જો ચલા ગયા ઉસે ભૂલ જા…

38 વર્ષની કેટરિના કૈફ અને 33 વર્ષના વિકી કૌશલના લગ્ન આનંદ અને શાંતિથી પૂરા થઈ ગયા.
સલમાન ખાન એ લગ્નમાં હાજર ન રહ્યા, પણ એમણે ઉદાર દિલે બંને જણને રેન્જ રોવર ગાડી ભેટ
આપી. બીજી તરફ, કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરે પણ હીરાનો સેટ ભેટ આપ્યો, પરંતુ
લગ્નમાં હાજર ન રહ્યા. એક સમયે રણબીર કપૂર અને કેટરિના લિવઈનમાં રહેતા હતા, એવી જ રીતે
સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચેની નિકટતા પણ જગજાહેર હતી. લગભગ સૌને લાગતું હતું કે,
કેટરિના અને વિકી કૌશલના લગ્નમાં સલમાન ખાન જરૂર સમસ્યા ઊભી કરશે, પરંતુ એણે પોતાના
તરફથી ભેટ મોકલીને કેટરિનાના નિર્ણયને સ્વીકારી લીધો…

સલમાન ખાનના પાવર અને કોન્ટેક્ટ વિશે ફિલ્મી દુનિયા અને પ્રસંશકો સારી પેઠે વાકેફ છે. એ
ઈચ્છે તો કોઈની પણ કારકિર્દીમાં કાણું પાડી શકે છે. વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયનો દાખલો હજી
બહુ જૂનો નથી થયો ! લોખંડવાલાના ટાવરમાં ઐશ્વર્યા રાયની ઘરની બહાર એને બૂમો પાડતો અને
માથાં પછાડતો નજરે જોયો હોય એવા સાક્ષીઓ હજી એ જ ટાવરમાં રહે છે ! એની સામે ઐશ્વર્યા
રાયના લગ્ન વખતે એમણે કોઈપણ પ્રકારનો ઉહાપોહ નથી કર્યો એટલું જ નહીં, આડાઅવળા સ્ટેટમેન્ટ
કરવાનું પણ એમણે ટાળ્યું છે. સલમાન ખાન ફિલ્મી દુનિયામાં બહુ પાવરફૂલ વ્યક્તિ મનાય છે. પોતાના
કોન્ટેક્ટ વાપરીને સુરજ પંચોલી કે આર્યન ખાનને બચાવવામાં એણે મદદ કરી છે એ વાત કોઈથી અજાણી
નથી. એક અફવા પ્રમાણે શિકાર કે હિટ એન્ડ રનના કેસમાં પણ એને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો એની
પાછળ એમના સંપર્કો અને સંબંધોની જ મદદ લેવામાં આવી છે. દસ વર્ષ સુધી એની ગર્લફ્રેન્ડ રહી
ચૂકેલી સંગીતા બિજલાનીને જ્યારે એના પતિ મોહંમદ અઝરુદ્દીને જાકારો આપ્યો ત્યારે સલમાન ખાને
પોતાના બિલ્ડીંગમાં આવેલા એમની માલિકીના ફ્લેટમાં સંગીતા બિજલાનીને રહેવાની સગવડ કરી
આપી. એવી જ રીતે સોમી અલી અને લુલિયા વંતુર સાથે પણ એમણે લગ્ન ન કર્યાં તેમ છતાં, એમને
આર્થિક અને બીજી રીતે પૂરો સપોર્ટ કર્યો છે.

કોફી વીથ કરણના એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું, ‘ગર્લફ્રેન્ડ બહુ રહી મારી… હું
એમાંની કેટલીક સાથે પરણવાના નિર્ણય સુધી પહોંચી ગયો, પરંતુ છેલ્લી ઘડીએ એમણે જ મને ના પાડી.
એ બધાને એવું લાગતું હશે કે આની સાથે જિંદગીભર નહીં રહેવાય’ એમણે હસતા હસતા કહેલી વાત
આમ જોવા જઈએ તો બહુ મહત્વની છે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના સંબંધથી આગળ વધીને જ્યારે એ
સંબંધ લગ્ન અને પારિવારિક સંબંધમાં ફેરવાય છે ત્યારે એની સાથે ઘણી મહત્વની બાબતો જોડાય છે.
જ્યાં સુધી બે જણાં એકબીજાને ‘ડેટ’ કરતા હોય ત્યાં સુધી તો કોઈ સમસ્યા હોતી નથી… કારણ કે એમાં
કોઈ (આર્થિક, સામાજિક, પારિવારિક) જવાબદારી હોતી નથી. દિવસના થોડા કલાક કે કદાચ આખો
દિવસ પણ સાથે ગાળતા બે જણાંને ખબર છે કે બંને પાસે છૂટા પડીને જવા માટે પોતપોતાના ઘર છે.
બીજી એક મહત્વની વાત એ છે કે, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હોય ત્યાં સુધી બંને જણાં એકબીજાની સામે
પોતાના શ્રેષ્ઠ પ્રગટ સ્વરૂપ કરે છે. સારામાં સારા કપડાં, પરફ્યૂમ અને બને ત્યાં સુધી બેસ્ટ બિહેવિઅર
એકબીજાની સામે મૂકવામાં આવે છે… બંનેએ એકબીજાને ઈમ્પ્રેસ કરવાનો એ સમય જિંદગીનો ઉત્તમ
સમય હોઈ શકે, પરંતુ એ કાયમ રહેતો નથી ! પ્રેમ સંબંધમાં પણ કંટાળો, બોરિયત અને વાંધાવચકા પડે
જ છે, પરંતુ બંનેને સબકોન્સિયસલી (જાણે અજાણે) એવી ખબર હોય છે કે અહીંથી છૂટા પડવાનો રસ્તો
ખુલ્લો છે એટલે બંને જણાં એ સંબંધ ટકાવવાનો પ્રયત્ન કરે છે… આ કેવી નવાઈની વાત છે, કે જ્યારે
આપણી પાસે પાછા ફરવાના રસ્તા ખૂલ્લા હોય ત્યારે આપણે સંબંધને પૂરેપૂરો ચાન્સ આપવા તૈયાર
હોઈએ છીએ અને જ્યારે પાછા ફરવાના રસ્તા બંધ થઈ જાય ત્યારે આપણે સંબંધને ચાન્સ આપવાને
બદલે એમાં રહેલી ગૂંગળામણ, અકળામણ, હતાશા અને અભાવને માઈક્રોસ્કોપમાં જોતા થઈ જઈએ
છીએ ! ગમે તેટલો પાવર હોય, પરંતુ એકવાર જેને પ્રેમ કર્યો કે જેની સાથે નિકટના સંબંધમાં રહ્યા હોઈએ
એ વ્યક્તિ ઉપર આપણા પાવરની ધોંસ ન જમાવી શકાય એ વાત સલમાન ખાન પાસેથી શીખવા જેવી
છે. કોઈ એક વ્યક્તિ જ્યાં સુધી આનંદથી આપણી સાથે રહે ત્યાં સુધી એનો ખ્યાલ રાખવો, પ્રેમ કરવો કે
એને આપી શકાય તે બધી સગવડ અને અટેન્શન આપવું, પરંતુ જો એ વ્યક્તિ આપણા જીવનમાંથી જવા
માગે કે આપણી સાથે ન જીવવા માગતી હોય તો એને પરાણે બાંધવાને બદલે મુક્ત કરી દેવી વધુ યોગ્ય
છે. એકવાર એ પોતાના જીવનમાં ગોઠવાઈ જાય અને આપણી સાથેનો એનો સંબંધ-ઋણાનુબંધ કે
લેણાદેણી પૂરી થાય એ પછી એના વિશે એલફેલ ન બોલવું અને સંબંધની ગરિમા જાળવવી એ પણ
આપણી સજ્જનતા-સંસ્કારનો એક હિસ્સો છે…

જે સારો સમય સાથે ગાળ્યો હોય એને ભૂંસીને, જેને એકવાર પ્રેમ કર્યો હોય એને નુકસાન કરવું કે
એના જીવનમાં કોઈ કારણ વગર ડિસ્ટર્બન્સ ઊભું કરવું કેટલે અંશે યોગ્ય છે ? એથીએ મહત્વનો સવાલ
એ છે કે, કદાચ એ વ્યક્તિના જીવનને આપણે ડિસ્ટર્બ કરી શકીએ, એણે આપણને ‘છોડી દીધા’ કે
આપણી સાથે ‘બેવફાઈ’ કરી એ માટે એને પાઠ ભણાવવા આપણે કંઈ પણ કરી છૂટીએ… પરંતુ, એથી
એ વ્યક્તિ આપણા જીવનમાં તો પાછી નહીં જ આવે. બલ્કે, આપણા માટે એને રહ્યું સહ્યું માન કે સ્નેહ
પણ પૂરો થઈ જશે !

ગુડનેસ, અચ્છાઈ કે સારાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી. જે આપણને છોડી ગયા એની પાછળ
દોડવાને બદલે જો આપણી દિશા બદલી શકીએ તો કદાચ એ નવી દિશામાં આપણા માટે નવી
શક્યતાઓ અને નવું સુખ પ્રતીક્ષા કરતું હોય એમ પણ બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *