કકળાટ કરે તે જીતે મનવા, શાંત રહે તે હારે?

અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે, શાંત રહેવું, ક્ષમા કરવી અને સ્નેહ કરવો એ જ જીવનનું
સત્ય છે. કેટલાક વડીલો વારંવાર કહે છે, ‘ફાવશે, ચાલશે, ગમશે ને ભાવશે’ – આ ચાર શબ્દો શીખી
જાઓ તો સુખી થઈ શકાય. લગ્ન કરીને સાસરે જતી દીકરીને પણ આજથી બે-ત્રણ દાયકા પહેલાં
એવી જ સલાહ આપવામાં આવતી, ‘સહન કરજે, શાંત રહેજે અને ઉશ્કેરાઈને ગમે તેમ નહીં
બોલતી’, પરંતુ છેલ્લા થોડા સમયથી જાણે કે આ સલાહ, આ સમજણ અને સહનશીલતાનો ગુણ
ધીમે ધીમે નકામા પૂરવાર થવા લાગ્યા છે. મોટાભાગના ઘરોમાં એવું જોવા મળે છે કે, ઝઘડતા,
દાદાગીરી કરતા, કકળાટ કરતા લોકો પોતાનું ફાવતું, ભાવતું અને મનગમતું કરાવી જાય છે, જ્યારે
શાંત કે ચૂપ રહેનાર, જતું કરનાર, પોતાના અધિકાર માટે અવાજ નહીં ઊઠાવનાર વ્યક્તિને અંતે
અન્યાય થાય છે! આના જવાબમાં કેટલાક લોકો કહે છે, ‘ઘોર કળિયુગ!’ બીજી તરફ ક્યાંક એવું પણ
જોવા મળે છે કે, શાંત રહેનાર, સહન કરનાર અને જતું કરનાર વ્યક્તિને અંતે પ્રશંસા, સન્માન અને
સુખ મળે છે, જ્યારે શોર્ટ ટર્મ ગેઈન મેળવનાર, ઝઘડતા, કકળાટ કરતા કે ધાર્યું કરાવતા લોકો અંતે
એકલા પડી જાય છે, હેરાન થાય છે અને એમને પસ્તાવો થાય ત્યારે પરિસ્થિતિમાં કશું બદલી શકાય
એવું રહેતું નથી.

કેટલાક લોકો પરિવારમાં, ઘરમાં પોતાના કકળાટને કારણે ‘ભઈસા’બ! એને સાચવજો’ જેવાં
વાક્યો સાથે સચવાય છે. કોઈ એમને છંછેડતું નથી, એને કારણે એમને પોતાની મનફાવતી રીતે
જીવવાની તક અને હક્ક બંને મળી જાય છે. બીજી તરફ, ‘એ તો સમજી જશે’ અથવા ‘એને તો
કહેવાય’ જેવાં વાક્યો સાથે સમજદાર અને સહનશીલ વ્યક્તિએ ઘણીવાર અન્યાયનો સામનો કરવો
પડે છે.

મહત્વનો સવાલ એ છે કે, આ બેમાંથી કઈ રીત સાચી? કકળાટ કરીને, ઝઘડીને, પોતાનું ધાર્યું
કરાવી લેવું, કે પછી ધીરજથી, શાંતિથી, આપણા મન પર સંયમ રાખીને આપણી શાંતિ જાળવી
રાખવી? ફાયદો શેમાં છે? માગેલું મળી જાય એમાં કે સમાધાન કરીને શાંત રહેવામાં?

આનો જવાબ એ છે કે, કકળાટ કરીને કદાચ આપણને જે જોઈતું હોય તે મળી જાય, પરંતુ
ખરેખર આપણે એનો આનંદ લઈ શકીએ છીએ ખરા? ‘જીતવું’ અને ‘જીવવું’ બે તદ્દન જુદી પ્રક્રિયા
છે. જીતી ગયેલા બધા સારી રીતે જીવી શકતા નથી… પરંતુ, સારી રીતે જીવનાર દરેક વ્યક્તિ અંતે
જીતે છે એટલું નક્કી છે. જે લોકો કકળાટ કરીને, ધાર્યું કરાવે છે, પોતે જે ઈચ્છે એ જ રીતે બીજાએ
વર્તવું, જીવવું કે ખાવું-પીવું, બોલવું એવો આગ્રહ-હઠાગ્રહ કરીને પોતાની જ મરજી ચલાવે છે એ
લોકોને કદાચ ભયથી નમતા કે કકળાટથી કાયર થઈને દલીલ પડતી મૂકતા માણસો મળી રહેતા હશે,
પરંતુ એમને ક્યારેય સ્નેહ, લોકપ્રિયતા કે સાચો સાથ મળતો નથી. એમની પીઠ પાછળ દરેક વખતે
એમની બુરાઈ અને એમને કારણે થયેલી તકલીફ વિશે જ ચર્ચા કરવામાં આવે છે. યુવાનીમાં કે
હાથપગ ચાલતા હોય ત્યારે આવા લોકો કદાચ બહુ મજા કરે છે એવી આપણને ભ્રમણા થાય, પરંતુ
એમની વૃધ્ધાવસ્થા એકલવાયી અને પીડાદાયક હોય છે કારણ કે, એમણે જેમને તકલીફ આપી હોય,
જેના પર દાદાગીરી કરી હોય એ બધા સમય સાથે એમનાથી દૂર થતા જાય છે. આવા તોછડા,
દાદાગીરી કરતા લોકો પાસેથી ફાયદો મળે ત્યાં સુધી સૌ એમની જોહુકમી સહન કરે છે, પરંતુ પદ કે
સત્તા, સંપત્તિ કે સંબંધોની મહત્તા ઘટી જાય એ પછી આવા લોકોને કોઈ યાદ પણ કરતું નથી અને
બીજી તરફ, જે લોકો શાંત રહ્યા હોય, સમાધાન કર્યાં હોય, ઘરની શાંતિ કે પરિવારના સુખ માટે
બોલીને બગાડવાને બદલે મૌન રહેવામાં જ સૌનું ભલું છે એમ માનીને અપમાન પણ સહન કરી લીધું
હોય એવા લોકોને અંતે, વૃધ્ધાવસ્થામાં કે પાછલી ઉંમરે સ્નેહ, સન્માન અને સ્વજનોનો સાથ મળી
રહે છે.

કદાચ, કોઈ દલીલ કરે કે, ‘આવું બધા સાથે નથી થતું’ …તો, વાત સાચી છે. દરેક નિયમમાં
અપવાદ હોય જ છે. દરેક વ્યક્તિને એની સમજણ કે સમાધાનનું ફળ જે જોઈતું હોય, જેવું જોઈતું
હોય એવું મળે જ, એવું કદાચ ન પણ બને, પરંતુ સામાન્ય રીતે એવું બને છે કે, સારા લોકો સાથે અંતે
સારું જ થાય છે. કુંડળી, જ્યોતિષમાં માનીએ તો કેટલીકવાર આપણા પૂર્વજન્મના કર્મોને કારણે પણ
આપણે કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. કદાચ, પૂર્વજન્મ અને પુનર્જન્મમાં ન માનીએ
તો પણ, એટલું તો નિશ્ચિત જ છે કે, વ્યક્તિએ પોતાના વિચાર, વાણી અને વર્તનનું ફળ ભોગવવું જ
પડે છે. સારાનું સારું, અને ખરાબનું ખરાબ. આ વાત શરૂઆતમાં ન સમજાય એવું બને, પરંતુ સમય
સાથે મોટાભાગના કિસ્સામાં આપણને આ વાત સાચી પડતી દેખાય છે.
મુણ્ડકોપનિષદ્ નો એક શ્લોક કહે છે,

सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ।।

સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. દેવતાઓના વિચરણનો માર્ગ સત્યથી જ છવાયેલો
છે. જ્યાં સત્યનું પરમ સ્થાન છે ત્યાં શાંત અને ક્ષમાશીલ વ્યક્તિ સત્યની સહાયથી જ પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *