એ 38 વર્ષના હતા, જ્યારે હું એમને પહેલી વાર મળી… ને, હું 16ની.
એમને જોતાં જ હું ડઘાઈ ગયેલી. 1916નો એ ઉનાળો હતો. મારા પિતાજીનું દાર્જીલિંગમાં ઘર
હતું. મારા પિતા ‘જે’ ક્લાયન્ટ હતા. એમણે ‘જે’ને ઈન્વાઈટ કરેલા-રજાઓ ગાળવા. અમે બે જણાં
પહેલી વાર ત્યાં મળેલાં. એમ.સી. ચાગલા એ વખતે ‘જે’ને આસિસ્ટ કરતા. દાર્જીલિંગમાં એ પણ
હતા. અમારો સંબંધ વિકસતો રહ્યો એના એ સાક્ષી હતા. મુંબઈના મિલ ઉદ્યોગમાં મારા પિતા
બેતાજ બાદશાહ ગણાતા. અમારા ઘરમાં એ સમયે ચોવીસ નોકરો હતા. વેઈટર અને બીજા લોકો
અલગ! ખરું પૂછો તો ‘જે’નો બહુ મોટો વાંક નહોતો. હું ખૂબ સુંદર હતી… આમ તો હજીયે હું
સુંદર છું, પરંતુ ત્યારે તો મારી સાથે લગ્ન કરવા માટે મુંબઈના અનેક ધનાઢ્ય લોકો મારા પિતા
સાથે મિત્રતા કરી રહ્યા હતા… હું આ સમજતી હતી અને ક્યારેક ‘જે’ને કહેતી પણ ખરી, ‘તમે
જો મને દગો દેશો તો હું આપઘાત નહીં કરું. મુંબઈમાં જ કોઈ પારસી પૈસાવાળાને પરણીને
તમને પાર્ટીઓમાં મળતી રહીશ એટલું યાદ રાખજો.’ એ વખતે ‘જે’ હસતા… એ બહુ જ ઓછું
બોલતા. પ્રમાણમાં સિક્રેટિવ હતા અને કોમ્પ્લેક્સ કેરેક્ટર પણ કહી શકાય. એ ભાગ્યે જ અંગત
જીવન વિશે વાત કરતા, પણ જ્યારે કહેતા ત્યારે એમની વાતોમાં હંમેશાં અભાવ અને એકલતા
ડોકાતા રહેતા. મને મોહંમદ અલી જિન્નાહના આ કઠોર વ્યક્તિત્વનો મોહ થઈ ગયો હતો.
એમના પાવરનો, એમની પ્રસિધ્ધિનો અને એમની આસપાસ વીંટળાતી રહેતી સ્ત્રીઓનો મને
ગર્વ હતો.
હું એમને વારંવાર કહેતી, ‘તમે મારા ડેડી સાથે વાત કરો.’ એ કહેતા, ‘સમય આવ્યે કરીશ.’
અમે ખાનગી રીતે મળતાં. ક્યારેક એ મોટર લઈને રસ્તા પર ઊભા રહેતા, ફક્ત મને
જોવા માટે! મુંબઈમાં એ વખતે વિલિંગ્ડન ક્લબ જિમખાના અને રેસકોર્સ એવી જગ્યાઓ હતી,
જ્યાં મુંબઈના પૈસાવાળા લોકો પોતાની સાંજ વિતાવતા. હું મારા ડેડીને આગ્રહ કરીને સાંજે લઈ
જતી. ‘જે’ પણ ત્યાં આવતા. અમે ડેડીની હાજરીમાં મળતાં. પછી હું ઊભી થઈને અંદરની તરફ
ચાલી જતી. ‘જે’ પણ બહાનું કાઢીને અંદર આવતા. ડેડી બીજા લોકો સાથે વાતોમાં મશગૂલ હોય
ત્યારે અમે એકાંતમાં મળવાનો આનંદ ચોરીછૂપી લૂંટી લેતા… એક દિવસ અચાનક એમણે
બ્રેકફાસ્ટના બહાને અમારા ઘરે આવીને મારા ડેડીને કહ્યું, ‘હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું
છું.’ મારા ડેડી કોઈ દિવસ આ વાત સ્વીકારી શકે એમ નહોતા. હું નજરકેદ થઈ ગઈ. બહાર જાઉં
તો મારી સાથે એક બાઈ જતી… મને ક્યાંય એકલી છોડવામાં આવતી નહીં, પણ ‘જે’ બે વર્ષ
મારી પ્રતીક્ષા કરતા રહ્યા. 1918ની 20 ફેબ્રુઆરીએ મને 18 વર્ષ પૂરાં થયાં અને તરત જ અમે
લગ્ન કરી લીધાં. ડેડીએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો. અમારાં લગ્નની સામે ઘણો વિરોધ થયો
એટલે અમે જ્યુઈશ વિધિથી પરણ્યાં. મેં મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો અને મારું નામ ‘મરિયમ’
પાડ્યું. જોકે આ નામ અમે કદી વાપર્યું નહીં. મને સતત એવું લાગતું રહ્યું કે એક પાર્ટી થવી
જોઈએ… 19 એપ્રિલ, 1918, જિન્નાહ હાઉસમાં અમે ફરી પરણ્યાં. એમણે મને જે વેડિંગ
રિંગ આપી એ મહામુદાબાદના રાજાજી લઈને આવ્યા હતા. અંગત મિત્રો અને થોડા
વકીલમિત્રોની હાજરીમાં એક સુંદર પાર્ટી થઈ. અમે મહેમુદાબાદ પેલેસમાં હનીમૂન કરવા
નૈનિતાલ ગયાં. લાલ કિલ્લાની પાસે આવેલી મેઈડન્સ હોટેલમાં અમે બાકીના દિવસો વિતાવ્યા.
‘જે’ 40 વર્ષના હતા ને હું 16ની, પણ એમણે મને ક્યારેય લાગવા દીધું નથી. એ મને સતત
સરપ્રાઈઝ આપતા, એક અદભુત પ્રેમીની જેમ વર્તતા! ઈંગ્લેન્ડના એમના અભ્યાસ દરમિયાન
એમને રોમિયો-જુલિયેટ નાટકમાં કામ કરવાની ઈચ્છા હતી… અમારાં લગ્ન પછીના થોડા
મહિનાઓ એ રાત-દિવસ રોમિયોની જ ભૂમિકા ભજવતા રહ્યા એમ કહું તો ખોટું નથી.
આ કથા છે રુટિ પેટિટની… જેમણે મોહમ્મદ અલી જિન્નાહ (ઝીણા) સાથે લગ્ન કર્યાં
હતાં. એ પહેલાં જિન્નાહના લગ્ન થયેલા જે એમના માએ કરાવેલા. એમના પહેલાં પત્નીનું
નામ એમીબેન હતું અને એમનું મૃત્યુ ઝીણા જ્યારે ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરનો અભ્યાસ કરતા હતા
ત્યારે જ થઈ ગયું હતું. ગાંધીજી અને ઝીણા ભારતના ઈતિહાસમાં બે એવાં નામ જેમાંના એકને
નાયક કહીએ તો બીજાને પ્રતિનાયક અથવા ખલનાયક કહેવો પડે એવું દિનકર જોશીએ એમના
વિસ્તૃત અભ્યાસ પછી લખાયેલા પુસ્તક ‘પ્રતિનાયક’ની પ્રસ્તાવનામાં લખ્યું છે. બંનેનું વતન
એકબીજાથી નજીક, મૂળ લોહાણાના વૈષ્ણવ પરિવારમાંથી ઝીણાના પિતામહ પૂંજાભાઈ ઠક્કરે
વૈષ્ણવ મટીને ઈસ્માઈલી ખોજા તરીકે ધર્માંતર કર્યું, પછી એમનો સૌથી નાનો પુત્ર ઝીણીયો પૈસા
કમાવા કરાંચી ગયો. એ પૈસા કમાયો, બેરિસ્ટર થયો અને મુંબઈમાં આવીને એણે પોતાનો એક
કલ્ટ, એક વર્તુળ ઊભું કર્યું.
રુટિ પેટિટ અને મહોમ્મદ અલી ઝીણા જેવા બીજા ઘણા યુગલો હશે, છે જેમાં ટીનએજ
યુવતિ આધેડ વયના પુરુષ તરફ આકર્ષાઈને-એના પૈસા, પ્રતિષ્ઠા, પાવરને કારણે માતા-પિતાની
મરજી વિરુધ્ધ લગ્ન કર્યાં હોય અને એ લગ્ન શરૂઆતના વર્ષોમાં કોઈ પરિકથાની જેમ જીવાયાં
હોય, પરંતુ સમય જતાં એ લગ્ન એવું ભયાનક ખંડિયર બની જાય કે જેના અવશેષો પણ શોધવા
મુશ્કેલ થઈ જાય. રુટિ પેટિટના અંગત મિત્ર કાનજી દ્વારકાદાસે પણ એમના ગ્રંથમાં આ લગ્ન
અને લગ્નજીવનનો ઉલ્લેખ ટાળ્યો છે.
આવતીકાલે ઝીણાની મૃત્યુ તિથિ છે… એમના વિશે ઘણા પુસ્તકો લખાયાં છે, પરંતુ
દિનકર જોશીની નવલકથા કદાચ ગુજરાતીઓ અને ભારતીયો માટે સૌથી વધુ માહિતીપ્રદ અને
છતાં રસપ્રદ પુસ્તક છે. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘ગાંધીજી પરમ પુરુષ હતા. એમની નિષ્ઠા
કે સત્યપાલનના આગ્રહ વિશે એમના કટ્ટર શત્રુઓ સુધ્ધાં, કોઈ ક્યારેય આંગળી ચીંધી શકે એમ
નથી. આ બંને વચ્ચે ઊડીને આંખે વળગે એવો જ તફાવત છે એ તફાવત, વર્તમાન યુગમાં
હિંદુસ્તાનનાં બે વિરાટ પાત્રો ગાંધી અને ઝીણામાં પણ દેખાય છે. ગાંધીને જો યુધિષ્ઠિર કહીએ
તો ઝીણાને દુર્યોધન જ કહેવા પડે. ગાંધીને જો નાયકપદ આપીએ તો ઝીણાને ખલનાયક નહિ
પણ પ્રતિનાયક જ કહેવા પડે. દુર્યોધનમાં જો છલોછલ ભરેલો યુધિષ્ઠિર-દ્વેષ ન હોત અને
અણુએ-અણુથી ઊભરાતો અહંકાર ન હોત, તો ત્યારે આર્યાવર્તના અઢાર અક્ષૌહિણીના જાન
કદાચ બચી ગયા હોત. આજે હજારો વરસ પછી 1947ના વરસમાં કદાચ એનું જ પુનરાવર્તન
થયું છે.’