કર્મનો સિદ્ધાંતઃ આજના યુવાવર્ગ માટે કન્ફ્યૂઝન છે.

व्यामिश्रेमेव वाक्येन बुद्धिं मोहयसीव मे।
तदेकं वद निश्चित्य येन श्रेयोडहमाप्नुयाम्।।

શ્રીમદ ભગવત ગીતાનો ત્રીજો અધ્યાય અર્જુનની મૂંઝવણથી શરૂ થાય છે. એ પૂછે છે, કૃષ્ણને, ‘જો તમે બુદ્ધિને સકામ કરતાં
શ્રેષ્ઠ માનતા હોવ તો પછી મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરણા આપો છો? આપના દ્વિઅર્થી ઉપદેશથી મારી મતિ મૂંઝાઈ
ગઈ છે. મને જણાવો કે તમે ખરેખ શું કહેવા માંગો છો…’

લગભગ આપણે બધા અર્જુનની મનસ્થિતિમાં મૂકાઈએ છીએ. એકતરફથી આપણને કહેવામાં આવે છે કે ઈશ્વરની ઈચ્છા વિના
પાંદડુંયે હલતું નથી. આ જગતમાં જે કંઈ થાય છે અથવા થઈ રહ્યું છે એ બધું જ કોઈ પરમતત્ત્વ-પરમાત્મા કે કોઈ અદૃશ્ય શક્તિ
કરી રહી છે. આપણે તો માત્ર એણે બનાવેલી ડિઝાઈનમાં ગોઠવેલા રમકડાં છીએ. તો બીજીતરફથી આપણને કહેવામાં આવે છે કે
આપણે બધાય કર્મોના ફળ ભોગવીએ છીએ. આપણી સાથે જે કંઈ થઈ રહ્યું છે, સારું કે ખરાબ, ભલું કે બૂરું… એ બધુંજ
આપણા કર્મોનું ફળ છે. કર્મ એટલે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે…! ભગવત ગીતામાં કાર્ય અને કર્મનો તફાવત પણ બહુ સુંદર રીતે
સમજાવવામાં આવ્યો છે. રોજ સવારે ઊઠવું, નહાવું, ધોવું, દાતણ કરવું, ખાવું કે ઊંઘી જવું… એ બધા કાર્યો છે. દેહધર્મને નિભાવવા, શરીરને
ટકાવા કે આપણી રોજિંદી જિંદગીને સામાન્ય બનાવવા માટે આપણે જે કંઈ કરીએ છીએ તે કાર્ય છે. પરંતુ કમાવું, લગ્ન કરવા, સંતાન
ઊછેરવા અન્ય વ્યક્તિ સાથે વર્તવું કે આપણા રોજિંદા વ્યવહારમાં કેટલાક નિર્ણયો કરવા… એ બધા કર્મો છે. પરિવારનો નિર્વાહ કરવા માટે
કદાચ સૌએ કમાવું પડે, પરંતુ એ કમાવામાં આપણે કેટલા પ્રમાણિક કે અપ્રમાણિક રહીએ છીએ એ આપણું કર્મ છે. આપણે કેટલાક સંતોષ,
સ્નેહ કે કરુણાથી આપણા જીવનને આ જગત સાથે જોડીએ છીએ, જોડી શકીએ છીએ એ આપણું કર્મ છે. આપણે અન્ય સંસારી જીવો સાથે
કેવું વર્તન કરીએ છીએ એ કર્મ છે…

સામાન્ય રીતે આપણા બધાનું આ કન્ફ્યૂઝન છે. જો બધું જ ઈશ્વર કરતાં હોય અને જગતનિયંતાની મરજી સિવાય પાંદડું પણ ન હલતું હોય
તો પછી કર્મ શું છે? બધું જ ઈશ્વરની મરજી પ્રમાણે થતું હોય તો એનો મતલબ એ થયો કે આપણે જે ખોટું કરીએ છીએ કે
અપ્રમાણિક કે અન્યને પીડા થાય તેવું વર્તન કરીએ છીએ એ પણ ઈશ્વર કરાવે છે? જો હા તો આપણને શેની સજા મળે છે, કયા
કર્મનું ફળ ભોગવીએ છીએ આપણે અને જો ના તો પછી ઈશ્વરને અંતર્યામી, સર્વોપરી કે આ જગતને ધારણ કરનાર નિયંતા
તરીકે કેવી રીતે જોઈ શકાય?

નાસ્તિકો ક્યારેક પ્રશ્નો પૂછે છે, ‘ઈશ્વર છે? છે તો ક્યાં છે?’ અત્યંત આસ્તિક અથવા ધાર્મિક લોકો માને છે કે ઈશ્વર મંદિરમાં
છે, પૂજાપાઠમાં, વિધિવિધાનમાં, વ્રત-ઉપવાસમાં છે. પાપ અને પુણ્ય ઈશ્વર જ નક્કી કરે છે. આ એવા લોકો છે જે ધર્મભીરુ છે.
એમને માટે એમનું જીવન કેટલાક નિશ્ચિત, પરંપરાગત અને રૂઢિવાદી વિચારો સાથે ઈશ્વરને માને છે અથવા ઈશ્વર વિશે વિચારે
છે. કેટલાક લોકો કણકણમાં ઈશ્વરને જુએ છે. એ દરેક જણમાં ઈશ્વરને જુએ છે. એમને માટે ઈશ્વર કોઈ સ્વરૂપ નહીં, એક
શક્તિ-સર્જનહાર અને વિસર્જનકાર છે. આ બધા જ જ્યારે જ્યારે ભગવતગીતાનો અભ્યાસ કરે છે, ત્યારે એમને આ સવાલ
જરૂર થાય છે કે, ‘જો બધુંજ ઈશ્વરને આધીન હોય તો કર્મનું ફળ એટલે શું?’

આને સાદી રીતે સમજવાની જરૂર છે. આપણું કર્મ એટલે આપણી પસંદગી… અર્જુનની જેમ આપણે બધાજ જિંદગીમાં એક
યા એકથી વધારે પ્રસંગોએ એવી જગ્યાએ આવીને ઊભા રહીએ છીએ જ્યાં આપણે પસંદગી કરવી પડે છે. સારા અને ખોટા
વચ્ચે સત્ય અને અસત્ય વચ્ચે, પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વચ્ચે… લગભગ સૌને આ પસંદગીની તક મળે છે. લાલચ કે
લોભ આપણને બધાને ક્યારેક ને ક્યારેક ઘેરી વળે છે. અહંકાર કે મોહમાં આપણે બધા ક્યારેક તો સપડાઈએ છીએ. એવા પ્રસંગે
જો આપણે દૃઢતાથી સાચો નિર્ણય કરી શકીએ તો એ કર્મનું ફળ સાચું અને સારું મળે છે. આવા પ્રસંગે આપણે નબળા થઈ
જઈએ, ખોટો નિર્ણય કરી બેસીએ તો એ ખોટા નિર્ણયનું ફળ પણ આપણે ભોગવવું પડે છે. આપણે અનેક પ્રસંગના દાખલા
આપી શકીએ, પરંતુ અર્જુનની જ વાત કરીએ તો યુદ્ધના મેદાનની વચ્ચોવચ ઊભા રહીને એ લડવાની ના પડે છે. અર્જુન જેવા
વીર યોદ્ધાને શું મૃત્યુનો ભય હતો?

ના, પરંતુ વરસોથી આપણા મનમાં ઘુસી ગયેલા પરંપરાગત વિચારોને કારણે સગા કે સ્વજનને મારવામાં પાપ લાગે એવું
આપણને શીખવવામાં આવ્યું છે. દુન્યવી વસ્તુઓ (જમીન, પૈસા, દાગીના કે એવી કોઈ લાલચ માટે)ના ઝઘડામાં જો આપણા
સ્વજન કે પ્રિયજનને દુઃખ પહોંચાડીએ તો એ લોભ છે, અને લોભનું ફળ મળ્યા વગર રહેતું નથી, એવું આપણા સંસ્કારમાં છે.
દાદા, ગુરુ, મિત્રો કે સ્વજનોને જમીન માટે મારવાની, રાજ્ય માટે એમને નુકસાન પહોંચાડવાની અર્જુનને ઈચ્છા નથી…
કારણકે એના ઉછેરમાં અને એના શિક્ષણમાં એને મળેલું જ્ઞાન એને કહે છે કે આ વસ્તુઓ ટકવાની નથી, તું પણ ટકવાનો નથી તો
લડવું શા માટે…

અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો આ સંવાદ આપણે સૌએ સમજવા જેવો છે, આ કન્ફ્યૂઝનમાંથી નીકળવાનો રસ્તો કૃષ્ણ બતાવે છે, ‘હે
અર્જુન તારા સર્વે કર્મો મને સમર્પિત કર, મને ઓળખ, મને સમજ તારા કર્મમાંથી લાભની આશા રાખ્યા વિના કે હું કરું, હું
કરુંનો માલિકી હક બતાવ્યા વિના આળસરહિત થઈને તું યુદ્ધ કર…’

આસ્તિક, નાસ્તિક અને આધ્યાત્મિક… તમામ લોકોના કન્ફ્યૂઝન કે પ્રશ્નોનો જવાબ કૃષ્ણએ આ શ્લોકમાં આપ્યો છે. આપણે જે
કંઈ કર્મ (પસંદગી કરીએ) એમાં ઈશ્વરને હાજર માનવા, ઈશ્વરની હાજરીમાં આપણે કશું ખોટું ન કરી શકીએ, એવી રીતે વ્યાપાર
કે અર્થોપાર્જનમાં ખોટું ન કરવું. બીજું જે કંઈ મેળવીએ તે અથવા ગુમાવીએ તે ઈશ્વર-પરમતત્ત્વને સમર્પિત કરવું. અનાજ
ઉગાડીએ કે ફેક્ટરીમાં વસ્તુ બનાવીએ, કરોડો રૂપિયા કમાઈએ કે આર્થિક તકલીફ હોય બધું જ કૃષ્ણને (ઈશ્વરને) સમર્પિત કરી દેવું
જેનાથી એને ખબર પડે કે આપણે માત્ર એના આધારે છીએ. વૈષ્ણવ ધર્મમાં ‘અન્યાશ્રય’ એનો અર્થ છે અન્યનો આશ્રય પરંતુ જે
વ્યક્તિ એકજ ઈશ્વરને આરાધે છે, પૂંજે છે એને ખબર છે કે સ્વરૂપ ગમે તેટલા જુદા હોય ઈશ્વરનું મૂળ તત્ત્વ તો એક જ છે.

ગીતા આપણા તમામ કન્ફ્યૂઝન- સવાલો- ગૂંચવણો દૂર કરવાની સમજણ અને આવડત ધરાવે છે. ગીતા કંઠસ્થ કરવાથી કે
કડકડાટ બોલી જવાથી આપણને ‘આવડે છે’ એમ ન કહેવાય. જો ભગવત ગીતાને સમજી શકાય તો જ આ ગહન સંદેશને
સમજી શકાય એમ છે. જે ક્ષણે આપણું બધું જ આપણે બીજી વ્યક્તિને અર્પણ કરી દઈએ છીએ એ ક્ષણે જ આપણે આપણી
જવાબદારી પણ એને સોંપી દઈએ છીએ. એ પછી એનું પોતાનું બેલેન્સ જાળવવા માટે જેમ સી-સો પર બે વ્યક્તિઓએ સતત
ઊંચા-નીચા થતાં રહેવું પડે એવીજ રીતે ઈશ્વર પણ ઉચાટમાં ઊંચો-નીચો થતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *