હજી હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’માં આપણને પહેલીવાર કાશ્મીર
વિભાજન આર્ટિકલ 370ની વિગતો અને એને નાબૂદ કરતી વખતે સરકારે ઉઠાવેલી જહેમત વિશે
વિગતવાર માહિતી મળી. દુનિયાનો કોઈપણ દેશ જ્યારે પોતાની આઝાદી કે સ્વતંત્રતા માટે લડે છે
ત્યારે નેતાઓ તો ફક્ત માર્ગ ચીંધે છે. દેશનું યુવાધન, નાગરિકો અને સ્ત્રીઓ સુધ્ધાં જ્યારે એ વિચાર
સાથે સહમત થઈને પોતાનો સમય અને પોતાનું બળ આપે છે ત્યારે જે-તે પ્રદેશ કે રાજ્ય, કે દેશ
આઝાદ થઈ શકે છે.
આપણે વાત કરીએ છીએ 1960ના મહાગુજરાત આંદોલનની. આપણે ગુજરાતીઓ
જ આપણા રાજ્યના વિભાજન વિશે અને ગુજરાતની સ્વતંત્રતા વિશે શું જાણીએ છીએ? જે લોકો
50 કે 60ના દાયકામાં જન્મ્યા છે એ લોકો પાસે તો થોડી ઘણી માહિતી પણ છે, પરંતુ આજનો યુવા
વર્ગ ખાસ કરીને, 90 પછી જન્મેલી પેઢી પાસે ગુજરાતના વિભાજન વિશે અને સ્વતંત્રતા વિશે કોઈ
જાણકારી નથી. એનો ઈતિહાસ બહુ રસપ્રદ છે.
સાચી વાત તો એ છે કે, મહાગુજરાતની રચના કરવાની માગણી ગુજરાતની સામાન્ય
પ્રજાએ કરી જ ન હતી, પરંતુ ખુદ સત્તા ઉપર રહેલા કોંગ્રેસ પક્ષે જ એ માટેના જરૂરી ઠરાવો કરીને
તેને અખબારોમાં પ્રસિધ્ધિ પણ આપેલી. સ્વાભાવિક રીતે જ એમનું એ વચન, ‘અમે તમને
ગુજરાતનું રાજ લાવી આપીશું.’ લોકોએ ગંભીરતાથી લીધેલું, પરંતુ અંતે દ્વિભાષી રાજ્યનો ઠરાવ
લોકસભામાં પસાર થયો. 241 વિરુધ્ધ 40 મત મળ્યા અને એ નિર્ણય કોંગ્રેસે જ કર્યો એટલે પ્રજાને
આઘાતની લાગણી થઈ. ખાસ કરીને ગુજરાતમાં યુવા વર્ગને આ નિર્ણય સામે ઘણો વિરોધ હતો. આ
વિરોધને સમજવાને બદલે કે એની સાથે યોગ્ય રીતે વાટાઘાટ કરવાને બદલે પ્રજાને દબાવીને ચૂપ
કરવાનો પ્રયાસ થયો એમાંથી મહાગુજરાત આંદોલનનો જન્મ થયો. ખરેખર તો 1921માં ભાષાવાર
પ્રાંત રચવાનું વચન કોંગ્રેસે આપેલું. 1928માં પ્રસિધ્ધ થયેલા ‘નહેરુ રિપોર્ટ’માં પણ ભાષાવાર પ્રાંતનું
વચન હતું. 1947માં બંધારણ સભામાં ખુદ વડાપ્રધાન નહેરુએ ભાષાવાર પ્રાંત રચવાના સિધ્ધાંતનો
સ્વીકાર કર્યો અને 1953માં હૈદરાબાદમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં પણ એ નિર્ણય
સર્વાનુમતે સ્વીકારવામાં આવેલો, પરંતુ એવું થયું નહીં. કદાચ, મુંબઈ શહેરને કારણે આ નિર્ણય લઈ
શકાયો નહીં હોય. 1953માં ભારત સરકારે રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરી, તેમાં 2 હજારથી
વધુ આવેદન પત્રો અને રાજકીય પક્ષો, સામાજિક કાર્યકરો, પત્રકારો, સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર એવી
લગભગ 10 હજાર વ્યક્તિઓની જુબાની લેવામાં આવી. એ પછી જે નિર્ણય આવ્યો એ નવાઈ
પમાડે તેવો હતો. એમણે 3 રાજ્યોની રચના કરવાની ભલામણ કરી. 1956ની ફેબ્રુઆરીમાં પ્રમુખ
શ્રી ઢેબરભાઈએ જાહેર કર્યું કે, હવે આ પુનઃરચના પંચનો અહેવાલ સ્વીકારી શકાય તેમ નથી. એ પછી
મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યા. એપ્રિલ, 56માં ભારત સરકારે પુનઃરચનાનો ખરડો પસાર કર્યો અને
એમાં 3 રાજ્યોની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્ય અને કેન્દ્રના
શાસન હેઠળ મુંબઈ રાજ્ય, પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતની પ્રજા આ બધાના વિરોધમાં તૈયાર થઈ ગઈ
હતી. જુલાઈમાં લોકસભામાં ફરી ચર્ચા કરવામાં આવી, પરંતુ એ નિષ્ફળ ગઈ. ઓગસ્ટમાં પંડિત
નહેરુએ જાહેરસભામાં કહ્યું કે, મુંબઈ શહેર જો મહારાષ્ટ્રમાં જાય તો મને આનંદ થશે…
શ્રી બ્રહ્મકુમાર ભટ્ટે એમના પુસ્તકમાં નોંધ્યા મુજબ તા. 7.8.1956ના રોજ બપોર
પછી કેટલાક વિદ્યાર્થીઓ અમદાવાદમાં ભદ્રમાં આવેલ કોંગ્રેસ હાઉસ ઉપર શ્રી ઠાકોરભાઈ દેસાઈને
મળ્યા અને અઢી કલાક સુધી ચર્ચા કરી. શ્રી ઠાકોરભાઈએ વિદ્યાર્થીઓને તોફાનનો માર્ગ નહીં લેવા
અને બીજા કોઈ પક્ષના હાથા ન બનવા જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, દ્વિભાષી રાજ્યની રચના
અંગે તમને જેવી લાગણી છે તેવી જ મારે છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસની બેઠક મળે ત્યાં સુધી તમારે રાહ
જોવી જોઈએ.
તે દિવસે કોઈ ચોક્કસ નેતાગીરી વગર આપમેળે જ કેટલાક વિદ્યાર્થીઓ ગયેલા, તો આ
વિદ્યાર્થીઓએ બીજા દિવસે એટલે કે તા. 8.8.1956ના રોજ સંપૂર્ણ હડતાલનું એલાન આપ્યું અને
8મીનાં અખબારોમાં જ સત્તાવાર જાહેરાત થઈ કે લોકસભાએ 241 વિરુધ્ધ 40 મતથી મુંબઈનું
દ્વિભાષી રાજ રચવાનો ઠરાવ પસાર કરી દીધો છે. આ 8મી ઓગસ્ટનો દિવસ સમગ્ર ગુજરાત ઉપર
એક વજ્રાઘાત સમાન નીવડ્યો અને તે દિવસે જે બનાવો બન્યા, જે સરકારી હિંસાનું પ્રદર્શન થયું
અને જે કોંગ્રેસ હાઉસમાંથી દેશની આઝાદીની લડતના કાર્યક્રમનું સંચાલન થયેલું તેની સામે
નિઃશસ્ત્ર, નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર કોંગ્રેસ હાઉસમાંથી છૂટેલી ગોળીઓને પરિણામે લોહી રેડાયું. તે
પ્રસંગને ગુજરાતની પ્રજા કદી માફ કરી શકે તેમ નથી. 8મી ઓગસ્ટ, 1956ના દિવસે ખાસ કરીને
અમદાવાદ શહેરમાં અસાધારણ ઉશ્કેરાટ અને અજંપાની સ્થિતિમાં જ ગલીએ ગલીએ, લત્તે લત્તે
અને પોળે પોળે અને સોસાયટીઓમાં, સરકારી કચેરીઓમાં, ખાનગી ઓફિસોમાં બધે જ
દ્વિભાષીની રચનાનો ઉગ્ર વિરોધ અને ચર્ચા ચાલુ થઈ ગયાં. શહેરની તમામ કોલેજોના
વિદ્યાર્થીઓમાં સવારથી જ હલચલ શરૂ થઈ ગઈ અને સ્વયંભૂ હડતાલ પડી ગઈ. સવારે જ
એલિસબ્રિજના કોલેજ વિસ્તારમાંથી એક જંગી સરઘસ લૉ કોલેજથી શરૂ થઈને નીકળ્યું. લગભગ
ચારેક હજાર વિદ્યાર્થીઓનું આ સરઘસ શહેરનાં બજારો, દુકાનો, સંસ્થાઓ વગેરે બંધ કરવા માટે સૂત્રો
પોકારતું અને હડતાલનું એલાન આપતું શહેર તરફ આવવા માટે આગળ ધપ્યું.
મહાગુજરાતના આંદોલનમાં સૌથી વધુ ઘૃણાજનક અને ગમખ્વાર પ્રસંગ તો આઠમીએ
બપોર પછી, કોંગ્રેસ હાઉસના પ્રાંગણમાંથી જે ગોળીઓ છૂટી અને જેનાથી વિદ્યાર્થીઓની લાશો
ઢળી ગઈ તેનો, યુવાનોના લોહીથી લખાયેલો ઈતિહાસ છે.
મુખ્ય વાત તો એ છે કે, આવો ગોળીબાર કરતાં પહેલાં ન કોઈ ચેતવણીની જાહેરાત
થઈ અથવા સામાન્ય રીતે બને છે તેમ પહેલાં નહીં ટીયરગેસ છૂટ્યો કે નહીં લાઠીચાર્જ થયો. સામાન્ય
કોમી હુલ્લડોમાં પણ હજી, આજે પણ ગોળીબારથી પોલીસ શરૂઆત નથી કરતી. લાઠીચાર્જ અને
ટીયરગેસથી સ્થિતિ અંકુશમાં ન આવે ત્યારે જ ગોળીબાર અને તે પણ ‘ઈફેક્ટિવ ગોળીબાર’નો
આશરો લેવાય છે, જ્યારે અહીં સીધો જ ગોળીબારનો આશ્રય લીધો. આમ શાથી થયું તેનો કોઈપણ
જવાબ કે ખુલાસો આપવાની દરકાર સુધ્ધાં કદી પણ કોઈ કોંગ્રેસી નેતાએ કરી નહીં, કે પ્રજાની માફી
માગી નહીં, કે નિર્દોષ યુવાનોનું લોહી રેડાયું તે માટે દિલગીરી પણ વ્યક્ત કરી નહીં.
આ ગોળીબારને કારણે એક સ્થિતિ એવી ઊભી થઈ કે, હિંદુઓ અને મુસ્લિમોનાં લોહી
એક જ સ્થળે રેડાયાં અને તેથી મહાગુજરાતના આંદોલનમાં હિંદુ-મુસ્લિમ એકતાનું હવામાન
આપોઆપ ઊભું થઈ ગયું.
(ક્રમશઃ)