કમલા દાસઃ પ્રામાણિકતા માત્ર પુરુષનો ઈજારો નથી

વર્જિનિયા વૂલ્ફે પોતાના લેખ પ્રોફેશન્સ ફૉર વીમેનમાં લખ્યું છે કે, ‘દુનિયાની કોઈ પણ સ્ત્રી
લેખક બનવા માગે ત્યારે એણે પોતાની અંદર રહેલી એન્જલ ઈન ધ હાઉસનો ભોગ આપવો પડે છે.
એણે પોતાના દૈહિક અનુભવો અંગે જે સચ્ચાઈ ઉચ્ચારવાની હોય છે એ કહેતી વખતે એનામાં રહેલી
અત્યંત સહાનુભૂતિપૂર્ણ, અત્યંત સ્વરૂપવાન અને તદ્દન નિઃસ્વાર્થ એવી ગૃહલક્ષ્મીને ક્યારેક આગવી
ઈચ્છા કે આગવા વિચાર હોઈ શકે જ નહીં. પોતાના શરીર વિશેનું સત્ય કહેવું એ કોઈ પણ સમયની સ્ત્રી
માટે સૌથી મુશ્કેલ બાબત છે.’ સાથે જ એણે પોતાના લેખમાં સ્વીકાર્યું હતું કે, ‘મારી અંદરની એન્જલ
(ફરિશ્તા જેવી પવિત્ર)-ગૃહલક્ષ્મીને મેં મારી નાખી છે, પરંતુ મારા દૈહિક અનુભવો વિશે બધું જ સાચું હું
કહી શકી નથી અને મને શંકા છે કે કોઈ સ્ત્રી આવું કરી શકે.’ વર્જિનિયા વૂલ્ફે 1935ની આજુબાજુ લખ્યું
હોવું જોઈએ જ્યારે 2000ની સાલમાં, 60-65 વર્ષ પછી પણ તસલીમા નસરીનની આત્મકથામાંથી
એના બોયફ્રેન્ડ સાથેના સંબંધ વિશેના ચાર પાનાં કાઢી નાખવાની એને ફરજ પાડવામાં આવી… સ્ત્રી
જ્યારે લખે છે ત્યારે એના તમામ લખાણમાંથી આત્મકથા શોધીને એના અંગત સંબંધો વિશે ખણખોદ
કરવામાં સમાજને એક પ્રકારની ક્રૂર મજા આવે છે. એની સામે જ્યારે પુરુષ આત્મકથા લખે છે ત્યારે
એની નિખાલસતા અને આટલી મોટી લોકપ્રિયતા કે સત્તા પછી પણ એ ‘કબૂલાત’ કરી શકે છે એ વિશે
આ જ સમાજ તાલીઓ પાડીને એનું બહુમાન કરે છે.

સ્ત્રીને પોતાના સંબંધ પોતાની મરજીથી પસંદ કરવાની કે પોતાની ટર્મ્સ પર જીવવાની બહુ મોટી
કિંમત ચૂકવવી પડે છે. આ સદીઓ પહેલાંની વાત નથી, ગઈકાલની અને આજની વાત છે. અમૃતા
શેરગીલ નામની ચિત્રકારે એના જ કઝીન સાથે લગ્ન કર્યાં અને અંતે એને ધીમું ઝેર આપીને મારી
નાખવામાં આવી. રવીન્દ્રનાથ ટાગોરના ભાભી કાદંબરીદેવીએ પોતાના દિયર સાથેના પ્રણય સંબંધમાં
આપઘાત કર્યો, તો સિલ્ક સ્મિતા, ઝીયા ખાન, પ્રત્યુષા બેનર્જી પણ એ જ રસ્તે નીકળી ગયા. મધુમિતા કે
સુનંદા થરુરના ખૂન, શ્રીદેવીનાં મૃત્યુનું વણઉકલ્યું રહસ્ય… આપણને એટલું સમજાવે છે કે, આપણે
સ્વતંત્રતા અને સશક્તિકરણની ગમે એટલી વાતો કરીએ, પરંતુ આપણે માનસિક રીતે હજી એ જ
અંધારામાં જીવી રહ્યા છીએ.

જેટલી સ્ત્રીઓએ આ અંધારામાંથી નીકળવાનો પ્રયાસ કર્યો છે એમને પોતાના સમયમાં ક્યારેય
ન્યાય મળ્યો નથી. મીરાંથી શરૂ કરીને મીનાકુમારી સુધીની બધી જ સ્ત્રીઓ એમના મૃત્યુ પછી મહાન થઈ
છે!

આજે એવી જ એક સ્ત્રીને યાદ કરવાનો દિવસ છે જેની આત્મકથા ‘માય સ્ટોરી’ પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો હતો. આવતીકાલે, 31 મેના દિવસે એમની મૃત્યુ તિથિ છે. કમલા દાસ, અથવા કમલા
સુરૈયા. જેના લગ્ન 15 વર્ષની ઉંમરે એક બેન્ક ઓફિસર સાથે કરી દેવામાં આવ્યા. એના પતિની ઉંમર
એનાથી ડબલ હતી. 15 વર્ષની છોકરીને લગ્નજીવન કે શરીર વિશે કશું સમજાય એ પહેલાં એના પતિના
ક્રૂર અને ભયાનક સ્પર્શમાં એણે અનેક શારીરિક યાતનાઓ ભોગવી. એની યાતનાઓ અને સ્ત્રી હોવાની
અનુભૂતિને એણે નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાઓમાં ઉતારી. એણે આત્મહત્યા ન કરી, બલ્કે
જીવનની આશા, પ્રેમ પામવાનો પ્રયાસ છોડ્યો નહીં. એના જીવનમાં અનેક પુરુષો આવ્યા. જેનો એણે
ગભરાયા કે શરમાયા વગર પોતાની આત્મકથામાં બેબાક સત્ય સાથે સ્વીકાર કર્યો. સમાજના નિયમો કે
પરિસ્થિતિની પીડાને ચૂપચાપ સ્વીકારીને સહન કરવાને બદલે એણે વિદ્રોહ કર્યો એટલું જ નહીં, એ
વિદ્રોહને શબ્દોમાં ઢાળીને વિશ્વભરની સ્ત્રીઓની પીડાને વાચા આપી. કમલા દાસ અથવા કમલા સુરૈયા
સાહિત્ય જગતનું એક એવું નામ ગણાય છે જેણે ભારતીય ભાષાઓની કવયિત્રીઓમાં એક અલગ ચીલો
ચાતર્યો.

મારી એક કવિતા…
પ્રેમ કરવા માટે પુરુષ મેળવવો સહેલો છે
બધું જ એને આપી દે સોગાતરૂપે,
આપી દે તમામ જેથી તને તું સ્ત્રી છે એવું લાગે.
તારા લાંબા કેશની સુગંધ,
તારાં સ્તન વચ્ચેના પ્રસ્વેદની કસ્તૂરી,
માસિક સ્ત્રાવના રક્તનો ઉષ્મા ભર્યો આંચકો અને
તારી તમામ અનંત નારી-ભૂખ.
હા, પ્રેમ કરવા માટે પુરુષ મેળવવો સહેલો છે,
પણ પછીથી એના વિના
જીવવાનો કદાચ મુકાબલો કરવો પડશે.

એમણે પોતાની આત્મકથાના એક પ્રકરણમાં લખ્યું છે, “મારા પતિ ઉંમરમાં મારાથી ઘણા મોટા
હતા. હું સ્ત્રી બનું ત્યાં સુધી એ રાહ જોઈ શકે એમ નહોતા જ, એટલે એમણે એમની ઈચ્છા પૂરી કરવા
માટે મારા શરીરને બરાબર રગદોળ્યું. હું કંઈ સમજું એ પહેલાં હું એક પુત્રની મા હતી. મારા પતિને
મારામાંથી રસ ઊડી ગયો હતો. એમણે પોતાની પિતરાઈ બહેન સાથે લફરું શરૂ કરી દીધું હતું. હું જ્યારે
મારા શરીરને ઓળખતી થઈ ત્યારે તો મારા પતિ ક્યાંય દૂર નીકળી ગયા હતા. મેં ‘કમ સે કમ શારીરિક
રીતે’ બેવફાઈ કરવાનો નિર્ણય કરી લીધો. પહેલીવાર મારા ઘરની સામે શેરીમાં કામ કરતા એક દેખાવડા
કડિયાને મેં અંદર બોલાવીને મારું શરીર સોંપી દીધું. મને પહેલીવાર સમજાયું કે ઈચ્છાથી કરાતો સંભોગ
કેટલું સુખ આપી શકે છે!”

કમલા દાસની આત્મકથા કે કવિતા કોઈ વિદ્રોહ નથી, એણે પોતાની ભીતરની ઈચ્છાઓને કોઈ
ન્યાયાધિશથી ડર્યા વગર પૂરી પ્રામાણિકતાથી અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. 15 વર્ષની ઉંમરથી 75
વર્ષની ઉંમર સુધી, એક પત્ની, અનેક પ્રેમીઓની પ્રેમિકા અને ત્રણ સંતાનોની માતા, કમલા દાસે 65
વર્ષની ઉંમરે એના એક પ્રિયતમ સાદીક અલી માટે ધર્મ પરિવર્તન કર્યું…

આજે તો મલયાલમ અને અંગ્રેજીમાં એમની લખેલી કવિતાઓ, નવલકથાઓ, નવલિકાઓ અને
એમની આત્મકથા ‘માય સ્ટોરી’ અમર થઈ ગયા છે, પરંતુ કમલા દાસની જગ્યાએ આપણે કોઈ અન્ય
સ્ત્રીને મૂકીએ તો સમજાય કે આ લખવા માટે એ કેટલી માનસિક યાતનાઓમાંથી પસાર થયા હશે, અને
એમના સમયમાં સમાજે એમને કેટલો તિરસ્કાર અને કેટલું અપમાન આપ્યું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *