આજે 9 જૂન. ભારતીય આઈપીએસ અધિકારી કિરણ બેદીનો જન્મદિવસ. હવે તો
દેશની કેટલીય છોકરીઓ આઈપીએસ બની છે અને કેટલીય આઈપીએસ બનવાના સપનાં
જુએ છે-મહેનત કરે છે ત્યારે એમની આત્મકથા ‘આઈ ડેર’ના કેટલાક અંશ…
1972ના જુલાઈમાં મારી પસંદગી ભારતની પહેલી મહિલા આઈપીએસ તરીકે થઈ
ત્યાં સુધી મેં આ જ નોકરી કરી. આઈપીએસના ઈન્ટરવ્યૂમાં મને એવી સલાહ આપવામાં
આવેલી કે પુરુષોના વર્ચસ્વવાળી આ નોકરી તમને નહીં ફાવે. તમારું જીવન કઠિન બની
જશે. પારિવારિક સંબંધો પર ધ્યાન નહીં આપી શકો પણ મારે માટે તો આઈપીએસ પાસ
કરવું એ જીવવા જેટલું, શ્વાસ લેવા જેટલું અગત્યનું હતું. મારે કોઈપણ સંજોગોમાં
આઈપીએસ કરવું જ હતું એટલે હું તો સીધી નેશનલ પોલીસ એકેડેમી-માઉન્ટ આબુ પહોંચી
ગઈ. ત્યારે મારા લગ્નને પાંચ જ મહિના થયા હતા!
મને 1981માં ડીસીપી ટ્રાફિક તરીકે પોસ્ટિંગ મળ્યું. દિલ્હીનો ટ્રાફિક એટલે ન માની
શકાય એવી ગેરવ્યવસ્થા. એમાં 1982નો એશિયન રમતોત્સવ શરૂ થવાનો હતો એટલે ઠેર ઠેર
ફ્લાયઓવર અને 19 જેટલા સ્ટેડિયમનું બાંધકામ ચાલુ હતું… આ ભયાનક ટ્રાફિકની
ગેરવ્યવસ્થા અને એની સામે રોજ બદલાતા રૂટ્સ! હું પાંચ વાગ્યે ઊઠી જતી. છથી સાત,
સાડા સાત ઓફિસમાં હાજરી આપીને આઠ વાગ્યે લાઉડ સ્પીકરવાળી સફેદ એમ્બેસેડરમાં
મારા રાઉન્ડ શરૂ થતા. સિગ્નલના ટાઈમિંગ ચેક કરવાના, રસ્તાની ધારે ઊભા કરાયેલા
વાહનો ખસેડવાના, ફરજ પરના સ્ટાફનું ચેકિંગ કરવાનું… એ દિવસોમાં મારું ગળુ ખરાબ
થઈ ગયેલું, એટલી બૂમો પાડવી પડતી. એક વાગ્યે લન્ચ કરવા મારી ઓફિસ આવતી. અન્યો
ડિપાર્ટમેન્ટ સાથેની મિટીંગ, (ડેસુ) દિલ્હી ઈલેક્ટ્રીક વિભાગ, (ડીડીએ) વિકાસ પ્રાધિકરણ,
નેશનલ ટ્રાન્સપોર્ટ, પ્લાનિંગ એન્ડ રિસર્ચ, ટ્રાફિક એન્જિનિયરીંગ… ઓહ માય ગોડ! મને
લાગ્યું હતું કે હું ગાંડી થઈ જઈશ. હું કામ તો બરાબર કરતી હતી. એશિયન ગેમ્સ સુધી હું એ
જ પોસ્ટ ઉપર રહી. 4 ડિસેમ્બર, 1982ના ઈન્ડિયન એક્સપ્રેસમાં મારા વખાણ કરવામાં
આવ્યા.
બસ ! પછી શું ? મારાથી નારાજ એવી એક લોબી તૈયાર થઈ ગઈ. એક તો
ડિસિપ્લિન અને એમાંય સ્ત્રી ! એ તો બધા પૈસાથી પોતાનું કામ કરાવનારા બિલ્ડર્સ અને
ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ હતા. એમાંય ૧૯૮૨ના ઓગસ્ટ મહિનામાં કોનોટ પ્લેસના એક ગેરેજ
સામે ખોટી જગ્યાએ પાર્ક કરવા બદલ ખુદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કાર (ડીએચઆઈ
૧૮૧૭)ને ચલણ અપાયું. કાર ક્રેન મારફત ઘસડી લાવવામાં આવી… ૨૮ ઓગસ્ટના ‘સન
ડે પેપર’માં એ વિશેનો અહેવાલ પ્રસિધ્ધ થયો પણ એ વખતે એમની પીઠ થાબડવાને બદલે
ઓસ્ટ્રેલિયા અને પછી જાપાન જઈને ટ્રાફિક નિયમન માટેની ટ્રેનિંગ લેવા માટે મને
સ્કોલરશિપ ઓફર થઈ. મેં સ્કોલરશિપનો અસ્વીકાર કર્યો. એ વખતે રંગીન ટેલિવિઝન શરૂ
થયા હતા. આવાં પ્રસંગોએ ડીસીપી ટ્રાફિક જાતે જાહેરજનતાને સંબોધન કરે છે, ટ્રાફિક
નિયમનની સૂચના આપે છે, પરંતુ મને કહેવામાં આવ્યું કે તમે નહીં આવો તો ચાલશે,કોઈ
જુનિયર અધિકારીને મોકલી આપજો. હું સમજી શકતી હતી કે એની પાછળ એમનો સંદેશો
શું હતો ! ૧૯ સ્ટેડિયમ, દરેક સ્ટેડિયમ પર નિયમન અને વ્યવસ્થા માટે એક જણ હતો, મેં
એમને કહ્યું, ‘‘ડીસીપી હું એકલી છું, તમે કહો તો દરેક સ્ટેડિયમ પરથી એક-એક જણને
મોકલી આપું !’’
૧૯૮૮માં એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)નો હવાલો મને સોંપવામાં આવ્યો.
એ સમય દરમિયાન ફરી એક વાર છાપાઓએ મારું નામ ચગાવ્યું. ઉત્તરપ્રદેશના ચકરાતા
તાલુકા પર ત્રાટકીને મેં ગેરકાયદે અફીણની ખેતી બંધ કરાવી. જાત દેખરેખમાં બાર હેક્ટર
જેટલી જમીનમાં ઉગાડેલા અફીણ ડોડા અને ગાંજાનો નાશ કર્યો. એ વખતના સાંસદ
બ્રહ્મદત્ત સાથે સીધું ટકરાવાનું બન્યું. હું જાણું છું કે એ વખતે આ બહુ મોટું સાહસ હતું. તેમ
છતાં હું તો મારું કામ બરાબર કરી રહી હતી એ વાતનો મને સંતોષ હતો. ૧૯૮૬માં ઉત્તર
દિલ્હીના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પદે હતી ત્યારે દારૂ એ સમયનો મુખ્ય ધંધો હતો.
હવે હેરોઈન પ્રચલિત હતું. મેં જોયું કે લગભગ બધા ગુનેગારોની પત્નીઓ, મા કે બહેનો
એમને બચાવતી, પણ આ ગુનેગારો એમને જાનવરથી બદતર હાલતમાં રાખતા. મેં નક્કી કર્યું
કે હું આ પરિસ્થિતિ બદલીશ. મેં રોજ બપોરે બેથી પાંચ સુધી દરબાર ભરવાનું શરૂ કર્યું.
અઢીસો-ત્રણસો લોકો રોજ આવતા. જામીન મેળવવા, સજાપાત્ર ગુનાઓની માહિતી
મેળવવા. હું જાતે-પોતે રોજના બસ્સો માણસોની વાત સાંભળતી. કેટલા બધા કેસીસ
તીસહજારી કોર્ટના વકીલોની દખલગીરી વગર જ સેટલ થઈ ગયા ત્યારે મને સમજાયું કે મેં શું
ભૂલ કરી હતી !
તિહાડ જેલમાં આઈ.જી. થવું એ આમ તો પનીશમેન્ટની પોસ્ટિંગ છે. અહીં નથી
કોઈ બઢતી કે વિકાસની તક, નથી નોકરી કરનારાઓ વિશે કોઈ સરકારી કાળજી.
કર્મચારીઓમાં હતાશા છે. તિહાડ જેલના કર્મચારીઓ જે સ્થિતિમાં છે એ જોયા પછી મને
સમજાયું કે કેદીઓની હાલત ખરાબ હોય એમાં કંઈ નવાઈ નથી.
મેં પહેલી વાર ફરિયાદ પેટીઓ દર અઠવાડિયે ખોલવાની સિસ્ટમ શરૂ કરાવી. અહીંયા
ફરિયાદ પેટીઓ હતી, પણ એને ખોલવાની સિસ્ટમ નહોતી. મોટેભાગે આ ફરિયાદ પેટીઓ
ખુલે તો પણ એમાંની ફરિયાદો ફાડીને ફેંકી દેવાતી. ચાર વર્ષ સુધીની ઉંમરના બાળકો પણ
માતાની સાથે રહેતા. સાંજ પડે ત્યારે નાના છોકરાઓ મને આવીને કહેતા, ‘આન્ટી હું જાઉં
છું. અંદર પુરાવાનો સમય થઈ ગયો છે.’ એમને માટે ઘર એટલે અંદર પુરાઈ જવું. મેં આ બધી
પરિસ્થિતિઓ વિશે ગંભીર અને અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું. ડૉક્ટરો, પોલીસ
અધિકારીઓ અને રિમાન્ડ પર લેનાર અધિકારીઓની વચ્ચે પૈસા ખાવાની જે સિસ્ટમ હતી
એને તોડી નાખી. કેદીઓએ જેલમાં જ જમવું પડે એવો નિયમ કર્યો. એકબીજાની સામે વેર
ધરાવતા નામેરી ગુંડા, રીઢા ગુનેગારોને નિયમિત મળવાનું શરૂ કર્યું. એમના રૂમમાં ટીવી,
વિડિયો પ્લેયર અને પલંગો હતા. એ બધું જ જેલ ઓફિસમાં જમા કરાવી દીધું. મને ખબર
હતી કે આ બધું સાચી દિશામાં થઈ રહ્યું છે, પણ સરકાર એના વિશે શું પ્રતિભાવ આપશે
એની મને ખબર નહોતી. ૧૯૯૩ના જૂનમાં મેં યોગના વર્ગો શરૂ કર્યા. જેમને ભણવું હતું
એને માટે ભણવાની વ્યવસ્થા ઊભી કરી. જેલમાં વિપશ્યનાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો. આ
બધું અહીં પહેલી વાર થઈ રહ્યું હતું. શરૂઆતમાં જે લોકો મારી બદલી સામે પૂરી સખ્તાઈથી
લડવા તૈયાર હતા એ બધા હવે ધીમે ધીમે મારી બદલી ન થાય એવો પ્રયત્ન કરવા માગતા
હતા. દર ત્રીજા-ચોથા દિવસે રણકી ઉઠતી ખતરાની ઘંટી હવે ૧૫-૧૫ દિવસ સુધી રણકતી
નહોતી. મેં જેલ મેન્યુઅલને બાજુએ મૂકી દીધું એવા આરોપ છતાં તિહાડ જેલમાં મેં કરેલા
ફેરફારની મિડિયાના જગતે નોંધ લીધી. મને ખૂબ જ સહકાર મળ્યો. તિહાડ જેલમાં મેં
કેટલાક એવા ફેરફાર કર્યા જે છેલ્લા ૪૦-૪૦ વર્ષમાં કોઈએ કલ્પ્યાં નહોતા.
એ વખતે અમલદારોને એમ હતું કે હું રડતી-કકળતી બદલી માગવા આવીશ, પણ
તિહાડમાં જે સુધારા કર્યા એના બદલામાં મને મૅગસેસે એવોર્ડ અને નહેરુ ફેલોશીપ જેવા
એવોર્ડ મળ્યા. બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન સાથે પ્રાર્થના પછી ઉપહાર માટે નિમંત્રણ
આપ્યું…
જોકે, મારા ઉપરીઓને આ સખત પેટમાં દુખ્યું. ૨૧ એપ્રિલ, ૧૯૯૫ના ‘ઈન્ડિયન
એક્સપ્રેસ’માં એક પત્ર છપાયો. જેમાં ઉપરાજ્યપાલે મારી વિરુદ્ધ જાત-ભાતની ફરિયાદ કરી
હતી. ૮,૦૦૦ કેદીઓની જેલમાં હું સલામતી જોખમાય તેવી પ્રવૃત્તિ કરી રહી છું ત્યાંથી શરૂ
કરીને બીજી અનેક ફરિયાદો હતી. મેં તિહાડ જેલનું નવું નામાભિધાન કર્યું હતું, ‘તિહાડ
આશ્રમ’.
મારી બદલીનો પત્ર આવ્યો ત્યારે તિહાડ જેલમાં એક વિચિત્ર સન્નાટો વ્યાપી ગયો.
એક વર્ષ પછી મળેલી આ બદલી કેદીઓ જ સ્વીકારવા તૈયાર નહોતા. મારી બદલી પછી
એમણે તિહાડનું નામ પાડ્યું, ‘તિહાડ અનાથ આશ્રમ’.