સ્થળઃ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ
સમયઃ રાતના સાડા અગિયાર
12ને 55ની ‘થાઈ સ્માઈલ’ની ફ્લાઈટનું બોર્ડિંગ શરૂ થવાની તૈયારી છે. સુરત, સૌરાષ્ટ્ર અને
ગુજરાતના બીજા વિસ્તારોમાંથી આવેલા અનેક પુરુષો-યુવાનોના ગ્રૂપ્સ થાઈલેન્ડ જવા થનગની રહ્યા છે.
એકમેકની મજાક થઈ રહી છે. સૌ હસી રહ્યા છે. આનંદ કરી રહ્યા છે. એમાંના ઘણા મને ઓળખે છે,
નવાઈની વાત એ છે કે, બધા જ જાણે છે કે ફ્લાઈટ બેંગકોક જઈ રહી છે તેમ છતાં એમાંના કેટલાક પૂછે
છે, ‘બેંગકોક જાઓ છો?’ એમની આંખોમાં એક આશ્ચર્યની સાથે સાથે કુતૂહલ છે. એમાંના બે-ત્રણ
જણાંએ મને ખુલાસો આપવાનો પણ પ્રયાસ કર્યો, ‘અમારો ત્યાં બિઝનેસ ચાલે છે’ અથવા ‘આ મિત્રોએ
આગ્રહ કર્યો એટલે…’ નવાઈ લાગે કે, ‘બેંગકોક’ જવું એ શરમજનક કે અપરાધભાવ ધરાવતી લાગણી કેમ
છે?
થાઈલેન્ડ, પતાયા, ફૂકેત કુદરતી સૌંદર્યથી છલોછલ જગ્યાઓ છે. પતાયામાં જોવા જેવું ઘણું છે.
સેન્ટોરિયમ નામનું એક મંદિર બની રહ્યું છે જે લાકડામાંથી ઊભો કરેલો કોઈ ચમત્કાર છે. ખજુરાહોના
શિલ્પોથી પણ સુંદર લાકડામાં કોતરેલા એક એક ઈંચ સૌંદર્યને નિહાળવા માટે કલાકો જોઈએ. એક થ્રીડી
મ્યુઝિયમ છે જે ટેકનોલોજી અને કલાનો અદભૂત સંગમ છે. ‘ટિફ્ની’ નામનો શો છે જે ટ્રાન્સજેન્ડર
દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, પરંતુ એ કલાકારોને જોઈએ ત્યારે સમજાય કે એમને પોતાના
ટ્રાન્સજેન્ડર હોવા વિશે કોઈ છોછ નથી એટલું જ નહીં, એ વિશ્વ કક્ષાના અદભૂત કલાકારો છે. સુંદર
બીચ છે અને સાથે સાથે ‘વોકિંગ સ્ટ્રીટ’ પણ છે. એવી જ રીતે બેંગકોકમાં પણ નાના પ્લાઝા, પેટપોન્ગ
અને સોઈ કાઉબોય જેવી સ્ટ્રીટ્સ છે જે રેડલાઈટ વિસ્તાર અને નોટોરિયસ વિસ્તાર માનવામાં આવે છે-
પરંતુ એ સિવાય પણ બેંગકોકના બુધ્ધ મંદિરો અને શોપિંગ માટે મોટી મોટી બ્રાન્ડ્સની પ્રામાણિકતાપૂર્વક
વેચાતી ફર્સ્ટ કોપી અને સેકન્ડ કોપી ઉપલબ્ધ છે… થાઈલેન્ડમાં મસાજનું મહત્વ છે, પરંતુ બધા જ
મસાજ બંધ બારણે અને સેક્સ સાથે જોડાયેલા નથી. કાચની ખુલ્લી મોટી દુકાનોમાં, જાહેરમાં, રસ્તા
પરથી પસાર થતા જોઈ શકાય એવા મસાજ સેન્ટર્સ પણ અહીં ઉપલબ્ધ છે.
આપણે બધા જ જાણે-અજાણે ‘સેક્સ’ને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે, જિંદગીના
બાકીના સુંદર અને મહત્વના પાસા કારણ વગર ભૂંસાઈ કે ભૂલાઈ જાય છે. વિશ્વનું કોઈપણ પર્યટન સ્થળ
હોય, ત્યાં બંને બાબતો ઉપલબ્ધ હોય જ છે. એમ્સ્ટરડેમમાં પણ સેક્સ માર્કેટ છે. જેમાં કાચના ખોખામાં
ઊભેલી ન્યૂઓન લાઈટમાં ઝબૂકતી, દેશ-વિદેશની અદભૂત સુંદરીઓના ભાવ, એમની કાચની કેબિનની
બહાર લખ્યા હોય છે. પેરિસ હોય કે ઈંગ્લેન્ડનો સોહો વિસ્તાર, આમાં કોઈ બાકાત નથી એમ કહીએ તો
ચાલે. જાણે-અજાણે મોટાભાગના લોકોનું ફોકસ ‘થાઈલેન્ડ’ શબ્દ સાંભળતા જ સેક્સ માર્કેટ ઉપર કેન્દ્રિત
થઈ જાય છે.
આવા સેક્સ માર્કેટની મુલાકાત લેતી વખતે આપણે ત્યાંની ‘ગંદકી’ને બદલે ત્યાંની ‘પ્રામાણિકતા’
ઉપર નજર નાખીએ તો સમજાય કે, ત્યાં બેઠેલી છોકરીઓ જરાય છોછ કે સંકોચ વગર આરામથી બેઠી
હોય છે. ગ્રાહકની પાછળ દોડવું, એને પકડવો, લટુડા પટુડા કરવા કે એને આકર્ષવાના કોઈ પ્રયત્ન કર્યા
વગર એ પોતાના આત્મવિશ્વાસ અને નિશ્ચિંતતા સાથે પોતાના ‘વ્યવસાય’ને પ્રામાણિકપણે કરે છે.
આખી સેક્સ માર્કેટમાં એક વિચિત્ર પ્રકારનો ગ્રેઈસ છે.
એની સામે ભારતની સેક્સ માર્કેટ સાથે સહજ રીતે સરખામણી થઈ જાય, ત્યારે આપણે સૌથી
પુરાણી સંસ્કૃતિ હોવા છતાં સ્ત્રી સન્માનની ભાવનાને નેવે મૂકીને અજાણતાં જ ‘ગણિકા’ને તિરસ્કારથી,
ધ્રુણાથી અને કોઈ વસ્તુની જેમ સંવેદના વગર જોતા થઈ ગયા છીએ એ વાતનો અપરાધભાવ આપણને
ઘેરી વળે. નુમાઈશની ચીજ બનીને ઊભા રહેવું, અણગમતા માણસના સ્પર્શને સહી લેવો સરળ નથી.
બસ કે ટ્રેનમાં અજાણ્યા માણસનો સહેજ અછડતો, અણગમતો સ્પર્શ પણ આપણને આટલા બધા
વિચલિત કરી શકે તો જે સ્ત્રી આવા અણગમતા સ્પર્શ રોજ સહેતી હોય એની મજબુરીનો વિચાર આવે
છે? એમની છાતીઓ સાચે જ મોટી છે કે પછી પેડેડ બ્રા પહેરીને મોટી દેખાડી છે એની તપાસ કરવા
માટે પૈસા નક્કી થતા પહેલાં એમના બ્લાઉઝમાં હાથ નાખતા માણસો એમને કોઈ ચીજવસ્તુની જેમ
જોઈ-તપાસીને ખરીદે છે. એ કઈ સ્થિતિમાં આ તપાસ થવા દેતી હશે?
મજબૂરીમાં શરીર વેચતી સ્ત્રી (પુરુષ પણ), ગણિકા કે જિગોલો છે તો મન, મગજ, બુદ્ધિ કે
જ્ઞાન પણ પોતાની મરજી વિરુદ્ધ વેચનારાને આપણે શું કહીશું? આપણામાંથી કેટલા બધા એવા હશે જે
કોઈની મૂર્ખ જેવી વાત પર એટલા માટે હસે છે કારણ કે એ એમના બોસ છે, સમાજના પ્રમુખ છે, એના
લીધે ધંધો મળે છે… આપણે ઘણા લોકોનું ઘણું સાંભળી લઈએ છીએ. મરજી વિરુદ્ધ એમની મૂર્ખ જેવી
વાત સાથે સહમત થઈએ છીએ. એમના તુક્કાઓને ‘વાહ વાહ’ કરીએ છીએ કે પછી એમના વાહિયાત
વિચારો વિશે એમને સ્પષ્ટ કહેવાને બદલે એમની સાથે હા એ હા કરીને આપણો ફાયદો શોધીએ છીએ
ત્યારે આપણે ગણિકા નથી? સત્ય તો એ છે કે આપણે સહુ ગણિકા જ છીએ જે મજબુરીમાં મન કે
મગજ નથી વેચતા પણ આપણા ફાયદા માટે હકીકત જાણવા છતાં, સત્ય સમજવા છતાં ને સામેની
વ્યક્તિની પૂરેપૂરી સચ્ચાઈ ઓળખી લેવા છતાં આપણા ફાયદા માટે આપણા અસ્તિત્વને વેચી દઈએ
છીએ! જાણે અજાણે સામેના માણસને સારું લગાડવા, સ્વાર્થ ખાતર જુઠ્ઠું બોલતા કે પોતાની મુરાદ પૂરી
કરવા લટુડા-પટુડા થતા આપણે સહુ ગણિકા જ છીએ… આપણા ચહેરા પર સસ્તી ઈચ્છાઓનો મેકઅપ
છે, આપણી છાતીઓ સ્વાર્થમાં ભીંસાઈને જુઠથી ઊભરાય છે…
બેંગકોકની ફ્લાઈટમાં બેઠેલા પુરુષોના ટોળાં સેક્સ માર્કેટ, ફ્રીડમ, શરાબ અને ગાંજો માણવા
જઈ રહ્યા હોય ત્યારે એમની માહોંમાહેંની મજાક સાંભળીને એટલું ચોક્કસ સમજાય કે આપણે છીછરા,
દંભી અને સમજણ વગરના સમાજનો હિસ્સો બની રહ્યા છીએ.