જે જીવ્યા એનો અસ્વીકાર જીવન પ્રત્યે તિરસ્કાર છે

એક બહેન નાના બાળકો અને તાજી મા બનેલી સ્ત્રીઓની માલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતા
હતા. મારા બંને સંતાનોને એમણે ખૂબ વહાલથી માલિશ કર્યું છે. અમને પણ એમના માટે ખૂબ આદર અને
પારિવારિક સંબંધ! એમનો દીકરો એન્જિનિયર થયો. સારી કંપનીમાં નોકરીએ લાગ્યો. ઘણા વખત પછી એ મને
મળ્યા. ભાવથી મળ્યા પછી એમણે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું, પણ સાથે જ ઉમેર્યું, ‘અડોશીપડોશીની સાથે
હું માલિશ કરતી હતી એ વાત કાઢતા નહીં.’ એમને પોતાના ભૂતકાળ વિશે શરમ આવતી હતી એ જાણીને મને
ખૂબ નવાઈ લાગી. આપણે આજે જે કંઈ છીએ એમાં આપણો ભૂતકાળનો સંઘર્ષ, આપણી મહેનત, ગરીબી કે
તકલીફના દિવસો સામેલ હોય જ. ગરીબ હોવું ગુનો નથી! પ્રામાણિકતાથી કરેલા કોઈપણ કામ વિશે ગૌરવ હોવું
જોઈએ, એને બદલે આ બેનને પોતાના ભૂતકાળ વિશે જે ક્ષોભ હતો એ જોઈને અફસોસ થયો.

હેસિયત, ઔકાત, લાયકાત જેવા શબ્દો આપણે વારંવાર બોલીએ અને સાંભળીએ છીએ પરંતુ, સમય
બદલાય અને સંઘર્ષના કે અભાવના દિવસો વિતી જાય ત્યારે મોટાભાગના લોકો એ ભૂલી જવા કે ભૂલાવી દેવાનો
પ્રયત્ન કરે છે. એનું કારણ કદાચ એ છે કે, આપણે આપણા કામને, આપણા અસ્તિત્વને કે આપણા સંઘર્ષને
સન્માન આપી શકતા નથી. આજે આપણે જે સ્થિતિમાં છીએ, એને માટે આપણો સંઘર્ષ અને મહેનત જ
જવાબદાર છે એ વાતને ગૌરવપૂર્વક કહેવી જોઈએ એને બદલે જ્યારે માણસને પોતે જીવેલા વર્ષો કે સમયને
નકારતો જોઈએ ત્યારે એવો વિચાર આવે કે, આપણે માત્ર સફળતાને જ વધાવી શકીએ છીએ-મહેનત, સંઘર્ષ કે
પ્રામાણિકતા વિશે આપણા મનમાં કોઈ મૂલ્ય નથી? તાજેતરમાં રજૂ થયેલી એક ફિલ્મ ‘કૌન પ્રવિણ તાંબે?’ સાચે
જ જોવા જેવી ફિલ્મ છે. ક્રિકેટને જ પોતાનું જીવન માનતો માણસ ‘સફળ’ નથી, પરંતુ એ વાતનો અફસોસ
કરવાને બદલે એ પોતાની પૂરી તાકાત અને નિષ્ઠાથી ક્રિકેટને કેવી રીતે ‘જીવે છે’ એ જોઈને સમજાય કે માત્ર
સફળતાને જ પૂજતા આ સંસારમાં જો નિષ્ઠા અને સંઘર્ષનું મૂલ્ય ઘસાતું જશે તો આપણે વધુ ને વધુ ખોખલા,
દંભી અને ઉપરછલ્લા સમાજ તરફ ધકેલાતા જઈશું.

ભૂતકાળમાં ભૂલો પણ હોઈ શકે, ભયાનક બ્લન્ડર પણ હોઈ શકે, ખોટા નિર્ણયો, દગો, ફટકો કે મોટી
નિષ્ફળતાના પ્રસંગો પણ હોઈ શકે-ગમે તેવો હોય, પણ એ આપણો ભૂતકાળ છે. આપણે એની ઓનરશિપ લેવી
જોઈએ. જો આપણે જ આપણા ભૂતકાળને નકારી દઈએ, એ વિશે ક્ષોભ અનુભવીએ તો આપણા પછીની
પેઢીને આપણે કયું ઉદાહરણ આપી શકીશું? વ્યક્તિ તરીકે જે કરતાં ન અચકાયા-ડર્યા કે જે જીવતાં આપણને
સંકોચ નથી થયો એને કહેતાં કે સ્વીકારતાં સંકોચ થાય ત્યારે માનવું કે આપણો સંઘર્ષ ભલે આપણને સફળતા સુધી
લઈ આવ્યો હોય, પરંતુ આપણે સંતુષ્ટ નથી.

અભિનેતા સલમાન ખાનના પિતા દિગ્ગજ લેખક સલીમ ખાને એકવાર એમના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું,
‘કોઈ માણસનું ચારિત્ર્ય જાણવું હોય તો એ જોવું જોઈએ કે એની પાસે કેટલા જૂના નોકર છે અને એના મિત્રો
કેટલા જૂના છે’ આ વાત કેટલી સાચી છે! માનવીય સંબંધો સામાન્ય રીતે સ્વાર્થ ઉપર બંધાય છે અને સ્વાર્થને
કારણે જ તૂટી જાય છે. મોટાભાગના લોકો એવું માને છે કે, એમને ત્યાં નોકરી કરતાં માણસો ફક્ત પૈસાની લાલચે
કે મજબૂરીમાં નોકરી કરે છે. જે લોકો એવું માને છે એમને ત્યાં કામ કરતાં માણસો અંતે એ જ રીતે વિચારતા થઈ
જાય છે. જે ફક્ત પૈસા જ ગણે છે, એના કર્મચારીઓ પણ પૈસા ગણતા થઈ જાય છે… પરંતુ, જે પોતાના સ્ટાફને,
કર્મચારીઓને પરિવાર માનીને, એમને જ કારણે પોતાનો વ્યવસાય આટલી સરળ રીતે ચાલી રહ્યો છે અને વિકસી
રહ્યો છે એમ માને છે, એમના કર્મચારીઓ પણ એ જ લાગણીનો પ્રતિસાદ આપે છે.

સફળતા, સત્તા, હોદ્દો, પદ-પ્રતિષ્ઠા જેવી બાબતો હંમેશાં રહેતી નથી, એથી જે લોકો એ બધી બાબતોને
કારણે આકર્ષાઈને સંબંધ બાંધે છે એ લોકો આ બધું ચાલી જાય એની સાથે જ ચાલી જાય છે, પરંતુ સદવર્તન,
સારાઈ, સહાનુભૂતિ કે સ્નેહ જેવી બાબતો આપણા વ્યક્તિત્વનો હિસ્સો હોય તો આપણી સાથે સંબંધ બાંધનારા
લોકો એ ગુણોને કારણે આપણી સાથે જોડાય છે એટલું જ નહીં, હંમેશ માટે ટકે છે.

સાચું પૂછો તો આપણને કલ્પના જ નથી કે આપણું જીવન સરળ બનાવનાર કેટલાય લોકો આપણી
આસપાસ છે. સવારે કચરો લેવા આવનાર સફાઈ કર્મચારીથી શરૂ કરીને શાકભાજી આપી જનાર, કપડાં ઈસ્ત્રી
કરનાર, કુરિયર સર્વિસ કે આપણા ઘર સુધી ગરમ ભોજન પહોંચાડનાર હોમડિલિવરી કરતી વ્યક્તિ, ઘરમાં
ડોમેસ્ટિકહેલ્પ કે રસોઈ કરનાર, માળી, ચોકીદાર, ડ્રાઈવરથી શરૂ કરીને રેસ્ટોરાંના વેઈટર, હોટેલમાં આપણો
સામાન રૂમ સુધી પહોંચાડનાર… આવી તો કેટલીયે વ્યક્તિઓ છે જે આપણા જીવનમાં સગવડ ઉમેરીને આપણું
જીવન બહેતર બનાવે છે. એમના તરફ સદભાવ કે આભારનો ભાવ રાખવો એ આપણી ફરજ છે. વરસાદમાં કે
શિયાળામાં હોમડિલિવરી કે કુરિયર લઈ આવનાર વ્યક્તિને થોડી ટીપ આપવી કે ઉનાળામાં એને એક ગ્લાસ
પાણીનું પૂછીને આપણે ઈશ્વર તરફનો આપણો આભાર વ્યક્ત કરી શકીએ.

પરમતત્વએ બનાવેલી આ દુનિયામાં સૌ સરખા નથી. ગરમ ગરમ ભોજનની ડિલિવરી કરનાર છોકરાની
ઉંમર અને મંગાવનાર છોકરાની ઉંમર લગભગ સરખી હોય ત્યારે એ લાવનાર પરત્વે થોડોક સદભાવ કે
સહાનુભૂતિ રાખીને, એને પણ ઝંખના કે ઈચ્છા હશે એવું વિચારીને થોડીક ટીપ આપવાથી આપણે ઘસાઈ નહીં
જઈએ. એને ટેવ પણ નહીં પડી જાય!

જે લોકો આપણા તરફ વફાદાર, ઈમાનદાર, જવાબદાર રહે એવું આપણે ઈચ્છતા હોઈએ એ તમામ
લોકો પરત્વે આપણે પણ એટલા જ વફાદાર, જવાબદાર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *