઈ નીતિવિષયક મુદ્દા નહોતા.
1948ના જાન્યુઆરીની 30મીએ નથુરામ ગોડસેને હાથે ગાંધીજીની હત્યા થઈ. સમસ્ત રાષ્ટ્ર
ઊંડા શોકમાં ડૂબી ગયો હતો ત્યારે સલામતીનાં યોગ્ય પગલાં લેવામાં ગૃહપ્રધાન તરીકે નિષ્ફળ જવાની
બેદરકારીનો સરદાર પટેલ ઉપર આક્ષેપ મૂકી તેમની ટીકા કરવાના છૂટછવાયા બનાવો બન્યા હતા.
ખરેખર, હકીકત તો એ હતી કે દિલ્હીની પોલીસ અને મુંબઈની પોલીસ બન્ને એમને મળેલી
નિશાનીઓનો પોતાની તમામ શક્તિથી તાગ લેવા મથી રહી હ.. ગાંધીજીએ પોતે જ શંકાસ્પદ
માણસોની ઝડતી, સાદા વેશવાળી પોલીસને લોકોની અંદર દાખલ કરી દેવી વગેરે કેટલાંક
સલામતીનાં આવશ્યક પગલાંની સ્પષ્ટ રીતે મનાઈ કરી હતી એ જગજાહેર છે.
નથુરામ ગોડસે (મહાત્મા ગાંધીને ગોળી મારનાર) અને બીજા આરોપીને ગુનેગાર ઠરાવી
મોતની સજા કરવામાં આવી તે પછીનો એક વિલક્ષણ બનાવ રસપ્રદ છે. ગાંધીજીના એક પુત્ર
રામદાસ ગાંધી પણ હતા. એમની ઈચ્છા એવી હતી કે ગોડસેને પ્રાયશ્ચિત્ત ગૃહમાં મોકલવો જ્યાં તે
“વિચાર કરે કે એમનો હેતુ કોઈ પણ રીતે સિદ્ધ થયો છે કે કેમ અને કાયમ માટે નક્કી કરે કે હિંદુત્વ
અને ભારતને આર.એસ.એસ.ની પધ્ધતિઓથી બચાવી શકાશે નહીં અને કદી બચશે નહીં.” એ તો
એટલું કહેવા સુધી આગળ વધ્યા કે “જો ગોડસેને ફાંસીએ ચડાવવામાં આવશે તો… બાપુની લાગણી
ખૂબ દુભાશે.” એમણે ગોડસેને મળવાની અને એની સાથે વાત કરવાની પણ રજા માગી હતી, પણ
સરદાર આ બાબતમાં સ્પષ્ટ હતા. એમણે કહ્યું કે રજા ન આપવી જોઈએ સજા આપવી જોઈએ.
સરદાર અને પ્રથમ વડાપ્રધાન વચ્ચેના મતભેદોના ગડગડાટ ચાલુ રહ્યા. વડાપ્રધાન ઘણીવાર
ગૃહખાતાની અને દેશી રાજ્યોના ખાતાની સરદારની કામગીરીમાં, ખાસ કરીને દિલ્હીના વહીવટની
વિગતો અંગે, દરમિયાનગિરી કરતા. એમણે ઘણીવાર એવી ફરિયાદ કરી કે પોતાને અથવા કેબિનેટને
દેશી રાજ્યોના એકીકરણની બાબતમાં વાકેફ રાખવામાં આવતા નથી. આ ફરિયાદ ઘણેખે અંશે તો
ખોટી ધારણા ઉપર રચાયેલી હતી કારણ કે, સરદાર હંમેશાં વડાપ્રધાનને અને કેબિનેટને તમામ
નીતિઓ વિશે વાકેફ રાખવા ખાસ કાળજી રાખતા. આ બધું સરદારને ખૂબ દુઃખ ઉપજાવતું એમાં
શંકા નથી. લોર્ડ માઉન્ટબેટને 1950ના એપ્રિલમાં સરદારને લખેલા એક પત્રમાં લખ્યું છે, “તમે
વર્ષોથી ભારતના ‘લોખંડી પુરુષ’ રહ્યા છો. તમારા ટેકાને લીધે જવાહરલાલ નિષ્ફળ નહીં જ નીવડે.
મને નથી લાગતું કે તમે નિશ્ચય કરી લો પછી તમારી સામે ઊભો રહી શકે એવો એક પણ માણસ
ભારતમાં હોય, એટલે તમે એમને જે ટેકો આપવા સમર્થ છો તે સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય મહત્વની
બાબત છે, પણ હું જાણું છું કે આ સમર્થ ટેકો તમારે માટે સારા પ્રમાણમાં માનસિક વ્યથા અને દુઃખ
વિના આપી શકાય તેમ નથી એટલે મને લાગ્યું કે જો હું તમને મિત્ર તરીકે એમ લખું કે તમે શાંતિ અને
સ્વસ્થતાની નીતિને ટેકો આપવાના તમારા હિંમતભર્યા નિર્ણયને વળગી રહેશો એવી મને કેટલી બધી
આશા છે, તો તે કદાચ મદદરૂપ નીવડે.”
એ જ પુસ્તકમાં સરદાર ઉપર જવાહરલાલ નેહરુનો એક પત્ર 27 ઓક્ટોબર, 1948 પણ
પ્રકાશિત થયો છે. જેના કેટલાક અંશ જવાહરલાલની માનસિકતા અને સરદારને એક ચોક્કસ દિશામાં
ટકોર કરવાનો એમનો ઈરાદો છાનો રહી શકતો નથી.
“તમારા પત્રમાં તમે લખ્યું હતું કે, પૂર્વ બંગાળમાંથી હિન્દુ નિરાશ્રિતોનો ધસારો ચાલુ છે. તમે
એમ પણ કહ્યું હતું કે મક્કમ અને નિશ્ચયાત્મક પગલાં લેવાનું આપણે માટે જરૂરી બને. તમે સૂચવો
છો કે પાકિસ્તાની સરકારને એવો સ્પષ્ટ સંકેત આપવાનું આપણે વિચારવું પડે કે જો આ સ્થળાંતર
ચાલુ રહેશે તો પશ્ચિમ બંગાળમાંથી એટલી જ સંખ્યાના મુસ્લિમોને મોકલી દેવા સિવાય બીજો
વિકલ્પ અમારી પાસે રહેશે નહીં. આ ચાલુ રહેલું સ્થળાંતર આપણે માટે જબરજસ્ત સમસ્યા છે એ
તદ્દન સાચું છે અને હું કોઈ દેખીતો ઉપાય સૂચવી શકતો નથી. મોટેભાગે એ કથળતી જતી આર્થિક
સ્થિતિને આભારી છે અને પાકિસ્તાન સરકાર એ સ્થિતિ સુધારવા ભાગ્યે જ શક્તિમાન છે, પણ હું
મારા મનમાં એ બાબતમાં તો તદ્દન સ્પષ્ટ છું કે પશ્ચિમ બંગાળમાંથી મુસ્લિમોને પૂર્વ બંગાળ
મોકલવાનું કોઈ પણ સૂચન વિનાશક પરિણામો લાવશે. આ બાબતનો એકાદ સંકેત પણ આપણા
કેસને ખૂબ હાનિ પહોંચાડશે અને સ્થળાંતરની સમસ્યામાં તો આપણને જરાયે રાહત નહીં મળે.
વળી, જે મુસ્લિમો નિઃશંકપણે ભારતના જ નાગરિકો છે તેમાંથી પૂર્વ બંગાળમાં મોકલી દેવા
માટે કેવી રીતે તારવણી કરશો ? સ્વેચ્છાએ તો એમાંથી કોઈ જશે નહીં, એટલે આપણે બળનો જ
ઉપયોગ કરવો પડશે. આપણા પોતાના નાગરિકોને આમ બીજા, એમને ન રાખવા ઈચ્છતા, દેશમાં
ધકેલી દેવાના પગલાને આંતરરાષ્ટ્રીય કાયદો કે દેશની અંદરનો કાયદો વાજબી ઠરાવી શકે નહીં.
આર.એસ.એસ. વિશે ઈંગ્લેન્ડમાં એવી વ્યાપક છાપ છે કે તેઓ ફાસિસ્ટ, કોમી માનસના
લોકો છે એટલે એમને અંગે લીધેલું કોઈ પણ પગલું આ દૃષ્ટિબિંદુથી જોવાશે. આર.એસ.એસ.ની એક
ચોક્કસ વિચારસરણી છે જે સરકાર અને કોંગ્રેસની વિચારસરણીથી સાવ વિરુધ્ધની છે. તેઓ
બિનસાંપ્રદાયિક રાજ્યના વિચારનો ચોક્કસપણે વિરોધ કરે છે.”
29 ઓગસ્ટ, 1950ના દિવસે સરદારે જવાહરલાલ નેહરુ ઉપર લખેલો પત્ર એમના મનની
પીડા અને બીનજરુરી અસહમતિને કારણે ઊભી થયેલી સમસ્યાઓ તરફ નિર્દેશ કરે છે.
“તમને સમજાવવામાં હું સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છું અને તમારું માનસિક દુઃખ હજી પણ
યથાવત્ રહે છે તે જોઈ મને ખૂબ જ દિલગીરી થાય છે. આમ છતાં તમે થોડો વધુ સમય આપવા
તૈયાર થયા છો તેથી મને થોડીક નિરાંત થઈ છે અને હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે અત્યારે જે તંગ
વાતાવરણ છે તે આ સમય દરમિયાન હળવું થઈ જાય અને શાંતિપૂર્વક તથા લાગણીશીલ બન્યા વગર
વિચાર કરવાનું આપણે માટે શક્ય બને.
સંયુક્ત નિવેદન બહાર પાડવા અંગે પણ તમે સહમત થઈ શક્યા નથી તેથી મને દુઃખ થાય છે.
તમારા મન પરનો બોજો અને તાણ દૂર કરવાના ઈરાદાથી મેં એ સૂચન કર્યું હતું અને જો તેનાથી એ
હેતુ સરી શકે તેમ ન હોય તો હું એ નિવેદન અંગે આગ્રહ રાખું તેનો કશો અર્થ નહોતો.
પણ મારાથી બની શકે તેટલી હૃદયની ઈચ્છા અને પ્રામાણિકતાપૂર્વક હું ફરી એકવાર તમને
અપીલ કરવા માગું છું. આ સંસ્થા વિશે અને ગમે તેવી વિટંબણાઓ વચ્ચે પણ જે માણસો તમને
વફાદાર રહ્યા છે તેમને વિશે, કશો નિર્ણય બાંધવાનું મુલતવી રાખો અને તેમની કસોટી વ્યક્તિગત
ધોરણે નહીં પણ સિદ્ધાંતોને ધોરણે કરો. જ્યારે ખરું મહત્વ વાસ્તવિક વસ્તુનું છું, સંસ્થા જે આદર્શો
માટે ઊભી છે અને ઊભી રહેશે તેનું છે, ત્યારે તેના પ્રતીકને આટલું બધું મહત્વ શા માટે આપો છો ?
આ શબ્દો અંગે તથા તમે લેવા ધારેલ પગલાનાં પરિણામો વિશે ધ્યાનપૂર્વક અને શાંતિથી
વિચાર કરવાની અને કોઈ ઉતાવળિયા અને કસમયના નિર્ણયપર ન આવવાની હું તમને અરજ કરું
છું.”