માફી મંગાવવાની મજાઃ ઈડિયટ લોકોની ઈગો ટ્રીપ

‘હું સ્વીકાર કરું છું કે, ફિલ્મ ‘આદિપુરુષ’ના મારા સંવાદ લેખનને કારણે ભારતીય જનસામાન્યની
ભાવનાને આઘાત લાગ્યો છે. હું મારા તમામ ભાઈ-બહેન, પૂજ્ય સાધુસંતો અને શ્રીરામના ભક્તો સામે
હાથ જોડીને બિનશરતી ક્ષમા માગું છું. ભગવાન બજરંગ બલી આપણા સૌ પર કૃપા કરે. આપણે એક
અને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરી શકીએ એવી શક્તિ ભગવાન
બજરંગ બલી આપણને સૌને આપે એવી પ્રાર્થના કરું છું. 8 જુલાઈ, 2023ના દિવસે મનોજ મુન્તશિર
નામના એક લેખકે પોતાના ટ્વિટર પર આવી બિનશરતી માફી લખવી પડી. દક્ષિણની ફિલ્મ
‘આદિપુરુષ’ના સંવાદ-લેખન માટે એમનો જબરજસ્ત વિરોધ થયો કારણ કે, એમણે ‘રામાયણ’માં
મુંબઈની ટપોરી ભાષાનો પ્રયોગ કર્યો. પહેલાં એમણે પોતાનો બચાવ કરતા કહ્યું, ‘અમે ‘રામાયણ’ને મોર્ડન
ટચ આપવાનો પ્રયાસ કર્યો છે.’ પછી એમણે જ પોતાનું સ્ટેટમેન્ટ ફેરવીને કહ્યું કે, ‘ફિલ્મ ‘આદિપુરુષ’
મૂળ કૃતિ વાલ્મીકિ રામાયણથી પ્રેરિત છે અને આપણા સૌના સનાતન ધર્મના મૂળ ઈશ્વર એવા
‘આદિપુરુષ’ની કથા છે…

મનોજ મુન્તશિરનો આજે જન્મદિવસ છે, એટલે આ વાત યાદ આવી. વાત મનોજ મુન્તશિરની
હોય કે, ‘પદ્માવત’ની. એક તરફથી જોવા જઈએ તો લોકલાગણી દુભાવાના અનેક પ્રસંગો આપણી સામે
આવે છે. ક્યારેક કોઈ જ્ઞાતિ-જાતિ તો ક્યારેક કોઈ વર્ગ, ક્યારેક ધાર્મિક તો ક્યારેક સામાજિક બાબતોમાં
વાતે વાતે લોકો ‘હર્ટ’ થઈ જાય છે. એમનું સ્વમાન અને સન્માન ઘવાય છે. એ પછી વાર-તહેવારે
બિનશરતી માફી મંગાવવામાં કેટલાક લોકોનો અહંકાર પોષાય છે. ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ સો ટકા
યોગ્ય નહોતા જ… પરંતુ, એની સામે ‘કબીરસિંઘ’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મો વિશે કોઈને કશું કહેવું
નથી? ઓટીટી પર ચાલતા લેસ્બિયન, ગે કોન્ટેન્ટ અને સેક્સ-હિંસા, ડ્રગ્સના દ્રશ્યો સાથે જે ઠલવાય છે
એ વિશે કોઈને કશો ફરક પડતો નથી? આપણે જે સનાતન ધર્મની વાત કરીએ છીએ, સભ્યતા, સંસ્કૃતિ
અને અસ્મિતાની ધરોહર વિશે ચિંતિત છીએ ત્યાં માત્ર દેવ નહીં, સમગ્ર માનવજીવન અને સમાજની
ચિંતા કરવાનું શીખવવામાં આવે છે. સમાજને સાચી દિશા બતાવવી એ પણ ‘ધર્મ’ નથી? ધર્મ માત્ર
મંદિરો, દેવસ્થાનો અને મૂર્તિઓમાં ટક્યો છે? જો ખરેખર એવું હોય તો પણ ટીવી સીરિયલના કેટલાંય
દ્રશ્યો શેતાન, નાગિન, કાળા જાદુ અને વશીકરણ જેવી વાતો ફેલાવે છે. આ અંધશ્રધ્ધા ફેલાવતી
સીરિયલ્સ વિશે પણ કોઈ અવાજ ઉઠાવતું નથી, એ કેટલી નવાઈની વાત છે.

એની સામે લગભગ તમામ પ્રસિધ્ધ વ્યક્તિઓને એક યા બીજા કારણસર ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોઈ
પર્ટિક્યુલર સમાજની ‘લાગણી દુભવવા બદલ’ ક્ષમા માગવાની ફરજ પાડવામાં આવે છે. મજા એ છે કે,
આ ક્ષમા એણે સોશિયલ મીડિયામાં માગવાની છે. વીડિયો કરીને, ટ્વિટર કે ફેસબુક ઉપર આ માફી માગો
તો જ એ સ્વીકાર્ય છે! હવે એવો સમય આવ્યો છે કે, કોઈપણ વ્યક્તિ ખુલ્લા અવાજે પોતાની વાત કહેતાં
ડરવા લાગી છે. કોઈપણ ધર્મ કે જાતિ-જ્ઞાતિ સાથે જોડાયેલી નાનકડી હ્યુમર કે કોમેન્ટ પણ અચાનક
‘લાગણી દુભવવા’નો મોટો પ્રશ્ન બની જાય, ક્યારે એમાંથી એ વ્યક્તિના ઘરે-ઓફિસે જાતજાતના
ધમકીભર્યા ફોન આવવા લાગે, સોશિયલ મીડિયા પર એનો વિરોધ અને બહિષ્કાર કરવાની જાહેરાતો
ફરવા લાગે અને છેલ્લે કંટાળીને એ વ્યક્તિ માફી માગે ત્યારે એનો વીડિયો વાયરલ કરવામાં આવે… આ
કયા પ્રકારની પ્રવૃત્તિ છે? સરકાર, પોલીસ કે સમાજના અગ્રણીઓ આ વિશે કંઈ કરતા કેમ નથી?

આજથી થોડા સમય પહેલાં, સોશિયલ મીડિયાનું આટલું ચલણ નહોતું ત્યારે સૌને એકમેકની
ટીકા કરવાનો અધિકાર હતો. ચૂંટણીમાં નેતાઓ, કવિઓ, લેખકો, પત્રકારો સહુ પોતાની વાત, મુક્ત
વિચાર રજૂ કરી શકતા હતા. જનસામાન્યને આ વિચારમાંથી ક્યારેક સત્ય મળી આવતું હતું. ગાંધીજીની
ટીકા કરતા પત્રો સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુએ પણ લખ્યા છે, તેથી ગાંધીજીના સમર્થકો ‘તીન
મૂર્તિ ભવન’ પર પત્થર ફેંકવા નહોતા ગયા. ગુજરાતમાં ‘જ્યોતિસંઘ’ જેવી સંસ્થા સ્થપાઈ ત્યારે સરદાર
પટેલે મૃદુલા સારાભાઈની ટીકા કરી હતી, એવી જ રીતે શેઠ અંબાલાલ સારાભાઈ અને એમના બહેન
અનસૂયા સારાભાઈ સામસામે મિલની મેનેજમેન્ટ અને મજૂર મહાજનના પ્રતિનિધિ બનીને લડતા,
પછી સાંજ પડ્યે એક જ ઘરમાં, એક જ ડાઈનિંગ ટેબલ પર જમતા. એમના અંગત સંબંધોને જો કોઈ
આંચ નથી આવી તો કોઈ એક વ્યક્તિના અંગત વિચારો રજૂ કરવાથી આખો સમાજ કેવી રીતે ખળભળી
ઉઠે એ સવાલ સમાજના લોકો બની બેઠેલા અગ્રણી અને માફી મંગાવવા આતુર એવા પ્રતિનિધિઓને કેમ
પૂછતા નથી?

આપણો સનાતન ધર્મ અતિશય વિદ્વાન, મહાન અને આપણી સંસ્કૃતિ અનેક આક્રમણો પછી
પણ મજબૂત અને દ્રઢ છે. જો ખરેખર આપણી સંસ્કૃતિ કે સભ્યતાને કંઈ તકલીફ થવાની હોત તો પાંચ
હજાર વર્ષ પછી પણ સ્વસ્થ અને સુદ્રઢ ઉભેલો આપણો ધર્મ ક્યારનો હચમચી ગયો હોત. કોઈ એકાદ
વ્યક્તિની કમેન્ટ કે અંગત વિચારથી જો ધર્મ હચમચી જતો હોય, તો એના પાયા એટલા પોલા છે? એવો
સવાલ પૂછવાનું કોઈને સૂઝતું નથી બલ્કે, હઈસો હઈસો કરીને સહુ આવી ‘લાગણી દુભાયેલા’ ટોળાંનો
હિસ્સો બની જાય છે! મોટાભાગના લોકોને તો ખબર પણ નથી હોતી કે, ખરેખર શું થયું છે, તેમ છતાં
એકાદ સોશિયલ મીડિયાના સમાચાર કે વ્હોટ્સએપ પર આવેલા મેસેજથી આવા લોકો તલવાર લઈને
કૂદી પડે છે. ‘માફી મંગાવવી’ એ કેટલાક લોકોનો ફૂલ ટાઈમ વ્યવસાય છે, જેમને આવા, કશું નહીં
જાણતા, પણ ટોળાંમાં જોડાઈ જતા લોકોનો સપોર્ટ મળી જાય છે.

એક તરફથી આપણે વિકાસ અને ટેકનોલોજીની વાતો કરીએ છીએ. ભારતને ‘વિકાસશીલ’ નહીં,
પરંતુ ‘વિકસિત’ દેશ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન આપણા પ્રધાનમંત્રી જોઈ રહ્યા છે જ્યારે બીજી તરફ,
સંકુચિત મનોવૃત્તિ, અંગત સ્વાર્થ અને સસ્તી પ્રસિધ્ધિ માટે આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે સવાલ
એ ઉઠે છે કે આપણે, અંગત રીતે કોની તરફ રહેવું છે? જો સાચે જ આ દેશના વિકાસ અને સમાજને
આગળ લઈ જવામાં આપણને રસ હોય તો કોઈપણ ધર્મ, જ્ઞાતિ-જાતિ સાથે આપણે જોડાયેલા હોઈએ
તો પણ આવા ઉશ્કેરણીજનક વ્હોટ્સએપ વાંચીએ નહીં અને ફોરવર્ડ કરવાની પ્રવૃત્તિ ઉપર થોડો કાબૂ
રાખીએ. બીજું, આપણી પાસે આપણી બુધ્ધિ અને વિવેકભાન છે એનો ઉપયોગ કરીને આવા-સસ્તી
પ્રસિધ્ધિ માટે આપણો ઉપયોગ કરતી વ્યક્તિઓ સાથે ન જોડાઈએ. ત્રીજું અને સૌથી મહત્વનું, આપણા
ધર્મની મહત્તા, જાતિ-જ્ઞાતિનું સન્માન કે સ્વાભિમાન એટલું સસ્તું નથી કે કોઈ એક વ્યક્તિની કોમેન્ટથી
એને નુકસાન થઈ શકે. આપણું સ્વાભિમાન અને આપણો ધર્મ જો ખરેખર મહાન હોય તો એને આવી
માફી કે સોશિયલ મીડિયાની પ્રસિધ્ધિની જરૂર છે ખરી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *