છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનના પેશન્ટ વધતા જાય છે. આત્મહત્યા, ડિવોર્સ
અને હતાશા-નિરાશામાં પોતાનું જ નુકસાન કરી બેસનારા લોકોના આંકડા
આશ્ચર્યચકિત કરી નાખે એવા છે. સ્કૂલનું નાનકડું બાળક હોય કે કોઈ કંપનીનો
સીઈઓ, ફિલ્મસ્ટાર હોય કે ગૃહિણી લગભગ સૌને લાગે છે કે જિંદગીએ એની સાથે
અન્યાય કર્યો છે! પોતે જે માગ્યું હતું, ઝંખ્યું હતું અને જેવું જીવવાની એને ઈચ્છા હતી
એવું જીવવા મળ્યું નથી, એવી ફરિયાદ લગભગ દરેક વ્યક્તિ કરે છે-ત્યારે સવાલ એ
થાય છે કે, જો બધાને જ લાગે છે કે જિંદગી ‘ફેર’ નથી, સંબંધમાં પોતાને નિરાશા
અથવા દગો મળ્યો છે, સુખના નામે પોતે જ સતત સમાધાન કર્યું છે… તો, શું આ
દુનિયામાં દરેક માણસ પાસે અંતે અફસોસ સિવાય કંઈ નથી? જિંદગી સિક્કાની બે
બાજુ જેવી છે. એક તરફ સંઘર્ષ અને સમસ્યા છે તો બીજી તરફ, સુખ અને સફળતા
છે. સિક્કાની એક જ બાજુ સતત જોતા રહેનાર માણસો માટે જિંદગી કોઈ ધોખો છે.
એમણે ધારી લીધું છે કે, જિંદગીએ એમને કેટલાંક વચન આપ્યા છે, જે જિંદગીએ
પાળવા જ જોઈએ, પરંતુ એમણે પણ જિંદગીને કેટલાંક વચન આપ્યાં હતાં, જેમાંથી
પોતે કેટલા પાળ્યા એનો હિસાબ કરવાનું એમને યાદ રહેતું નથી.
જે લોકો લાઈફને અનફેર-ધોકેબાજ-દગાબાજ-અન્યાયી કહે છે એ બધાએ
એકવાર પોતાને મળેલા ફાયદા, સુખ, સંબંધ, સગવડ તપાસી જોવા જોઈએ. અપેક્ષા
પ્રમાણે ન મળે એટલે નિરાશ થવાને બદલે જેને પોતાનાથી ઓછું મળ્યું છે અથવા
બિલકુલ નથી મળ્યું એના તરફ એક નજર નાખવી જોઈએ. કહેવામાં આ વાત બહુ
ફિલોસોફિકલ લાગે છે-કેટલાક લોકો દલીલ પણ કરશે કે, ‘બોલવું સહેલું છે’ અથવા
‘જેને નથી મળ્યું એને પૂછો.’ વગેરે… પરંતુ, જો ખરેખર સમજવાનો પ્રયત્ન કરીએ તો
આપણને સમજાય કે જેને આપણે નથી મળ્યું અથવા ઓછું મળ્યું કહીને અફસોસ
કરીએ છીએ, જિંદગીના અનફેર હોવાની અથવા પોતાની સાથે થયેલા ‘અન્યાય’ની
ફરિયાદ કરીએ છીએ એ માત્ર આપણું પર્સેપ્શન-આપણો દ્રષ્ટિકોણ છે. મોટાભાગના
લોકો એમ જ માને છે કે એમની પાસે જે છે એના કરતા એ ઘણું વધુ મેળવવાને
પાત્ર છે અથવા હક્કદાર છે. એમને પોતાનો સંઘર્ષ, પીડા અને સમસ્યાઓ સૌથી વધુ,
જ્યારે પોતાનું સુખ, સફળતા કે સંબંધ અન્ય કરતાં ઓછો જ લાગે છે.
બીજી તરફ, એક એવો વર્ગ છે જેને જિંદગી પરત્વે આભારવશ થઈને-પોતાના
સંબંધો કે સફળતા પરત્વે સંતુષ્ટ થઈને જોવાની, એક જુદી જ દ્રષ્ટિ છે. આવા લોકો
કોઈપણ સ્થિતિમાં ‘સુખી’ હોય છે, જેની પેલા ઓછું પડતું રહેતું હોય એવા લોકોને
સતત ઈર્ષા આવે છે. સત્ય એ છે કે આવા લોકો પાસે સંબંધ, સગવડ કે સફળતા,
પ્રમાણમાં ઓછી હોય તો પણ એમને એમાંથી પોતાનું સુખ શોધતા આવડે છે માટે એ
બીજાઓને પોતાના કરતાં વધુ ‘સુખી’ લાગે છે. આવા લોકો ધોખામાંથી મોકા શોધે
છે. હારમાંથી નવો પાઠ ભણીને આગળ વધવાની એમનામાં હામ છે. જે નથી એના
તરફ જોઈ જોઈને જીવ બાળવાને બદલે જે મળ્યું છે એનો ઉત્તમ ઉપયોગ કરીને વધુ
મેળવવા તરફનો પ્રયત્ન ચોક્કસ કરે છે-પરંતુ, કદાચ ન મળે તો એમને પ્રયત્નનો
સંતોષ છે, પરિણામનો અફસોસ નથી!
માણસ પાસે જ્યારે બધું હોય-સમય, સગવડ, સંબંધો અને સુખ, ત્યારે માણસ
સામાન્ય રીતે એની કદર કરી શકતો નથી. આ કોઈ એક વ્યક્તિની વાત નથી-
મોટાભાગના લોકો જીવનમાં મળતી તમામ સારી બાબતોને પોતાનો અધિકાર અથવા
પોતાનો હક્ક સમજે છે, પરંતુ સામે કોઈ ફરજ કે જવાબદારી વિશે આવા લોકો
સભાન હોતા નથી. કોઈ સારા જીવનસાથી, સારી નોકરી-નોકરીમાં સારા બોસ, સારી
અને પ્રામાણિક ડોમેસ્ટિક હેલ્પ કે કર્મચારી કે આપણી કાળજી કરતી કોઈ વ્યક્તિ,
પ્રેમી કે પ્રિયતમા, કોઈ ગુરૂ, મેન્ટોર કે સાચી દિશા બતાવનાર-મદદ કરનાર વ્યક્તિ
આપણી પાસે હોય તો એવું માનવું જોઈએ કે આપણે સદનસીબ છીએ. તકલીફ એ છે
કે આપણને જે મળે છે એનું આપણને મૂલ્ય સામાન્ય રીતે એ સગવડ, સંબંધ કે સુખ
ખોઈ દીધા પછી જ થાય છે! ખોઈ બેઠા પછી આપણે જે-તે વ્યક્તિ કે પરિસ્થિતિને
પાછી લાવવા ખૂબ પ્રયાસ કરીએ છીએ, પરંતુ ભૂલી જઈએ છીએ કે જિંદગીની ટ્રેનમાં
જે સ્ટેશન પસાર થઈ જાય ત્યાં પાછા જઈ શકાતું નથી. હા, આગળના કોઈ સ્ટેશન
પર ઉતરીને પાછી વળતી ટ્રેન પકડીને ત્યાં પહોંચી જરૂર શકાય છે, પરંતુ ત્યાં
સુધીમાં ઘણો સમય વિતી જાય છે… એ સ્ટેશન પર આપની પ્રતીક્ષા કરતી વ્યક્તિ
મોટેભાગે ત્યાંથી નીકળી ગઈ હોય છે!
અફસોસ અને આનંદ, સંતોષ અને ઉદ્વેગ, અભાવ અને સંતોષ, અસુરક્ષા અને
સ્વીકાર, એક જ સિક્કાની બે બાજુઓ છે. આ સિક્કો સતત ગોળ ગોળ ફર્યા કરે છે.
ક્યારેક એક બાજુ આપણી સામે આવે છે તો ક્યારેક બીજી… પરંતુ, જ્યારે જ્યારે
અંધારું આપણને ઘેરી વળે છે ત્યારે આ અંધારું કાયમ નહીં રહે એવી શ્રધ્ધા જ
આપણને અજવાળા તરફના નવા રસ્તા શોધવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો
માને છે કે, એકવાર અંધારું ઘેરી વળે તો હવે ક્યારેક અજવાળું નહીં થાય… આવા
લોકોને લાગે છે કે, જિંદગી એમને અન્યાય કરે છે, પરંતુ સાચા અર્થમાં એ લોકો
જિંદગીને અન્યાય કરે છે!
આ જગતમાં કોઈપણ એક વ્યક્તિ સાથે, કોઈપણ એક સ્થિતિ કે સમય કાયમ
રહેતા નથી. કોઈ સતત સુખી કે સતત દુઃખી રહી શકતું જ નથી… એનો અર્થ એ
થયો કે, આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનું છે-ચાલતા રહેવાનું છે અને
પ્રવાસ કરતો કે ચાલતો માણસ હંમેશાં બદલાતી પરિસ્થિતિ માટે તૈયાર હોય છે,
આશાવાદી હોય છે.
જિંદગીને કોઈ વહાલું કે અકારું નથી. સૌ ચોવીસ કલાક લઈને આવે છે. સૌને
નિશ્ચિત શ્વાસ મળ્યા છે. સૌની ફિંગર પ્રિન્ટ જુદી છે. સૌને નિશ્ચિત અવધિ મળી છે,
જેમાં સૌએ પોતે નિર્ધારિત કરેલી જવાબદારી અદા કરવાની છે અને પોતે જે બાબત
માટે હક્કદાર છે એ મેળવી લેવાનું છે… ફરિયાદ કરવાને બદલે, ફરી ફરી યાદ કરીને
સુખી થવાનો એક પ્રયાસ તો કરી જોઈએ.