આપણે આપણા બાળકોને કેટલાય શ્લોક, અયાત, શબદ, કોએર કે ચાન્ટ શીખવીએ છીએ.
નાનકડા બાળક પાસે રાધે-રાધે, જે-જે કરાવીએ છીએ, પરંતુ આ શ્લોક, ચાન્ટ કે કોઈપણ ધર્મ સાથે
જોડાયેલી પ્રાર્થના જ્યાં સુધી બાળક સમજે નહીં, ત્યાં સુધી એને કદી ધર્મ માટે સન્માન કે ધર્મ સાથે
અટેચમેન્ટ થશે નહીં. વડીલ કે મોટેરાને ખોટું ન લાગે અથવા પોતાને શાબાશી મળે કે અટેન્શન એ માટે
બાળક શીખવેલી પ્રાર્થના પોપટની જેમ પઢી જાય છે. મોટું થતાં આ જ બાળક ધર્મમાં આસ્થા નથી
ધરાવતું કે પૂજા અથવા કોઈ વિધિ કે યજ્ઞોમાં ઉપસ્થિત રહેવાનું ટાળે છે એવી ફરિયાદ આપણે કરીએ ત્યારે
એને માટે બાળ કરતાં વધુ જવાબદાર આપણે છીએ એ વાત હવે સૌને સમજી લેવી જોઈએ.
કેટલીય શાળાઓમાં જમતાં પહેલાં ‘સહ નાવવતુ’નો શ્લોક બોલાવવામાં આવે છે, પરંતુ આ
શ્લોકનો અર્થ શું? એ જમતાં પહેલાં શા માટે બોલવો જોઈએ? એ વિશે સમજણ આપવાનું કામ કેટલી
શાળાઓ કરે છે? સાદી વાત સાથે જોડાયેલી એક ઊંડી અને છતાં આપણા સંસ્કારના મૂળ જ્યાંથી શરૂ
થાય છે એવો આ શાંતિ મંત્ર છે. એનો અર્થ થાય છે,
ओम सह नाववतु, सह नौ भुनक्तु, सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीमस्तु, मा विद्विषावहै ।।
અમે ગુરૂશિષ્ય બંને સાથે સંરક્ષણ કરીએ, સાથે ભોગ ભોગવીએ, સાથે મળી બળ સંપાદન કરીએ,
અમારું અધ્યયન તેજસ્વી હો, અમે પરસ્પરનો દ્વેષ ન કરીએ.
આ ગુરૂશિષ્ય એટલે કોણ? માત્ર જે ભણાવે અને ભણે તે? તો પછી માતા અને સંતાન ગુરૂશિષ્ય
નથી? પિતા-પુત્ર ગુરૂશિષ્ય નથી? પતિ-પત્ની પણ ક્યાંક ગુરૂશિષ્ય નથી? સવાલ એક ઉંમરમાં, પદમાં અને
જ્ઞાનમાં મોટી વ્યક્તિ અને બીજી પદમાં, ઉંમરમાં અને જ્ઞાનમાં શીખવા તૈયાર હોય એવી બે વ્યક્તિઓ
જ્યારે સાથે હોય ત્યારે એકમેકને ઉતારી પાડવાને બદલે એકમેકના સન્માનનું અને સાથે મળીને સમાજનું
સંરક્ષણ કરે. ભોગ ભોગવવાનો અર્થ ભોજન અને સવલતો સાથે મળીને માણે. એટલે કે, એક વધુ કમાય
અને બીજાનું શોષણ થાય એવું નહીં, બલ્કે સહુ એકમેકને પોષણ આપે-સમાજ આગળ વધે એવા વિચાર
સાથે આ શાંતિમંત્ર કહે છે કે, સહુ સાથે મળીને બળ સંપાદન કરે. વ્યક્તિ તેજસ્વી બને તો એ પરિવારમાં
પોતાનું તેજ ઉમેરે. પરિવાર તેજસ્વી બને તો અનેક તેજસ્વી પરિવારોથી સમાજ પણ તેજસ્વી બને.
સાથે મળીને કરવામાં આવતું અધ્યયન-જ્ઞાન સંપાદન હંમેશાં એકમેકને મદદરૂપ પૂરવાર થાય છે. અધ્યયન
સમાજના અને સ્વયંના ઉત્થાન માટે હોય. જ્ઞાની હોય, પણ એના વિચાર રાક્ષસ જેવા ન હોય, સાક્ષર
જેવા હોય એ વાત ઉપર શાંતિમંત્ર ભાર આપે છે અને સૌથી મહત્વની વાત કોઈ એકમેકનો દ્વેષ ન કરે.
ઈર્ષા, અહંકાર, ચળસા-ચળસી કે એકમેકને અપમાનિત કરવાને બદલે સાથે મળીને બળ, તેજ, અધ્યયન
અને આનંદ કરે એ આ શાંતિમંત્રનો સંદેશ છે.
હવે વિચારીએ તો સમજાય કે, આપણે આપણા બાળકને આ એક જ મંત્ર સમજાવીએ તો
જીવનની કેટલી મહત્વની બાબતો સમજાવી શકીએ? ઉપનિષદના આવા એક એક મંત્રો જીવનની કેટલાં
બધાં સત્યોને આપણી સામે ઉઘાડી આપે છે.
કેટલીય શાળાઓમાં ‘સત્યમેવ જયતે’ના મંત્ર કોતરેલા હોય છે. આપણી જ્યુડિશિયરી અથવા
બંધારણ પણ ‘સત્યમેવ જયતે’નો મંત્ર ધરાવે છે, પરંતુ આ એક વાક્ય કયા શ્લોકમાંથી લેવામાં આવ્યું છે?
એનો આખો શ્લોક શું છે? આપણે આપણા સંતાનને-આવનારી પેઢીને એ વિશે જણાવવું જોઈએ કે
નહીં?
મુણ્ડકોપનિષદનો આ શ્લોક,
सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्युषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ।।
સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. દેવતાઓના વિચરણનો માર્ગ સત્યથી જ વિસ્તરેલો
છે, જ્યાં સત્યનું પરમ સ્થાન છે ત્યાં પૂર્ણકામ ઋષિઓ સત્યની સહાયથી જ પહોંચે છે.
પહેલી નજરે જોતાં આ શ્લોક ‘સાચું બોલવું’ અથવા ‘સાચું બોલનારની જ જીત થાય છે’ એવું
કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ જો આ શ્લોકમાં ઊંડા ઉતરીએ તો સમજાય કે, સત્યના બે સ્વરૂપ છે, એક
અધ્યાત્મિક અને બીજું વ્યવહારિક. અધ્યાત્મિક સ્વરૂપે એ આત્મા અથવા પરમાત્મા છે. ટૂંકમાં, અંતે તો
આત્મા જ સત્ય છે, શરીર નહીં. વ્યક્તિ નહીં, તત્વ! જગતના ઈતિહાસને તપાસીએ તો સમજાય કે
સત્યના નામે ખૂબ અસત્યનું આચરણ કરવામાં આવ્યું છે. આજના જમાનામાં આપણે બાળકને ‘સાચું
બોલવું’ એવું કહીએ ત્યારે બાળક કે ટીનએજર આપણને સહજ રીતે સવાલ પૂછે છે, ‘તમે બધું સાચું જ
બોલો છો?’ આપણી પાસે આનો જવાબ નથી… એ વાત આપણે જાણીએ છીએ. સવાલ સાચું
બોલવાનો નથી, સવાલ સાચું જીવવાનો છે એ વાત આપણને આ શ્લોક શીખવે છે. સત્યનું આચરણ
એટલે સિધ્ધાંતનું પાલન. નાની નાની વાતમાં ‘સાચું બોલવું’ એના કરતાં પણ વધુ મહત્વનું છે જાતને
બચાવવા કે નાનકડો લાભ મેળવવા ‘ખોટું ન બોલવું’. આ વાત સમજાય કે તરત જ, અસત્યના આધારે
મળેલી સિધ્ધિ કે પ્રસિધ્ધિની નશ્વરતા સમજાવા લાગે. વ્યવહારશુધ્ધિ, વિચારશુધ્ધિ જો સાથે મળે તો
અંતે વ્યક્તિત્વશુધ્ધિ સુધી લઈ જઈ શકે છે. એ વાત આપણને આ શ્લોક શીખવે છે. ઉકળતા પાણીમાં
જેમ ચહેરો જોઈ શકાતો નથી કે ડહોળાયેલા પાણીમાં તળિયું દેખાતું નથી એમ આપણને તરત જ સત્ય કે
અસત્યનું પરિણામ દેખાતું નથી, પરંતુ આ જ શ્લોકના સમર્થનમાં શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે, ‘સત્યં વૈ
ચક્ષુઃ’. સત્ય જ આત્માની દ્રષ્ટિ છે, અર્થાત્ અન્ય કોઈ જોઈ શકે કે નહીં, આપણે તો જાણીએ જ છીએ
કે, આપણે જે કરી રહ્યા છીએ તે સાચું છે કે નહીં! ગમે તેટલી ચિટીંગ કરીને મેળવેલા માર્કની પાર્ટી ગમે
તેટલી શાનદાર હોય કે એડમિશન સરળતાથી મળી જાય તે પછી પણ આપણી ભીતર એક નાનકડું તત્વ
છે જે આપણને કહ્યા કરે છે કે, આપણે જે કર્યું છે તે બરોબર નથી! આ મંત્રોમાં સત્યને જીવનના એક
વ્યવહારિક આચરણ તરીકે આપણી સામે મૂકવામાં આવે છે.
આવી નાની બાબતો જો આપણે આપણી આવનારી પેઢીને એમના જીવનની શરૂઆતમાં જ
સમજાવી દઈએ તો કદાચ, પ્રામાણિક સરકારી ઓફિસર્સ બુધ્ધિશાળી અને છતાં પ્રામાણિક એન્જિનિયર્સ,
માલ પ્રેક્ટિસ ન કરનાર ડૉક્ટર્સ, છેતરપિંડી ન કરનાર વ્યાપારીઓ, અને દેશનું સાચે જ હિત ઈચ્છતા
રાજકારણીઓની એક પેઢીનું નિર્માણ કરી શકીએ.