એ વાત હજી બહુ જૂની નથી થઈ, જ્યારે સિનેમાના સ્ટાર્સ નાના પડદા પર-ટેલિવિઝન પર
આવતાં અચકાતા હતા. ટેલિવિઝન સીરિઝ કે શોમાં આવવાનો અર્થ એવો થતો કે એ સ્ટારની
સિનેમાની કારકિર્દી હવે પૂરી થવામાં કે લપેટાઈ જવામાં છે! બચ્ચન સાહેબે ‘કૌન બનેગા કરોડપતિ’થી
ટેલિવિઝનના પડદે આગમન કર્યું. એ પછી શાહરુખ, સલમાન અને હવે કંગના રણોત સુધી સૌને
ટેલિવિઝનના નાના પડદા ઉપર ‘મોટો લાડુ’ દેખાવા લાગ્યો છે. કોરોનામાં ઘરમાં પૂરાયેલા લોકો
ઓટીટીના પ્લેટફોર્મમાં રસ લેતા થઈ ગયા. ધીરે ધીરે ઓટીટીનું પ્લેટફોર્મ એટલું મોટું થઈ ગયું કે
સલમાન ખાન સહિત અનેક મોટા ફિલ્મસ્ટાર્સે પોતાની ફિલ્મને થિયેટરને બદલે સીધી ઓટીટી પર
રજૂ કરી દીધી! આજે માધુરી દીક્ષિત, અજય દેવગણ જેવા મોટા સ્ટાર્સ પણ ઓટીટીના પ્લેટફોર્મ
માટે સીરિઝમાં અભિનય કરવા તૈયાર થઈ ગયા.
અંતે તો દરેક કલાકારને પોતાના દર્શક સુધી પહોંચવું હોય છે. બદલાતા સમય સાથે સિનેમા
થિયેટરની સ્થિતિ થોડી વિચિત્ર થઈ ગઈ છે. ‘કશ્મીર ફાઈલ્સ’ જેવી સુપરહિટ સફળતા છેલ્લા ઘણા
સમયથી અન્ય ફિલ્મોએ જોઈ નહોતી. એમાંય ખાસ કરીને રિજનલ ફિલ્મોને તો ખૂબ જ તકલીફ
પડી કારણ કે, પ્રેક્ષકોએ હિન્દી કે રિજનલ વચ્ચે પસંદગી કરવાની આવી…
પરેશ રાવલની ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’ ચાર અઠવાડિયા સુધી થિયેટરમાં ટકી રહી, પરંતુ
બોક્સ ઓફિસના આંકડા જોતાં એને સુપરહિટ તો ન જ કહી શકાય. એવી જ રીતે અમિત ત્રિવેદીના
સંગીત સાથે રજૂ થયેલી ‘પ્રેમ પ્રકરણ’ની પબ્લિસિટી ઘણી કરવામાં આવી, પરંતુ ‘કશ્મીર ફાઈલ્સ’ની
સામે એ ફિલ્મ પણ ટકી ના શકી. બીજી તરફ, ઓટીટીના આંકડા જોઈએ તો આપણને સૌને નવાઈ
લાગે કારણ કે, સબસ્ક્રિપ્શનથી જોઈ શકાય એવા આ પ્લેટફોર્મ્સ પર પ્રેક્ષકો આનંદથી જોડાય છે,
વેબસીરિઝ ધૂમ ચાલે છે…
માધુરી દીક્ષિતની ‘ફેઈમ ગેઈમ’ એક અત્યંત સફળ અભિનેત્રીનાં અંગત જીવન વિશેની કથા
છે. જોનારાએ એમાં શ્રીદેવી કે માધુરીના પોતાના જીવનના સંદર્ભો પણ શોધવાનો પ્રયાસ કર્યો, કદાચ
એ સાચા પણ હોય! નવાઈની વાત એ છે કે, આપણે બધા ધીરે ધીરે મનોરંજનના માધ્યમનો બદલાવ
અનુભવી રહ્યા છીએ. જે લોકો 60ના દશકમાં જન્મ્યા છે એમને માટે તો આ ટેક્નોલોજીનો પ્રવાસ
સાચે જ આશ્ચર્યકારક રહ્યો છે. એ બધા શાળામાં હતા ત્યારે ટેલિવિઝનનો પ્રારંભ થયો. 1965માં
પહેલીવાર નિયમિત ટ્રાન્સમિશનનો પ્રારંભ થયો, પરંતુ 1972 થી 75 દરમિયાન ભારતના સાત
શહેરોમાં ટેલિવિઝન દેખાતું થયું. જે લોકો ગુજરાતમાં ઉછર્યા છે એમને આજે પણ પીજ દૂરદર્શન પર
રજૂ થતા ખેતીવાડી અને શિક્ષણ વિષયક કાર્યક્રમ યાદ હશે! એ પછી દૂરદર્શનના મનોરંજન કાર્યક્રમો
નેશનલ ટેલિવિઝન તરીકે શરૂ થયા. ખાનગી ચેનલ્સનો પગપેસારો થયો અને વિદેશી ચેનલ્સ ભારતમાં
સ્થાયી થઈ ગઈ.
1995માં ઈન્ટરનેટને ભારતના સામાન્યજન સુધી પહોંચવાની તક મળી, પરંતુ 2020
સુધીમાં ભારતની 57.12 ટકા જેટલી વસતિ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ ગઈ. ચેનલના એપ્સ
બન્યા, ધીરે ધીરે મોબાઈલ ફોનમાં મનોરંજનની અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ. આજે પોર્ન
ફિલ્મો કે ડાર્ક વેબથી શરૂ કરીને દર અઠવાડિયે અપલોડ થતી જાતજાતની ગેમ્સ અને હવે તો
ખુલ્લેઆમ રમાતા જુગાર સુધી બધું જ ફોનમાં ઉપલબ્ધ છે.
નવાઈ એ વાતની લાગે કે, આપણે બધા ટેક્નોલોજીના એવા ગુલામ થઈ ગયા છીએ કે
સ્ટાર્ટઅપના નામે આપણા ફોનમાં ગોઠવાઈ જતા ડાઉનલોડ થયેલા એપ્સની સંખ્યા ધીરે ધીરે એટલી
વધી ગઈ છે કે આપણો ફોન એક એપ્સનું કલેક્શન બની ગયો છે. બહુ ઓછા લોકો જાણે છે કે,
આપણે જેટલા એપ્સ ડાઉનલોડ કરીએ એટલા વધુ આપણે આપણો ડેટા બજારમાં વહેતો મૂકીએ
છીએ. છેલ્લા થોડા સમયમાં સોશિયલ મીડિયાથી શરૂ કરીને નેટબેન્કિંગ સુધીના અનેક ચીટિંગ અને
મૂર્ખ બનાવવાના કિસ્સા આપણી સામે આવતા જાય છે. લિંક પર ક્લિક કરો, તમારો ઓટીપી શેર કરો
કે તમારી બેન્ક ખાતાની વિગતો આપો… જેવા ફોન લગભગ સૌને આવ્યા જ હશે. સવાલ એ થાય
કે, આપણો નંબર એમની પાસે આવ્યો કેવી રીતે? એટલું જ નહીં, એ ચીટર કે ફોન કરનાર
ટેક્નોલોજી એક્સપર્ટ આપણને કેટલીક એવી વિગતો આપે અથવા પૂછે જેની માહિતી ફક્ત આપણી
પાસે અથવા આપણા પરિવારની કોઈ વ્યક્તિ પાસે જ હોય!
આપણે બધા આમ જોવા જઈએ તો લાલચુ અને બેધ્યાન લોકો છીએ. આપણી લાલચ
આપણને આવા કોઈ ફોન કરનાર વ્યક્તિની વાત સાંભળવા મજબૂર કરે છે. ‘તમને લોટરી લાગી છે’
અથવા ‘તમને ફ્રી ટ્રાવેલિંગ અને ટિકિટની ઓફર છે’ અથવા ‘તમને મોબાઈલ ફોન લકી ડ્રોમાં મળે છે’
જેવા વાક્યથી થતી શરૂઆત આપણને આકર્ષે છે. એ આકર્ષણમાં સપડાયા તો ગયા કારણ કે, ‘એને’
ખબર છે કે, ‘આપણી’ નબળાઈ શું છે!
સૌથી પહેલાં લાલચ આપણને લપેટે છે, ત્યારે આપણે આપણી જાતને એકવાર પણ એવો
સવાલ નથી પૂછતા કે, ભારતની સવા સો કરોડની વસતિમાંથી ફક્ત આપણે જ એવા કેવા નસીબદાર
છીએ કે આપણને જ આ ઓફર મળે છે… ઉલ્ટાનું આપણને એવું માનવું કે, માની લેવું ગમે છે કે,
આપણા જેવું નસીબદાર કોઈ નથી! એ પછી આપણી સાથે માઈન્ડ ગેમ રમાવાની શરૂ થાય છે.
આપણે પણ ઓછા નથી ને?… એટલે, આપણું બેધ્યાનપણું આપણને ડૂબાડે છે. અનેક લોકોએ
અનેકવાર તાકીદ કર્યા પછી, બેન્કમાંથી મળતી વારંવાર સૂચનાઓ છતાં જ્યારે સામેની વ્યક્તિ
આપણને સવાલો પૂછવાનું શરૂ કરે છે ત્યારે આપણે મોટેભાગે એને એક પણ સવાલ પૂછ્યા વગર
આપણા વિશેની માહિતી આપવાનું શરૂ કરીએ છીએ.
મોબાઈલ ફોનની, ફ્રી ટ્રાવેલની કે કોઈ મફત ભેટ અથવા સ્કીમના આકર્ષણમાં આપણે જે
માહિતી પૂરી પાડીએ છીએ એનો ઉપયોગ આપણી સામે કરવામાં આવે છે અને અંતે આપણા
ખાતામાંથી પૈસા ઓછા થયાનો મેસેજ આપણા ફોનના સ્ક્રીન પર દેખાય છે ત્યારે સમજાય છે કે,
‘આપણે કેટલામાં નાહ્યા!’
માત્ર ઈન્ટરનેટ જ આને માટે જવાબદાર છે એવું નથી. વિદેશ લઈ જવાની લાલચ, એકના
ડબલ કરી આપવાની લાલચ કે પછી નોકરી અપાવવાની, કામ અપાવવાની, ટેન્ડર પાસ કરાવવાની
અને આ બધું ઓછું હોય એમ સુંવાળા શારીરિક સંબંધોની લાલચ આ સમાજમાં નાગચૂડની જેમ
લપેટાતી જાય છે. ‘લગ્ન કરાવી આપવાની’ લાલચમાં કેટલાય સિંગલ પુરુષો સોનુ અને રોકડ ગુમાવી
બેઠા છે. અજાણી યુવતિના પ્રેમમાં પડી ગયેલા લાલચુ પુરુષો હોટેલના રૂમમાં એમની સાથે સપડાય,
પછી એનો જ બોયફ્રેન્ડ આવીને બ્લેકમેઈલ કરે… રોકડ અને ઘડિયાળ, મોબાઈલ જેવી વસ્તુઓ
આપી દીધા પછી પણ ક્યારેક વીડિયો દ્વારા આ બ્લેકમેલિંગ ચાલુ રહે ત્યારે આપણને સમજાય કે
નાનકડી લાલચ આપણને કેટલી ‘મોંઘી’ પડી.
સવાલ એ છે કે, માણસને આ સમજાતું કેમ નથી? એનો જવાબ એ છે કે, આપણે બધા
અસંતુષ્ટ જીવો છીએ. જે મળ્યું છે એના કરતાં આપણને વધારે મળવું જોઈતું હતું, એવું લગભગ દરેક
વ્યક્તિ માને છે. વધુ સુંદર પત્ની કે પતિ, અથવા જીવનમાં જીવી લેવાની, માણી લેવાની વધુ તકો,
વસ્તુઓ કે વધુ પૈસાની આપણી ભૂખ આપણને આવા મૂર્ખતાપૂર્ણ પગલા તરફ લઈ જાય છે.
જે ક્ષણે આપણે ‘ના’ પાડતાં શીખી જઈએ એ ક્ષણે આપણને એક વિચિત્ર પ્રકારના
આત્મગૌરવ અને સ્વતંત્રતાનો અનુભવ થાય છે. જ્યારે આપણને કશું જોઈતું જ ન હોય, ત્યારે એના
બાર્ટરમાં કોઈ આપણી પાસે કશું કહેવડાવી કે કરાવી નહીં શકે એ વાતની દૃઢતા આપણા વ્યક્તિત્વને
એક નવો જ ઓપ આપે છે.
ચાલો, છેતરાવાને બદલે છોડી દઈએ… મૂર્ખ બનવાને બદલે મનને કેળવીએ અને લાલચમાં
લપેટાવાને બદલે સંતોષનો શ્વાસ લઈએ.