अवतारा हयसंख्येया हरे सत्त्वनिधेद्विजाः ।
यथाविदासिनः कुल्याः सरसः स्युः सहस्त्रशः ।। (श्रीमद् भागवत्, 9.6.26)
જેમ વિશાળ સરોવરમાંથી નાના નાના અનેક ઝરણા નીકળે છે એમ પરમતત્વ ઈશ્વરના
અસંખ્ય અવતારો થાય છે. આમ તો 10 કે 24થી વધુ અવતાર હોઈ શકે છે, પરંતુ 10 કે 24
આપણી જાણમાં છે (ઉપલક્ષણથી ગણાવ્યા છે). આપણી પરંપરામાં અવતારોની ગણના બે રીતે થાય
છે, દશાઅવતાર અને ચોવીસઅવતાર. દશાઅવતાર શ્રી વિષ્ણુના છે અને ચોવીસ તીર્થંકરો જૈનત્વના
આરાધ્ય છે. આ સિવાય અન્ય અવતારો હોઈ શકે છે, પરંતુ માણસની સીમિત બુદ્ધિ જે જોઈ કે
સમજી શકે છે એમાં આટલા જ અવતાર આપણને સમજાયા છે.
અવતાર એટલે શું? એવો સવાલ નવી પેઢી પૂછે છે. જો ભગવાન બધું જ કરી શકતા હોય તો
એમણે માણસ થઈને આવવાની શી જરૂર? એનો જવાબ સરળ છે, પણ સમજવો કઠીન છે.
ભગવત ગીતામાં કહ્યું છે કે, ધર્મની સંસ્થાપના માટે (પુનઃસ્થાપના માટે), સાધુ-પુરુષોના રક્ષણ અને
દુષ્ટોના વિનાશ માટે હું અવતાર ધારણ કરું છું… વૈદિક સમજણ મુજબ આખી દુનિયા જ પરમાત્માનું
સ્વરૂપ છે. વેદોમાં અવતારની વિગતો નથી, બલ્કે એમાં મૂળ સ્વરૂપની વાત કરવામાં આવી છે. એ
પછીની કથાઓ જેને આપણે પુરાણ તરીકે ઓળખીએ છીએ એમાં અવતારનું મહાત્મ્ય આપણને
સમજાવવામાં આવ્યું છે. આપણે સનાતન ધર્મના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો સમજાય કે, વિજ્ઞાન અને
વેદ એકમેકથી ભિન્ન નથી, બલ્કે સત્ય તો એ છે કે, આજનું આધુનિક વિજ્ઞાન આજથી સદીઓ
પહેલાં કહેવાઈ ચૂકેલી વેદની ઋચાઓમાંથી જ જન્મ્યું છે. ધરતીમાં ધરબાયેલા નાનકડા બીજમાંથી
જે અંકુર ફૂટે છે, માના ગર્ભમાં નજરે નહીં જોઈ શકાય એવા એમ્બ્રિયોમાંથી 5-6 ફૂટનો માણસ બને
છે. બ્રહ્માંડમાં અનેક ગ્રહો, નક્ષત્રો અને તારાઓ શેના બળે લટકી રહ્યા છે? પૃથ્વી ઉપર આટલું બધું
વજન હોવા છતાં એ કેમ ધસી પડતી નથી… આવા અનેક પ્રશ્નોના ઉત્તર તર્કથી તો આપી જ શકાય
છે, પરંતુ તર્કની બહાર પણ કશુંક છે જેને આપણે સમજી શકતા નથી.
क्षित्यंकुरादिकं सकर्तुकं, कार्यत्वात् घटवत्, यत्र यत्र कार्यत्वं तत्र तत्र सकर्तृत्वम्. જો
કશું બન્યું છે તો એને બનાવનાર પણ કોઈ હશે. સર્જાયું છે તો સર્જાવનાર હશે, ટક્યું છે તો ટકાવનાર
હશે, આપણે જેને, જે સ્વરૂપે જોઈએ છીએ તે સ્વરૂપે ‘એ ન પણ હોય!’ કલ્પનાના ઈશ્વર કરતાં
સત્ય એવું પરમતત્વ કદાચ બહુ નોખું, બહુ ભિન્ન હોય તો પણ એવું કંઈક તો છે જેમાંથી આપણે
સહુ ઉત્પન્ન થઈએ છીએ અને જ્યાં આપણે સૌ ચાલી જઈએ છીએ. અનેક કોષિકાઓ એકમેક સાથે
જોડાઈને સજીવને આકાર આપે છે, જીવંત રાખે છે… એ કોષિકાઓને જોડનાર તત્વ ચેતન છે.
દીપકની જ્યોતિની જેમ એ ચૈતન્ય ક્યાંથી આવે છે અને ક્યાં ચાલ્યું જાય છે એ વિશે આપણી પાસે
કોઈ તર્ક નથી.
ईश्वरः सर्वभूतानां हद्देशेडर्जुन तिष्ठति, भ्रामयन् सर्वभूतानि यंत्रारुढानि मायया. આ
જગતમાં ચાલતી તમામ પ્રવૃત્તિ એકમેક સાથે ન સમજી શકાય એવી રીતે કનેક્ટેડ છે. વરસાદ પડે,
નદીનાળાં છલકાય, ખેતરને પાણી મળે, અનાજ ઊગે, જીવને ભોજન મળે, જીવમાંથી જીવ ઉત્પન્ન
થાય, એ જીવ ફરી પાછો ધરતીમાં મળી જાય અથવા એની ભસ્મ માટીમાં, પાણીમાં વિસર્જિત કરી
દેવામાં આવે, શરીરમાં 70 ટકા પાણી હોય તેમ છતાં એનું અંતિમ સ્વરૂપ ભસ્મ કે માટી બને… એનો
અર્થ એમ કે, ઉપરથી વરસતો વરસાદ કે જમીનમાં સંચિત થતું પાણી આપણા શરીરનો જ એક ભાગ
છે! આપણું શરીર પંચમહાભૂતનું એક સાયુજ્ય છે. એ પંચમહાભૂત જ્યાં સુધી એકઠા છે ત્યાં સુધી
શરીર છે. જે ક્ષણે એ પાંચેય તત્વ પોતપોતાની દિશામાં જવાની ઈચ્છા વ્યક્ત કરે એ ક્ષણે શરીરનો
નાશ થાય છે.
सर्वतः पाणिपादम सर्वतोडक्षिशिरोमुखम्. આ પાંચ તત્વોની ઉપર એક પરમતત્વ છે જે
અતિસૂક્ષ્મ છે, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ. એ અતિવિરાટ પણ છે. આખું જગત એના હાથ,
પગ, આંખ, મોઢું અને કાન છે. આપણા શરીરમાં વસતા પંચમહાભૂત અને પંચેન્દ્રિય એ અતિસૂક્ષ્મ
છતાં અતિવિરાટ તત્વનો નાનકડો અંશ છે. अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः એ પરમતત્વ
આપણા દ્વારા સાંભળે છે, બોલે છે, ચાલે છે, ફરે છે, શ્વાસ લે છે, ચાખે છે, સૂંઘે છે અને અનુભવે
છે… અર્થ એ થયો કે, આપણે જે અનુભવીએ એ બધું જ અંતે પરમતત્વમાં ભળે છે. આપણું સુખ,
દુઃખ, ઈર્ષા, તિરસ્કાર, ક્ષમા કે શાંતિ પરમતત્વમાંથી આપણા સુધી અને આપણામાંથી પરમતત્વ સુધી
જાય છે. આ વ્યવહાર-અવરજવરનો, લેવડદેવડનો સંબંધ માણસ અને અવતારને, નર અને
નારાયણને, જીવ અને શિવને એકમેક સાથે જોડી રાખે છે. આ સંબંધની સમજણ શબ્દોમાં
અભિવ્યક્ત થઈ શકે તેમ નથી. નજરે ન દેખાય, સ્પર્શી ન શકાય, માપી ન શકાય છતાં પામી શકાય
એવા અગમ્ય તત્વને સમજાવવામાં મોટા મોટા સંતો પણ પાછા પડ્યા છે. ‘માહીં પડ્યા તે મહાસુખ
પામે’ની જેમ જેણે આ અનુભૂતિ કરી છે એને પરમતત્વનું અસ્તિત્વ કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં
અનુભવાય છે. આ કહેવાય તેવું નહીં, પણ અનુભવાય તેવું સત્ય છે. यतो वाचो निवर्तन्ते अप्राप्य
मनसा सह. આપણા મનને પણ ન સમજાય એવી આ અનુભૂતિ ક્યારેક આપણી જ સમજ બહાર
નીકળી જાય છે ત્યારે આપણે એને ‘ચમત્કાર’ સ્વરૂપે ઓળખીએ છીએ.
આ ચમત્કાર એટલે આપણા તર્કની બહાર બનતી કોઈ ઘટના. એ અવતાર પણ હોઈ શકે છે.
જે પરમતત્વને અનુભવી શકે છે એ ક્યાંક અવતારને સમજી શકે છે. જેમ દરેક વૃક્ષમાં બીજ હોય છે,
અને બીજમાં વૃક્ષની સંભાવના છે. બંને નજરે દેખાતા નથી, પણ એનું અસ્તિત્વ નકારી શકાય એમ
નથી. જેમ રૂ, ઘી અને કોડિયાએ ભેગા થઈને જ જ્યોતિનું આહ્વાન કરવું પડે છે. એવી રીતે, જેમ
ઋતુ સિવાય વૃક્ષ પર ફળ બેસતું નથી એવી રીતે સમય થયા વગર અવતાર થતો નથી.
વેદોમાં જેને બ્રહ્મના નામે ઓળખવામાં આવે છે. ભગવત ગીતામાં પરમાત્મા અને
ભાગવતમાં જેને અવતાર તરીકે ઓળખાયા છે એ એકમેકથી જુદા નથી. સમયસમયાંતરે એમણે
જરૂરિયાત મુજબ પોતાના સ્વરૂપને બદલીને આ જગતને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. આપણા મન
પર રહેલા ભ્રમના, ભ્રમ, શંકા, સંદેહ અને સંશયના પડ દૂર થાય કે તરત જ સમજણ અથવા જ્ઞાનનો
પ્રકાશ આપણા સુધી પહોંચે છે. સાદી વાત એ છે કે, બંધ આંખે એટલું અનુભવી શકાય, કે તડકો છે,
પણ પ્રકાશ કે સૂર્યનું તેજ અનુભવવા માટે આંખ ખોલવી પડે. હવાનો અનુભવ થઈ શકે, શ્વાસ ચાલે
છે એ એનું પ્રમાણ છે, પણ એને નજરે જોવી હોય તો એમાં કોઈ રંગીન ધૂમાડો ભેળવવો પડે. આ
રંગીન ધૂમાડો એ આપણી ભીતર રહેલી શ્રદ્ધા અને વિશ્વાસ છે.
एकमेवाडद्वितीयं ब्रह्म नेह नानास्ति किश्चन. આ હવા કહો કે પ્રકાશ, આકાશ કહો કે
પૃથ્વી, જળ કહો કે અગ્નિ… અંતે એક જ સ્વરૂપ છે જે પરમઅસ્તિત્વ છે. આપણી ભીતર અને
બહાર ભિન્ન નથી. આપણા અસ્તિત્વમાં એ સાથે જ ધબકે છે. માત્ર એ વિશે જાગૃત થવાની
અનિવાર્ય જરૂરિયાત છે.
પરીક્ષિતે પૂછેલા બે પ્રશ્નો આપણે પણ સ્વયંને પૂછવાના છે. ભાગવતના પ્રથમ સ્કંધના
અંતમાં શુકદેવજીને પરીક્ષિત બે પ્રશ્નો પૂછે છે, “જે અમર નથી-નિશ્ચિતપણે મૃત્યુ પામવાના છે
એવા માણસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?” આ બે સવાલના જવાબ જો આપણે
આપણી જાતે શોધી શકીએ તો જીવનના અંતે કોઈ રિગ્રેટ કે અફસોસ નહીં રહે. તકલીફ એ છે કે, આ
સવાલના ઉત્તર મેળવવાનો માર્ગ ગૂંચવણ ભરેલો, લપસણો, કઠીન અને અંધકારભર્યો છે. ટનલની
પેલી તરફ નિશ્ચિત અજવાળું છે, પણ બધા ટનલ પસાર કરી શકતા નથી…
અધ્યાત્મ, જ્ઞાન, ભક્તિ, પ્રેમ, સમર્પણ, શરણ જેવા અનેક રસ્તા આ એક જ ટનલમાંથી છુટા
પડે છે. અંધારી ટનલ પરમતત્વ સુધી પહોંચવાનો માર્ગ છે… વેદો, ઉપનિષદો, પુરાણો કે સદગુરૂની
વાણી અને વચન આવી અંધારી ટનલમાં ક્યાંક ક્યાંક ઝીણા કાણાંનું કામ કરે છે જેમાંથી પ્રકાશ
પ્રગટીને આપણને આપણા નિશ્ચિત ધ્યેય અથવા લક્ષ્ય સુધી લઈ જાય છે. જે હારીને, થાકીને વચ્ચે
જ બેસી જાય છે એણે ફરી ત્યાંથી જ ઊભા થઈને એ ટનલ પસાર કરવી પડે છે. જેને કદાચ આપણે
પુનર્જન્મ કહીએ છીએ. જે એકસરખી ગતિથી, મક્કમ ડગલે ચાલતા રહે છે તે ટનલને પેલે પાર
પહોંચીને ઉજાસને અનુભવી શકે છે.