કહાં ગયે વો લોગ?

કેન્દ્રિય ગૃહ વિભાગે સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, રાજ્યમાં દર
વર્ષે લગભગ 1500થી વધુ છોકરીઓ લાપતા થાય છે જે 18 વર્ષથી નાની છે. ગુજરાતમાં 2017માં
1528, 2018માં 1680, 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓ
ગૂમ થઈ હતી. આ સત્તાવાર રીતે નોંધાયેલી ફરિયાદના આંકડા છે. આ સિવાય નાના ગામોમાં કે
આદિવાસી વિસ્તારોમાં ગૂમ થયેલી છોકરીઓ વિશે આપણી પાસે કોઈ માહિતી નથી. કેટલાક
પરિવારો પ્રતિષ્ઠાની બીકે તો કેટલાક લોકો ગુસ્સામાં, દીકરી પ્રેમી સાથે જ ભાગી ગઈ હશે એમ
માનીને ફરિયાદ લખાવતા નથી એને કારણે આપણને સાચા આંકડાની જાણ થતી નથી.

ગુજરાત પોલીસ પ્રયાસ કરે છે, પરંતુ આ ગૂમ થયેલી છોકરીઓ પૈકી વર્ષ 2017માં 1177,
2018માં 1321, 2019માં 973, 2020માં 920 અને 2021માં 1109 છોકરીઓ પરત મળી
આવી હતી, પણ હજુ સુધી 365 છોકરીઓ ગૂમ છે, એમ સત્તાવાર આંકડા કહે છે. ક્યાં જાય છે આ
છોકરીઓ? કેમ ભાગે છે કે પછી કોઈ ઉપાડી જાય છે? 18 વર્ષથી નીચેની આ છોકરીઓ કેટલીકવાર
પરીક્ષા અને પરિવારની બીકે, કેટલીકવાર ‘પ્રેમ’ના નામે ભરમાઈને તો ક્યારેક આદિવાસી અને પછાત
વિસ્તારોમાંથી શહેરમાં લઈ જઈને ‘કામ અપાવવા’ની લાલચ સાથે લઈ જવામાં આવે છે. આપણને
નવાઈ લાગે, પરંતુ કેટલીકવાર ચાર-પાંચ સંતાનો હોય ત્યારે માતા-પિતા પણ ઝાઝું વિચાર્યા વગર
પૈસાની લાલચે પોતાની દીકરીને ઠંડકથી લગભગ અજાણ્યા કહી શકાય એવા માણસના હાથમાં સોંપી
દેતા હોય. એ સિવાય જે સૌથી મોટો અને ભયજનક મુદ્દો છે એ લવજેહાદનો છે.

વિધર્મી છોકરાઓ કેટલીકવાર પોતાનું સાચું નામ પણ કહેતા નથી, હિન્દુ નામ સાથે છોકરીની
ઓળખાણ કરવી, એને હરવા ફરવા લઈ જવી, ભેટસોગાદો આપવી અને ચાલાકીપૂર્વક કોઈ ખાલી
મકાનમાં કે હોટેલના રૂમમાં લઈ જઈને એનો વીડિયો કરવો, અમુક પ્રકારના ફોટા પાડીને એને
બ્લેકમેઈલ કરવાથી શરૂ કરીને ભગાડીને લગ્ન કર્યા પછી વેચી દેવા સુધીના કિસ્સા બને છે, જેને
નકારી શકાય એમ નથી. પરીક્ષા કે રિઝલ્ટના ભયથી ઘર છોડીને ભાગી જતી છોકરીઓ ખોટા હાથમાં
પડી જાય છે. ક્યારેક માતા-પિતાની સખ્તી અને શંકાશીલ વર્તન એમને આવા છેલબટાઉ છોકરાઓ
તરફ ધકેલે છે.

ખોવાઈ જતી કે ભાગી જતી છોકરીઓમાં બે ક્લાસ છે. પહેલો ક્લાસ ઉચ્ચ મધ્યમવર્ગ કે
શ્રીમંતનો છે, જ્યાં દીકરીને બધી છૂટ છે. મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતી આ છોકરીઓ
સમય કરતાં વહેલી મોટી થઈ જાય છે. આજે 13-14 વર્ષની છોકરી શારીરિક અને માનસિક રીતે
પૂરેપૂરી પરિપક્વ હોય છે. નવમા-દસમા ધોરણમાં પહોંચતા સુધીમાં જો એને ‘બોયફ્રેન્ડ’ ન હોય કે
‘રોઝ ડે’ના દિવસે કોઈ ગુલાબ ન આપે, ‘વલેન્ટાઈન ડે’ના દિવસે કોઈ પ્રપોઝ ન કરે તો પિયર ગ્રૂપ
(એના મિત્ર વર્તુળમાં) એ ફીલિંગ ઓફ મિસિંગ આઉટ (ફોમો)નો શિકાર બની જાય છે. અંદરોઅંદર
એટલી બધી હરિફાઈ જોવા મળે છે જેમાં કોની પાછળ કેટલા છોકરા દિવાના છે એના આંકડાની
કોઈ વિચિત્ર પ્રકારની સરખામણી થતી હોય છે. કોના ઈન્સ્ટા પર કેટલા ફૉલોઅર છે અને કોને કેટલી
લાઈક્સ મળે છે એની લ્હાયમાં મૂકવામાં આવતા ફોટા સુંદર દેખાવાની હરિફાઈમાંથી ક્યારે વલ્ગર
બની જાય છે એની આ છોકરીઓને પોતાને પણ ખબર નથી રહેતી. ગ્રૂપના બોય્ઝ સાથે ડેટમાં ક્યારેક
એમને કોલ્ડ્રીંકમાં કે શરાબમાં ડેટ ડ્રગ આપવામાં આવે છે, તો ક્યારેક પોતાની જાતને સાબિત કરવાના
ઝનૂનમાં આ છોકરીઓ શરાબ, સિગરેટ કે ડ્રગ્સ લઈને સ્વયંનું નુકસાન કરી બેસે છે. કુલ મળીને
પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે, ઘેર વાત થઈ શકે એમ હોતી નથી. પોતાની જાતને ‘મોર્ડન’નું લેબલ
લગાવીને ફરતાં માતા-પિતા દીકરીની તકલીફ સમજી શકે એટલા સમજદાર કે આધુનિક હોતા નથી. આવા સમયે
એમને ‘પ્રતિષ્ઠા’ અને ‘સમાજ’નો ભય લાગે છે. સત્ય તો એ છે કે, 13-14 વર્ષની દીકરીને બેસાડીને
સેક્સ એજ્યુકેશન, ડેટ રેપ, પ્રેગ્નેન્સી માટેના પ્રોટેક્શન જેવી બાબતો વિશે હવે સમજણ આપવી એ
એમના ઉછેરનો ભાગ બની ગયું છે. એ વિશે શરમાવા, અચકાવા કે સંકોચાવાને બદલે દીકરી સાથે
દિલ ખોલીને વાત કરવાથી કદાચ આત્મહત્યા અને ભાગી જવાના કિસ્સા ઘટાડી શકાય.

બીજો ક્લાસ લોઅર મિડલ અને ગરીબ વર્ગનો છે, જેમાં આદિવાસી, ઘરકામ કરતી
છોકરીઓ કે નીચલા મધ્યમવર્ગની એવી દીકરીઓ છે જે ટીવી ઉપર અને હોર્ડિંગ્સમાં જાતભાતની
વસ્તુઓ જુએ છે. સહજ છે કે, એક યુવાન છોકરીનું મન લલચાય. હવે સ્માર્ટ ફોનમાં પણ
વેબસીરિઝ અને સિનેમા જોઈ શકાય છે. જેમાં સેક્સના દ્રશ્યો પર કોઈ રોકટોક નથી. ઘરમાં વાત કરી
શકાય એવા માતા-પિતા કે વાતાવરણ નથી, આવી છોકરીઓનું કુતૂહલ અને બદલાતા હોર્મોન એમને
જે છોકરા પ્રત્યે આકર્ષિત કરે છે એ સાચો, સારો અને પ્રામાણિક ન હોય ત્યારે આવી છોકરીઓ
સપડાય છે. ભાગી ગયેલી કે સપડાઈ ગયેલી છોકરી પાસે કાં તો પાછા ફરવાની જગ્યા હોતી નથી
અને કાં તો એને પાછી ફરવા દેવામાં આવતી નથી. નાના ગામની આદિવાસી છોકરીઓને કેવી રીતે
પાછા ફરવું એ પણ ખબર હોતી નથી. મુંબઈ, કલકત્તા જેવા શહેરમાં એનો સોદો થઈ જાય અથવા
ખાડીના દેશોમાં કે બહાર મોકલી દેવાય એ પછી આ છોકરીઓનો કોઈ પત્તો મળતો નથી. ઓછું
ભણેલી, અણસમજુ અને ઘર કે ગામની બહાર નહીં ગયેલી છોકરીઓ પાસે એવી હિંમત કે સાહસ
હોતા નથી કે આવી પરિસ્થિતિમાં રસ્તો કાઢીને છટકવાનો વિચાર પણ કરી શકે!

આપણે એક ભયાનક સમયમાં પ્રવેશી ગયા છીએ. સોશિયલ મીડિયા અને ટેલિવિઝન-
ઓટીટીએ દુનિયાભરના દુષણોને આપણા ઘરમાં ખડકી દીધા છે. સાંજના સાત વાગ્યા પહેલાં
ઘરમાં આવી જવાના પારિવારિક નિયમો કે ક્યાં જાય છે તે કહીને જવાની પારિવારિક ડિસિપ્લિન હવે
ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે. સંતાનોના સેલફોન લોક હોય છે, એ કોની સાથે શું વાત કરે છે એ
જાણવું માતા-પિતા માટે અશક્ય છે. ફેસબુક, ઈન્સ્ટા, સ્નેપચેટ જેવાં માધ્યમો અને ડેટિંગ એપ્સને
કારણે હવે માતા-પિતાનો કંટ્રોલ તો રહ્યો નથી.

આ ભાગી જતી, ખોવાઈ જતી, વેચાઈ જતી કે ગૂમ થઈ જતી છોકરીઓના લિસ્ટમાં જો
આપણા સંતાનનું નામ ન જોડાય એવું ઈચ્છતા હોઈએ તો સજાગ અને સભાન થવું, શંકાશીલ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *