આજે 26મી ડિસેમ્બર. સામાન્ય રીતે આપણે સારા લોકોનો જન્મદિવસ યાદ કરીએ. એમણે
કરેલા કામ માટે દેશ કે દુનિયામાં કરેલા પ્રદાન માટે એમને શ્રધ્ધાંજલિ આપીએ, પરંતુ ક્યારેક એવી વ્યક્તિ
પણ યાદ આવી જાય જે ઈતિહાસ પર કલંક છે. જેણે અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે, ધર્મને નામે
લોહી વહાવ્યું છે… એ માણસનું નામ દાઉદ ઈબ્રાહિમ કાસકર છે. પાકિસ્તાનના કોઈક ખૂણામાં
સરકારની મહેરબાનીથી એ સલામત અને નજરકેદની જેમ જીવે છે. આખી દુનિયા જ એને શોધી રહી છે
એવો આ માણસ એન્ટી હીરો તરીકે એટલો પ્રસિધ્ધ થયો કે આપણે સૌ એના ફોટા જોવા, એને વિશેની
ફિલ્મો જોવા, ઓટીટી ઉપર એના જીવનની કથાઓ જોવા કુતૂહલથી પ્રેરાયા. ‘કંપની’, ‘વન્સ અપોન એ
ટાઈમ ઈન મુંબઈ-વન એન્ડ ટુ’, ‘મુંબઈ મેરી જાન’, ‘મુંબઈ કા ભાઈ’, ‘હસીના પારકર’, ‘શૂટઆઉટ એટ
લોખંડવાલા’, ‘બ્લેક ફ્રાઈડે’ જેવી કેટલીય ફિલ્મો એક જ માણસના જીવન અને એના કુકર્મોની કથા કહે
છે ત્યારે એક સવાલ એવો ઊઠે કે, આપણે ક્યાં સુધી ‘એન્ટી હીરો’ને ‘હીરો’ બનાવતા રહીશું? ક્યાં સુધી
વિલન માટે ગેટઅપ વિચારતા રહીશું? જેમાં ડૉ. ડેંગ, શાકાલ અને મોગેમ્બો જેવા પાત્રોની રચના થતી
રહેશે…
છેલ્લા થોડા વખતમાં ‘કબીરસિંઘ’, ‘તડપ’, ‘પુષ્પા’, ‘કેજીએફ’ અને હવે ‘એનિમલ’ જેવી
ફિલ્મોએ વાળ અને દાઢી વધારેલા, શરાબ અને ડ્રગ્સ લેતા, પોતાની જાતને બરબાદ કરવા નીકળેલા
યુવાનોની કથાને લોકપ્રિય બનાવી છે. હવે ડાહ્યો, સીધો, માતા-પિતાની આજ્ઞા માનતો, પરિવાર માટે
બલિદાન આપતો કે બહેનના લગ્ન માટે મહેનત કરતો યુવાન ‘હીરો’ નથી રહ્યો ત્યારે સવાલ એ છે કે,
આપણે નવી પેઢીને-જેને આપણે, જેન-ઝી કહીએ છીએ એને આપણે ‘આદર્શ’ તરીકે શું આપી રહ્યા
છીએ?
આ દેશમાં બે જ ધર્મ છે. હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી કે જૈન તો પછી આવે છે. આ
દેશના મુખ્ય બે ધર્મો ક્રિકેટ અને ફિલ્મ છે. ક્રિકેટના સ્ટાર કે ફિલ્મના સ્ટાર ફક્ત ફેશન કે ટ્રેન્ડ જ નહીં,
હવે યુવાનોની વિચારધારા ઉપર પણ અસર કરતા થયા છે. નવાઈની વાત એ છે કે, આપણે બધા જાણીએ
છીએ કે શરાબ પીને એક ફિલ્મસ્ટાર ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખે છે, કોઈ ડ્રગ્સના કેસમાં તો
કોઈ પનામા પેપર્સ અને ઈડીમાં પકડાય છે, તેમ છતાં આજના યુવાનને આવા લોકો ‘હીરો’ લાગે છે.
આપણે અપર મિડલ ક્લાસ કે શ્રીમંતોની વાત નથી કરતા-બલ્કે આ દેશના સૌથી મોટા યુવા વર્ગ વિશે
વાત કરી રહ્યા છીએ. રીક્ષાની પાછળ કે ગાડીઓની પાછળ લગાડેલા ફોટા કે લખેલાં વાક્યો વાંચીએ તો
સમજાય કે આ દાઢી વધારેલા, ડ્રગ્સ લેતા, સિગરેટ ફૂંકતા કે સહેજ પણ અચકાયા વગર હત્યા કરી નાખતા
આ પાત્રો એમને માટે જિંદગી જીવવાનો એક આદર્શ રસ્તો બની ગયા છે. કોઈની પરવાહ ન કરવી,
તોછડાઈ અને બેદરકારીભર્યું વ્યક્તિત્વ હોવું, માતા-પિતા સામે વિદ્રોહ કરવો, છોકરીની ઈચ્છા હોય કે
નહીં પોતે એને પ્રેમ કરે છે માટે એણે પ્રેમ કરવો જ પડે, કાયદાનું પાલન ન કરવું, ગમે તેની સાથે, બેફામ
ભાષા અને ગેરવર્તન કરીને-મારપીટ કરીને પોતાની ધોંસ જમાવવી એ જ જાણે સત્ય હોય એમ વધુને વધુ
યુવાનો એ દિશામાં વળતા જાય છે. ખાસ કરીને, નાના શહેર અને ગામડાંઓમાં તો આ ફિલ્મોએ એટલી
ઊંડી અસર કરી છે કે, ત્યાંની ઓછું ભણેલી, અંગ્રેજી નહીં જાણતી યુવા પેઢી જે મહેનત-મજૂરી કરતાં
મા-બાપના સંતાનો છે, એ હવે દાઉદ, છોટા રાજન કે પુષ્પા બનવા માગે છે, કારણ કે એમના મગજમાં
જાણે અજાણે ઘૂસી ગયું છે કે, સીધા અને સારા લોકો દુનિયામાં આગળ વધી શકતા નથી, જેની સામે
આવા ‘એન્ટી હીરો’ સફળ પણ થાય છે અને પોતાના ગુના પછી પણ ફસાતા કે પકડાતા નથી!
એક બીજી આઘાતજનક વાત એ છે કે, 2000 પછી જન્મેલી એક આખી મિલેનિયમ પેઢી એવું
માને છે કે, પૈસા કમાવાથી જીવનના મોટાભાગના પ્રશ્નો હલ થઈ જાય છે. ગુનેગારને સફળ
પોલિટિશિયન બનતા જોઈને, ડ્રગ્સ કે હત્યામાં સંડોવાયેલા લોકોને નિર્દોષ સાબિત થતા જોઈને,
ઈન્કમટેક્સની રેડ કે બીજા ડોમેસ્ટિક વાયોલેન્સ અને જાતિય સતામણીના ગુનામાં ભીનું સંકેલાઈ જતું
જોઈને આ પેઢી એટલું તો સમજી જ ગઈ છે કે, રૂપિયા આપવાથી ભલભલી પરિસ્થિતિમાં માર્ગ નીકળી
શકે છે. ઈમાનદાર, ન્યાયાધીશ કે પોલીસ ઓફિસરને હેરાન થતા જોઈને એમને સમજાય છે કે
પ્રામાણિકતા એ જીવવાનો રસ્તો નથી. ખાસ કરીને, દક્ષિણ ભારતની ફિલ્મોએ માત્ર દક્ષિણ ભારતમાં જ
નહીં, બલ્કે હિન્દી અને હવે તો ગુજરાતી સિનેમા ઉપર પોતાની અસર ઊભી કરી છે. એક લોજિક એવું
પણ છે કે, આર્ય અને દ્રવિડ સદીઓથી સામસામે ઊભા છે, દેવો અને અસુરો છેક પુરાણકાળથી
એકમેકની વિરુધ્ધ લડી રહ્યા છે ત્યારે શું હવે દ્રવિડો કે અસુરો આપણા આરાધ્ય બનશે?
સવાલ એ છે કે, આ કેવી રીતે થયું? કોણે કર્યું? તો, જવાબ એ છે કે, મીડિયા આવા લોકોને હીરો
બનાવે છે. મેચ ફિક્સિંગ કરતા દાઉદના ફોટા કે દાઉદનો ઈન્ટરવ્યૂ જે રીતે ચગાવવામાં આવે છે એ
જોઈને આ પેઢીને લાગે છે કે પ્રસિધ્ધ થવું અને ખૂબ પૈસા કમાવા એ જ ‘પાવર’ અને ‘પોઝિશન’
મેળવવાની સાચી રીત છે.
મધ્યમવર્ગના અને નાના શહેરોમાં વસતા લગભગ દરેક માતા-પિતા માટે આ ચિંતાનું કારણ છે…
એમના સંતાનોમાંથી ભાગ્યે જ કોઈને આઈએએસ, આઈપીએસ કે આર્મીના ઓફિસર બનવાના સ્વપ્ન
છે. હવે દરેકને ‘જે’ બનવાનું સ્વપ્ન છે, એ આ દેશની તબાહી અને બરબાદીની દિશા છે.