લા મિઝરેબલ્સઃ વિક્ટર હ્યુગોની એક અમર કહાણી

‘અરે! એ તો અમારા મહેમાન છે, ચોર નથી. તમે એમને ખોટા હેરાન કર્યા.’ કહીને
પાદરીએ બાજુમાં ઊભેલા ઊંચા-પહોળા ચીંથરેહાલ યુવાનના ખભે હાથ મૂક્યો, ‘ભાઈ, તમે ડીશ
લઈ ગયા, પણ આ ચાંદીના, મીણબત્તીના સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટ આપ્યાં છે.’
આ ચાર વાક્યોએ એક માણસની જિંદગી બદલી નાખી… અને એમાંથી ઉદભવી એક અમર
કથા, ‘લા મિઝરેબલ.’

ફ્રેન્ચ ભાષામાં લખાયેલી આ નવલકથા 1862માં પ્રકાશિત થઈ હતી. એવું માનવામાં
આવે છે કે, 19મી સદીની આ ઉત્તમ નવલકથા હતી. ફિલ્મ, ટેલિવિઝન, સ્ટેજ સહિત
મ્યુઝિકલમાં પણ આ કથા ભજવાઈ ચૂકી છે. મિઝરેબલનો અર્થ ગરીબ અથવા બિચારા થાય છે.
વિક્ટિમ અથવા શિકાર બની ચૂકેલા લોકો એવો અર્થ પણ થાય છે. 1815થી 1832ના જૂન
રિબેલિયનની કથા પણ આ નવલકથામાં વણી લેવાઈ છે. એની સાથે જોડાયેલાં અનેક પાત્રોને
આ વાર્તામાં વણી લેવાયા છે. ગુજરાતી ભાષામાં ‘દુઃખીયારાં’ના નામે મૂળશંકર મો. ભટ્ટ દ્વારા
આનો અનુવાદ કરવામાં આવ્યો છે.

જીન વાલજીન અથવા જ્યોં વાલ્જ્યોં નામનો એક કેદી ભાગીને એક નાનકડા ગામમાં
એક પાદરીને ત્યાં રાત રોકાય છે. ત્યાં રહેલી ચાંદીની થાળીઓ જોઈને એનું મન લલચાય છે. એ
ચાંદીની થાળીઓ લઈને ભાગે છે, પણ ઝેવિટ નામનો એક પોલીસ ઓફિસર એને પકડે છે. એ
પોલીસ ઓફિસર એને પાદરી પાસે લઈ જાય છે, જ્યાં પાદરી એને સજા ન થાય એ માટે એને એ
ચાંદીની ડીશ તો આપી જ દે છે, સાથે ચાંદીના કેન્ડલ સ્ટેન્ડ આપીને કહે છે, ‘આના બદલામાં તેં
મને સારા માણસ બનવાનું વચન આપ્યું છે, યાદ છે ને?’ બસ! પાદરીની આ સજ્જનતા,
સારાઈ, ક્ષમા… પેલા કેદીનું જીવન બદલી નાખે છે. એની સાથે બદલાય છે અનેક લોકોના
જીવન!

અનેક લોકોએ આ નવલકથા પર રિસર્ચ કર્યું છે, આ નવલકથાના અનેક ઈન્ટરપ્રિટેશન-
અર્થઘટન કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે, 1829માં વિક્ટર હ્યુગોએ એક દ્રશ્ય જોયું, જેમાં
બ્રેડનો એક ટુકડો ચોરવા માટે એક પોલીસ ઓફિસર એક માણસની ધરપકડ કરી રહ્યો હતો. એ
જ વખતે ત્યાં એક મા અને દીકરી એકબીજાની સાથે રમી રહ્યાં હતાં… આ ત્રણ અજાણ્યા લોકોને
જોઈને વિક્ટર હ્યુગોને જ્યોં વાલ્જ્યોં, ફેન્ટાઈન અને કોઝેટના પાત્રોનો વિચાર આવ્યો હતો
એવો દાવો કરવામાં આવે છે. ફેન્ટાઈન અને કોઝેટ આ નવલકથાના મહત્વના પાત્રો છે. પેરિસમાં
રહીને સેક્સવર્કિંગનું કામ કરતી એક મા પોતાની દીકરીને એક ઓળખીતાને ત્યાં મૂકી આવી છે.
એ દર મહિને પોતાની દીકરીને સાચવવા માટે પૈસા આપે છે, પરંતુ એણે પોતાની દીકરીને જ્યાં
મૂકી છે એ લોકો એની પાસે મજૂરી કરાવે છે… જ્યોં વાલ્જ્યોંના હાથમાં મૃત્યુ પામતી ફેન્ટાઈન
પોતાની દીકરીને બચાવી લેવાની વિનંતી કરે છે, અને કોઝેટ એ પત્થરનું હૃદય ધરાવતા ગુનેગારની
દીકરી બનીને એને બદલી નાખે છે!

ચાર ભાગમાં લખાયેલી આ કથા માત્ર એક વ્યક્તિના જીવનમાં આવેલા બદલાવની કથા
નથી, પરંતુ એક માણસની સજ્જનતા બીજી વ્યક્તિના જીવનને કઈ રીતે સ્પર્શે-અને એ
પારસમણિનો સ્પર્શ માત્ર એક માણસનો નહીં, અનેકના જીવન બદલી શકે એવો સંદેશ આ
કથામાંથી મળે છે.

આપણે ઘણીવાર વિચારીએ, કે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે તો આપણે પણ
એની સાથે ખરાબ વર્તન કરીને એને પાઠ ભણાવવો જોઈએ. પત્થરનો જવાબ ઈંટથી આપવો
જોઈએ, માણસની સાન ઠેકાણે લાવવી જોઈએ વગેરે… પરંતુ, જો કોઈ એક વ્યક્તિના ખરાબ
વર્તનને બદલવાની રીત શીખવી હોય તો એ ક્ષમા અને સજ્જનતા છે. ગાંધીજીએ કહ્યું હતું કે,
આંખ સાટે આંખ માંગીશું તો અંતે આખું જગત અંધ થઈ જશે… પરંતુ, આપણે બધા જ જાણે
અજાણે ‘બદલો લેવાની’ વૃત્તિ છોડી શકતા નથી. આપણને લાગે છે કે, કોઈ ગુનેગારને સજા કરવી,
ખરાબ વર્તનનો જવાબ આપવો કે કોઈકનો ન્યાય તોડવો એ આપણો અધિકાર છે! સત્ય એ છે કે,
આપણી પાસે એ અધિકાર કદી હતો નહીં અને હોઈ શકે જ નહીં!

માણસ તરીકે આપણામાં પણ ઘણી ખામીઓ છે, આપણે પણ કોઈકને દુઃખ પહોંચાડીએ
છીએ. આપણે પણ ક્યારેક ખરાબ વર્તન કરીએ છીએ, ત્યારે આપણી અપેક્ષા એ હોય છે કે,
આપણને સામેની વ્યક્તિ ક્ષમા કરી દે. પોતાની ભૂલ થાય ત્યારે આપણે ‘માણસ છીએ, ભૂલ
થાય…’ કહીને છૂટી જવાનો પ્રયાસ કરીએ છીએ. બીજી તરફ ભૂલ સ્વીકારતાં અને ક્ષમા માગતાં
પણ આપણને સંકોચ થાય છે. પદ, પ્રતિષ્ઠા કે ઉંમરમાં આપણાથી નાના માણસને ‘ભૂલ થઈ’ કે
‘માફ કરો’ કહેતાં આપણને અહંકાર નડે છે. ક્ષમા માગતી વખતે પદ, પ્રતિષ્ઠા કે ઉંમર નહીં,
સામેની વ્યક્તિને આપણે કારણે જે દુઃખ થયું, અથવા આપણી જે ભૂલ થઈ એને નજર સામે
રાખવી જોઈએ.

આ બધું કદાચ, ફિલોસોફી લાગે, મોટી મોટી વાતો કે ઉપદેશ જેવું લાગે તો પણ માણસ
તરીકે આપણે એકવાર વિચાર જરૂર કરવો જોઈએ કે આપણે જીવનમાં કેટલા લોકોને દુઃખ
પહોંચાડ્યું છે, આપણાથી કેટલી ભૂલ થઈ છે-આપણે કોના વિશે ખરાબ બોલ્યા છીએ અથવા
કોનું અપમાન કર્યું છે… જો આપણા ઈમોશનલ અકાઉન્ટને ઝીરો-ઝીરો કરવું હોય તો સૌથી
પહેલી શરૂઆત ક્ષમા માગવાથી કરવી જોઈએ. એક શે’ર કહે છે,

‘કુછ ઐસે મૈંને અપનેં કો આઝાદ કિયા,
કુછ લોગોં સે માફી માંગી,
કુછ કો મૈંને માફ કિયા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *