મહાગુજરાતઃ સંઘર્ષ અને શહીદીની કથા

1લી મે, ગુજરાતનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાતને છૂટા પડ્યાને છ દાયકા કરતા
વધુ સમય થઈ ગયો. નવી પેઢી, જે ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં જન્મી એને આ રાજ્યો વિશે, એમના
છૂટા પડવા વિશે કે એમના ઈતિહાસ વિશે ભાગ્યે જ કોઈ માહિતી છે. નવાઈની વાત એ છે કે, ગુજરાત
અને મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકોમાં પણ આ વિશે કોઈ ખાસ વિગતો મળતી નથી.

1921માં રાષ્ટ્રીય મહાસભા અથવા કોંગ્રેસે ભાષાવાર પ્રાંત રચવાનો ઠરાવ સર્વાનુમતે પસાર
કર્યો. ગુજરાતને ત્યારથી અલગ રાજ્યની આશા હતી. જોકે, ‘મુંબઈ જેવું વિકસિત બહુભાષી શહેર કોઈ
એક ભાષી રાજ્યનો ભાગ ન બની શકે’ કહીને મોરારજી દેસાઈએ આ રાજ્યોને છૂટા પડતા અટકાવ્યા. એ
પછી મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એવા ત્રણ અલગ રાજ્યો કરવાનો વિચાર પણ કેન્દ્ર સરકારે
સૂચવ્યો. આની વિપરિત અસર થઈ. વડાપ્રધાન નેહરુએ સતત એક 1956ના દિવસે આકાશવાણી પરથી
જાહેરાત કરી કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત, વિદર્ભ સહિત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ પાડવામાં
આવશે. લોકોએ આનંદથી આ જાહેરાતને વધાવી લીધી.

આ બધું ચાલતું હતું ત્યારે 8.8.1956ના અખબારોમાં એવા સમાચાર પ્રસિધ્ધ થયા કે, મહારાષ્ટ્ર-
ગુજરાત વચ્ચેના મતભેદોને લઈને દ્વિભાષી રાજ્ય રચનાનો ઠરાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો
છે. 8મી ઓગસ્ટના આ બનાવ પછી વલ્લભ વિદ્યાનગરમાં ભાઈકાકા, અમદાવાદમાં ઈન્દુલાલ યાજ્ઞિક,
પ્રબોધ રાવલ અને હરિપ્રસાદ વ્યાસ સહિત સૌએ ભેગા મળીને મહાગુજરાત માટેનું પહેલું સરઘસ કાઢ્યું.
કોંગ્રેસ હાઉસ પર ઉશ્કેરાટભર્યા સૂત્રોચ્ચાર કરતા નિશસ્ત્ર વિદ્યાર્થીઓ પર લાઠીને બદલે ગોળીઓ ચલાવી
દેનાર સરકાર પર પ્રજાનો રોષ ભભૂકી ઊઠ્યો અને પહેલીવાર જનતા કરફ્યૂ અમલમાં આવ્યો.

બીજી ઓક્ટોબર-56ના રોજ પંડિત નેહરુએ લાલદરવાજા મેદાનમાં મળેલી જંગી જાહેર સભામાં
પ્રવચન કરતાં જણાવ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ અલગ થાય તે સારું નથી. તેમ છતાં હું શું
કરું? મહારાષ્ટ્રના લોકોએ નવો વિચાર કર્યો. તેમાં હું સંમત થઈ ગયો, એટલું મારે કબૂલ કરવું પડશે. આ
વાતની જનતાને જાણ કરવાનો સમય ન મળ્યો અને નિર્ણય લેવાઈ ગયો તેનું મને દુઃખ થયું છે, પરંતુ
બીજો છૂટકો ન હતો. પંડિત નેહરુના આ પ્રવચનની ભાષા અને મોરારજીભાઈ અને ઠાકોરભાઈની
ભાષાની વચ્ચે જે ફરક જણાતો હતો તેની પણ ગુજરાતની પ્રજાએ નોંધ લીધી હતી. પંડિત નેહરુ
સમજાવટની ભાષા વાપરતા હતા. જ્યારે મોરારજીભાઈ અને ઠાકોરભાઈએ ધમકીની ભાષા વાપરતા તેમ
સૌને લાગતું હતું. આંદોલનમાં ત્રણ મુખ્ય રાજકીય પરિબળો હતા. એક પ્રજા સમાજવાદી કાર્યકરોનું જૂથ,
બીજું કોંગ્રેસમાંથી, મહાગુજરાતના સવાલ ઉપર છૂટા પડેલા લોકોનું જૂથ, અને ત્રીજું સામ્યવાદી પક્ષનું
જૂથ, એમ ત્રણ મુખ્ય રાજકીય પરિબળો મહાગુજરાત જનતા પરિષદમાં હતાં. ઉપરાંત ઘણા અપક્ષ
કાર્યકરો કે અગ્રણીઓ પણ હતા, પરંતુ તેઓ પણ જાણ્યેઅજાણ્યે એક કે બીજા જૂથની સાથે જ રહેતા
હતા. મૂળભૂત પ્રશ્નો ઉપર દેખીતી રીતે જ બધાએ એક થઈને ચાલવું પડતું. આંતરિક ખેંચ-તાણ તો કંઈક
અંશે રહ્યાં જ કરતી.

જાહેરાત થઈ કે હવે ગુજરાત રાજ્યની રચના અંગેનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને
ગુજરાતના વહીવટને લગતો દરેક પત્રવ્યવહાર અને ફાઈલો વગેરે લઈને મુંબઈથી ખાસ ટ્રેઈનો તા.
16.17.20 અને 22 એપ્રિલ 1960ના રોજ અમદાવાદ દોડાવવામાં આવશે. એવી પણ જાહેરાત થઈ કે,
મુખ્ય સચિવ ઈશ્વરન ઉપરાંત સીનિયર સચિવ એમ.જી. મોનાની, જી.એસ. શેઠ, હબિબુલ્લા, એલ.આર.
દલાલ, બનેસીંગજી અને આર.એન. દેસાઈ જુદા જુદા ખાતાના સચિવ તરીકે રહેશે. તા. 30.4.60ના રોજ
કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ બોલાવવામાં આવી, અને તેમાં પક્ષના નેતાની ચૂંટણી થશે અને
તા. 1.5.60ના રોજ ગુજરાતના પ્રથમ પ્રધાન મંડળની સોગંદવિધિ કરવામાં આવશે.

તા. 17.4.60ના રોજ ગુજરાત સચિવાલયના કર્મચારીઓ અને સેંકડો ટાઈપરાઈટરો, 4,000થી
વધુ કાગળોનાં પાર્સલો સાથે ટ્રેઈનો અમદાવાદ આવી પહોંચી.

તા. 19.4.60ના રોજ ભારતની સંસદે મુંબઈ રાજ્યનું વિભાજન કરવાનું બિલ, ત્રીજા અને
આખરી તબક્કામાંથી પસાર કરી દીધું, જોકે ચર્ચા દરમ્યાન વિરોધપક્ષે રજૂ કરેલા, લગભગ 100 જેટલા
વિવિધ સુધારાઓનો સભાગૃહે અસ્વીકાર કર્યો હતો. એમાં એક સુધારો ગુજરાતનું નામ ‘મહાગુજરાત’
રાખવાનો પણ હતો, પરંતુ તે નામંજૂર કર્યો હતો. બિલ પસાર થયા પછી, ગૃહપ્રધાન પંડિત પંતે જણાવ્યું
કે, ગુજરાતને હું મારી શુભેચ્છા પાઠવું છું. પંડિત નેહરુએ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે વેર-ભાવનાની
વાત ભૂલી જઈને આ બિલને કુટુંબીઓને જ આપેલા હિસ્સાના એક દસ્તાવેજ તરીકે ગણવું જોઈએ. આ
રીતે તા. 19.4.60ના રોજ દેશમાં કરાયેલા એક અભિનવ, પરંતુ અચાનક કરાયેલા પ્રયોગના અંતિમ
સંસ્કાર થયા હતા, અને દ્વિભાષી રાજ્યના વિસર્જન ઉપર દેશની સર્વોચ્ચ સંસ્થાએ છેવટનું સીલ માર્યું
હતું.

ત્યાર પછીની વિધિ બંને રાજ્ય માટે માત્ર ઔપચારિક હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના
નેતા તરીકે તા. 21.4.60ના રોજ યશવંતરાવ ચવાણ અને વિદર્ભના કન્નમબાર ઉપનેતા તરીકે
સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.

તા. 23.4.60ના રોજ રાજ્યસભાએ પણ વિસર્જનના બિલને મંજૂરી આપી.

તા. 25.4.60ના રોજ ગુજરાતના નવા પ્રધાનમંડળના પ્રધાનો અને નાયબ પ્રધાનોની યાદી
નીચે મુજબ જાહેર કરવામાં આવીઃ

 1. મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા 2. રસિકલાલ પરીખ 3. માણેકલાલ શાહ 4. હિતેન્દ્ર
  દેસાઈ 5. જશવંતલાલ શાહ 6. છોટુભાઈ મકનજીભાઈ પટેલ 7. બહાદુરભાઈ પટેલ 8.
  પ્રેમજી ભવાનજી ઠક્કર 9. અકબરઅલી જસદણવાલા 10. શ્રીમતી કમળાબહેન પટેલ 11.
  માધવસિંહ સોલંકી અને સ્પીકર તરીકે 12. માનસિંહજી ભાસાહેબ રાણાની પસંદગી થઈ હતી.

  તા. 25.4.60ના રોજ રાષ્ટ્રપતિએ મુંબઈના વિભાજનના ખરડા ઉપર સહી કરી દીધી
  અને સરકારી ગેઝેટમાં તે જ દિવસે પ્રસિધ્ધ થઈ ગયો.

  ગુજરાત રાજ્યના પ્રથમ ગવર્નર તરીકે, હૈદરાબાદના શાહી કુટુંબના એક સજ્જન પુરૂષ
  શ્રી મહેંદી નવાજ જંગની નિમણૂંકની જાહેરાત થઈ.

  ગુજરાતમાં કોંગ્રેસી પ્રધાન મંડળ બનશે એ તો દેખીતી જ વાત હતી અને કોંગ્રેસમાંથી
  છૂટા પડેલા લોકો કોંગ્રેસમાં પાછા જઈ રહ્યા હતા તે સંજોગોમાં ગુજરાત વિસ્તારમાં
  વ્યવસ્થિત વિરોધપક્ષની રચના અનિવાર્ય હતી અને ખાસ કરીને જનતા પક્ષનું વિસર્જન
  કરવામાં આવ્યું, ત્યારે જે ધારાસભ્યો હતા તેમની સાથે બેસીને વિચાર કરવો તે દૃષ્ટિએ તા.
  26.4.60ના રોજ અમારા ધારાસભ્યો પૈકીના એક છોટાલાલ નારણદાસ પટેલના જમાલપુર
  દાણાપીઠના નિવાસસ્થાને બેઠક મળી હતી. આ સભામાં ચર્ચા પછી એવી વિચારણા થઈ
  હતી કે, બધાએ સાથે મળીને વિરોધ પક્ષ તરીકે જ બેસવું અને વિધાનસભા સ્પીકર પાસે
  તેની માન્યતા પણ મેળવવી. વિધાનસભા વિરોધપક્ષના નેતા અને અન્ય કામકાજ
  બાબતોની વિગતો વિચારવા બ્રહ્મકુમાર ભટ્ટ, રમણલાલ નાગજીભાઈ પટેલ અને મહેન્દ્ર
  દેસાઈની એક સમિતિ નીમવામાં આવી. વિધાનસભા પક્ષના નેતા તરીકે કપડવંજના
  ધારાસભ્ય નગીનદાસ ગાંધી (વકીલ)ને રાખવા તેમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.
  ગુજરાત વિધાનસભા વિરોધપક્ષની નવરચના અંગે ઈન્દુભાઈએ પણ જણાવ્યું કે, ગુજરાત
  ધારસભામાં વ્યવસ્થિત વિરોધપક્ષ ઊભો થાય તે વાત આવકારદાયક છે.

  તા. 30.4.60ના રોજ ગુજરાતની રચના થતાં ડૉ. જીવરાજ મહેતાની સરકારને
  આવકારવા લાલદરવાજા સરદાર બાગમાં જાહેરસભા યોજવામાં આવી હતી… મહારાષ્ટ્ર
  અને ગુજરાત છૂટા પડ્યા એ પહેલાં મુંબઈમાં પણ દારૂબંધી હતી. બે રાજ્યો છૂટા પડ્યા
  પછી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાયમ કરવામાં આવ્યો અને મહારાષ્ટ્રમાં શરાબની છૂટ
  આપવામાં આવી…

આજે આપણે જે રાજ્યમાં રહીએ છીએ એનો ઈતિહાસ કે ભૂગોળ આપણી નવી પેઢી
જાણતી નથી. મોટાભાગના માતા-પિતા એમના સંતાનોને વેકેશનમાં વિદેશ લઈ જવાનું
પસંદ કરે છે અથવા કેરેલા કે કાશ્મીર બતાવવા માગે છે, પરંતુ ગુજરાતનો 1600
કિલોમીટર લાંબો દરિયા કિનારો, કચ્છ કે ચોરવાડ, દ્વારિકા, માંડવી અને સોમનાથ જેવી
અદ્ભુત જગ્યાઓએ એમના સંતાનોને લઈ જતા નથી…

જો આપણે આપણી જાતને ગુજરાતી કહેતા હોઈએ તો આપણે આપણા રાજ્યને
ઓળખવું અને સમજવું જોઈએ. પાઠ્ય પુસ્તકોમાં આપેલી વિગતોને ગોખીને ફક્ત પાસ થવું
એ આપણો ઉદ્દેશ નથી. ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતી હોવાને નાતે આપણને કેટલા
સંઘર્ષ પછી આપણું રાજ્ય મળ્યું છે એ વિશે સંતાનોને જણાવવાની આપણી પેઢીની ફરજ
છે… આપણે સૌ ફક્ત ઢોકળા, ફાફડા કે જલેબીના માણસો નથી, આપણે વ્યાપારી પ્રજા નથી
માત્ર… આપણી પાસે ત્રણ જ્ઞાનપીઠ છે અને મીનળદેવી, મેના ગુર્જરી, જસમા ઓડણ અને
રાણકદેવી જેવી સ્ત્રીઓ છે. આપણી પાસે સિધ્ધરાજ જેવો રાજ્યકર્તા છે અને હેમચંદ્રાચાર્ય
જેવા વિદ્વાન છે… જો આપણે જ આપણા સંતાનોને વારસામાં ગૌરવ અને અભિમાન નહીં
આપીએ તો આપણને આપણા પછીની પેઢી ગુજરાતી હોવા વિશે ગૌરવ નથી અનુભવી
શકતી એની ફરિયાદ કરવાનો અધિકાર નહીં રહે !

4 thoughts on “મહાગુજરાતઃ સંઘર્ષ અને શહીદીની કથા

 1. અમૂલ એસ. વ્યાસ says:

  આજની યુવાપેઢી માટે પોતાના રાજયના વિષે આટલી અદભૂત અને માહિતીપ્રદ જાણકારી ખરેખર બેહદ સુંદર છે. તમને લાખ લાખ ધન્યવાદ……કાજલબહેન

 2. Dhirendra Patel says:

  જેવી રીતે ગુજરાત રાજ્ય ની સ્થાપના થઇ તેવી રીતે મહારાષ્ટ્ર ની થઈ તો મુંબઇ મહારાષ્ટ્ર નું કેવી રીતે પાટનગર બનાવી દેવા માં આવ્યું? તેનું કોઈ પુસ્તક છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *