કન્યા શિક્ષણનો પાયોઃ કેટલાંક અવિસ્મરણિય નામો

આજે 2024ના સમયમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નું સૂત્ર એસ.ટી બસથી શરૂ કરીને રીક્ષાઓ
અને ક્યારેક તો ટુવ્હીલરની પાછળ પણ જોવા મળે છે. દસમા કે બારમા ધોરણના બોર્ડની પરીક્ષાના
રીઝલ્ટમાં પહેલા દસમાં છ કે સાત દીકરીઓ જોવા મળે છે. આર્મી, નેવી અને એરફોર્સ સહિત
ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષણ, કોર્પોરેટ અને બીજી અનેક જ્વલંત કારકિર્દીમાં આજે દીકરીઓ આગળ
છે અને આગળ વધી રહી છે ત્યારે એવા લોકોને પણ યાદ કરવા જોઈએ જેમણે સ્ત્રી શિક્ષણની
શરૂઆત કરવાની પહેલ કરી. આજે સ્ત્રીમુક્તિ, સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી આત્મનિર્ભરતા જેવી શબ્દ
આપણે સાંભળીએ છીએ અને જરાય નવાઈ નથી લાગતી, પરંતુ આ એ સમયની વાત છે જ્યારે
ભારતની આઝાદી પણ એક સ્વપ્ન હતું, તો સ્ત્રીની આઝાદી વિશે કલ્પના કંઈ રીતે થઈ શકે?

આ એવા સમયનો ઈતિહાસ છે જ્યારે સાવ નાની ઉંમરે છોકરીનાં લગ્ન કરી નાખવામાં
આવતા. પતિ, સાસરિયા અને સંતાન સિવાય એની કોઈ દુનિયા જ નહોતી ત્યારે ઈ.સ. 1894માં
રાજકોટના એક મધ્યમવર્ગીય કપોળ ભાટિયા જ્ઞાતિ કુટુંબમાં બચુબેન નામની છોકરી ઉછરી રહી હતી.
મોવૈયા, ગોંડલ અને રાજકોટની શાળામાંથી ચાર ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરીને એમને
ઘરસંસારનું જ્ઞાન આપવાની શરૂઆત થઈ. કોઈ એક કારણસર એમના લગ્ન 18 વર્ષ સુધી ન થયા,
પરંતુ નવાઈની વાત એ છે કે, આવડી મોટી દીકરી ઘરમાં કુંવારી બેઠી છે એ વાતે માતા-પિતાને એટલી
શરમ આવતી કે, બચુબેનને ઘરમાં જ ગોંધી રાખવામાં આવતા. 1913માં એમના લગ્ન મુંબઈના શ્રી
વિઠ્ઠલદાસ ઠાકરશી સાથે થયા. વિઠ્ઠલદાસજી શિક્ષણ, રમતગમત અને રાજકારણમાં રસ લેતા.
એમની સમજણ અને મુત્સદ્દીપણા માટે ભલભલા રાજકારણીઓ એમની સલાહ લેતા. એમણે લગ્ન
પછી બચુબેનનું નામ પ્રેમલીલા પાડ્યું. લગભગ નિરક્ષર કહી શકાય એવી પત્નીને ભણાવવાનું શરૂ
કર્યું. ઘોડેસવારી, ટેનિસની સાથે સાથે રાજકારણની ચર્ચામાં પણ એમણે પત્નીને સાથે રાખ્યા.
પ્રેમલીલાબેને અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોમાં પ્રવાસ કર્યો. જાપાનની વિમેન યુનિવર્સિટી
જોઈને એમણે પતિને વિનંતી કરી અને સર વિઠ્ઠલદાસે 1850ની આસપાસના સમયમાં રૂ. 15
લાખની સહાય કરીને એમના માતુશ્રી શ્રી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠની સ્થાપના
કરી. આજે એ એસએનડીટી યુનિવર્સિટીના નામે ઓળખાય છે. 1975માં એમને ‘પદ્મવિભૂષણ’થી
સન્માનિત કરવામાં આવ્યા. એસએનડીટી યુનિવર્સિટીના 60 વર્ષ પૂરાં થતા એની ટપાલ ટિકિટ જારી
કરવામાં આવી.

અમદાવાદની સી.એન વિદ્યાલય સાથે જોડાયેલા ઈન્દુમતીબેન શેઠ પણ એક આવું જ નામ
છે. અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શેઠ ચીમનલાલને ત્યાં 1906માં જન્મેલા ઈન્દુમતીબેનના
પિતાનું અવસાન ખૂબ નાની વયે થયું. માતાએ દીકરીઓના શિક્ષણને અટકાવવાને બદલે એને આગળ
વધાર્યું. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતા ઈન્દુમતીબેન રાજકારણ જેવા વિષયમાં સ્નાતક થયા
એટલું જ નહીં, પ્રથમ સ્થાન મેળવ્યું. 1926માં પિતા ચીમનલાલ નગીનદાસના સ્મરણાર્થે સી.એન
વિદ્યાલયની શરૂઆત કરી. પિતાની જેટલી મિલકત હતી તે બધી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ
વાપરી નાખવાનો એમણે નિશ્ચય કર્યો અને પોતાની માટે એક નાનકડા મકાન સિવાય કશું જ રાખ્યું
નહીં. આંબાવાડી વિસ્તારમાં આવેલી પિતાની બધી જ ખૂબ મોંઘી કહી શકાય એવી જમીનો એમણે
સી.એન વિદ્યાલયને દાનમાં આપી. 1940માં એ ગાંધીજીના રંગે રંગાઈને જાહેરજીવનમાં ખૂબ સક્રિય
થયાં. 1946માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 1952થી 1957 સુધી મુંબઈ રાજ્યના નાયબ મંત્રી
અને શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી, તો 1962થી 1967 સુધી ગુજરાતના શિક્ષણ, સમાજ કલ્યાણ
અને નશાબંધી ખાતાનાં મંત્રી તરીકે સેવા આપી. માતાના અવસાન પછી સી.એન વિદ્યાલયની
જવાબદારી સ્વીકારી.

આ તો થઈ સ્ત્રીઓની વાત. આજે જે પોતાની ફિલ્મી કારકિર્દી માટે પ્રખ્યાત છે એવાં જુહી
ચાવલાનાં સસરા મહેન્દ્રભાઈના પિતા નાનજી કાળીદાસ પણ ગુજરાતમાં શિક્ષણની જ્યોત
જગાવનાર એક મહત્વની વ્યક્તિ છે. પોરબંદરમાં 1936માં એમણે એક એવા ગુરૂકુળની સ્થાપના કરી
જ્યાં કન્યા શિક્ષણ માટે નાના નાના ગામોમાંથી આવતી છોકરીઓ હોસ્ટેલમાં રહી શકે અને ભણી
શકે. વૈદિક વિચારો અને આર્યસમાજના સંસ્કાર સાથે આ શાળામાં દીકરીઓને રસોઈ, ગૃહજીવનની
તાલીમ પણ આપવામાં આવે છે. બહુ જ ગૌરવની વાત એ છે કે, આ શાળા અને હોસ્ટેલના ભૂમિ
પૂજનનો પહેલો પત્થર એક અનુસૂચિત જાતિની દીકરી પાસે મૂકાવવામાં આવ્યો. એમની આ
શાળામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણનન, જ્ઞાની જૈલસિંઘ, પંડિત જવાહરલાલ નહેરુ, શ્રીમતી
ઈન્દિરા ગાંધી, શ્રી મોરારજી દેસાઈ અને રાજીવ ગાંધી જેવા મહાનુભાવો પધારી ચૂક્યા છે.

1882માં અમદાવાદમાં જન્મેલા ગુજરાતના પ્રથમ સ્નાતક શારદાબેન અને વિદ્યાબેન. આ
બંને બેનોને એક સાથે સ્નાતકની પદવી મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. વિદ્યાગૌરી નિલકંઠ સ્નાતક
થયા એ જાણીતા સમાજ સુધારક મહિપતરામ રૂપરામ નિલકંઠના પુત્રવધૂ હતા, પરંતુ શારદાબેન
સ્નાતક થયા ત્યાં સુધી અપરિણિત હતા. એ સમયમાં એક સ્ત્રી શિક્ષણ માટે અપરિણિત રહેવાનો
નિર્ણય કરે અને રૂઢિગત સમાજ એને સ્વીકારે એ લગભગ અશક્ય જેવી બાબતને શારદાબેને શક્ય
કરાવી બતાવી. એમણે એમની આત્મકથા લખી છે જેનું નામ ‘જીવન સંભારણા’ છે. એમાં એમણે
લખ્યું છે, ‘અમારી બેઠક છોકરાઓની બેંચોથી દૂર છૂટી મૂકવામાં આવતી. પ્રોફેસર વર્ગમાં દાખલ થાય પછી જ
અમે દાખલ થઈએ અને કાં તો પુસ્તકમાં નજર રાખીએ અથવા ભાષણ કરતા પ્રોફેસર તરફ નજર માંડીને બેસી
રહીએ અથવા નોટબુકમાં લખ્યા કરીએ… લોકોએ ટીકા કરવામાં બાકી નહોતી રાખી. છોકરાઓએ પણ કનડગત
કરવામાં બાકી નહોતી રાખી. નનામા કાગળો આવે. અમારી બેઠકની ખુરશીઓ પાડી નાખે. ડેસ્ક ઉપર ગમે તેવાં
લખાણો લખે. બેઠક ઉપર કૌવચ નાખીને પજવણી કરે.’

આ બધા પછી શારદાબેને સ્નાતકની પદવી મેળવી. વડોદરાના મહારાજા સયાજીરાવ
ગાયકવાડના અંગત ચિકિત્સક ડૉ. બટુકરામ મહેતાના પુત્ર સુમંત મહેતા સાથે એમણે લગ્ન કર્યાં. પોતે
સ્નાતક થયા પછી એમણે અમદાવાદમાં અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, આરોગ્ય જ્ઞાન અને સીવણ ભરત
જેવા વર્ગો શરૂ કર્યાં. લગ્ન કરીને વડોદરા ગયા પછી એમણે લેડીઝ ક્લબની સ્થાપના કરી અને
વડોદરામાં મહારાજા સયાજીરાવની ઈચ્છા અને મદદથી કન્યા શિક્ષણના એમના કાર્યને આગળ
ધપાવ્યું. શારદાબેનની આત્મકથાનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે.

આ સિવાય પણ અનેક લોકો હશે જ, જેમણે એવા સમયમાં કન્યા શિક્ષણને પોતાના જીવનનું
ધ્યેય બનાવ્યું જે જમાનામાં દીકરીને ભણાવવા ભાગ્યે જ કોઈ માતા-પિતા તૈયાર થતા. આજની
મોર્ડન યુવતિઓ એમના શિક્ષણ અને કારકિર્દીની સફળતાનો સ્વાદ માણી રહી છે ત્યારે આ પાયાના
પત્થરોને યાદ કરીએ, એમને વંદન કરીએ અને એમની પાસેથી એટલું જરૂર શીખીએ કે માત્ર આપણું
શિક્ષણ અને આપણી કારકિર્દીનો વિચાર નહીં કરતા ભારતના અંતરિયાળ ગામડાંઓ કે ઝુંપડપટ્ટીમાં
વસતી ગરીબ અને અશિક્ષિત દીકરીઓને પણ ભણાવવાનો, આગળ વધારવાનો આપણાથી થઈ શકે
એટલો પ્રયાસ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *