‘તમે xyz બેન્કમાંથી લોન લઈ રહ્યા છો, પરંતુ અમે તમને વધુ ઓછા ઈન્ટરેસ્ટ રેટ સાથે વધુ
સગવડો આપીશું…’ રવિવારની બપોરે માંડ આંખ મીચાઈ હોય ત્યારે આવેલો એક આવો ફોન કોલ
માણસનું મગજ છટકાવવા માટે પૂરતો છે! પરંતુ, રવિવારે બપોરે એણે નોકરી કરવી પડે છે, એવો
વિચાર આવે છે ખરો? આપણે કંઈ પણ ઓર્ડર આપ્યો હોય, જે માગ્યું હોય એ ન મળે અથવા કંઈ
બીજું જ બનીને આવે ત્યારે જે માણસ આપણા ટેબલ પર એ વાનગી પીરસી રહ્યો છે એના ઉપર
મગજ ગુમાવી બેસાય, ખરું ને? પરંતુ, આ વાનગી એણે નથી બનાવી. વોચમેન-જે માત્ર બિલ્ડિંગની
સોસાયટીએ બનાવેલા નિયમોનું પાલન કરી રહ્યો છે એને તતડાવી નાખવાની આપણને કેટલી મજા
આવે છે? ડ્રાઈવર, ઘરની ડોમેસ્ટિક હેલ્પ કે માળી, રસોઈ કરવા આવતા મહારાજ કે બહેન…
આપણા ગુસ્સાનું સીધું વજન આપણે એમના ખભે મૂકી દઈએ છીએ, પરંતુ કોઈ દિવસ એવું વિચાર્યું
છે ખરું કે એમનો ગુસ્સો કોના પર ઉતરતો હશે?
જે લોકો ઉચ્ચ મધ્યમવર્ગ કે શ્રીમંતના સ્લેબમાં પડે છે એમને એક વ્યક્તિના રોજિંદા સંઘર્ષની
ખબર હોય, તો પણ એનો અનુભવ નથી. પેટ ભરવાથી શરૂ કરીને જીવતા રહેવા સુધીનો સંઘર્ષ
માણસને તોડી નાખે છે. ‘ડિપ્રેશન’ અથવા ‘મનોરોગ’ એ ઉચ્ચ મધ્યમવર્ગ અને શ્રીમંત પરિવારોની
એક નવી ફેશન છે, એમ કહીએ તો ખોટું નથી. સાચે જ કોઈ માનસિક રીતે બિમાર હોય તો એના
પ્રત્યે સહાનુભૂતિ અને સાચી સારવાર થવી જોઈએ, પરંતુ જીવનના દરેક સુખ ભોગવતી અને કોઈ જ
મુશ્કેલીમાં ન હોય તેમ છતાં, સતત ફરિયાદ કરીને પોતે ‘ડિપ્રેશનમાં છે’ એવું કહ્યા કરતાં લોકો
સગવડિયા બિમાર હોય છે. એમની પાસે ઘણું બધું છે, એનો એમને પ્રોબ્લેમ હોય છે. પોતે અમીર
છે, શ્રીમંત છે, સામેની વ્યક્તિ પર રૂઆબ જાડી શકે છે. પોતાના પૈસા કે પાવર દેખાડી શકે છે અને
એમને ત્યાં કામ કરતી વ્યક્તિ, હોટેલમાં સર્વ કરતો વેઈટર, બિલ્ડિંગનો વોચમેન એમનું શું બગાડી
શકવાનો? આ વાતની એમને ખબર છે! મજાની વાત એ છે કે, આ જ લોકો એમનાથી પાવરફૂલ કે
વધુ પૈસા ધરાવતા લોકોની સામે કૂતરા-બિલાડાની જેમ પૂંછડી પટપટાવતા કે મ્યાઉં મ્યાઉં કરતાં
જોવા મળે છે, ત્યારે એમનો રૂઆબ, ઘમંડ અને સ્ટાઈલ ક્યાંય ખોવાઈ જાય છે…
આપણે બધા અંતે તો માણસ જ છીએ. બધાને બે પગ-બે હાથ-એક નાક-બે આંખ… સૌના
લોહીનો રંગ લાલ, સૌ ઓક્સિજન જ શ્વાસમાં લે છે… તો પછી, બે માણસમાં ફરક શું છે? બેન્ક
બેલેન્સનો? પાવરનો કે પછી પદ અને પ્રતિષ્ઠાનો? સવાલ એ છે કે, જેની પાસે પૈસા હોય એને
બીજાનું અપમાન કરવાનો અધિકાર મળી જાય છે? વેઈટર તો માત્ર વાનગી આપણા ટેબલ પર મૂકવા
આવ્યો છે, બનાવનાર શેફ તો અંદર કિચનમાં છે! જે પીરસી રહ્યો છે એના પર બૂમો પાડીને
બનાવનારની ભૂલનો ગુસ્સો કેવી રીતે ઉતારી શકાય? વોચમેન આપણને ગાડી પાર્ક કરવાની ના પાડે
છે કારણ કે, નિયમ છે. એ આપણને ઓળખતો નથી-‘ખબર છે હું કોણ છું?’ થી શરૂ કરીને, ‘તારી
નોકરીમાંથી કઢાવીશ’ સુધી પહોંચી જતા આપણે સૌ એક 12-15 હજારના નોકરિયાતને ડરાવી-
ધમકાવીને શું સાબિત કરીએ છીએ? ઘણા લોકો જવાબ આપે છે, ‘એ મૂરખ છે, એને સમજ નથી
પડતી…’ સાચું છે! જો એને સમજ પડતી હોત તો એ કોઈ આઈટી પ્રોફેશનલ, સી.એ. કે
એન્જિનિયર હોત ને? એની સમજ ઓછી છે અથવા એને તક નથી મળી માટે જ એ જ્યાં છે, ત્યાં
છે. ઘણા લોકો બહુ વાંધાજનક શબ્દનો પ્રયોગ કરે છે, ‘નાના માણસ’, ‘હલકા માણસ’ જેવા શબ્દના
પ્રયોગો સામેની વ્યક્તિને તો અપમાનજનક લાગતા જ હશે, પરંતુ એ આપણા સંસ્કાર પણ બહુ
સારી રીતે પ્રદર્શિત કરે છે!
ફક્ત બેન્ક બેલેન્સના આધારે કરવામાં આવતા આવા વર્ગીકરણ અને વર્તાવ આપણી પોતાની
ઓછપ અને અભદ્રતા દર્શાવે છે. સાચી પ્રતિષ્ઠા કે પચી ગયેલો પૈસો હોય એવા લોકો ક્યારેય આવું
અસંસ્કારી વર્તન કરતા નથી. આપણે ઘણી વાતમાં પશ્ચિમની નકલ કરીએ છીએ, પરંતુ ખરેખર આ
એક બાબત એવી છે જેમાં પશ્ચિમની નકલ કરવી જોઈએ. ત્યાં કોઈ કામ નાનું નથી. દરેક કામની
ડિગ્નિટી છે, સન્માન છે અને કદાચ ત્યાંનું અર્થતંત્ર સમજે છે કે, પાયાના માણસો વગર એમની
ઈકોનોમી ટકશે નહીં. કડિયા, પ્લમ્બર, સુથાર જેવા સ્કિલ્ડ લેબર હોય કે ડોમેસ્ટિક હેલ્પ, વિદેશમાં
આ સુવિધા વધુ મોંઘી અને અઘરી છે કારણ કે, ત્યાં કલાકના હિસાબે આવા સ્કિલ્ડ લેબરના પૈસા
ચૂકવવા પડે છે. એમબીએ કે મેડિસિનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ રેસ્ટોરન્ટમાં વેઈટરનું કે બાર
ટેન્ડરનું કામ કરે છે, જેના પણ કલાકના હિસાબે પૈસા મળે છે. 18 વર્ષની ઉંમરે માતા-પિતા સંતાનને
પોતાની જરૂરિયાત પૂરતું કમાઈ લેવા પ્રોત્સાહિત કરે છે, ક્યારેક ફરજ પાડે છે. અહીં, જાત મહેનતનું
મૂલ્ય છે. અહીં આપણા સંતાનોને બધું તૈયાર મળ્યું છે-24-25 વર્ષની ઉંમર સુધી જાતે એક ગ્લાસ
પાણી પણ ન લીધું હોય એવાં સંતાનો લાડને કારણે છકી જાય છે… મંદિરમાં જવું, દીવો કરવો કે
સાધુસંતને પગે લાગવું એ જ માત્ર સંસ્કાર નથી, માણસમાત્રની સાથે સન્માનપૂર્વક અને સ્નેહથી
વર્તવું એ પણ ઉછેર અને સંસ્કારનો એક ભાગ છે જે દુર્ભાગ્ય દરેક ઘરમાં શીખવવામાં આવતું નથી!
બીજી તરફ, આપણા દેશમાં કારમી ગરીબી છે, માંડ બે પૈસા કમાતા માણસને પોતાની નોકરી
સાચવવાની એટલી ચિંતા છે કે, અપમાન સહન કરીને પણ એ ચૂપ રહે છે, પરંતુ એને આ અપમાન કે
તિરસ્કારનો ઉઝરડો નથી પડતો એવું તો નથી જ. કેટલાક ભારતીય પરિવારો એવા છે જ્યાં ડોમેસ્ટિક
હેલ્પ વગર પાંદડુંય હાલતું નથી, તેમ છતાં ઘરનું બધું જ કામ કરતાં-જવાબદારી લેતા અને આપણા
જીવનને સરળ બનાવતા લોકો સાથે આપણે સારી રીતે વર્તી શકતા નથી? કેમ?
કોલ સેન્ટરથી ફોન કરતા લોકો, રેસ્ટોરાંના વેઈટર, સ્કિલ્ડ લેબર, ડોમેસ્ટિક હેલ્પ, ડ્રાઈવર,
માળી, વોચમેન, ઈસ્ત્રી કરતા કે રસોઈ કરવા માટે આવતા માણસ જેવી કેટલીયે સુવિધાઓ આપણા
જીવનને સરળ બનાવે છે, છતાં એ લોકો આપણા કરતાં ઓછું કમાય છે અને કમાણી માટે આપણા
પર આધારિત છે માટે એમનું અપમાન કરવાનો આપણને અધિકાર મળે છે?