નામઃ શૌકત કૈફી
સ્થળઃ મુંબઈ
સમયઃ ઓક્ટોબર, 2018
ઉંમરઃ 93 વર્ષ
સંબંધો આપણે નથી બાંધતા, એ તો ખુદાને ત્યાંથી નક્કી થઈને જ આવે છે. આપણે
તો બસ એ સંબંધોને નિભાવવાનું કામ કરીએ છીએ. ક્યાં ત્રણ મહિના પછી મારા લગ્ન, મારા
મામાના દીકરા સાથે થવાના હતા અને ક્યાં હું હૈદરાબાદમાં કૈફીને મળી!
ઔરંગાબાદ પહોંચ્યા પછી સરદાર જાફરી અને બીજા કવિઓ ચાલી ગયા, પણ કૈફી
રોકાઈ ગયા. મારી બહેનો સાથે પણ એમની સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. જોકે, મારા બંને મોટા
ભાઈઓને હું કૈફી સાથે વાત કરું એ ગમતું નહીં. એક દિવસ કૈફી પોતાના ઓરડામાં હતા અને હું કંઈ
આપવા કે લેવા માટે ત્યાં પહોંચી. કૈફીએ સીધું જ મને પૂછી લીધું, મારી સાથે લગ્ન કરીશ? હું ડઘાઈ
ગઈ. કંઈ જવાબ આપું એ પહેલાં કોઈના પગલાંનો અવાજ સંભળાયો અને હું ત્યાંથી ભાગી આવી.
મને ખબર નહોતી, પણ કદાચ મારા ભાઈએ આ વાત સાંભળી લીધી હતી. એ દિવસથી વચ્ચેનો રૂમ,
જ્યાંથી હું સીધી કૈફીના રૂમમાં જઈ શકતી હતી એના દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું. મને
કહી દેવામાં આવ્યું કે, મારે એને મળવું નહીં. અબ્બા અને અમ્માએ કૈફી સાથે શું વાત કરી એ મને
ખબર નથી, પણ મારી બહેનોએ કહ્યું કે એ નીકળ્યા ત્યારે રડતા હતા. કૈફીના ગયા પછી બીજા દિવસે
હું એમના રૂમમાં ગઈ. આમતેમ બધું ફેંદી નાખ્યું, કોણ જાણે મારું મન કહેતું હતું કે એ મારે માટે કોઈક
સંદેશો મૂકીને ગયા હશે. અચાનક મારી નજર એક કાગળના પેડ પર પડી. એ પેડમાં મારા માટે એક
નઝમ લખી હતી. એની નીચે એમનું એડ્રેસ હતું. મેં બીજે જ દિવસે એમને જવાબ લખ્યો, ‘કૈફી, મુઝે
તુમસે મહોબ્બત હૈ, બેપનાહ મહોબ્બત…’ મારા કાકાના દીકરાની સ્કૂલનું એડ્રેસ આપ્યું. એને બધું સાચું
કહી દીધું. પાંચ-છ દિવસમાં જ જવાબ આવ્યો. પત્રોનો સિલસિલો શરૂ થઈ ગયો. ક્યારેક તો એક
દિવસમાં છ, ક્યારેક બાર પત્રો આવતા. એમાં સુંદર નઝ્મો હતી અને દિલ હચમચી જાય એવા
પત્રો… એક દિવસ, જે થવાનું હતું તે થયું! ઘરના લોકોને ખબર પડી ગઈ. મારા પર પાબંધીઓ
લગાવવામાં આવી. જોકે, અમારે ત્યાં કામ કરતી એક બાઈને મેં મારા પક્ષે કરી લીધી. એ ગ્રોસરી અને
બીજી વસ્તુઓ લાવે ત્યારે પત્રો લઈ આવતી અને બહાર નીકળે ત્યારે એના દુપટ્ટામાં સંતાડીને મારા
પત્રો લઈ જતી. એક દિવસ એ પણ પૂરું થયું. 15-20 દિવસ થયા અને મારો પત્ર મુંબઈ ન પહોંચ્યો.
કૈફીને લાગ્યું કે, હું નારાજ છું એટલે એમણે એમના લોહીથી એક પત્ર લખ્યો. હું રડી પડી અને મેં પત્ર
અબ્બાજાનને આપી દીધો. ચોખ્ખું કહી દીધું કે, હું તો કૈફી સાથે જ લગ્ન કરીશ. મારા ઘરમાં ધમાધમ
થઈ ગઈ. મામાનો દીકરો આવી ગયો. એણે રડતા રડતા રિવોલ્વર લઈ લીધી. પોતાના લમણે તાકીને
કહેવા લાગ્યો, ‘શૌકત મારી સાથે લગ્ન નહીં કરે તો હું આપઘાત કરીશ…’
એ બધાની વચ્ચે એક દિવસ એક સીઆઈડી ઓફિસર મારા અબ્બાને મળવા આવ્યા.
એ કૈફી તરફથી લગ્નની પ્રપોઝલ લઈને આવ્યા હતા. એમણે અબ્બાજાન સાથે ખૂબ સલીકાથી-
મેચ્યોરિટીથી વાત કરી. અબ્બાજીએ એ રાત્રે બધાને બેસાડીને કહ્યું, ‘હું અને તમારી અમ્મી હંમેશાં
રહેવાના નથી. શૌકતના લગ્ન કોઈ એવા છોકરા સાથે કરીએ જ્યાંથી એ ત્રણ મહિનામાં પાછી આવે તો એને કોણ
સંભાળશે. એના લગ્ન એની મરજીથી કરીએ તો નિભાવવાની જવાબદારી એની થઈ જાય…’ મારા ભાઈઓને
એમણે સમજાવ્યા. અબ્બાજી મને મુંબઈ લઈ જવા તૈયાર થયા. હું ઘરમાંથી નીકળી ત્યારે મારી માએ
મારો સદકો ઉતારીને કહ્યું, ‘ખુશ રહો’.
મુંબઈ સ્ટેશન નજીક આવ્યું ત્યારે મારું દિલ ધડકવા લાગ્યું. કારખાનાના ધૂમાડા, લોકલ
ટ્રેનોનો અવાજ, સ્ટેશનોની ગંદકી. હું સહેજ ડરી ગઈ. અમે ‘સીવ્યૂ હોટેલ’માં રોકાયા. સાંજે પાંચ
વાગ્યે અમે સેન્ડહર્ષ્ટ રોડ પહોંચ્યા. અબ્બાજી ઉપર ગયા, હું ટેક્સીમાં બેઠી હતી. થોડીવારમાં
અબ્બાજીની સાથે એક બીજો દેખાવડો છોકરો નીચે આવ્યો. એણે આદાબ કરીને કહ્યું, ‘કૈફી આવ્યા
નથી. તમે અંદર આવો. એ અંધેરી કમ્યુનમાં રહે છે.’ અબ્બાજીએ એને કહ્યું, અમે રોકાતા નથી. કૈફી આવે
તો એને હોટેલ મોકલી આપજો. સાંજે સાત વાગ્યે કૈફી અને મહેંદી અમારી હોટેલ આવ્યા. કૈફીને
જોઈને મારી આંખોમાં પાણી આવી ગયાં. રાતના બાર વાગ્યા સુધી અબ્બાજાન અને કૈફી વાતો કરતા
રહ્યા. કૈફીએ કહ્યું, ‘આપણે એકવાર મારું ઘર જોઈ લઈએ. શૌકતને ખબર હોવી જોઈએ કે મારી જિંદગી શું
છે’. અમે કૈફીની સાથે અંધેરી કમ્યુન પહોંચ્યા. અંધેરીનું ઘર, જેને એ લોકો ‘કમ્યુન’ કહેતા હતા. એ
સરસ મજાની હરિયાળી જગ્યાએ હતું. એવું લાગે કે જાણે આપણે કોઈ હિલસ્ટેશન પર છીએ. અહીં
કમ્યુનિસ્ટ પાર્ટીનું રહેઠાણ હતું. સચિન શંકર ગુલ, દીના પાઠક, પ્રેમ ધવન સિવાયના ઘણા લોકો
અહીંયા રહેતા. અહીં સૌના પોતપોતાના રૂમ હતા. કૈફીના રૂમમાં એક પલંગ, એક શેતરંજી, ગાદી-
તકિયો-ચાદર, એક તરફ નાનકડા ટેબલ ખુરશી, ન્યૂઝ પેપરના અને પુસ્તકોનાં ઢગલા. ચાનો એક મગ,
એક થાળી વાડકો અને એક ગ્લાસ, બસ! આટલો જ એમનો સામાન હતો! હું આ સાદગી પર ફીદા
થઈ ગઈ. અમે બધું જોયું. અબ્બાજીએ પણ બરાબર સમજી લીધું. બહાર નીકળ્યા ત્યારે અબ્બાજીએ
મને કહ્યું, ‘તે બધું જોઈ લીધું છે. હવે કાલે તું મને એમ કહીશ કે, કૈફી કશું કમાતા નથી અને મારે
છૂટાછેડા જોઈએ છે એ નહીં ચાલે. મેં તારું જીવન તારી રીતે જીવવાની તક આપી છે, પણ આપણા
ખાનદાનમાં દીકરી લગ્ન કરે પછી મરીને જ એના શૌહરના ઘરેથી પાછી આવે છે એટલું યાદ
રાખજે.’ મેં એમને કહ્યું કે, કૈફી તો કવિ છે, પણ કદાચ એ માથે માટી ઊંચકીને મજૂરી કરતા હોત તો
પણ હું એમની જ સાથે લગ્ન કરત અને હું ક્યારેય પાછી નહીં આવું, તમને ક્યારેય નીચું જોવું પડે
એવી કોઈ સ્થિતિ ઊભી નહીં કરું એવું વચન આપું છું. એ પછી અબ્બાજીએ કોઈ જવાબ ન આપ્યો.
એમણે બંને ભાઈ (મારા બનેવી)ને કહ્યું, ‘કાલે આ બંનેના નિકાહ કરી દો. હું રજા લીધા વગર આવ્યો છું, મારે
પરમદિવસે પાછા જવું છે.’
બીજા દિવસે રઝિયા આપા મારા હાથમાં મહેંદી લગાવતી હતી. એમણે પોતાની
સોનાની બબ્બે ચૂડીઓ મને પહેરાવી અને કૈફીની તરફથી એક નાનકડી વીંટી આવી હતી એ પણ
પહેરાવી. સાંજે કાઝી આવ્યા ત્યારે જોશ મલીહાબાદી, મજાજ, કૃષ્ણ ચન્દ્ર, મહેન્દ્ર નાથ, સાહિર,
પિતરસ બુખારી અને એમના નાના ભાઈ જુલ્ફિકાર બુખારી, વિશ્વામિત્ર આદિલ, સિકન્દર અલી
વજ્દ, ઇસ્મત ચુગતાઈ, સરદાર જાફરી, સુલ્તાના આપા, રિફ્અત સરોશ, મીરાજી વગેરે. સરદાર
જાફરી અંદર આવીને મને પૂછ્યું, ‘તમને અખ્તર હુસૈન રિઝ્વી વલ્દ ફતેહ હુસૈન રિઝ્વી સાથે નિકાહ
કબૂલ છે?’ ત્યારે મને પહેલીવાર ખબર પડી કે, ‘કૈફી’નું સાચું નામ શું છે. કાઝીએ અમારો મઝહબ
પૂછ્યો ત્યારે ખબર પડી કે, કૈફી શિયા હતા અને હું સુન્ની. આવા લગ્નોમાં બે કાઝી હોવા જોઈએ…
હવે બીજા કાઝી ક્યાં શોધવા જવા. મારા બનેવીએ કહી દીધું, ‘અમને મંજૂર છે’ બસ! નિકાહ થઈ
ગયા. બધાએ મીઠાઈ ખાધી અને અમારી નવી જિંદગીની ખૂબસુરત શરૂઆત થઈ. બીજે દિવસે
જોશ મલીહાબાદીની મહેબુબાએ મને બે રૂપિયા મુહ દિખાઈ આપી અને એ દિવસે હું અને કૈફી
અબ્બાજાનને મૂકવા સ્ટેશને ગયા.
પાછા આવતા અમે અંધેરી સ્ટેશન સુધી લોકલ ટ્રેનમાં આવ્યા. અંધેરીથી અમે
વિક્ટોરિયા કરી. વિક્ટોરિયાના પૈસા, પેલા બે રૂપિયામાંથી-એક રૂપિયો મેં ચૂકવ્યો.
કમ્યુન પહોંચીને સૌથી પહેલાં મેં કૈફીનો રૂમ સાફ કર્યો. પલંગ બહાર કાઢી નાખ્યો.
નીચે અખબાર પાથરીને એના પર ગાદી અને રંગીન ચાદર પાથરી. પુસ્તકો સરખા મૂક્યા.
એલ્યુમિનિયમના મગ અને ગ્લાસને બરાબર ચમકાવી દીધા. એક કાચના ગ્લાસમાં થોડાં ફૂલ મૂક્યા
અને મારા હાથે રંગેલા દુપટ્ટાથી બારીને પડદો લગાવ્યો… કૈફી જોતા રહ્યા અને પછી ખૂબ સ્નેહથી
બોલ્યા, તું મારી જિંદગીને ખૂબસુરત બનાવવા માટે જ આવી છે. એણે મારા હાથમાં 500 રૂપિયા
મૂક્યા, ‘અબ્બાજાન જતાં જતાં મને આપી ગયા હતા’ એમણે કહ્યું.
બીજા દિવસ સવારથી એક નવી જિંદગી શરૂ થઈ. કમ્યુનમાં રહેતા બધા માટે એક જ
તપેલામાં ચા મૂકાતી. એક જ ખાવાનું બનતું. એક નેપાળી છોકરો હતો એ બધાનું ખાવાનું બનાવતો.
એ જ રૂમની સફાઈ કરતો અને એ જ આ લોકોના કપડાં પણ ધોઈ દેતો. સુલ્તાના આપા અને મેં
મળીને બધું સાફ કર્યું. દરેકના રૂમ ચોખ્ખા કર્યા. મીઠા ચાવલ અને આલુ ભુર્તા બનાવ્યા. એ દિવસે
બધા જ્યારે પાછા ફર્યા ત્યારે દીના અને બીજા કોમરેડોએ કહ્યું, ‘લાગે છે તમે આ કમ્યુનને ઘર
બનાવીને જ છોડશો!’
હું તો એક ગૃહિણી બનવા આવી હતી. મને ખબર નહોતી કે, મારા અલ્લાહ અને કૈફી બંને મારા
માટે કોઈ જુદા જ ભવિષ્યની કલ્પના કરી રહ્યા હતા.
(ક્રમશઃ)