મહિલા અને યુવા મતદારોઃ જાણો, વિચારો અને નિર્ણય કરો

દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે, પરંતુ એની તૈયારી
તો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી છે. કેન્દ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી છે. મેટ્રો
પૂરી કરી દેવામાં આવી. વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને ગુજરાતને અનેક પેકેજીસનો લાભ
મળવા લાગ્યો એટલે ગુજરાતની ચૂંટણી હવે હાથવેંતમાં છે એવું તો સૌ સમજી જ ગયા છે. ફક્ત
સત્તાવાર જાહેરાત થાય એની રાહ જોવાઈ રહી છે, એક આખી વિધાનસભા વિખેરીને નવા
મંત્રીઓને-નવા ચહેરાઓને પ્રજા સમક્ષ લાવવામાં આવ્યા ત્યારથી ભાજપનો એજન્ડા સ્પષ્ટ છે, એવું
લાગે છે. એક સર્વે મુજબ ગુજરાતમાં 18-19 વર્ષના 4.61 લાખ મતદારો વધ્યા છે. પાંચ વર્ષમાં
57.78 લાખ મતદારો ઉમેરાયા છે ત્યારે આ ચૂંટણી કદાચ વધુ યુવા ચહેરાઓને પ્રજા સમક્ષ લઈ
આવે એવી એક ધારણા છે.

ગુજરાતમાં 4.90 કરોડ મતદારો છે, એમાંથી કેટલા મત આપશે એ વિશે કોઈ સ્પષ્ટ ગણતરી
થઈ શકે એમ નથી, કારણ કે જે લોકો પોતાની જાતને બુદ્ધિજીવી, ઈન્ટલએક્ચ્યુઅલ કે અપર
ક્લાસના માને છે એમાંના ઘણા લોકો મતદાન કરવા જતા નથી. મતદાન મથકો ઉપર લાઈનમાં
ઊભા રહેવું, વોટર કાર્ડ બતાવીને નમ્રતાપૂર્વક પોતાનો વારો આવે ત્યારે મતદાન કરવું એ આપણા
બધાની રાષ્ટ્રીય ફરજ છે, આ વાત માતા-પિતાએ પોતાના સંતાનોને સમજાવવી જોઈએ અને શાળા-
કોલેજીસની સાથે સાથે પરિવારમાં પણ મતદાન કમ્પલસરી-ફરજિયાત કરવું જોઈએ. જે લોકો
મતદાન નથી કરતા એ લોકો પોતાને મળેલો સરકાર રચવાનો અધિકાર ગુમાવે છે, પછીથી બાકીના
લોકોએ લીધેલા નિર્ણય વિશે-રચાયેલી સરકાર વિશે એમને ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી. જે
ખરેખર પોતાની જાતને ભારતીય માનતા હોય અને જેને આ દેશના બદલાવમાં, વિકાસમાં રસ હોય
એણે મતદાન કરવું જ જોઈએ.

એક આખી નવી પેઢી આ વર્ષે પહેલીવાર મત આપવાની છે ત્યારે એમને કેટલીક માહિતી
હોવી જોઈએ. ગુજરાતમાં કુલ વિધાનસભા બેઠકો 182 છે. જેમાં 51,782 મતદાન મથકો ઊભા
કરવામાં આવશે. છેલ્લા લિસ્ટ પ્રમાણે 4,90,89,765 મતદારો છે જેમાં 2.53 કરોડ પુરુષ અને
2.37 કરોડ મહિલા મતદારો નોંધાયા છે. 1417 ટ્રાન્સ જેન્ડર અને 4 લાખ જેટલા દિવ્યાંગ
મતદારો છે. પહેલીવાર મતદાર કરનારા નવી પેઢીના મતદારોમાં 2.67 લાખ પુરુષ અને 1.93 લાખ
મહિલા મતદારો છે. અર્થ એ થયો કે, હવે ગુજરાતમાં લગભગ પુરુષ જેટલા જ મહિલા મતદારો છે
ત્યારે ગામડાંની અને શહેરની મહિલાઓએ ‘એમને પૂછીને…’ મત નથી આપવાનો. ભણેલી હોય કે
અભણ, આર્થિક રીતે સ્વતંત્ર હોય કે કોઈના ઉપર નિર્ભર હોય, દરેક મહિલા પાસે પોતાનો સ્વતંત્ર
મતદાનનો અધિકાર છે એ વાત દરેક મહિલા સુધી પહોંચાડવાની રાજકીય પક્ષોની ફરજ છે.

અત્યારે રાજકીય પક્ષો અંદરોઅંદરની લડાઈમાં એટલા ગૂંચવાયા છે કે સારા-નરસાનું ભાન
ભૂલીને એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપની રમત શરૂ થઈ ગઈ છે. દુઃખની વાત એ છે કે,
કોઈકની માતા, પત્ની કે બહેનને પણ આ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ઢસડવામાં આવે છે. સામસામે
એકબીજાના કામ, ભ્રષ્ટાચાર કે એમના શાસનની સમીક્ષા કરીને જે કહેવું હોય તે કહી શકાય. પ્રજા
સામે સાચા આંકડા મૂકવાથી મતદારને પણ પોતાના નિર્ણયની સાચી સમજણ આવે, પરંતુ એવું કરી
શકાય એમ નથી કારણ કે મોટાભાગના નેતાઓ પાસે સાચાં આંકડા કે વજૂદવાળી દલીલો નથી?

છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જે લોકો ગુજરાતમાં વસે છે અથવા
ગુજરાત વિશે જાણે છે એવા સૌને ખબર છે કે, કન્યા શિક્ષણ, મહિલાઓના આર્થિક સ્વાતંત્ર્ય અને
ઉજ્જવલા યોજના, સંપત્તિની નોંધણીમાં મહિલાને સબસિડી, 498-એ નો કાયદો, જેવું ઘણું કામ
ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. યુવા મતદારોને ખબર હોવી જોઈએ કે સરકારે કંઈ અને કેટલી
યોજનાઓ બનાવી છે, એમાંથી કેટલી અમલમાં મૂકી છે અને એના પરિણામ સ્વરૂપ આંકડા શું અને
કેટલા છે! ગઈકાલની પેઢી માત્ર અખબારો કે ટી.વી.ના સમાચારો પર આધારિત હતી, પરંતુ નવી
પેઢી પાસે ‘ગુગલ’ છે, ‘વેબસાઈટ્સ’ છે અને પોતાનો મત નિશ્ચિત કરતા પહેલાં નવી પેઢીએ
પોતાનો થોડોક સમય આ બધી તપાસ કરવામાં ઈન્વેસ્ટ કરવો જોઈએ.

એમના વિસ્તારના વિધાનસભાના ઉમેદવાર કોણ છે, એનો ઈતિહાસ શું છે, એણે શું અને
કેટલું કામ કર્યું છે, આ બધી વિગતો સમજીને મત ઉમેદવારને આપવો જોઈએ, પાર્ટીને નહીં… એક
માન્યતા એવી પણ છે કે, જે પક્ષ બહુમતિ મેળવશે એ જ પક્ષ વિકાસના કામો કરી શકશે. આ
માન્યતા સાવ ખોટી નથી તેમ છતાં દરેક શાસક પક્ષનું દર પાંચ વર્ષે ઓડિટ થવું જોઈએ, આ
વખતની ચૂંટણીમાં ઓડિટ નવી પેઢી અને મહિલાઓના હાથમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *