ગયા અઠવાડિયે અખબારોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું… એક દોઢ વર્ષની
દીકરીને ગળે ટૂંપો દઈને એનું ખૂન કર્યા પછી માએ આત્મહત્યા કરી ! આમ તો આ સમાચારમાં કશું નવું નથી. છેલ્લા કેટલાંય
સમયથી આપણે આવા સમાચારો વાંચતાં જ રહીએ છીએ. આ પહેલાં પણ બે ભાઈઓએ પોતાના આખા પરિવારોને મોતના
મોઢામાં ધકેલી પોતે પણ આત્મહત્યા કરી હતી. પોતાની દીકરીને કૂવામાં ફેંકીને પાછળ કૂદી પડેલી એક મહિલાના સમાચાર પણ
ગયે મહિને આપણે વાંચ્યા હતા…
આત્મહત્યા જાણે કે ધીરે ધીરે કોઈ ટ્રેન્ડ અથવા ફેશન બનવા લાગ્યું છે. જરાક દુઃખ, તકલીફ કે સમસ્યાનો સૌથી પહેલો
અને સહેલો ઉપાય એ છે કે જીવન ટૂંકાવી નાખવું. આશ્ચર્ય એ વાતનું છે કે વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવે ત્યાં સુધી કદાચ આપણે
એની માનસિક પરિસ્થિતિ સમજી શકીએ, પરંતુ પોતાના સંતાન કે પરિવારને પણ પોતાની સાથે જ મૃત્યુના મોઢામાં ધકેલી
દેનાર લોકો – ખાસ કરીને મા એ સમયે શું વિચારતી હશે, એવો સવાલ થયા વગર રહેતો નથી. આ જગત જીવવા જેવું નથી,
અથવા પોતાના ગયા પછી પોતાના સંતાનને કોઈ સારી રીતે નહીં ઉછેરે એમ વિચારીને પોતાનું બાળક હિજરાય નહીં, દુઃખી ન
થાય એવા કોઈ વિચાર સાથે મા પોતાના સંતાનને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરે છે. આમ જોવા જઈએ તો આ કેટલીક
પીડાદાયક બાબત છે, ને બીજી તરફ એક મા જ આવું વિચારી શકે એ પણ આપણે સ્વીકારવું રહ્યું.
મરી જવાથી કે આત્મહત્યા કરી લેવાથી સમસ્યાનો ઉકેલ કદાચ આપણા પૂરતો, આપણા જીવન પૂરતો આવી જાય,
પરંતુ આપણી પાછળ રહેલા લોકોને આપણા મૃત્યુથી કેટલી તકલીફ અથવા કેટલા સવાલોનો સામનો કરવો પડે એનો વિચાર
આત્મહત્યા કરનાર વ્યક્તિ કેમ નહીં કરતી હોય ? આયેશા પછી એવો જ એક કિસ્સો બન્યો. ગાંધીનગર પાસે 22 વર્ષના
મેડિકલમાં ભણતા છોકરાએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી. મૃત્યુ પામતા પહેલાં એણે વીડિયો બનાવીને પોતાની પ્રિયતમાને
પોતાના ‘સાચા પ્રેમ’ વિશે ખાતરી આપી, ને પછી એણે આત્મહત્યા કરી. આ કયા પ્રકારની માનસિકતા છે ? એના માતા-પિતા
જે પોતાના દીકરાને ડોક્ટર બનાવવા માટે મહેનત અને ખર્ચ કરી રહ્યા હતા એમની લાગણી કે એમના સ્વપ્નોની કોઈ કિંમત નહીં
? બે-ચાર-છ મહિનાથી જે છોકરી સાથે એને પ્રેમ હતો, એ છોકરીનું મહત્વ એટલું બધું વધી ગયું કે એણે પોતાના જીવનની સાથે
સાથે પોતાના માતા-પિતાના જીવનને પણ કેનાલમાં ધકેલી દીધું !
આજથી થોડા વર્ષો પહેલાં એક આખી પેઢીએ ખૂબ સંઘર્ષ કર્યો છે. જેમની પાસે કશું જ નહોતું એવી પેઢીએ ઘર,
મકાન, દુકાન, ગાડીઓ અને સંતાનો માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. એમણે ખૂબ મહેનત કરી છે. પોતાના
સંતાનો માટે સ્વપ્ના જોયાં છે, પરંતુ એના પછીની એટલે કે સીત્તેરના દાયકા પછી જન્મેલી પેઢી આ સંઘર્ષ કે મહેનતનું મહત્વ
સમજવાને બદલે નાની નાની વાતમાં નિષ્ફળતા અને હારનો સ્વીકાર કરવા તૈયાર છે. ખરેખર તો એ પેઢીને બધું જ તૈયાર મળ્યું
છે એમ કહીએ તો ખોટું નથી. જે માતા-પિતાએ સંઘર્ષ અને મહેનત કરીને એમના સંતાન માટે સગવડભર્યું, સુરક્ષિત અને
ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કર્યું છે એ સંતાને ખરેખર નિરાશ થવાનું કોઈ કારણ જ નથી.
મુશ્કેલી એ છે કે, એક આખી પેઢી પોતાની જ પાસેથી ઈલ્લોજિકલ અથવા અશક્ય હોય એવી અપેક્ષા રાખતી થઈ
ગઈ છે… તો એ જ પેઢીનો એક બીજો વર્ગ માને છે કે, જિંદગી મહેનત અને સંઘર્ષ કરવા માટે નથી, મજા કરવા માટે છે ! જે
પેઢી ટૂંકા સમયમાં ખૂબ મેળવવા માગે છે એ પણ નિરાશ છે કારણ કે એમણે ઈચ્છેલી કે ઝંખેલી દરેક બાબત એમને ઉપલબ્ધ થતી
નથી અને બીજી તરફ જે પેઢી જીવનને સતત મોજમજા અને મસ્તી માને છે એ પણ થોડા સમયમાં નિરાશ થઈ જાય છે, કારણ કે
એમની સામે કોઈ ધ્યેય કે લક્ષ્ય રહેતું નથી. સહજ રીતે આ બે જણાંની સરખામણી થાય છે… જે ખૂબ મહેનત કરે છે એની
નિરાશા અને જેણે જીવનને મોજમજા માનીને વર્ષો ગુમાવ્યા છે એની નિરાશા સામસામે આવીને ઊભાં રહે છે. અંતે તો બંને
નિરાશ છે ! આ નિરાશાનો કે અભાવનો ઉપાય શોધવાને બદલે, જેને આપણે ‘નવી પેઢી’ અથવા ‘યુવા પેઢી’ તરીકે ઓળખીએ છીએ એ
ભાગી છૂટવાનો માર્ગ અપનાવે છે.
પ્રેમમાં નિરાશા, બિઝનેસમાં નિષ્ફળતા, નાપાસ થવાનો ભય કે માતા-પિતા સાથે સંઘર્ષ અથવા મન-દુઃખ જેવા તદ્દન
નજીવા કારણોસર આપઘાત કરનારાની સંખ્યા વધતી જાય છે. બીજી તરફ એવી સ્ત્રીઓ છે જેમના એરેન્જ મેરેજ થયા છે
અથવા જેમણે લવ મેરેજ કર્યા પછી લગ્નજીવનમાં નિરાશા અને દુઃખ અનુભવ્યા છે. દહેજ માટેની સતામણી હોય કે પતિનો
અફેર, સાસુ-સસરાનો ત્રાસ હોય કે ચારિત્ર્ય પરનો આક્ષેપ… આ પેઢી લડવામાં, સંઘર્ષ કરવામાં કે પરિસ્થિતનો મુકાબલો
કરવામાં માનતી જ નથી. સત્ય તો એ છે કે વધુ સગવડમાં અને વધુ સારી રીતે ઉછરેલી આ પેઢી પાસે વધુ હિંમત, વધુ લોજિક
અને વધુ તાકાત હોવી જોઈએ. એમની પાસે ટેકનોલોજી છે, એમની પાસે સોશિયલ મીડિયા છે, એમની પાસે નવા વિચાર અને
આધુનિક સમાજ છે, તેમ છતાં આ યુવાપેઢી ઝડપથી હાર સ્વીકારતી થઈ ગઈ છે.
આના કારણો જો તટસ્થ રહીને વિચારીએ તો સમજાય કે આ પેઢીને નિરાશ કરી નાખવામાં કે એમને સંઘર્ષ કરવાની
હિંમત નહીં આપવામાં માતા-પિતાનો, શિક્ષકોનો અને આસપાસની દુનિયાનો બહુ મોટો ફાળો છે. આપણે જ આપણા પછીની
પેઢીને સુંવાળી અને મહેનત નહીં કરતી, આળસુ અને નકામી બનાવવાનું કામ કર્યું છે. એમને નિરાશા, અભાવ, તડકો, સમસ્યા,
મુશ્કેલી કે નિષ્ફળતા જેવી બાબતો સાથે ઓળખાણ કરાવી જ નથી. એથી આગળ વધીને આપણે એમના મનમાં એવું નાખી
દીધું છે કે એ સ્પેશ્યલ બાળક છે. એને માટે બધું સ્પેશ્યલ (ખાસ) હોવું જોઈએ. ખાસ કરીને, સિંગલ ચાઈલ્ડ હોય એવા
પરિવારમાં તો સમગ્ર કેન્દ્ર બાળક તરફ હોય છે. જેને કારણે બાળક જિદ્દી, અટેન્શન સિકિંગ અને વધુને વધુ આળસુ થતું જાય છે.
માતા-પિતા એમની પાસે મહેનતનું કામ કરાવવાને બદલે મોબાઈલ, આઈપેડ અને ટેલિવિઝનની દુનિયા સાથે એમને જોડી રાખે
છે. આ દુનિયા એમને સત્યથી વેગળા કરે છે, એક વર્ચ્યુઅલ, કલ્પનાનું જગત એમની આસપાસ રચાતું જાય છે. દેશ કે દુનિયામાં
શું ચાલે છે એની સાથે આ નવી પેઢીને ઝાઝી લેવાદેવા નથી. ધડાધડ જીવ ખોઈ રહેલા કોરોના પેશન્ટ્સના આંકડા વાંચ્યા પછી
પણ આ પેઢીના બાળકો પિત્ઝા ઓર્ડર કરી શકે છે અને ઓટીટી પર કોઈ સીરિઝ જોતાં દિવસ વિતાવી શકે છે… કારણ કે, એમને
સત્ય સાથે સામનો કરવાની ટ્રેનિંગ મળી જ નથી. પરિવારમાં કોઈની ખબર કાઢવા કે મૃત્યુ પ્રસંગે માતા-પિતા એમને લઈ જવાનું
ટાળે છે એટલે, જીવનના દુઃખ બીમારી, મૃત્યુ જેવી ક્રૂર હકીકતોથી આ બાળકો દૂર જ રહે છે. આજનું દરેક બાળક ‘સિધ્ધાર્થ’ છે.
જેને એના પિતા મહેલના રંગરાગમાં પૂરી રાખે છે જેથી એને બહારના જગત સાથેનો સંપર્ક સત્ય હકીકતોથી વાકેફ કરી શકે નહીં!
માતા-પિતા ગમે તેટલો પ્રયાસ કરે પણ જગત માતા-પિતા જેટલું સુંવાળુ કે કન્સિડરેટ નથી. જે ક્ષણે આ બાળકો યુવાન
બનીને જગતના બજારમાં, સાચી દુનિયામાં કે સમસ્યાઓથી ભરેલી પરિસ્થિતિમાં પગ મૂકે છે (જે એમણે મૂકવો જ પડે છે) ત્યારે
એમને આ કોઈ અનુભવ નથી… હવે એમને માટે આ પરિસ્થિતિમાં સંઘર્ષ કરવો લગભગ અસંભવ છે, અહીં એમને ભાગી
છૂટવાનો રસ્તો જ પહેલો અને સહેલો દેખાય છે.
જો આપણું બાળક આત્મહત્યા ન કરે એવું ઈચ્છતા હોઈએ તો એને સચ્ચાઈની દુનિયા સાથેનો સંપર્ક તોડવા નહીં
દેતા, એની બધી વાતમાં હા નહીં પાડતા, એને બધું સરળતાથી ઉપલબ્ધ નહીં કરાવતા, એની ભૂલ વિશે એને જાણ કરજો અને
સૌથી અગત્યની વાત, જગતમાં એનાથી વધુ દુઃખી લોકો કેટલા બધા છે એ વિશે પણ એને એક તસવીર જરૂર બતાવજો…
One thought on “કીધર કો ભાગ રહી હૈ ઈસે ખબર હીં નહીં, હમારી નસ્લ બલા કી જહીન કુછ તો હૈ”