જિસકી લાઠી ઊસકી ભેંસ… ને લાઠી વગરનાનું શું ?

બુધવારના અખબારમાં એક સમાચાર વાંચ્યા, પત્નીના બ્યૂટી પાર્લરના સામે બેસી ચેનચાળા કરતા કેટલાક
યુવાનોને જ્યારે પતિ ઠપકો આપવા ગયો ત્યારે એ યુવાનોએ ભેગા થઈને પતિ અને બ્યૂટી પાર્લર ચલાવનારા
બેનના દીકરાને માર્યાં ! ‘ઊલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી આ વિચિત્ર પરિસ્થિતિમાં એક સ્ત્રી અને નાગરીક
તરીકે મને સવાલ થાય છે કે, આપણે મહિલાઓની સલામતી વિશે અનેક વાતો કરીએ છીએ. સ્ત્રી સન્માનના
મોટા મોટા લેખ અને સ્ત્રીની સ્વતંત્રતા અંગે ફિલ્મો બની રહી છે, પરંતુ આ બધું જ એક ઈલ્યુઝન, માત્ર કલ્પના
પૂરતું જ છે. સત્ય તો એ છે કે, આજે પણ ભારતના કેટલાય નાના શહેરો, ગામડાંઓ કે શહેરના પણ અમુક
વિસ્તારોમાં સ્ત્રી સાથેનો વર્તાવ અત્યંત શરમજનક અને પીડાદાયક છે. જે બેનના પતિને બ્યૂટી પાર્લરની બહાર
ચાર છોકરાઓએ ભેગા થઈને માર્યા એમને જોવા માટે ટોળે વળેલા ઘણા લોકો હશે, પરંતુ એમની મદદ કરવા
કેટલા લોકો ગયા, એ સવાલનો જવાબ મેળવવો અઘરો છે.

આપણે બધા ‘તમાશબીન’ છીએ. આવું કંઈ ચાલતું હોય તો જોવામાં આપણને બધાને રસ પડે છે, પરંતુ
આવી પરિસ્થિતિનો સામનો કરવા કે વિરોધ કરીને પરિસ્થિતિને બદલવાની હિંમત ભાગ્યે જ કોઈનામાં છે.
એમાંય જ્યારે કોઈ સ્ત્રી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવે કે વિરોધ કરે ત્યારે ‘સમાજ’ (સ્ત્રી અને પુરૂષ બંને) એનો
અવાજ દબાવી દેવાના પ્રયાસ કરે છે. બળાત્કારની ફરિયાદ હોય કે છેડતીમાં સામો જવાબ આપવાની હિંમત,
દહેજનો વિરોધ હોય કે ઓફિસ-વ્યવસાયમાં જાતિય શોષણની ફરિયાદ… મોટેભાગે આવી કોઈ પણ પરિસ્થિતિમાં
જવાબદારી સ્ત્રીના ખભે નાખી દેવામાં આવે છે. ‘અમને તો કોઈ હેરાન નથી કરતું, તમને કેમ કરે છે ?’ થી શરૂ
કરીને, ‘હવે જે થયું તે થયું… એનો તાયફો કરવાની જરૂર નથી’ સુધીના સવાલો, સ્ટેટમેન્ટ અને સલાહ સ્ત્રીઓ
સદીઓથી સાંભળતી આવી છે.

વિરોધ કરનાર સ્ત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી શરૂ કરીને સગાં-વહાલાના મહેણા કે પડોશીઓની
નજરો સુધી અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજથી થોડા વર્ષો પહેલાં મોનિકા લેવન્સ્કીએ ‘ટેડ ટોક’
માં પોતાની વાત કહી હતી, ‘કેટલીયે અમેરિકન છોકરીઓ 22 વર્ષની ઉંમરે પોતાના બૉસના પ્રેમમાં પડે છે. એનો
બૉસ એની સાથે ઓફિસમાં સેક્સ કરે છે, અફકોર્સ છોકરીની મરજીથી… મારો વાંક એટલો છે કે મારો બૉસ
અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો.’

એક તરફ વિશ્વના દેશો સ્ત્રીઓને બેંકમાં, કોર્પોરેટમાં અને દેશની સરકારમાં મહત્વનું સ્થાન આપતા થયા છીએ. તો
બીજી તરફ, હવે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ છે, એમણે પોતાની ‘ઈમેજ’ બદલવા માટે સ્ત્રીઓને
સરકારમાં જોડાવા નિમંત્રિત કરી છે, પરંતુ બીજી તરફ નવાઈની વાત એ છે કે, બાર વર્ષથી ઉપરની દીકરીને
ભણવાની મનાઈ છે, પગની ઘૂંટી પણ ન દેખાય એવો બુરખો ફરજિયાત છે. સવાલ માત્ર તાલિબાનનો નથી,
આખા વિશ્વમાં સ્ત્રીની સ્થિતિ જો ધ્યાનથી જોવા જઈએ અને સમજીએ તો એકસરખી છે. આમાં અમેરિકા
પણ બાદ કરી શકાય એમ નથી. જે દેશ સતત સ્વતંત્રતા અને સમાનતાની વાતો કરે છે એવા અમેરિકામાં પણ
બળાત્કાર અને સ્ત્રીઓ સાથેના ગુના મોટા પ્રમાણમાં થાય છે.

દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ દહેજ કમ્પલસરી છે. વધુ ભણેલા અને સરકારી નોકરી ધરાવતા
છોકરાના ભાવ બોલાય છે ! કદાચ કોઈ માતા-પિતા એવી પહેલ કરવા ઈચ્છે કે એ પોતાના દીકરાને દહેજ વગર
પરણાવવા માગે છે તો પણ એમના ઘરમાં દીકરી હોય તો એમણે દહેજ આપવું તો પડે જ… દહેજના નામે થતાં
અપમૃત્યુ કે કન્યાના ગર્ભને ગર્ભપાત કરાવી દેવાની પ્રવૃત્તિ અટકી ગઈ છે, એવું માનનારા કે કહેનારા બધા ખોટા
છે, હા ! હવે એ પ્રવૃત્તિ બંધ બારણે, ચૂપચાપ થવા લાગી છે. આપણે બધા સત્ય તરફ આંખો મીંચીને એક
અદ્ભુત ભારતની વાત કરવામાં વ્યસ્ત છીએ કારણ કે, આપણને એટલું જ સાંભળવું કે જાણવું છે. છાપામાં જે
કિસ્સા છપાય છે કે ટેલિવિઝન ઉપર જે કિસ્સા દેખાડવામાં આવે છે એના કરતા સાત ગણા-દસ ગણા વધુ
કિસ્સા આપણા દેશમાં બની રહ્યા છે. જેની પોલીસ ફરિયાદ ભયને કારણે કરવામાં આવતી નથી… કોનો ભય છે
આ ? પોલીસનો ? કે પછી એવા લોકોને જેમની પાસે પૈસા અને પાવર છે. આપણે બધા માનીએ છીએ કે,
પોલીસ ફરિયાદ લેતા નથી, પરંતુ નીચે બેઠેલા (ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ)ની એટલી હિંમત નથી
હોતી કે એ ફરિયાદ લેવાની ના પાડે. એમને ‘ઉપરથી’ સૂચના હોય છે, અથવા મળે છે.

આ ‘ઉપર’ એટલે કોણ ? ના… ક્યારેક, એમના પોતાના અધિકારીઓ, ક્યારેક સરકાર તો ક્યારેક સંબંધો.
હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘ડાયલ 100’ માં એક છોકરો ડ્રગ્સ લઈને એક નિર્દોષ છોકરાને હીટ એન્ડ રનમાં
મારી નાખે છે. પોતાના દીકરાને નહીં મળેલા ન્યાય માટે એક મા બહાર પડે છે. ‘વેડનસ ડે’ની સ્ત્રી આવૃત્તિ જેવી
આ ફિલ્મમાં અંતે પોલીસ અધિકારીના દીકરાનું પણ મૃત્યુ થાય છે. ક્યારેક પોતે જવાબદાર ન હોય તો પણ
‘કિંમત’ ચૂકવતા આવા પોલીસ અધિકારીઓ વિશે આપણે ફરિયાદ કરીએ છીએ, પરંતુ આવા એકલદોકલ વિદ્રોહ કે
વિરોધથી કશું થવાનું નથી.

આપણે બધા જ જાણે-અજાણે ‘આવા લફરા’ થી દૂર રહેવાની માનસિકતા સ્વીકારીને જીવતા થઈ ગયા
છીએ. જ્યાં સુધી આ વિરોધ કે વિદ્રોહનો અવાજ બુલંદ નહીં થાય ત્યાં સુધી આવા એકલદોકલ લોકો પોતાની
રીતે લોહી વહાવશે, બદલો લેશે, વેર વાળશે… પરંતુ, પરિસ્થિતિને બદલવા માટે તો સહુએ સાથે, બાઆવાઝે
બુલંદ વિરોધ કરવો પડશે. હું તૈયાર છું, તમે ?

One thought on “જિસકી લાઠી ઊસકી ભેંસ… ને લાઠી વગરનાનું શું ?

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *