જીવતું પ્રાણી રમકડું નથીઃ ડોગ પાળવો એટલે બાળક ઉછેરવું

થોડા વખત પહેલાં મારા એક મિત્રને રસ્તા ઉપરથી એક લેબ્રાડોર બ્રિડનું ડોગ મળ્યું.
વહાલસોયું અને વેલ ટ્રેઈન્ડ હતું એ! કોઈ છોડી ગયું કે એ જ રસ્તો ભૂલી ગયું… એનો ખ્યાલ
ન આવ્યો. અખબારમાં જાહેરાત આપી, ઈન્ટરનેટ ઉપર એનો ફોટો વાયરલ કર્યો, પણ એને
કોઈ લેવા ન આવ્યું! નવાઈની વાત એ હતી કે, ઊંચી બ્રિડના લેબ્રાડોર ડોગ માટે અનેક
લોકોએ ફોન કર્યા. મારા મિત્રએ ફોન કરનારને એમના ડોગની નિશાનીઓ પૂછી… પરંતુ, ફોન
કરનારમાંના કોઈ નિશાની બાબતે, એના ગળામાં પહેરેલા બેલ્ટ બાબતે, એની ઉંમર બાબતે
સાચા ન પડ્યા એટલે મારા મિત્રએ એને રાખી લેવાનું નક્કી કર્યું!

પેટ-પાળેલા કૂતરા હવે ધીરે ધીરે એક ફેશન બનવા લાગ્યા છે. મોટાભાગના પરિવારો-
ખાસ કરીને ઉચ્ચ મધ્યમવર્ગ અને શ્રીમંત ઘરોમાં હવે આપણને પેટ ડોગ જોવા મળે છે. દસેક
વર્ષનું થતાં જ બાળક ઘરમાં ડોગ લાવવાની જીદ કરવા માંડે, એ અનુભવ માતા-પિતા માટે
અજાણ્યો નથી જ! પરંતુ, ડોગ એ કોઈ રમકડું નથી, જેને ચાવી આપીને ચલાવી શકાય, એની
બેટરી બદલી શકાય કે પછી કંટાળો આવે તો કબાટમાં કે રમકડાંની ટોપલીમાં મૂકી દેવાય.
ઘરમાં પાલતુ પ્રાણી લાવવું એ નાના બાળકને જન્મ આપવા જેવું જ કામ છે, બલ્કે એનાથી
પણ અઘરું… કારણ કે બાળક મોટું થાય પછી બોલવા લાગે. એના સુખદુઃખ, ગમા-અણગમા
આપણને સમજાય, પરંતુ પાલતુ પ્રાણી ખાસ કરીને કૂતરું જ્યારે ઘરમાં આવે ત્યારે એ અબોલ
હોય છે. એની મા કે પરિવારથી છૂટું પડીને આવ્યું હોય છે, એટલે એની પીડા અને
એકલતામાંથી એને બહાર કાઢીને આપણા પરિવારનું સભ્ય બનાવવું પડે. એ બોલી ન શકે
એટલે એના મૌનની ભાષા સમજવી પડે. એ ઘરમાં કશું બગાડે નહીં એટલે એને એની કુદરતી
હાજતો માટે ટ્રેનિંગ આપવી પડે…

જો આપણે કે તે માટે પૂરતો સમય ન ફાળવીએ તો કૂતરો પણ નાના બાળકની માફક
રિસાઈ જાય છે. કસરત માટે તથા કુદરતી હાજત માટે કૂતરાને દરરોજ ત્રણચાર વાર બહાર
લઈ જવો પડે છે જો તેમ ન કરીએ તો કૂતરો ઘરકૂકડી થઈ જાય. તેની ખાવાપીવાની રોજિંદી
ટેવ અને સમય જાળવવો જોઈએ. તે બીમાર પડે તો તેની સેવા કરવી પડે. તેને બહાર ફરવા
લઈ જઈએ ત્યારે બીજા રખડુ કે રોગી કૂતરાથી તેને દૂર રાખવો જરૂરી છે. તેના
પાલનપોષણનો ખર્ચ આપણે જ ભોગવવો પડે છે. ખર્ચનો આધાર, આપણે કઈ જાતનો કૂતરો
પાળીએ છીએ તેના પર રહેલો છે. હાઉન્ડ કે એલ્સેશિયન જાતિનો ઊંચો, કદાવર કૂતરો નાના
પોમેરિયન કૂતરા કરતાં વધુ ખર્ચાળ છે. કૂતરા માટે થતા કુલ ખર્ચનો પોણો ભાગ તેના ખોરાક
પાછળ અને ચોથો ભાગ તેની સ્વચ્છતા, દવાદારૂ, આરોગ્ય વગેરે માટે વપરાય છે.

આપણા દેશનું હવામાન ધ્યાનમાં લઈને કૂતરાને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક
વખત નવડાવવો જરૂરી બને છે. કૂતરાને નવડાવતી વખતે તેનાં મોં, કાન, આંખમાં પાણી ન
જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે. કૂતરો નવડાવતી વખતે તેનું શરીર જોરદાર રીતે
ઝાટકે છે. તેથી પાણી તેને નવડાવનાર પર ઊંડે છે, તે ઉપરાંત ચોક્કસ સમયગાળે કૂતરાને
રોગપ્રતિબંધક ઈંજેક્ષન આપવાં પડે છે. આવી બધી ઝીણી ઝીણી બાબતો માટે સમય અને
સગવડ છે કે નહીં તે કૂતરાને પાળતા પહેલાં વિચારવું જરૂરી છે.

કૂતરો બુધ્ધિશાળી પ્રાણી છે, તેને જે શીખવીએ તે, સરળતાથી શીખી જાય છે. સ્વતંત્ર
કૂતરો કુદરતી હાજત ક્યાંય પણ પૂરી કરે છે, પણ પાળેલો કૂતરો ઘરમાં બંધ હોય છે. એ
ચોક્કસ જગ્યા જ વાપરે એવું શીખવવા માટે એક કાગળ રાખીને એના પર જ શૌચ કરે એવો
પ્રયત્ન કરવો. એ દિવસમાં ચારેકવાર શૌચ કરે છે, એટલે દરેક વખતે કાગળ મૂકીને ત્યાં જ
બેસાડવો. એ એક પગ ઊંચો કરીને પેશાબ કરે છે, એટલે એ માટે પણ એક કપડું રાખવું જ્યાં
એ પેશાબ કરે એવી ટેવ પાડવી. શરૂ શરૂમાં એ ગમે ત્યાં ગંદુ કરે, આળોટે, ઊંઘી જાય અને જો
નાની ઉંમરનું ગલુડિયું લાવ્યા હોઈએ તો એને પણ આપણા બાળકની જેમ દાંત આવે ત્યારે
એ વસ્તુઓ તોડે, ચાવી જાય અને બગાડે… જો સાચે જ એની સાથે દોસ્તી કરવી હોય, એને
પરિવારનો સભ્ય બનાવવો હોય તો એના પર ચીડાશો નહીં, મારવાની ભૂલ કદી ન કરશો.
હવે તો પ્રોફેશનલ ડોગ ટ્રેનર પણ ઉપલબ્ધ છે. જો ઘરમાં કૂતરો રાખીને આનંદથી, મજાથી
જીવવું હોય તો ડોગ ટ્રેનરના પૈસા ખરચતા અચકાવવું નહીં.

અનેક જાતના કૂતરા ઉપલબ્ધ છે. જેમાં દેખાવે સુંદર, કામગરા અને શિકારી એવા
ત્રણ વિભાગ પાડી શકાય. એક પાલતુ અને શો ડોગ, જે રૂપાળા અને દેખાવડા હોય છે સાથે
ટેમ્પરામેન્ટલ પણ હોય છે. પોમેરિયન, પુડલ, અલ્સેશિયન, કોકરસ્પેનિયલ, ડેશહાઉન્ડ જે
નાનકડા અને દેખાવના કૂતરા છે. બીજા શિકારી-જે ગુસ્સાવાળા અને આક્રમક હોય છે.
એમને ભોજનમાં પણ મટન અથવા પેડિગ્રી ફૂડ આપવું પડે છે. પોલીસના ગુના શોધક
વિભાગમાં પણ આવા કૂતરા હોય છે. અલ્સેશિયન, વેનસેન્ટ, બુલડોગ, બિગલ,
ફોક્સહાઉન્ડ, ગાર્ડ ડોગ્ઝ, સાઈબિરિયન હસ્કી જેવા શિકારી કૂતરા છે. ત્રીજા કામગરા કૂતરા,
જેમાં કોર્ગી, ડેસચંડ, બુલ, કેર્ન, એઅરડેલ, વેડિંગ્ટન, બોસ્ટન, સ્કોટિશન, સ્મુથ હેઅર્ડ,
સ્ટેફોર્ડ, વેસ્ટ હાયલેન્ડ વગેરે જાતિ જોવા મળે છે.

એને સ્નાન કરાવવું જરૂરી છે. અઠવાડિયે એકવાર હર્બલ શેમ્પુ, લીમડાના સાબુથી
એને નવડાવી શકાય. કૂતરા માટેના સ્પેશિયલ સાબુ અને શેમ્પુ મળે છે, જુદી જુદી જાતિના
ડોગ્ઝ માટે-એમના વાળ માટે જુદા જુદા શેમ્પુ મળે છે જે ‘પેટ શોપ’માં જઈને તપાસ
કરવાથી જાણી શકાય.

એના સૌથી નાજુક અંગમાં કાન અને આંખ છે, માટે એને હંમેશાં સાફ રાખવા. એના
દાંત પર કાળા કે લીલા ડાઘ પડે તો તરત જ પશુ ચિકિત્સક પાસે લઈ જવા. એને જમીન પર
ચાલવા માટે નખની જરૂર છે. યોગ્ય રીતે એના નખ કાપતાં શીખવું પડે છે.

ઈ.સ. 1859માં ઈંગ્લેન્ડ, ન્યૂ કેસલમાં પહેલીવાર ડોગ શો યોજાયો હતો. ત્યાર પછી
આખા જગતમાં ડોગ શો યોજાય છે. કેનલ ક્લબ્સ છે અને કૂતરાની બર્થ ડે પાર્ટી પણ હવે તો
યોજાય છે…

ઘરમાં એક પ્રાણીને લાવીએ ત્યારે આપણે એની જવાબદારી લઈએ છીએ, એને
ઘરના સભ્યની જેમ રાખવો, સાચવવો અને સન્માન આપવું એ પણ પાલતુ પ્રાણીના
માલિકની ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *