મા એટલે નવ રસ, નવ રાત્રિ અને નવજીવન

સ્તનદાત્રી, ગર્ભદાત્રી, ભક્ષ્યદાત્રી, ગુરુપ્રિયા, અમિષ્ટદેવપત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકા
સગર્ભા યા ભગિની પુત્રપત્ની પ્રિયા પ્રસુઃ માતૃર્માસા પિતૃર્માસા સો દરસ્ય પ્રિયા તથા
માતુઃ પિતૃસ્ચ ભગિની માતુલાનિતથૈવ ચ જનાનાંવેદવિહિતાઃ માતરઃ શોડષઃ સ્મૃતાઃ
(બ્રહ્મવૈતર્પુરાણ)

સ્તનથી દૂધ પીવડાવનાર, ગર્ભ ધારણ કરનાર, ભોજન કરાવે તે, ગુરુપત્ની, ઈષ્ટદેવતાની પત્ની,
પિતાની પત્ની (સાવકી મા), પિતાની દીકરી (સાવકી બહેન), સગીર બહેન, પુત્રવધૂ, સાસુ, નાની દાદી,
ભાઈની પત્ની, માસી, ફોઈ અને મામી. વેદમાં આ સોળ સ્ત્રીઓને મા ગણવાનું કહ્યું છે.

નવરાત્રિના નવ દિવસ આ ‘મા’ની આરાધનાના દિવસો છે. માની આરાધના સંગીત, નૃત્ય,
શૃંગાર, આનંદ, ઉલ્લાસ અને ભક્તિ સાથે કરવામાં આવે છે કારણ કે સ્ત્રી આ સર્વનું મિશ્રણ છે. સ્ત્રીનાં
અસ્તિત્વમાં આ બધું જ એક યા બીજી રીતે શ્વાસ લે છે. ‘સ્ત્રી’ના ઉચ્ચાર સાથે, એના ત્રણ પાંખિયામાં
સત્વરજસ અને તમસનું મિશ્રણ મળે છે. આપણે આ નવરાત્રિ દરમિયાન ઘરમાં ગરબો લાવીએ છીએ.
બધા જાણે છે કે, ગરબો એ ગર્ભનું પ્રતીક છે. એની અંદર પ્રજ્જવલ્લિત દીપક ઉદરમાં સ્થિત આત્માનું
પ્રતીક છે. નવ દિવસ પ્રજ્વલ્લિત દીપક ગર્ભમાં જીવતા નવ માસના બાળકનું પ્રતીક છે. મા જેમ
આત્માને પોતાના શરીરમાં સંતાડી વિશ્વનાં અશુભ તત્વોથી દૂર રાખે છે તેમજ મહાશક્તિનું આ પર્વ
આત્માના કલ્યાણનું અનુષ્ઠાન કરે છે.

પરંતુ, નવ દિવસ જ કેમ? કારણ કે, મનુષ્યના જન્મને નવ મહિના લાગે છે. માના ઉદરમાં જીવ
રોપાય ત્યાંથી શરૂ કરીને એ સંપૂર્ણ શરીર ધારણ કરીને બહાર નીકળે ત્યાં સુધી નવ મહિના સુધી એનું
ઘડતર થાય છે. એક મા એને પોતાના ઉદરમાં નવ મહિના સુધી સિંચે છે, કારણ કે એણે પોતાની અંદર
નવ રસ-પૂર્ણાંકને ઉતારવાના છે. નવ પૂર્ણ અંક છે, એના પછી શૂન્ય આવે છે એટલે એક પૂર્ણ માનવની
રચના નવ મહિને થાય છે. નવરાત્રિ એક પૂર્ણ ઉત્સવનું પ્રતીક છે.

નવ રાત્રિ નવ રસો સાથે સંકળાયેલા છે. પ્રત્યેક દેવી એક રસનું પ્રતીક છે. શાંત, વીર, રૌદ્ર,
વિભત્સ, હાસ્ય, શૃંગાર જેવા રસોના પ્રતીક આ દેવીસ્વરૂપોને નવ દિવસ આરાધના કરી જીવનમાં નવ
રસો રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

ભોજનમાં નવ રસ છે. આ નવ રસ નવ દિવસના અનુષ્ઠાનમાં ત્યાગવામાં આવે છે અને ઉપવાસ
કરવામાં આવે છે. સામાન્ય રીતે દશેરાના દિવસે ભોજનનો થાળ ધરાવવામાં આવે છે, જેમાં આ નવ રસ
સામેલ કરીને કડવો, તૂરો, ખાટો, મીઠો વગેરે રસોને માતાના ચરણે ધરવામાં આવે છે.

સ્ત્રી અન્નપૂર્ણા કહેવાય છે. એથી એના હાથમાં નવ રસ વસે છે. સ્ત્રી સરસ્વતી કહેવાય છે, માટે
તેની બુધ્ધિમાં નવ રસ વસે છે. સ્ત્રી કાલી કહેવાય છે. માટે નવ પ્રકારની શક્તિ અને શસ્ત્રો એના હાથમાં
આપવામાં આવ્યાં છે. માનવજીવનને ટકાવી રાખવાનું કામ પણ સ્ત્રીને સોંપવામાં આવ્યું છે કારણ કે,
એનામાં બુધ્ધિ, શક્તિ અને ઋજુતા ત્રણેયનું સમિશ્રણ છે.

બ્રહ્માએ હંમેશાં ઈચ્છ્યું કે માનવજીવન ચાલતું રહે… પૃથ્વી પર જન્મ લેનારા દરેક જીવમાં મેઈલ
અને ફીમેઈલ કોષ હોય છે. સ્ત્રીમાં પુરુષના કોષ અને પુરુષમાં સ્ત્રીના કોષ છે એ વાત વિજ્ઞાને પણ
સાબિત કરી છે ત્યારે, નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન ઉજવાતો ઉત્સવ એ ફક્ત સંગીત કે નૃત્યનો
ઉત્સવ નથી. માનવજીવનના અસ્તિત્વનો ઉત્સવ છે. શૃંગાર કરીને સ્વયંને ખુશ કરવાથી શરૂ કરીને, ધ્યાન
આકર્ષવાની પ્રવૃત્તિ હોય કે જાહેરમાં નાચીને ફિઝીકલ અને મેન્ટલ ફ્રીડમ! નવરાત્રિ ભલે શક્તિની
આરાધના કરે, અનુષ્ઠાન અને પૂજા, માતાજીની સ્થાપના કે ઉપવાસની સાથે સાથે આ એક બહુ જ
મહત્વનો વિચાર નવરાત્રિ સાથે જોડાયો છે. નવરાત્રિ શક્તિની સાથે સાથે મુક્તિનો પણ તહેવાર છે.
સ્ત્રીની સાથે સાથે આ પુરુષની મુક્તિનો ઉત્સવ પણ છે. આખી જિંદગી જે પુરુષ પોતાના પુરુષાતન કે
મજબૂતીને પ્રદર્શન કરતો રહ્યો હોય એ પુરુષ માટે પણ નૃત્ય બહુ મોટી અભિવ્યક્તિ પૂરવાર થાય છે.
પોતાના પુરુષાતનમાંથી, મજબૂતીમાંથી, જડતામાંથી અને બંધિયારપણાંમાંથી નીકળીને ઉત્સવ અને
ઉન્માદની મુક્તિ પુરુષ માટે પણ એટલી જ જરૂરી છે. આપણે આજના પુરુષની વાત નથી કરતા.
સદીઓ પહેલાં જ્યારે આ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ હશે ત્યારે પુરુષ માટે જાહેરમાં ‘નાચવું’ કેટલું
અઘરું અને કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કદાચ આજે થઈ શકે એમ નથી. એક પુરુષ જેણે સતત યુધ્ધ
અથવા ખેતીના કામમાં જોડાયેલા રહેવું પડે, જે કુટુંબનો મોવડી હોય, જેણે ગંભીરતાનો અને
જવાબદારીનો મુખવટો સતત પહેરી રાખવો પડતો હોય એવા પુરુષો માટે આ ‘ગરબી’ કેટલી ફ્રેશ એર
લઈને આવતી હશે!

મજાની વાત એ છે કે સ્ત્રીઓ રમે એને ગરબો કહેવાય અને પુરુષ રમે એને ગરબી કહેવાય… આ
પણ કદાચ એમને જેન્ડર બાયસમાંથી બહાર કાઢવાનો એક સરળ રસ્તો હશે! ગરબો ગવાય નહીં, ગરબો
‘રમાય’ એ વાત પણ કદાચ માણસના બાળપણ સાથે એના અત્યારના ‘સ્ટેટ ઓફ માઈન્ડ’માંથી બહાર
નીકળીને એર રમતિયાળ, ખુશમિજાજ વ્યક્તિત્વને ફરીથી સજીવન કરવાનો પ્રયત્ન એટલે નવરાત્રિ. સ્ત્રી
અને પુરુષ બંનેના મુક્ત મનમાં, ભાર વગરના અસ્તિત્વમાં જ્યારે કશું પ્રગટે છે ત્યારે એ શું છે? એ છે
ગર્ભદીપ. આવનારી પેઢી માટે રચાતો એક સુભગ સમન્વય, એક સુંદર સેતુ. કાણાં પાડેલા માટલાની
અંદર ટમટમતો આ દીવડો શું સૂચવે છે? એ દીવડો સૂચવે છે કે વ્યક્તિનું શરીર કાચી માટીનું છે. અંદર
ટમટમતો દીવડો એ જીવનું ઉદાહરણ છે. કાચી માટીની કાયામાં જે જીવ શ્વાસ લે છે તે જીવ એટલે
ગરબાની અંદર ટમટમતો દીવો. માના ઉદરમાં નવ મહિના રહેતો આ જીવ અંતે પ્રગટ થાય છે, ધરતી પર
આવે છે, શ્વાસ લે છે, જન્મ લે છે… આ ઉત્સવ વ્યક્તિના જન્મનું, એના અસ્તિત્વના ઉત્સવનું પ્રતીક
છે.

જ્યારે ગર્ભમાં ટમટમતો દીવડો જીવનના પ્રતીક તરીકે ઉજવાતો હોય ત્યારે શૃંગાર કેટલો
મહત્વનો ભાગ ભજવે છે! નવ-રાત્રિ પણ મહત્વનો શબ્દ છે. નવ એટલે નવું, નવ એટલે પૂર્ણાંક, નવ
એટલે નવેસરથી, નવ એટલે (ના) નેતીના પ્રતીક તરીકે પણ આ નવરાત્રિને જોવામાં આવે છે. વ્યક્તિના
અસ્તિત્વના ઉત્સવમાં પૂર્ણતા, નવું અને સાથે જ નકારાત્મકતાની નેતીને આ નવરાત્રિ દરમિયાન
ઉજવવામાં આવે છે. નૃત્ય એના જ સંદર્ભે કદાચ બહુ મહત્વનું છે. હવે તો ક્લબમાં અને પાર્ટી પ્લોટમાં
ગરબા ગવાય છે-પરંતુ પહેલાં વર્તુળાકારે ગરબો રમાતો. જીવનની સાઈકલ, જીવનનું વર્તુળ એ આ નૃત્યનું
પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *