જવાહરલાલ મોતીલાલ નેહરુના જન્મદિને ભારતના ઈતિહાસમાંથી બે મહત્વના અંશ ! બે
જાણીતા-સન્માનનીય લેખકમાં એક અશ્વિની ભટ્ટનો અનુવાદ અને ચંદ્રકાંત બક્ષીના લેખમાંથી
કેટલાક મુદ્દા.
નવી દિલ્હી, 6ઠ્ઠી સપ્ટેમ્બર, 1947.
લૂઈ માઉન્ટબેટનના અભ્યાસ ખંડમાં 6ઠ્ઠી સપ્ટેમ્બર, 1947ની સવારે મળેલી બેઠક
વાઈસરોયના જીવનમાં પા સદી સુધી ખૂબ જ ગુપ્ત વાત રહી હતી. જો તે વખતે એ બેઠકની વાત
બહાર આવી હોત તો થોડાં જ વર્ષોમાં દુનિયાની મહાન વ્યક્તિઓમાં ગણના થનારા હિંદના ઈલ્મી
રાજપુરૂષની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત.
ત્રણ વ્યક્તિઓ ત્યાં હાજર હતીઃ માઉન્ટબેટન, નેહરુ અને પટેલ. બન્ને નેતાઓ વિષાદ અને
હતાશા અનુભવતા હતા અને ગવર્નર-જનરલને તો તેમના ચહેરા ‘ઠપકો ખાધેલા નિશાળિયા’ જેવા
લાગતા હતા. પંજાબમાંથી વહીવટી અંકુશ ચાલ્યો ગયો હતો. નિર્વાસનથી તેમનો ભય પારાવાર બન્યો
હતો. પાટનગર જોખમમાં મૂકાયું હતું.
‘અમને આ કેમ રોકવું તે આવડતું નથી.’ નેહરુએ કબૂલ્યું.
‘તમારે કોઈ પણ રીતે પકડ જમાવવી જ રહી.’ માઉન્ટબેટન બોલ્યા.
‘કેવી રીતે ?’ નેહરુએ પૂછ્યું, ‘એ અનુભવ નથી. અમારા જીવનનાં શ્રેષ્ઠ વર્ષો અમે બ્રિટિશ
જેલોમાં જ ગાળ્યાં છે. ચળવળનો અમને અનુભવ છે, વહીવટનો નહીં. સામાન્ય સંજોગોમાં માંડ
અમે વ્યવસ્થિત સરકાર ચલાવી શકીએ તેમ છીએ. આવો કાયદા અને વ્યવસ્થાનો હ્રાસ થતો હોય
તેની સામે બાથ ભીડવા માટે અમે કાચા છીએ.’
તે પછી નેહરુએ એક ન માની શકાય તેવી વિનંતી કરી. નેહરુને માઉન્ટબેટનની વ્યવસ્થા અને
નિર્ણયશક્તિ તરફ અનહદ માન હતું. હિંદને અત્યારે આવડતની જરૂર હતી. પોતાના અભિમાન
ખાતર એ આવડતથી દૂર ઊભા રહેવું નેહરુ માટે સંભવિત ન હતું.
‘તમે જ્યારે યુદ્ધમાં સર્વોચ્ચ સેનાપતિ તરીકે કામગીરી બજાવતા હતા ત્યારે અમે કેદમાં હતા.
તમે વ્યવસાયી, ઉચ્ચ કક્ષાના વહીવટદાર છો. તમે લાખો આદમીઓ પર અનુશાન કરેલું છે.
સંસ્થાનવાદને કારણે અમને નહીં મળેલું જ્ઞાન અને અનુભવ તમારી પાસે છે. તમે અંગ્રેજો આખી
જિંદગી અહીં રહ્યા પછી એમ ને એમ આ દેશ અમારે હવાલે કરીને ચાલ્યા જાઓ તે વાજબી નથી.
અત્યારે અમે ગંભીર કટોકટીમાં છીએ. અમારે મદદ જોઈએ છે. તમે દેશનું સંચાલન કરશો ?’
‘હા’ પટેલે કહ્યું. તેમની વાત સાચી છે. તમારે વહીવટ સંભાળી લેવો જોઈએ.
માઉન્ટબેટન સ્તબ્ધ થઈ ગયા. ‘અરે ! હજુ તો તમારા હાથમાં દેશ સોંપીને મેં નિરાંતનો દમ
પણ ખેંચ્યો નથી અને તમે મને એ પાછો આપવા આવ્યા છો ?’
‘તમે સમજતા નથી. તમારે વહીવટ હાથમાં લેવો જ પડશે. તમે જેમ કહેશો તેમ વર્તવાની
અમે ખાતરી આપીએ છીએ’ નેહરુએ કહ્યું.
‘પણ આ ગજબ કહેવાય’ માઉન્ટબેટને કહ્યું, ‘તમને ખબર છે આ વાત કોઈ જાણશે તો
રાજકીય રીતે તમે ખતમ થઈ જશો. લોકો કહેશે કે બ્રિટિશ વાઈસરોયના હાથમાંથી સત્તા લઈ લીધા
પછી, ફરી પાછી તમે એ સત્તાઓ સોંપી… નહીં, આ અશક્ય છે.’
‘ખેર ! આપણે એ કેમ છુપાવવું તેનો રસ્તો શોધવો પડશે, પણ તમે આ હાથમાં નહીં લો, તો
અમે કશું કરી શકીએ એમ નથી.’
‘ઓલરાઈટ’. ફરીથી એડ્મિરલ જાણે સુકાનકક્ષ પર આવ્યા. ‘જુઓ, પ્રથમ તો આ વાત કોઈ
જાણે નહીં. તમે બન્ને જણ મને કેબિનેટમાંથી એક કટોકટી સમિતિ રચવાની વિનંતી કરો. તમે કરશો?’
‘હા’. નેહરુએ કહ્યું.
‘અચ્છા, તો તમે મને એ વિનંતી કરી. હવે તમે મને તે કમિટીનો ચેરમેન બનવાનું કહો’
માઉન્ટબેટને કહ્યું.
‘હા’ કોંગ્રેસના નેતાએ કહ્યું, ‘અમે આમંત્રણ આપીએ છીએ.’
‘આ ઈમર્જન્સી કમિટીમાં હું જે કહું તે માણસો નિમાવા જોઈએ’. હવે વાઈસરોય હાથમાં
આવેલી તક છોડે એમ નહોતા.
‘આખી કેબિનેટ તમે રાખી શકો છો.’ નેહરુએ વિરોધ દર્શાવ્યો.
‘નોનસેન્સ’ માઉન્ટબેટને કહ્યું. ‘તેનાથી તો ખતરો જ ઊભો થશે. મારે તો ચાવીરૂપ માણસોનું
જ કામ છે. મુલ્કી ઉડ્ડયન ખાતાના ડાયરેક્ટર, રેલવેના ડાયરેક્ટર અને ઈન્ડિયન મેડિકલ સર્વિસિઝના
વડા, મારી પત્ની રેડક્રોસના સ્વયંસેવક દળોનું સંચાલન કરશે. સમિતિના સેક્રેટરી જનરલ એર્સકાઈન-
ક્રમ, મારા પરિષદ મંત્રી રહેશે. તેની ‘મિનિટો’ બ્રિટિશ ટાઈપિસ્ટો સીધી ટાઈપ કરશે, જેથી તે તરત
તૈયાર રહે. તમે આ બધું કરવા માટે મને આમંત્રો છો ?’
‘હા’ નેહરુ અને પટેલે કહ્યું.
‘દરેક મીટિંગમાં વડાપ્રધાન મારી જમણી બાજુએ અને નાયબ વડાપ્રધાન મારી ડાબી બાજુએ
બેસશે. હું તમારી સલાહ લેવાની ચેષ્ટા તો કરીશ, પણ હું કહું તે સામે તમારે કોઈ દલીલ કરવાની
નહીં. આપણી પાસે સમય નથી, હું કહીશ કે, ‘તમે આમ જ મારી પાસે કરાવવા ઈચ્છો છે ને ?’ ત્યારે
તમારે ‘હા, એમ કરો’ એટલું જ કહેવાનું. બસ તેથી વધારે કંઈ બોલવાનું નહીં, સમજ્યા ?’
‘પણ અમે…’ પટેલ વિરોધ કરવા ગયા.
‘તમારે મારી પાસે દેશનો વહીવટ ચલાવવાનું કાર્ય કરાવવું છે કે નહીં ?’ માઉન્ટબેટને કહ્યું.
‘હા…’ નેહરુએ કહ્યું. તે પછી પંદર મિનિટમાં સમિતિની રચના થઈ.
‘અચ્છા, તો સદ્ગૃહસ્થો સમિતિની પ્રથમ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે મળશે.’
ત્રણ દાયકાના સંઘર્ષ પછી હડતાળ, અસહકાર અને ચળવળો પછી અને તેથીય વધુ તો મુક્તિ
મળ્યાનાં ત્રણ અઠવાડિયામાં તો ફરી એક વખત છેલ્લીવાર માટે દેશની હકૂમત એક અંગ્રેજના હાથમાં
આવી હતી.
ફ્રીડમ એટ મિડનાઈટઃ અર્ધી રાતે આઝાદી. (અનુવાદઃ અશ્વિની ભટ્ટ)
સોનિયા મીનીઓ ઈટલીથી કેમ્બ્રિજની લેંગ્વેજ સ્કૂલમાં સ્પેનિશ, ફ્રેંચ અને અંગ્રેજી શીખવા આવી હતી
અને ઘણું કરીને ઓ પાર (એ-યૂ પી-એ-આઈ-આર) ગર્લ હતી. યુરોપની છોકરીઓ ભાષા શીખવા ઈંગ્લેન્ડ આવે
છે. પરિવારમાં કે હોસ્ટેલમાં રહે છે. અંગ્રેજી શીખે છે અને એમની માતૃભાષા શીખવે છે. બેબી-સીટિંગ પણ કરે
છે અને મુરતિયા પણ શોધી લેતી હોય છે. આવી છોકરીઓ ‘ઓ’ પાર કહેવાય છે. રાજીવ ગાંધીની
કેમ્બ્રિજમાં મુલાકાત થઈ હતી. સોનિયા અન્ય ભાષાઓ શીખી છે, પણ હિન્દી શીખી નથી. 1980
સુધી સોનિયાનો પાસપોર્ટ ઈટાલીઅન હતો. એ ભારતીય નાગરિક ન હતી. પછી એણે ઈન્ડિયન
પાસપોર્ટ બનાવી લીધો. (નંબરઃ યુ-121578) અને આ જ વાતની 1983માં અમેઠીમાં ખબર પડી.
સોનિયાને કદાચ કોઈ ડિગ્રી નથી. મેનકા ગાંધીએ 1989ના ઓક્ટોબર 15ના ‘ઓનલુકર’ ઈન્ટરવ્યૂ
આપતાં કહ્યું હતું કે, રાજીવનું ખરું નામ ‘બીર્જીસ’ છે અને 20 વર્ષ પહેલાં એણે એનું નામ ‘રોબર્ટ’
કરી નાંખ્યું હતું અને સંતાનોને કોલેજમાં પ્રવેશ કરાવવા માટે રોમન કેથલિક ગણાવ્યાં હતાં. પ્રિયંકા
કેથલિક રોબર્ટ વાઢેરાને પરણી છે. રાજીવ પરિવારમાં કેથલિક ધર્મના પ્રચલન વિશે કર્ણાટકના
મુખ્યમંત્રી ગુન્ડુરાવે પણ કહ્યું હતું, પણ સિંહાસન કબજે કરવું હોય ત્યારે ધર્મ ક્યાં વચ્ચે આવે છે ?
ભારત મહાન – નમસ્કાર શ્રેણી (ચંદ્રકાંત બક્ષી)