2018માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે, એડલ્ટ્રી (લગ્નેતર સંબંધ) કાયદેસર ગુનો નથી
કારણ કે, દરેક વ્યક્તિને પોતાની મરજીથી અને સ્વતંત્રતાપૂર્વક અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ
બાંધવાની છૂટ હોવી જોઈએ. એ પછી ભારતમાં ‘ગ્લિડેન’ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં
દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના, કલકત્તા, અમદાવાદ અને સુરત જેવા 17
શહેરોના 25થી 50ની વચ્ચેના પાંચ હજાર લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, એમાંથી જે
તારણ નીકળ્યું એ ભયાનક ચોંકાવનારું છે. ‘ગ્લિડેન’ કહે છે કે, લગભગ 55 ટકા પરિણિત લોકો
પોતાના જીવનસાથીનો એકાદવાર વિશ્વાસઘાત કરે જ છે. જેમાંથી 56 ટકા કરતા વધારે સ્ત્રીઓ છે.
‘ગ્લિડેન’ લગ્નેતર સંબંધના ડેટિંગ માટેનો એપ છે, જેના પર આજની તારીખે 12 લાખ જેટલા
મેમ્બર્સ છે. એવી જ રીતે ‘ટીન્ડર’ નામનું એક એપ છે, જે 190 દેશોમાં 56 ભાષાઓમાં ઉપલબ્ધ છે
અને દરરોજ લગભગ 75 લાખ લોકો આ દેશમાં એનો ઉપયોગ કરે છે.
આ બધા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફથી મળેલા ભયજનક ઈનામો છે. આજે
દુનિયાભરમાં ફેસબુક, ટ્વિટર, લિન્કડિન, ઈન્સ્ટા દ્વારા લોકો એકબીજા સાથે જોડાયા છે. દુનિયા
નાની થઈ ગઈ છે. વીડિયોકોલ દ્વારા વિદેશમાં વસતા સંતાનોના સંતાનને ભારતમાં વસતા માતા-
પિતા રોજ જોઈ શકે છે, મળી શકે છે. આ જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોલીસ અને ગુના શોધક
માટે બહુ જ મોટું વરદાન સાબિત થયું છે કારણ કે, લોકેશન, કોલરેકોર્ડ જેવી બાબતોને કારણે
ગુનેગારને શોધવા અત્યંત સરળ બની ગયા છે, પરંતુ એની સામે આ જ કોલરેકોર્ડ અને વ્હોટ્સએપ
ચેટ જ્યારે માતા-પિતા કે જીવનસાથીના હાથે પકડાય છે ત્યારે એ પરિવારમાં કે લગ્નજીવનમાં
સુનામીથી ઓછા નથી હોતા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ થાય છે કે બનાવટી રીતે વિક્સાવવામાં
આવેલી બોદ્ધિક ક્ષમતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સની શરૂઆત 1950ના દશકમાં
થઇ હતી, આ ટેક્નોલોજીની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ અથવા રોબોટિક સિસ્ટમ
તૈયાર કરવામાં આવે છે, આ સિસ્ટમ માનવીના મગજની જેમ કામ કરવાનો
પ્રયાસ કરશે, કહી શકાય કે માનવી કરતાં વધુ સારી રીતે કામ કરશે. તેનું
ઉદાહરણ છે કે એક વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી સિસ્ટમ અને
1997માં ચેસની મહાન ખેલાડીમાંથી એક ગેરી કાસ્પોરોવ વચ્ચે સ્પર્ધા યોજવામાં
આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે પણ રોબોટે ગેરી કાસ્પોરોવને હરાવી
દીધા હતા. સરળ ભાષામાં સમજીએ તો તમે હોલીવૂડ ફિલ્મ મેટ્રિક્સ, આઇ રોબોટ, ટર્મિનેટર,
બ્લેડ રનર જેવી ફિલ્મો તો જોઇ હશે? બસ આ જ ટેક્નોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
કહેવાય છે.
આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આપણને ઈન્ટરનેટ આપ્યું. ઈન્ટરનેટને કારણે એક તરફથી
દુનિયા ઉઘડી ગઈ અને બીજી તરફ પ્રાઈવસી એ હદે વધી ગઈ કે, એક વ્યક્તિ બીજી વ્યક્તિની
ગતિવિધિ જાણી શકે નહીં. માણસ માનસિક રીતે પોતાની જાતને સલામત અનુભવવા લાગ્યો, કદાચ
એટલે જ એની મૂળ અસુરી વૃત્તિ જાગી. રજનીશજીએ કહ્યું છે કે, ‘માણસ પ્રકૃતિએ “પોલીગેમસ”
એટલે કે બહુગામી છે. એક વ્યક્તિ સાથે બંધાઈને જીવવાનું માણસને ફાવતું નથી. સમાજ કે
પ્રતિષ્ઠાની બીકે કદાચ એ એવું કરતો હોય તો પણ એના મન, મગજ અને ઝંખનાઓના વિશ્વમાં તો
એ બહુગામી જીવે જ છે.’ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે માણસની આ બહુગામી પ્રવૃત્તિને
ભડકાવવાનું, વેગ આપવાનું કામ કર્યું છે. એકબીજાને નહીં ઓળખતા બે જણાં ચેટિંગ દ્વારા મળે છે,
વાતો કરતાં થાય છે અને એમાંથી એની ઝંખના સળવળે છે… આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સૌથી
મોટો ગેરફાયદો એ છે કે, માણસ પોતાની જે ઈમેજ દેખાડવા માગે એ જ રજૂ થાય છે. ડીપી કે
ફેસબુક ઉપર મૂકેલા ફોટા દરેક વખતે સાચા હોય એવું જરૂરી નથી! હકીકતમાં માણસ એનાથી જુદો
જ દેખાતો હોય, એની ખબર ત્યારે જ પડે છે જ્યારે એને મળવાનું થાય.
બીજું એક બહુ જ મોટું દુષણ ફોન સેક્સનું છે. પોર્ન અને ફોન સેક્સ યુવાનો જ નહીં, બલ્કે
આધેડ અને વૃધ્ધ લોકોના જીવનમાં પણ કોઈ વ્યસનની જેમ ફેલાઈ રહ્યું છે. સામે વાત કરનારી
વ્યક્તિ છોકરો છે કે છોકરી એની પણ ખબર પડતી નથી તેમ છતાં ફોન પર થતી મીઠી મીઠી
ઉત્તેજનાત્મક વાતો માટે લોકો (સ્ત્રી અને પુરુષ બંને) હજારો રૂપિયાના બિલ ચૂકવે છે. આપણે
જાણતા પણ નથી, પરંતુ આ ફોન સેક્સનું એક જાળ એવી પાથરવામાં આવે છે જેમાં ગ્રાહકને એવું
વચન આપવામાં આવે છે કે, એ જેની સાથે વાત કરી રહ્યો છે એ છોકરી એને મળશે. હજારો રૂપિયા
ઓનલાઈન ભરાવીને પછી એ નંબર બંધ થઈ જવાના કિસ્સા સાયબર ક્રાઈમમાં અવારનવાર નોંધાઈ
રહ્યા છે.
ઓનલાઈન પ્રેમમાં પડીને-પાડીને લગ્ન કરવા માટે કોઈ અજાણ્યા ગામ કે
શહેરમાં બોલાવીને લૂંટી લેવાના કિસ્સા પણ ઓછા નથી. એવી જ રીતે, વિધર્મી
લોકો ઓનલાઈન ચેટિંગ કરીને હિન્દુ યુવતિઓને પ્રેમમાં પાડે છે, પોતાનું સાચું
નામ જણાવતા નથી અને યુવતિને ઘેરથી ભાગવા ઉશ્કેરે છે. પૈસા અને દાગીના
લઈને ભાગેલી છોકરી પાછી ફરી શકવાની સ્થિતિમાં હોતી નથી એટલે એ
દેહવ્યાપારના ધંધામાં ધકેલાઈ શકે છે. એવી જ રીતે ડાર્ક વેબ ઉપર શરીરો
ખરીદી અને વેચી શકાય છે-હવે આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી રહ્યો.
દુનિયાની દરેક સગવડ કે સવલત, ટેકનોલોજી કે વિજ્ઞાનના જેટલા ફાયદા
છે એટલું જ એ ભયજનક પણ છે. ‘સાક્ષરાઃ વિપરિત રાક્ષસાઃ’ આ વાત આપણા
શાસ્ત્રોએ સદીઓ પહેલાં કહી છે. આપણે આજે જે સમયમાં ઊભા છીએ ત્યાં
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણા ઘરમાં, જીવનમાં, પરિવારમાં, લગ્નજીવનમાં
અને સંતાનોના ઉછેરમાં અનેક સમસ્યાઓ ઊભી કરી રહી છે. સર્ચ એન્જીન જાયન્ટ
ગૂગલે જાહેરાત કરી છે કે તે હથિયારો કે કોઈ એવી વસ્તુ જે નુકસાન કરે તેના માટે માટે artificial
intelligenceનો ઉપયોગ નહીં કરે. કંપનીના ભારતીય મૂળના સીઈઓ સુંદર પીચાઇએ આ અંગે
પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હથિયારો માટે નહીં કરે.
તેમણે કહ્યું કે અમે સરકાર અને મિલિટરી સાથે અન્ય વિકલ્પ જેવા કે સાઇબર સિક્યુરિટી, ટ્રેનિંગ, સર્ચ
અને રાહત-બચાવ પર કામ કરવાનું ચાલુ રાખીશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જન્સ કોઇ નવો શબ્દ
નથી, વર્ષો પહેલા અસ્તિત્વમાં આવેલી આ ટેક્નોલોજી પર નિષ્ણાતો પણ અવઢવમાં છે કે માનવ
જીવન માટે ખતરનાક છે કે ફાયદાકારક?