જીવન કી બગિયા મહેકેગી…

બુધવાર, 21 જુલાઈ… ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર મૃત્યુશૈયા પર પડેલા પતિના સ્પર્મના
સેમ્પલ મેળવીને એના બાળકની મા બનવાની ઈચ્છા રજૂ કરતી અરજી દાખલ કરવામાં આવી… 2020માં પરણેલા
આ પતિ-પત્ની યુવાનના પિતાના હૃદયના ઓપરેશન માટે કેનેડાથી અમદાવાદ આવ્યા હતા. પિતાની સેવા કરતા
યુવાનને કોરોના થયો. ઓર્ગન ફેલ્યોર થવા લાગ્યા ત્યારે પત્નીએ એના સંતાનની મા બનવાના નિર્ધાર સાથે હાઈકોર્ટ
પાસે પરમિશન માગી. હાઈકોર્ટે રજા આપી દીધી, પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલની કમિટીએ આ વાતનો નિર્ણય કરવામાં
72 કલાક વિતાવી દીધા. પત્ની કેટલાય કલાકો આઈસીયુની બહાર બેસી રહી…

આ ઘટનાએ મારી ભીતર કશું બદલી નાખ્યું છે. માતૃત્વ એક અદ્ભુત અનુભૂતિ છે. કોઈ એક વ્યક્તિ, જેને
એ સ્ત્રી ચાહતી હોય એના સંતાનને જન્મ આપવાનો અનુભવ એ સ્ત્રી માટે પોતાના પતિ-પ્રેમી કે પુરૂષને ફરી એકવાર
જીવંત કરવાના અનુભવ જેવો હોય છે. આજના સમયમાં પણ આવો પ્રેમ કે આવો પરિણય અસ્તિત્વ ધરાવે છે એ
વાત ખરેખર મન ભીંજવી નાખે એવી છે. આવા ઘણા કિસ્સા આપણી આસપાસ હશે જ, પરંતુ કદાચ આપણું ધ્યાન
એના તરફ ગયું નથી. એક નાનકડા ઓપરેશનમાં થયેલી ભૂલને કારણે પતિને કાયમ માટે વ્હીલચેર પકડી લેવી પડી અને
પત્ની આરતી અને એની દીકરીએ પતિને ફરી એકવાર હિંમતપૂર્વક જીવવાની આશા અને મદદ આપી એ કથા મેં
પહેલાં લખી છે.

સપ્તપદીના સાત વચનમાં એક વચન, સુખ અને દુઃખમાં સાથ નિભાવવાનું વચન છે. ઘોંઘાટભર્યા,
ઝાકઝમાળભર્યાં લગ્નોમાં, ટોળે વળેલા મહેમાનોની હાજરીમાં અપાતા અને લેવાતા વચનો ભાગ્યે જ કોઈ સાંભળે
છે, સમજવા સુધી તો કદાચ કોઈ પહોંચતું જ નથી. આપણા દેશમાં લગ્નો એક રૂઢી બની ગયાં છે. સાચા અર્થમાં એ
ઈન્સ્ટિટ્યૂશન કે એની સાથે જોડાયેલા જવાબદારી અને જીવન-મરણના કોલને હવે મજાકમાં ઉડાડી દેવાય છે.

આપણે માનીએ કે નહીં, સ્વીકારીએ કે નહીં, પરંતુ લગભગ 78થી 82 ટકાની વચ્ચે યુવા વર્ગ 20 વર્ષના
થતાં પહેલાં શારીરિક સંબંધ માણી લે છે. ક્યાંક કુતૂહલ હોય છે તો ક્યાંક ઘરના દબાણ અને રિસ્ટ્રિક્શનની સામેનો
વિરોધ, ક્યાંક ભોળપણ હોય છે તો ક્યાંક અમુક પ્રકારનો એવો અહંકાર જેમાં પોતે કેટલી છોકરીઓ અથવા છોકરાઓ
સાથે સંબંધ માણ્યો એ વિશે બળગાં ફૂંકવાની મજા… પણ, આ બધા પછી અગત્યનું એ છે કે નવી પેઢી માટે શરીર એ
સેક્રિડ (પવિત્ર) બાબત રહી નથી. એમને માટે શારીરિક સંબંધ એટલો સહજ છે જેટલી સહજતાથી લારી પર ઊભા
રહીને પાણીપૂરી ખાઈ શકાય ! આ વિધાન કદાચ વધારે પડતું લાગશે, કેટલાક લોકોને આ સાંભળીને આઘાત પણ
લાગશે, પરંતુ આપણે બધાએ સમજી લેવું જોઈએ કે, આજથી 20-25 વર્ષ પહેલાં જેમ 10-15 મિનિટની
મુલાકાતમાં લગ્ન નક્કી થતા એવી રીતે લગ્ન કરવા આજની પેઢી તૈયાર નથી. એમને માટે માનસિક કમ્પેનિયનશિપ
જેટલું જ શારીરિક કમ્પેનિયનશિપનું મહત્વ છે.

સાંઈઠના દાયકામાં જન્મેલા માતા-પિતાને કદાચ ગળે ન ઉતરે કે સમજાય નહીં એવી આ વાત છે, પરંતુ માત્ર
શહેરમાં જ નહીં, બી કે સી ટાઉન, નાના ગામડાંમાં પણ શારીરિક સંબંધો વિશેની છૂટછાટ અને માનસિકતા હવે
બદલાવા લાગી છે. ટેલિવિઝન, વેબસીરિઝ અને ફિલ્મોએ આમાં મોટો ભાગ ભજવ્યો છે. જે અનુભૂતિ આપણને
પડદા પર દેખાડવામાં આવે છે એ ખૂબ જ અતિશયોક્તિ ભરેલી છે, એ વાત યુવા વર્ગને સમજાતી નથી. એમને લાગે
છે કે જો શારીરિક સંબંધની અનુભૂતિ આટલી અદ્ભુત હોય તો એ માણી લેવા માટે “લગ્ન” કરવાની રાહ જોવાની ક્યાં
જરૂર છે ? એ સિવાય એક બીજો મોટો બદલાવ આવ્યો છે, હવે ટ્યુશન, કોલેજ, એક્સ્ટ્રા ક્લાસ કે ગ્રુપ સ્ટડીના નામે
સંતાનો લાંબો સમય ઘરની બહાર વીતાવતા થયા છે. સેલફોન હોવાને કારણે માતા-પિતાને એમના પર વિશ્વાસ કર્યા
સિવાય બીજો કોઈ છૂટકો નથી. પોતાની જાતને મોર્ડન માનતા, કહેવડાવતા માતા-પિતા સંતાનની ઈન્કવાયરી કરવામાં
કે એની ઉલટતપાસ કરવામાં પોતાની જાતને પછાત અનુભવે છે… નવી મિલેનિયમ જનરેશન જે સહજતાથી જુઠ્ઠું
બોલે છે એ પણ સમજવા જેવું છે. માતા-પિતા પોતાને નહીં જ સમજે એવા દૃઢ વિશ્વાસ સાથે આ નવી પેઢીના
સંતાનો પોતાની વાત ખુલ્લા દિલે કહેતા નથી. માતા-પિતાને પોતાના સંતાનો વિશે પાકી ખબર હોતી નથી.

લગ્નમાં શારીરિક સંબંધનું મહત્વ ચોક્કસ છે, પરંતુ એથી વધુ મહત્વ પરસ્પરની કમ્પેનિયનશિપ અને
કમ્પેટિબિલિટીનું છે. પતિ-પત્ની માત્ર સમભોગ માટે નથી, સમવાદ, સમસાર માટે છે… ધીરે ધીરે લગ્ન સંસ્થા ઘસાઈ
રહી છે. મોટાભાગના કમાતા અને સફળ યુવાનો-યુવતિઓ લગ્ન ટાળે છે. મોટી ઉંમરે લગ્ન કરે છે, છૂટાછેડાનું પ્રમાણ
વધ્યું છે અને પરિવારના પ્લાનિંગ વિશે પણ હવે એક જુદી જ માન્યતા આકાર લઈ રહી છે. ઘણા બધા યુગલો
સીએલબીસી-ચાઈલ્ડ લેસ બાય ચોઈસ, રહેવાનું પસંદ કરે છે કારણ કે એમને બાળક જવાબદારી લાગે છે, કારકિર્દી
અને એમની અંગત સ્વતંત્રતામાં બાધારૂપ લાગે છે. દરેક વ્યક્તિનો પોતાનો નિર્ણય આગવો અને અંગત હોઈ શકે,
પરંતુ માતૃત્વ કે પિતૃત્વ એ ફરી જીવી જવાની એક અદ્ભુત લાગણી છે.

કવિ નીરજની પંક્તિઓ, “હમ તુમ કુછ ઓર બંધેગે… હોગા કોઈ બીચ તો હમ તુમ ઓર બંધેગે… થોડા હમારા થોડા
તુમ્હારા, આયેગા બચપન ફીર સે હમારા…”

મૃત્યુ પામતા પતિને પોતાની કૂખમાંથી ફરી જન્મ આપવાનો નિર્ણય કરનાર આ યુવતિને વંદન કરવાનું મન થાય… જે લોકો
ભારતીય સંસ્કૃતિ વિશે ચિંતા કરી રહ્યા છે, એમણે વલેન્ટાઈન ડેના દિવસે તોડફોડ કરવાને બદલે આવા અનોખા દામ્પત્યના
દાખલાને યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *