નીટ, કેટ, જીઈઈના પરિણામો આવે, સીએ ફાઈનલ અને યુપીએસસીના પરિણામો
આવ્યા ત્યારે અખબારોમાં ઉત્તમ માર્ક લઈને સફળ થયેલા વિદ્યાર્થીઓના નામ આવે, ફોટા
છપાય, એમના વખાણ થાય, એ કેવી રીતે, કેટલા કલાક ભણતા હતા અને એમના માતા-પિતાએ
કેટલો ભોગ આપ્યો, એમણે કઈ રીતે તૈયારી કરી આ વિશેની વિગતો પણ એમના ઈન્ટરવ્યૂમાં
પૂછાય…
સફળતાની આ સમાજ કદર કરે છે, બલ્કે કિંમત કરે છે! અસફળ લોકો માટે આપણે ત્યાં
ખાસ જગ્યા નથી હોતી. મોટાભાગના માતા-પિતા પોતાના સંતાનોને સફળ કે કમાતા લોકોના
દાખલા આપે છે. ધીરૂભાઈ, અંબાણી, અદાણી, મિત્તલ, એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, લતા
મંગેશકર, સચિન તેંડુલકર જેવા લોકોની બાયોગ્રાફી છપાય છે-અને ટીનએજર્સને એ વાંચીને
પ્રેરણા મેળવવાની સલાહ આપવામાં આવે છે. ખૂબ કમાવું કે ખૂબ લોકપ્રિયતા મેળવવી,
સમાજમાં પદ-પ્રતિષ્ઠા-મોભો વધારવો એ જ લગભગ દરેક માણસના જીવનનું લક્ષ્ય હોવું
જોઈએ એવું આખી દુનિયા માને છે… કેવી નવાઈની વાત છે કે આ બધા, ચીલો ચાતરીને બહાર
નીકળેલા એવા લોકો છે જેમણે શરૂઆતમાં ફક્ત નિષ્ફળતા જ જોઈ છે. એમણે સમાજના
વિરોધનો, સંઘર્ષનો અને સમસ્યાઓનો સામનો કર્યો છે. આમાંના કોઈને એમની સંપત્તિ કે
સફળતા એમના પિતા કે પરિવારે વારસામાં નથી આપી તેમ છતાં એમણે પોતાની પાછળ
અઢળક વારસો છોડ્યો છે, કારણ એક જ છે… એ હારવાને બદલે ફરી ફરી પ્રયાસ કરવાની
ધીરજ અને હિંમત રાખીને આગળ વધતા રહ્યા! ઉપર લખેલા તમામ નામોમાંથી કોઈએ
યુપીએસસી, જીઈઈ કે નીટ નથી આપી, એમના ડિગ્રી સર્ટિફિકેટ્સ તપાસવાની કદી જરૂર જ
નથી પડી કારણ કે, એમની સફળતા, લોકપ્રિયતા પોતે જ એમની ટેલેન્ટ અથવા મહેનતને પૂરવાર
કરતા રહ્યા છે!
જે લોકો પરીક્ષા-એકેડેમિક પરીક્ષામાં સફળ થાય છે એ જરૂર પ્રશંસાને પાત્ર છે, પરંતુ જે
લોકો એકેડેમિક્સ અથવા શૈક્ષણિક ક્ષેત્રે બહુ ઝંડા નથી ગાડી શકતા એ લોકો નિષ્ફળ જ થશે,
નકામા જ પૂરવાર થશે અને જીવનમાં કંઈ નહીં કરી શકે એ ધારી લેવાની બિલકુલ જરૂર નથી.
આ વાત લગભગ તમામ માતા-પિતાએ સમજી લેવાની બહુ જ જરૂર છે. આજના સમયમાં
મોંઘીદાટ સ્કૂલોમાં છોકરાઓને મોકલતા માતા-પિતા માને છે કે પૈસા ખરચવાથી એ એમના
સંતાનને ઉત્તમ ભવિષ્ય આપી શકશે. સંતાનને વિદેશ ભણવા મોકલનારા માતા-પિતામાંથી
મોટાભાગના એવું પણ નથી જાણતા કે એમનું સંતાન ડિગ્રી લઈને પાછું આવશે પછી એ ડિગ્રીથી
એની કારકિર્દીમાં ખરેખર ફાયદો થશે કે નહીં! પારિવારિક વ્યવસાય હોય તેમ છતાં વિદેશ સ્થાયી
થવા માગતા લોકોની સંખ્યા આ દેશમાં વધતી જાય છે, એનું કારણ કદાચ એ છે કે, વિદેશી લાઈફ
સ્ટાઈલ અને ત્યાંના જીવનધોરણથી નવી પેઢી વધુને વધુ અભિભૂત થતી જાય છે.
જાણે અજાણે આપણે ત્યાં બ્રેઈન ડ્રેઈન વધતું જાય છે, જેને કારણે પાછળ રહી ગયેલા
લોકો પ્રમાણમાં મિડિયોકર અને ઓછા ઈન્ટેલિજન્ટ પૂરવાર થાય છે. આ એક વિચિત્ર પ્રકારની
સાયકલ છે જેને તોડવામાં નહીં આવે તો સમય જતાં આ દેશને બુધ્ધિશાળી અને ટેલેન્ટેડ
લોકોની અછતનો સામનો કરવો પડશે.
મોટાભાગના માતા-પિતા એવું માને છે કે, કલાકાર, સ્પોર્ટ્સમેન અથવા એક્ટર થવા
માગતા સંતાનો સફળ નહીં થઈ શકે… આવા માતા-પિતા પોતાના સંતાનને સમજાવે છે કે,
‘આખા દેશમાંથી એક જ શાહરૂખ કે અમિતાભ બચ્ચન પાકે છે. હજારો લોકો ક્રિકેટ રમે છે
એમાંથી એક સચિન કે વિરાટ બહાર આવે છે.’ માતા-પિતાને પોતાને જ વિશ્વાસ નથી કે, એમનું
સંતાન એ હજારોમાંથી એક છે! આમાં એમનો વાંક નથી એ પણ સ્વીકારવું પડે કારણ કે, આપણી
સમાજ વ્યવસ્થા એવી છે કે આપણે બધાને આર્થિક ધોરણોથી મુલવતા શીખ્યા છીએ. જેની
પાસે પૈસા છે એની પાસે બધું જ છે-પૈસાથી પદ, પ્રતિષ્ઠા, માન, મોભો અને સગવડ ખરીદી
શકાય છે. જેનાથી જિંદગી ‘સુખમય’ બની શકે આવું લગભગ બધા માનતા થઈ ગયા છે.
જેની પાસે પૈસા નથી, જે સામાન્ય અથવા આર્થિક રીતે ‘પછાત’ (એની પણ જુદી જુદી
વ્યાખ્યાઓ છે) જીવે છે, એ ગમે તેટલા ટેલેન્ટેડ હોય, સામાજિક દ્રષ્ટિએ ‘સફળ’ તો નથી,
દુઃખની વાત એ છે કે આવા લોકોના દાખલા આપીને માતા-પિતા પોતાના બાળકોને કહે છે કે,
માત્ર ટેલેન્ટથી કંઈ નથી થતું, પૈસા તો જોઈએ જ. ઉછેરમાં રોપવામાં આવતી આ આર્થિક
સરખામણીની માનસિકતા ધીમે ધીમે માણસને ફક્ત અને ફક્ત કમાવા તરફ ધકેલે છે. પેઢી દર
પેઢી એવું વધુને વધુ દ્રઢતાથી પ્રસ્થાપિત થતું જાય છે કે, જે પૈસાવાળા છે એ જ સફળ છે! જાણે
અજાણે લગભગ બધા જ આ વાતને સ્વીકારતા થઈ ગયા છે.
શૈક્ષણિક, આર્થિક કે વ્યવસાયિક સફળતાઓ જરૂરી છે, પરંતુ માત્ર એ જ જરૂરી છે એવું
માનીને પોતાને વિશે હીનભાવ અનુભવતા લોકોએ હવે જાગવાની જરૂર છે. સમય બદલાયો છે.
ડૉક્ટર, એન્જિનિયર કે ‘ઘરના બિઝનેસ’ સિવાય પણ બીજી અનેક કારકિર્દીઓની દિશાઓ ખૂલી
છે. માતા-પિતાએ પોતાના સંતાનને આ નવી દિશાઓ સાથે ઓળખાણ કરાવવાની જરૂર છે.
કદાચ, એમનું સંતાન ગણિતમાં નાપાસ થતું હશે તો ભાષામાં હોંશિયાર હશે. ભાષા નહીં
આવડતી હોય તો ચિત્રકામ ખૂબ સારું કરતું હશે અને વિજ્ઞાન નહીં આવડતું હોય, પણ એ સલીમ
દુર્રાનીની જેમ ઈચ્છે ત્યાં છગ્ગો ફટકારી શકતું હશે.
શૈક્ષણિક કારકિર્દીના ‘તેજસ્વી તારલા’ઓનું સન્માન થાય ત્યારે જે લોકો ઓછા માર્કે પાસ
થયા છે અથવા નાપાસ થયા છે એમના માતા-પિતાએ સરખામણી કરવાને બદલે કે મ્હેણાં-ટોણાં
મારવાને બદલે એમના સંતાનમાં રહેલી ‘સ્પેશિયાલિટી’ ઓળખીને એ દિશામાં પોતાના સંતાનને
પ્રેરણા આપવાની જરૂર છે.
સફળતા પહેલાં જ ડગલે ન પણ મળે, પહેલો જ પ્રયત્ન યોગ્ય ન પૂરવાર થાય, કેટલાક
લોકો બે-ત્રણ કારકિર્દી બદલ્યા પછી કદાચ સાચી દિશા સુધી પહોંચી શકે… તેથી એમને
‘નિષ્ફળતા’નું લેબલ ચોંટાડી દેવાનો કોઈને અધિકાર નથી.