મહેર કે કહેર? નહેર સિવાય પણ વોટર મેનેજમેન્ટ શક્ય છે

ઝારખંડમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું, “પ્રજાને ખોટા વચનો આપીને વોટ લેવાની કારણ
કે શોર્ટકટ અંતે શોર્ટ સર્કિટ થઈ જાય છે.” સાડા સાત દાયકાની આપણી આઝાદી પછી પણ જો પ્રજા ખોટાં
વચનો માની લેતી હોય તો એને માટે નેતાઓ ઉપર આક્ષેપ કરવાનો કોઈ અર્થ છે ખરો? સાડા સાત દાયકામાં
કેટલી સરકારો આવી ને ગઈ… પરંતુ, લગભગ દર વર્ષે ચોમાસામાં આપણે ઉભરાતા રસ્તા અને ઘરમાં ઘૂસી
જતા પાણીના દૃશ્યો જોઈએ છીએ. ગુજરાતમાં જ નહીં, આખા ભારતમાં પૂરને કારણે દર વર્ષે જળસંકટ
ઊભું થાય છે, તો બીજી તરફ ઉનાળો આવતા જ લગભગ દરેક વિસ્તારમાં પાણીની અછત ઊભી થાય છે.
નવાઈ લાગે, છતાં સત્ય એ છે કે વિશ્વના બીજા વિકાસશીલ અને વિકસિત દેશોમાં પણ આવી સમસ્યા તો
છે… પરંતુ, એમણે એનો ઉપાય શોધી કાઢ્યો છે. ભારતની આઝાદીને સાડા સાત દાયકા પૂરા થયા હોવા
છતાં આપણે હજી સુધી ‘વોટર મેનેજમેન્ટ’ કરી શક્યા નથી. આનું કારણ કદાચ એ છે કે, આપણી સરકારોને
આ મેનેજમેન્ટ કરવામાં રસ જ નથી.

દુષ્કાળ અને પૂરના નામે મળતી સહાય લોકો સુધી પહોંચે છે કે નહીં એની જનસામાન્યને ખબર
નથી, તો બીજી તરફ દર વર્ષે લાખો રૂપિયા ક્યાંક પૂર તો ક્યાંક દુકાળના નામે ઉધારી દેવાય છે. આપણે બધા,
ખાસ કરીને શહેરમાં વસતા ભણેલા લોકો આ જાણે છે, કદાચ સમજે છે તેમ છતાં આપણને એ વિશે અવાજ
ઉઠાવવામાં કે પ્રશ્ન પૂછવામાં રસ નથી. ભારતના લોકો ધીમે ધીમે પોતાનું શૂર અને જોશ ગૂમાવી રહ્યા હોય
એમ કોઈપણ પરિસ્થિતિમાં ચૂપચાપ જીવતાં શીખી ગયા છે, શીખી રહ્યા છે! ચોમાસા પહેલાંની વ્યવસ્થા
માટે દર વર્ષે નગરપાલિકાઓ લાખો રૂપિયાની ફાળવણીઓ કરે છે. રસ્તાના સમારકામ અને એની સાથે થતા
અનેક ભ્રષ્ટાચાર, ટેન્ડર પછી પણ વરસાદ પડે એટલે ભૂવા પડે, પાણી ભરાય એ નક્કી જ છે. લીમડાની
ડાળીઓ ખોસીને કે આજુબાજુ ઈંટો મૂકીને રાહદારીને સાવચેત કરવાનો પ્રયત્ન કોઈ ભલમનસાઈથી કરે તો
ઠીક, બાકી ગાડી અને માણસ બધુંય આવા ભૂવામાં ખાબકે… છતાં કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી.

રેલવે ટ્રેક પર ભરાતાં પાણી કે નદીઓના ઉપરવાસમાંથી છોડાતું પાણી પૂર બનીને શહેર કે નાના
ગામોમાં ફરી વળે, નુકસાન કરે… પરંતુ, એ પાણીને સાચવીને આવનારા ઉનાળા માટે એનો ઉપયોગ કરવાનું
આટલા વર્ષોમાં કોઈ સરકાર શીખી કે સમજી નહીં?

દર વર્ષે પહેલાં પૂર અને પછી દુષ્કાળ, દુષ્કાળ અને પછી પૂરની સાઈકલ ચાલુ રહે છે…
હેલિકોપ્ટરમાં જે-તે પ્રદેશની મુલાકાતે આવેલા પ્રધાનો છેલ્લા સાડા સાત દાયકાથી પૂરગ્રસ્ત વિસ્તારને રાહત
જાહેર કરે છે. જાહેર કરવામાં આવતી આ રકમ સામાન્ય નાગરિક, જે ટેક્સ ભરે છે એમાંથી જ ફાળવવામાં
આવે છે તેમ છતાં આ રાહતની રકમ ખરેખર પૂરથી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે છે કે નહીં એની કોઈ
તપાસ કે આંકડા મળતા નથી. જેટલી રાહત દર વર્ષે જાહેર કરવામાં આવે છે એટલા કુલ આંકડાનો સરવાળો
કરીએ તો અત્યાર સુધીમાં આપણે એક સુપર વોટર મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરી શક્યા હોત!

દર પાંચ વર્ષે જાહેર કરાતી પંચવર્ષીય યોજનાઓમાં નદીઓના બંધ, રસ્તા અને બીજી બધી વિગતો
જરૂર સમાવી લેવાય છે, પરંતુ પંચવર્ષીય યોજનામાં નક્કી કરાયેલી કેટલી બાબતો સાચા અર્થમાં સાકાર થઈ
અથવા એમાંથી કેટલું કામ થયું એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.

ભારતના નાગરિકને લગભગ દરેક બાબતમાં ‘સરકારે કરવું જોઈએ’ની અપેક્ષા છે. નાની નાની
સોસાયટી પણ જો સામાન્ય ખર્ચો કરીને ધાબે પડતા પાણીને વોટર રિચાર્જ કે વોટર કન્ઝર્વેશનમાં વાપરે તો
ઉનાળામાં પાણીની તકલીફ ટાળી શકાય. એથી આગળ વધીને જો શહેરના થોડાક સમજદાર અને સંપન્ન
નાગરિકો નિર્ણય કરે તો રસ્તા પર વહી જતા પાણીને પણ આવા, જનસામાન્યના ઉપયોગમાં વાપરી શકાય.
આજથી થોડા વર્ષો પહેલાં ભારત સરકારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડાથી વોટર મેનેજમેન્ટના
એક્સપર્ટ્સને બોલાવેલા. અનેક મિટિંગ્સ પછી એમણે રજૂ કરેલો પ્લાન જ્યારે સરકાર સમક્ષ મૂકવામાં
આવ્યો ત્યારે સાવ નિઃશુલ્ક મદદની ઓફર પણ કરવામાં આવેલી. કોંગ્રેસની સરકારે આ પ્લાન અભરાઈએ
ચડાવી દીધો એટલું જ નહીં, એ પછી વોટર મેનેજમેન્ટ એક્સપર્ટ્સ દ્વારા એ વિશે કરવામાં આવેલી
પૂછપરછનું પણ યોગ્ય જવાબ મળ્યો નહીં!

ભારતનો એક મુખ્ય પ્રશ્ન એ છે કે અહીં શિક્ષણ ઓછું છે. આબાદી વધુ છે અને શિક્ષિત કે
અશિક્ષિત બધા જ લગભગ એકસરખા બેદરકાર લોકો છે. સિંગાપોર કે ન્યૂઝીલેન્ડના કેટલાક શહેરો, યુરોપના
કેટલાક નાનકડા શહેરોમાં વરસાદનું પાણી વહી ન જાય એ માટે રસ્તાની ધારે એવી પાઈપ્સ બનાવવામાં
આવી છે જેમાંથી એ પાણી સીધું અંડર ગ્રાઉન્ડ રિચાર્જ માટે જઈ શકે. આપણે પણ આ કરી શકીએ. આનો
ખર્ચો પણ બહુ વધારે નથી. હજી હમણા જ સરકારની મદદથી નવસારી, સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક
વિસ્તારોની શાળાઓમાં સાદા પ્લાસ્ટિકના ડ્રમ દ્વારા વોટર રિચાર્જની એક નવી જ પધ્ધતિ વિકસાવવામાં
આવી છે. 1500થી 2000 રૂપિયાના ખર્ચામાં કોઈપણ સોસાયટી, બંગલો કે શાળા અથવા મકાનમાં આ
થઈ શકે છે. ડ્રમમાં કાણા પાડીને એને જમીનમાં ઉતારવામાં આવે છે. એની સાથે પાઈપ જોડવામાં આવે છે,
જેથી ધાબે કે રસ્તા પર પડતું પાણી એ પાઈપ દ્વારા ડ્રમમાં જાય અને ડ્રમ દ્વારા જમીનમાં ચૂસાઈ જાય.
સાવ સાદી ટેકનોલોજી હોવા છતાં આ ખૂબ જ અસરકારક પૂરવાર થયું છે. રસ્તાઓ ઉપર ભરાતું પાણી,
ઘરોમાં ઘૂસતું પાણી અટકાવી શકાય અને એનો સાચો અને સારો ઉપયોગ થઈ શકે, પરંતુ આપણે એમ કરતા
નથી.

સરકાર ઉપર આધારિત રહેવાની આપણને ટેવ પડી ગઈ છે, ને બીજી તરફ પ્રત્યેક ચૂંટણી વખતે
ખોટા વચનો સાંભળીને આપણે બધા જ હરખાઈએ છીએ, ભોળવાઈએ છીએ કે પછી મૂરખા બનીને
આપણને જ આપણી દયા ખાવાની ટેવ પડી ગઈ છે?

વોટર મેનેજમેન્ટ આપણી જરૂરિયાત છે… એ માટે આપણે જ કશું કરવું પડશે. આવનારી પેઢી માટે
પેટ્રોલ કે પર્યાવરણની સાથે સાથે પાણી પણ બચાવવું જ પડશે, નહીં તો આપણા જ સંતાનો આપણને માફ
નહીં કરે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *