પ્રયાગરાજ હાઈકોર્ટમાં થોડા વખત પહેલાં એક અરજી કરવામાં આવી. સ્મૃતિ સિંહ નામની એક
યુવતિએ પતિ સત્યમ સિંહ અને તેના પરિવાર ઉપર આરોપ મૂક્યો કે, એ લોકોએ સ્મૃતિને છૂટાછેડા
આપ્યા સિવાય સત્યમના બીજા લગ્ન કર્યાં. પ્રયાગરાજ હાઈકોર્ટના ન્યાયાધિશ સંજયકુમાર સિંહે સ્મૃતિ
સિંહના કેસમાં ચૂકાદો આપતા કહ્યું કે, ‘હિન્દુ લગ્નમાં સપ્તપદી અનિવાર્ય તત્વ છે. ધાર્મિક રીતે રિવાજો
સાથે થયેલા લગ્ન જ કાયદેસરના લગ્ન ગણાય. હિન્દુ લગ્નની કાયદેસરતા સ્થાપિત કરવા માટે સપ્તપદી
એક અનિવાર્ય તત્વ છે. હિન્દુ લગ્ન કાયદા, 1955ની કલમ 7 પર ભાર મૂક્યો છે, જેમાં એવી જોગવાઈ
છે કે, હિન્દુ લગ્નમાં કોઈપણ પક્ષના લગ્ન સંપન્ન થવા જોઈએ. આવા સંસ્કાર-ધાર્મિક વિધિમાં
સપ્તપદી સામેલ હોય છે.’
લગ્ન, ભારતીય સમાજ માટે બહુ મહત્વનો મુદ્દો છે જોકે, નવી પેઢી ધીમે ધીમે આ ‘લગ્નની
પ્રથા’ વિશે પોતાના અંગત વિચારો અને માન્યતાઓ ધરાવતી થઈ ગઈ છે. ભારતમાં હવે નવી પેઢી જુદી
જુદી વિચારધારા ધરાવે છે. એક માન્યતા એ છે કે, લગ્ન કરવાં જ ન જોઈએ, એક બીજી માન્યતા એ છે
કે, લગ્ન કરવાં જોઈએ, પરંતુ આર્થિક રીતે સંપન્ન અને સ્વતંત્ર થઈને…કેટલાક લોકો અરેન્જ મેરેજ કરવા
તૈયાર છે. એમને લાગે છે કે, ‘લગ્ન’માં માતા-પિતાની સંમતિ અને એમની પસંદગી જ અંતિમ હોવી
જોઈએ. આ પેઢી દોસ્તી, મિત્રતા અને પ્રેમ વિશે એમના નિર્ણય કરે છે, પરંતુ જ્યારે જીવનસાથીની
પસંદગી કરવાની આવે ત્યારે નિર્ણય માતા-પિતા પર છોડે છે. બીજો એક વર્ગ માત્ર લવ મેરેજમાં
વિશ્વાસ કરે છે. લાંબો સમય સુધી ડેટિંગ કરીને, એકમેકને માનસિક અને ફિઝિકલી પૂરેપૂરા ઓળખીને
પછી જ લગ્ન કરવાં એવું આ વર્ગના યુવાનો માને છે. હવે લગ્ન વિશે એક નવી માન્યતા એ છે કે, સ્ત્રીનાં
લગ્ન પુરુષ સાથે કે પુરુષના સ્ત્રી સાથે જ થાય એવું પણ જરૂરી નથી રહ્યું. બે પુરુષો અને બે સ્ત્રીઓ
પણ લગ્ન કરી શકે છે જોકે, આ લગ્નને કાયદેસરની માન્યતા હજી મળી નથી.
સંસ્કૃતમાં લગ્નને વિવાહ કહેવામાં આવે છે. આ વિવાહમાં કન્યાદાન દ્વારા સ્ત્રીની સુરક્ષાની
જવાબદારી પતિને આપવામાં આવે છે. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના સેવનમાં સ્ત્રીને
પત્ની તરીકે સાથે રાખવાની જવાબદારી કન્યાદાન દ્વારા પુરુષને સોંપવામાં આવે છે.
પરિણયની મુખ્ય વિધિમાં કન્યાદાન, અગ્નિસ્થાપન, હોમ, પાણિગ્રહણ,
અગ્નિપરિણયન, અશ્મારોહણ અને સપ્તપદીનો સમાવેશ થાય છે. ભારતીય શાસ્ત્રો અનુસાર
સપ્તપદી જ લગ્નની વિધિ નથી, કારણ કે શાસ્ત્રોમાં આઠ પ્રકારના વિવાહ અથવા લગ્નનો
ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બધા જ લીગલ અથવા જાયઝ છે.
- બ્રહ્મ વિવાહ – બ્રહ્મ લગ્ન એ છે કે જ્યાં કોઈ છોકરો પોતાનું વિદ્યાર્થી જીવન અથવા બ્રહ્મચર્ય પૂર્ણ કર્યા
પછી લગ્ન કરી શકે છે. બ્રહ્મ વિવાહ આઠ પ્રકારનાં હિન્દુ લગ્નમાં સર્વોચ્ચ પદ ધરાવે છે. જ્યારે
છોકરાના માતાપિતા કોઈ છોકરીની શોધ કરે છે, ત્યારે છોકરીના કુટુંબની વિગતો ધ્યાનમાં લે છે, પરંતુ
છોકરીના પિતા તેની ખાતરી કરે છે કે જે છોકરો લગ્ન કરવા ઇચ્છે છે તે છોકરો શિક્ષિત અને સંસ્કારી
છે. આ પ્રકારના લગ્નમાં દહેજને પાપ માનવામાં આવે છે.
- દૈવ વિવાહ – લગ્નનો આ પ્રકાર જેને સન્માનજનક માનવામાં આવતું નથી કારણ કે તે સ્ત્રીત્વ માટે
અપમાનજનક ગણી શકાય. જ્યારે છોકરીના પરિવારજનો તેના લગ્ન માટે ચોક્કસ સમય સુધી રાહ
જુએ, જો યોગ્ય વર ન મળે, તો તેના લગ્ન બ્રાહ્મણ વડે શોધેલા છોકરા સાથે કરવામાં આવે. પ્રાચીન
સમયમાં છોકરાને જોયા વગર લગ્ન કરવાની આ પ્રથા પ્રચલિત હતી. - આર્ષ વિવાહ – આર્ષ લગ્ન એવા લગ્ન છે જેમાં છોકરીના ઋષિ સાથે લગ્ન કરવામાં આવે છે.
અગસ્ત્યે લોપામુદ્રા સાથે આ રીતે લગ્ન કર્યા. ઘણીવાર સમાજમાં શક્તિ ધરાવતા અને ઊંચું સ્થાન
ધરાવતા ઋષિ મુનિઓને કન્યાના પિતા નકારી શકતા નહીં અને તેથી એના લગ્ન ઋષિની માગણી
મુજબ કરવા એ પુણ્ય ગણાતું. - પ્રજાપત્ય વિવાહ – પ્રજાપત્ય તે વિવાહ છે જ્યારે કોઈ છોકરીના પિતા તેને વરરાજા સાથે લગ્નમાં
અર્પણ કરે છે, જમાઈ સાથે આદરપૂર્વક વર્તે છે અને તેમને સંબોધન કરે છે: ‘તમે બંને એક સાથે તમારી
ફરજો બજાવી શકો’. બ્રહ્મ લગ્નથી વિપરીત, પ્રજાપત્ય લગ્ન તે છે જ્યાં કન્યાના પિતા વરની શોધમાં
જાય છે. - ગાંધર્વ વિવાહ – એક કુંવારી છોકરી અને તેના પ્રેમીના આપમેળે જોડાણને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે
છે. આધુનિક ‘પ્રેમ’ લગ્ન ગંધર્વ લગ્નને ખૂબ સમાન છે. આ તે વિવાહ છે જ્યાં છોકરો અને કન્યા તેમના
માતાપિતાની હાજરી અથવા મંજૂરી વિના લગ્ન કરી શકે છે. દુષ્યંતે શકુંતલા સાથે આ રીતે લગ્ન કર્યા.
આ ડેટિંગ નથી. અહીં કન્યા અને વરરાજા શારીરિક રીતે એકમેકને સમર્પિત થતાં પહેલાં કોઈ વ્યક્તિ,
પ્રાણી, ઝાડ, છોડ અથવા દેવની ઉપસ્થિતિમાં એકમેકની સાથે જીવવાની પ્રતિજ્ઞા લે છે. - અસુર વિવાહ – અસુર વિવાહ ત્યારે થાય છે જ્યારે વરરાજા સ્વેચ્છાએ કન્યા અને તેના સંબંધીઓને પોતે
જેટલી આપી શકે એટલી સંપત્તિ આપ્યા પછી તેને કન્યા મળે છે. આ લગ્ન અલગ છે. આ એક એવો
લગ્નસંબંધ છે જ્યાં વર ઘણીવાર કન્યા સાથે સુસંગત ન હોય, થોડી વિકલાંગતા પણ ધરાવતો હોય છે,
પરંતુ વરની ઇચ્છા અને સંપત્તિ સાથે કન્યાના પિતાના લોભ અથવા જરૂરિયાત માટે આ લગ્ન થાય છે.
આ પ્રકારના લગ્નને નીચું માનવામાં આવતું હતું. આધુનિક સમયમાં કાયદાની દ્રષ્ટિએ આ અસ્વીકાર્ય છે
કારણ કે તે કોઈ પણ વસ્તુને દુકાનમાંથી ખરીદવા સમાન છે. - રાક્ષસ વિવાહ – રાક્ષસ વિવાહ એ એક એવાં લગ્ન છે જેમાં છોકરીના ઘરેથી અથવા સ્વયંવરમાંથી
બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હોય. તેના સગાંઓ માર્યા ગયા હોય અથવા ઘાયલ થયા હોય.
તેમાં બળના ઉપયોગને કારણે આ લગ્ન આધુનિક વિચારમાં એક પ્રકારનો બળાત્કાર જ છે. એને ક્યારેય
યોગ્ય માનવામાં આવતું નહોતું, આજે પણ યોગ્ય નથી. તેથી તેનું નામ રાક્ષસ વિવાહ છે. મનુસ્મૃતિમાં
પાપ તરીકે આની નિંદા કરવામાં આવી છે. આધુનિક સમયમાં તે કાયદેસર ગુનો છે. - પૈશાચ વિવાહ – જ્યારે ચોરી-છુપીથી કોઈ વ્યક્તિ સૂતી, નશો કરેલી અથવા માનસિક વિકલાંગ છોકરીને
ફસાવે છે, ત્યારે તેને પૈશાચ લગ્ન કહેવામાં આવે છે. છોકરીની જાણ બહાર એની સાથે લગ્ન કરી લેવાં
એ સ્ત્રીમાં રહેલી દૈવી શક્તિનું અપમાન છે. મનુસ્મૃતિમાં ભયાનક પાપ તરીકે આની નિંદા કરવામાં
આવી છે. આધુનિક સમયમાં આને ડેટ બળાત્કાર કહેવામાં આવે છે અને મોટાભાગના સંસ્કારી દેશોમાં
તે સજાને પાત્ર ગુનો છે.