લગ્નમાં આત્મા નહીં, શરીર પણ અનિવાર્ય છે

લગ્ન પહેલાં એક છોકરી કન્ફ્યુઝ છે, લગ્ન પછી એ પતિ સાથે ઈમોશનલી કે શારીરિક રીતે
પૂરેપૂરી જોડાઈ શકતી નથી-અપરાધભાવમાં સતત સફાઈ કર્યા કરે છે (ઓસીડીની અસર) એનો પતિ જે
એક નોર્મલ માણસ છે, લગ્નજીવન વિશે એણે કલ્પેલી લગભગ બધી જ બાબતો એના લગ્નજીવનમાં
મિસિંગ છે. બીજી તરફ, જેના સપનાં ચૂરચૂર થઈ ગયાં છે એવો એક સ્પોર્ટ્સમેન, આર્થિક જવાબદારી
ઉપાડતી એની પત્ની… આધુનિક યુગની વિટંબણાઓ અને સમસ્યાઓ સાથે ‘કભી અલવિદા ના કહેના’
ફિલ્મની વાર્તા બહુ સરસ રીતે કહેવાનો પ્રયાસ થયો હતો, પરંતુ કદાચ આ ફિલ્મ એ સમયે લોકોને
સમજાઈ નહીં, કે પછી ભારતીય માનસિકતા આ વાર્તા સ્વીકારી શકી નહીં! કરણ જોહરની મલ્ટીસ્ટારર
ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ.

2006માં રજૂ થયેલી આ ફિલ્મ એના સમયથી થોડી વહેલી હતી. આજે 2022માં
લગ્નજીવનનો અસંતોષ અને એકમેક પરત્વેની અપેક્ષાઓ જોતાં એ ફિલ્મ ‘આજની’ વાર્તા લાગે છે.
આપણે બધા માણસ તરીકે આપણા જીવનસાથી પાસેથી અમુક પ્રકારની અપેક્ષા રાખીએ છીએ. ખાસ
કરીને, ઈમોશનલ અને શારીરિક સંબંધોમાં આપણી કલ્પનાઓ અને રોમેન્સનો પણ સમાવેશ થાય છે.
જીવનસાથી જ્યારે કાળજી લે, સ્નેહ કરે, જવાબદારી ઉપાડે, પરિવારનું ધ્યાન રાખે તેમ છતાં, જે હૂંફ,
એક્સાઈટમેન્ટ કે ઉમળકો લગ્નજીવનમાં હોવો જોઈએ એ ન હોય તો લગ્નજીવનનો અર્થ રહેતો નથી
એવું ઘણા લોકોને લાગે છે. ખાસ કરીને શારીરિક સંબંધોમાં જીવનસાથી જોઈએ તેવો પ્રતિભાવ ન આપે,
સામેની વ્યક્તિને લાગે કે જાણે એને જીવનસાથીમાં અથવા શારીરિક સંબંધમાં રસ નથી ત્યારે
લગ્નજીવનમાં એક વિચિત્ર પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. એમાંય જ્યારે એક વ્યક્તિ શારીરિક રીતે
ડિમાન્ડિંગ અથવા વોર્મ હોય અને બીજી વ્યક્તિ ન હોય ત્યારે વારંવાર એ વિશે મનદુઃખ થવાની
સંભાવના રહેલી છે.

આ પ્રશ્ન સામાન્ય રીતે સ્ત્રીની બાબતમાં વધુ જોવા મળે છે કારણ કે, ભારતીય સમાજ અને
સંસ્કૃતિમાં દીકરીને પહેલેથી જ થોડી શાંત, સમજુ અને શરમાળ બનાવવાની પરંપરા છે. બહુ બોલતી,
મોટેથી હસતી કે ખૂલીને વાતો કરતી છોકરી વિશે આજે પણ સમાજમાં બહુ ઝડપથી અણગમતા
અભિપ્રાય પ્રસરી જાય છે. માતા-પિતા દીકરીને દબાવીને કંટ્રોલમાં રાખવાનું પસંદ કરે છે. સાસરે પણ
પુત્રવધૂ પાસેથી થોડી શરમાળ, શાંત અને સમર્પિત રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે… બીજી તરફ એ
જ છોકરી પાસેથી શયનખંડમાં એના પતિ ઉમળકાની અને પ્રતિભાવની અપેક્ષા રાખે છે. પત્ની સામેથી
શારીરિક સંબંધ માટે માગણી કરે કે બહુ હૂંફાળો કે એક્સાઈટમેન્ટવાળો પ્રતિભાવ આપે તો પાછું ‘પતિ’ને
એવું લાગે છે કે, એની પત્ની ‘અનુભવી’ અને ‘પહેલેથી જ બધું જાણે છે’. આ બધી ગૂંચવણમાં નવી
પરણેલી ભારતીય સ્ત્રીને સમજાતું નથી કે, એણે કંઈ રીતે વર્તવું જોઈએ.

ભારતમાં પહેલાં પણ બહુ સ્પષ્ટ રીતે બે વર્ગ હતા. એક જે ભણેલો, શહેરમાં રહેતો અને સંપન્ન
વર્ગ છે. બીજો, જે બી ટાઉન-નાના શહેર કે ગામડાંમાં રહેતો સાદું જીવન જીવતો (સંપન્ન હોય તો
પણ), અથવા મધ્યમવર્ગ કે એથી પણ આર્થિક રીતે થોડા નબળો વર્ગ. શહેરમાં રહેતી દીકરીઓ પ્રમાણમાં
બિન્દાસ, હિંમતવાળી અને એક્સ્પ્રેસિવ (અભિવ્યક્તિ કરવામાં સહજ) હોય છે. હવે શહેરોમાં લવ મેરેજ
અથવા લગ્ન પહેલાં એકમેકને ઓળખવાની તક મળે છે-ડેટિંગ કે કોર્ટશિપનો સમય વધ્યાં છે. બંને
એકમેકને ઓળખતા હોય ત્યારે બે પ્રકારની સંભાવના રહે છે એક, લગ્ન પહેલાં જ શારીરિક સંબંધો થઈ
જાય… અને બીજી, લગ્ન પહેલાં એકમેકના ગમા-અણગમા, શોખ, ફેન્ટસી વિશે સમજણ કેળવાય, પરંતુ
નાના શહેરમાં કે ગામડાંમાં ઉછરેલી છોકરી સંપન્ન ઘરની હોય તો પણ સમાજની બીકે-કે મર્યાદાને કારણે
અભિવ્યક્તિ કરવામાં એટલી સરળ અને સહજ નથી હોતી. આવાં લગ્નોમાં સામાન્ય રીતે અરેન્જ મેરેજ
હોય છે. એને કારણે એકમેકની સાથે ખૂલવાનો, વાત કરવાનો કે એકબીજાને ઓળખવાનો સમય
પ્રમાણમાં ઓછો મળે છે. નાના શહેરમાં ઉછરેલી છોકરી જેમ થોડી સંકુચિત હોય એવી જ રીતે પતિની
માનસિકતા પણ સંકુચિત અને રૂઢિચુસ્ત હોવાની સંભાવના વધારે છે… આવા લગ્નોમાં ગેરસમજ અને
મુશ્કેલી વધુ ઊભી થાય છે.

ભારતીય લગ્નની પરંપરામાં લગ્નને એક સંસ્કાર, એક સંસ્થા અને બે આત્મા, બે પરિવારનું
મિલન માનવામાં આવતું હતું. વૈદિક યુગ સુધી કદાચ આ વાત સાચી હતી, પરંતુ હવે બદલાતા સમય
સાથે લગ્નમાં શારીરિક સંબંધનું મહત્વ પણ એટલું જ છે જેટલું માનસિક ઐક્યનું અને એકમેક પરત્વેના
સન્માન અને સમજણનું… એક ઉક્તિ કહે છે, ‘પુરુષના હૃદય સુધી પહોંચવાનો રસ્તો એના પેટમાંથી
પસાર થાય છે, આ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ પણ છે કે પુરુષ માટે સેક્સનું મહત્વ
કદાચ સ્ત્રી કરતાં થોડું વધારે છે.

લગ્ન પહેલાં દીકરીને થોડુંક સેક્સ એજ્યુકેશન આપવું આજના સમયમાં જરૂરી છે. જેમ
માસિકધર્મમાં આવતી દીકરીને એના શરીરના બદલાવ વિશે સમજાવવામાં આવે એવી જ રીતે માતા
અથવા ભાભી કે ઘરના કોઈ વડીલ વ્યક્તિએ દીકરીને આ વાત સમજાવવી જોઈએ. મર્યાદામાં રહીને,
શરમ અને સંકોચને ઓળંગ્યા વગર, પરંતુ અભિવ્યક્ત થઈને, હૂંફ સાથે પતિને ‘શારીરિક સુખ’ આપવું એ
લગ્નજીવનને મજબૂત અને સ્નેહસંબંધને અતૂટ બનાવવાનો એક રસ્તો છે.

સાચું પૂછો તો આ વાત આધુનિક નથી કારણ કે, આજથી સદીઓ પહેલાં કહેવાયેલા સુભાષિતમાં
કહ્યું છે કે, ‘કાર્યેષુ મંત્રી, ભોજ્યેષુ માતા અને શયનેષુ રંભા’ એ બધા જ પાત્રો સ્ત્રીએ પોતાના જીવનમાં
નિભાવવાના છે. શયનેષુ રંભા-નો અર્થ છે જેમ એક અપ્સરા ઈન્દ્રને રીઝવે એમ સ્ત્રીએ પોતાના
જીવનસાથીને પૂરો આનંદ અને સુખ આપવાનું છે. જે પતિ પોતાની જીવનસંગિનીના પોતાને સુખી
કરવાના પ્રયાસને શંકાની દૃષ્ટિએ જુએ છે કે, એને ‘અનુભવી’ કે ‘બેશરમ’ જેવા લેબલ લગાડે છે એ
પોતાના જ સુખને નકારે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *