ભારતીય ધર્મશાસ્ત્રોમાં જ્યારે આશીર્વચન આપવામાં આવે છે ત્યારે કહેવાતો શ્લોક
ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवागँसस्तनूभिः ।
व्यशेम देवहितं यदायूः ।
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।
स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः ।
स्वस्ति नो वृहस्पतिर्दधातु ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः
ઓમ ! હે દેવો, અમે અમારા કાનથી શ્રેય સાંભળીએ, યજ્ઞમાં હોઈએ ત્યારે. આંખોથી સારું
જોઈએ અને સ્થિર પગલે સારી દિશામાં ચાલતા રહીએ. દેવો દ્વારા અમને મળેલી આ જિંદગીમાંથી
ઉત્તમ પામીએ અને દસે દિશામાંઓથી અમને સારા વિચારો આવી મળે. અમને ઈન્દ્રના આશીર્વાદ
મળે (વૈભવ અને ભોગ). જ્ઞાન અને પૃથ્વીના તમામ તત્વોનું શ્રેષ્ઠ અમને મળે. ગરુડ તમામ અનિષ્ટનો
નાશ કરે. તમામ સારું, શુધ્ધ અને જ્ઞાનયુક્ત અમારા તરફ આવે. બૃહસ્પતિ (ગુરૂ) અમારા ઈષ્ટનું ધ્યાન
રાખે (આ શબ્દાર્થ નથી, ભાવાર્થ છે).
આપણે સારું સાંભળીએ… અર્થ એ છે કે, માત્ર સારી વાતો જ આપણા કાનમાં થઈને
મગજમાં પહોંચે. કોઈની નિંદા, કોઈની ઈર્ષા કે કોઈની કડવી વાતો પણ, ટીકા કે તિરસ્કાર પણ ન
સાંભળવી. યજ્ઞ કરીએ, અર્થ એ છે કે, અગ્નિનું આહ્વાન કરીને વિશ્વના સૌથી જુના અને
પરમતત્વને પ્રણામ કરીએ. આપણા શરીરમાં પાંચ પ્રકારના અગ્નિ છે. એમાંથી સારા અગ્નિને
સાચવીએ, અને ક્રોધાગ્નિને શાંત કરીએ. યજ્ઞના અગ્નિની જેમ તમામ આહૂતિનો સ્વીકાર કરીને
પર્યાવરણને શુધ્ધ કરીએ. સ્થિર અંગોથી સારી-સાચી દિશામાં પ્રયાણ કરીએ, પ્રવાસ કરીએ. અર્થ એ
છે કે, સાચું કરતાં આપણા પગ ડગમગે નહીં, સાચું કહેતાં જીભ લથડે નહીં… એવી જ રીતે સત્યને
સ્વીકારતી વખતે હૃદય કંપે નહીં. અસ્તિત્વ (દેવો) દ્વારા આપણને મળેલા જીવનની ક્ષણે ક્ષણ
માણીએ. એવી જ રીતે જો દરેક વ્યક્તિ પોતાના જીવનની દરેક ક્ષણ માણે, સાચું જીવે અને સારું કરે
તો કોઈપણ એકમેકને નુકસાન ન કરે. જો કોઈ નુકસાન ન કરે, તો અનિષ્ટનો નાશ આપોઆપ થાય
અને ગરુડ (પાલન કરતાનું વાહન) આપણા જીવનમાંથી અનિષ્ટને દૂર કરે તેથી જગતના પાલનહારને
માત્ર સારું ઉછેરવાનું, સાચવવાનું કામ રહે. આ બધા પછી આપણને ગુરુ મળે… જે આપણને સારું,
સાચું અને શ્રેય પસંદ કરતાં શીખવે.
જો આટલું થાય તો વૈભવ આપોઆપ આવે. પ્રામાણિકપણે કમાયેલા ધનનો પૂર્ણ સંતોષથી
ઊપભોગ કરી શકાય. ચિંતા, અસલામતી કે અપરાધભાવથી મુક્ત થઈને આપણે અર્ચિત કરેલા ધન
અને પુણ્યને માણી શકીએ. ઈન્દ્ર દેવોના રાજા છે, અખૂટ વૈભવ અને સ્વર્ગનું રાજ્ય છે એમની
પાસે… પરંતુ, માત્ર વૈભવથી જીવન સુખી બનતું નથી. આપણને એ વૈભવ માણતી વખતે જ્ઞાન
(વિવેક-સાર અસારની સમજણ)ની જરૂર પડે છે. એકલા પૈસા કે વૈભવ હોય અને જ્ઞાન ન હોય એની
સ્થિતિ દાઉદ, નીરવ મોદી કે વિજય માલ્યા જેવી થાય છે. આપણા શાસ્ત્રોએ શીખવ્યું કે, વૈભવની
સાથે જ્ઞાન હોવું જોઈએ. સાથે જ એ પણ શીખવ્યું કે, પૃથ્વી તત્વ (એન્વાયરમેન્ટ)નું પણ ધ્યાન
રાખવું અને એના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવા અનિવાર્ય છે. વધુ પડતા પૈસા આવી જાય ત્યારે
માણસજાત બેફામ બનીને પર્યાવરણને નુકસાન કરવા લાગે છે (આપણી સાથે એ જ થયું) આવું ન
થાય માટે પૃથ્વી અથવા એન્વાયરમેન્ટનો આશીર્વાદ અનિવાર્ય છે. આ બધાની સાથે કોઈ મેન્ટોર,
ગુરૂ, દિશા સૂચન કરનાર વ્યક્તિ પણ હોવી અનિવાર્ય છે. બૃહસ્પતિ (ગુરૂ) જો નબળો હોય તો
વ્યક્તિને સાર અસારનો વિવેક નથી રહેતો એવું જ્યોતિષ કહે છે માટે, ગુરૂ એટલે કે દિશા બતાવનાર,
આપણા વિવેક અને સમજણ ઉપર કાબૂ રાખનાર બૃહસ્પતિના આશીર્વાદ પણ અનિવાર્ય છે. એવી
જ રીતે ગરુડ-વિષ્ણુનું વાહન (જે પાલન કરે છે તેના વાહન તરીકે અનિષ્ટનો નાશ કરનાર) આપણા
જીવનની સમસ્યાઓ, અનિષ્ટ, દુષણો કે ખોટી બાબતોનો નાશ કરે એ પણ વેદની પ્રાર્થના છે. અનિષ્ટ
દૂર થવાથી માત્ર સુખ કે શાંતિ આવતાં નથી… અનિષ્ટ દૂર થયા પછી ઈષ્ટ, ખરાબ દૂર થયા પછી સારું,
અંધકાર દૂર થયા પછી ઉજાસનું આગમન પણ અનિવાર્ય છે અને જ્યારે શ્રેયનું આગમન થાય છે,
વૈભવ હોય, સાચું વિચારવાની અને વર્તવાની સમજણ હોય ત્યારે શાંતિ આપોઆપ આવી મળે છે.
આપણા વેદોની અને આપણા સૌની આ સહિયારી પ્રાર્થના છે. ઘરમાં યજ્ઞ હોય, નાનકડી
પૂજા હોય તો પણ આપણે બ્રાહ્મણોને આ શ્લોક બોલતા સાંભળ્યા છે, પરંતુ એના અર્થમાં ભાગ્યે જ
ઉતર્યા છીએ. સમજ્યા વગર જ્યારે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે એ મંત્ર (જીબરિશ)
અર્થહીન અક્ષરો સિવાય બીજું કશું બની શકતા નથી. આપણી પ્રાર્થના અથવા વેદોના મંત્રોનું
ઉચ્ચારણ સમજણપૂર્વક થવું જોઈએ, જેથી આપણા હૃદયમાં એ મંત્રના અર્થનો ભાવ પ્રગટ થાય.
જેમ આપણે કેટલાક શબ્દોનું ઉચ્ચારણ કરીએ ત્યારે એ શબ્દનો અર્થ સામેની વ્યક્તિ સુધી પહોંચે છે.
એવી જ રીતે સમજીને ઉચ્ચારવામાં આવેલા મંત્રો યથાસ્થાને પહોંચીને અસ્તિત્વને આપણી ભાવના
અથવા પ્રાર્થના પહોંચાડે છે.
આપણે બધા કર્મકાંડને શાસ્ત્ર માની બેઠાં… ખરેખર આપણા દરેક શાસ્ત્રને સમજવાનો
પ્રયાસ કરીએ તો વેદોના શ્લોક અને ઉપનિષદોમાં કહેલી કથાઓ જીવનના અનેક સિધ્ધાંતો અને
સમજણ સુધી લઈ જાય છે. વર્ણવ્યવસ્થાથી શરૂ કરીને શિક્ષણ અને વિધિવિધાન સુધી આપણા
વેદોએ-શાસ્ત્રોએ એક દીર્ઘદૃષ્ટિપૂર્વક ગોઠવેલી જીવનશૈલી છે. આપણે આ જીવનશૈલીની પાછળના
હાર્દને ભૂલી ગયા, અને માત્ર એની ઉપરછલ્લી વિધિવિધાન અને કર્મકાંડ સાથે જોડાયેલી અંધશ્રધ્ધાને
પકડી બેઠા.
જ્ઞાની કે પાખંડી, બ્રાહ્મણ શ્લોકનો ઉચ્ચાર કરે-શુધ્ધ કે અશુધ્ધ, આપણને ક્યાં સમજ પડે છે
? આપણે તો યજ્ઞ વખતે ‘સ્વાહા સ્વાહા’ બોલીને હવ્ય અગ્નિને અર્પણ કરીએ છીએ, પરંતુ આ
‘સ્વાહા’ શું છે ? વેદોમાં અગ્નિની બે પત્ની કહી છે. એક, સ્વાહા અને એક, સ્વધા… સ્વ બોલતા
અગ્નિ પોતાનું મુખ ખોલે છે અને હા બોલતા અગ્નિ પોતાનું મુખ બંધ કરે છે એમ વેદો કહે છે. આ
બેની વચ્ચે આપણે હવ્ય અગ્નિને અર્પણ કરવાનું છે. પવિત્ર યજ્ઞ વખતે ‘સ્વાહા’નો ઉચ્ચાર થાય છે
જ્યારે પિતૃયજ્ઞ કે તંત્રમાં ‘સ્વધા’નો ઉપયોગ થાય છે. પ્રથમ અંગુલી જેને તર્જની કહેવાય છે, એ
પિતૃઓની આંગળી છે. કોઈના તરફ ચિંધવા માટે, દિશાસૂચન કે તિરસ્કારના સૂચન માટે પણ,
ચેતવણી આપવા માટે પણ એ આંગળીનો ઉપયોગ થાય છે. જે આંગળીથી કોઈકનો અવગુણ
દેખાડવામાં આવે એ આંગળી ઉપર પહેરવામાં આવતું ચક્ર ‘સુ-દર્શન’ ચક્ર છે. આપણું દર્શન સુધારી
શકે એને ‘સુદર્શન’ કહેવાય. અંતિમ અંગુલી જેને કનિષ્ઠા કહેવાય છે એનો પૂજામાં ઉપયોગ થતો નથી.
મધ્યમા અને અનામિકા, બીજી અને ત્રીજી આંગળી સાથે અંગુઠો મળીને અગ્નિને અર્પણ કરવાનું
સાધન (મૃગમુદ્રા) બને છે. ઈશ્વરને જમાડવા માટે પણ આપણે આ ત્રણ જ આંગળીઓનો ઉપયોગ
કરીએ છીએ. પ્રાણાયામ-પ્રાણ આયામ માટે પણ આ ત્રણ આંગળીનો જ ઉપયોગ થાય છે. જમણી
નાસિકા ઉપર અંગુઠો અને ડાબી નાસિકા ઉપર બે આંગળી મૂકીને, અનુલોમ-વિલોમ કરવામાં આવે
છે.
આપણી દરેક વિધિમાં ઘણું વિચારીને નાની નાની ક્રિયા અને પ્રક્રિયાનો સમાવેશ કરવામાં
આવ્યો છે. જે લોકો આપણા શાસ્ત્રોને, આપણા ધર્મને સમજતા નથી એ આંખો મીંચીને ગાડરિયા
પ્રવાહની જેમ માત્ર કર્મકાંડ કરે છે. એનો ખાસ કોઈ ફાયદો થતો નથી. કોઈપણ યજ્ઞ કે વિધિમાં
બેસતા પહેલાં જમણા કાંડે બાંધવામાં આવતો સંકલ્પનો દોરો આપણી નાડીને બાંધે છે. અર્થ એ થાય
છે કે, સંકલ્પનો એ દોરો સીધો આપણા હૃદય સાથે (આર્ટરી) સાથે જોડાય છે અને આપણે જે વિધિ
કરીએ એ પૂરા હૃદયથી કરીએ છીએ એવું આપણે ઈશ્વરને વચન આપીએ છીએ.
ભારતીય સનાતન ધર્મ અનેક હજાર વર્ષથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. અનેક ઋષિમુનિઓએ
ચિંતન અને વિચારપૂર્વક આયોજિત કરેલી આ યજ્ઞની કે અન્ય વિધિઓને આપણે સમજ્યા વગર
કરીએ છીએ એ માત્ર એક ક્રિયા (ખાવા-પીવા-નાહવા-ધોવા જેવી) બનીને રહી જાય છે. જો એને કર્મ
(આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી કોઈ પ્રક્રિયા)માં પરિવર્તિત કરવી હોય, એનું ફળ જોઈતું હોય તો
એને સમજવી અનિવાર્ય છે.