કોઈ એક દેશ કે ધર્મ સામે જ્યારે આપણને અણગમો કે વિરોધ હોય ત્યારે એ દેશનું સાહિત્ય,
કલા અને સંગીત પણ આપણને ક્યારેક વિરોધ કરવા પ્રેરે છે… સત્ય એ છે કે, કલા, સંગીત અને
સાહિત્યને દેશકાળ કે ધર્મના સીમાડા ન હોવા જોઈએ. કલા સારી અથવા ખરાબ હોય, સ્વધર્મી કે
વિધર્મી ન હોઈ શકે!
1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે મુંબઈ અને લાહોર બે શહેરો સિનેમા માટે ખૂબ
મહત્વના મથકો હતાં. વિભાજન વખતે નૂરજહાં, રોશન આરા બેગમ, મુમતાઝ શાન્તિ, મીના શૉરી,
ગુલામ અહેમદ ચિશ્તિ, ગુલામ હૈદર, નઝિર અહેમદ ખાન, ગોહર ખાન, ખુર્શીદ બાનો, મલ્લિકા
પોખરાજ, સઆદત હસન મન્ટો જેવા કેટલાય કલાકારો પાકિસ્તાન ચાલી ગયા. સામે સાહિર
લુધિયાનવી, કમાલ અમરોહી, બલરાજ સહાની અને સૂરૈયા-નરગિસ જેવા કલાકારોએ મુંબઈ રહેવાનું
પસંદ કર્યું. આપણે સૌ જાણીએ કે નહીં, પણ જ્યારથી યુટ્યુબ ઓપન થઈ છે ત્યારથી ભારતમાં પણ
પાકિસ્તાની ડ્રામા અથવા ટેલિવિઝન સીરિયલ્સ ખૂબ જોવાય છે. પાકિસ્તાનમાં ભારતીય સિનેમા
અને ભારતીય કલાકારો વિશે ગજબનો ક્રેઝ છે. એમની ટેલિવિઝન સીરિયલમાં હિન્દી સિનેમાના
અનેક ગીતોનો ઉપયોગ થતો જોવા મળે છે. આપણે કથાની દૃષ્ટિએ મૂલવવા બેસીએ તો સમજાય કે,
ભારતીય સિનેમા પાકિસ્તાન કરતાં ખૂબ આગળ છે જ્યારે ભારતીય ટેલિવિઝન પાકિસ્તાની
ટેલિવિઝનની દૃષ્ટિએ રૂઢિચુસ્ત અને કથાની દૃષ્ટિએ ખૂબ નબળું છે.
અત્યારે પાકિસ્તાની ચેનલ ‘આરી’ ઉપર એક ટીવી સીરિયલ ‘હબ્સ’ (પ્રેમ)ની કથા બહુ નાજુક
અને આજના જમાનામાં સમજવા જેવી છે. નાની ઉંમરે દીકરાને મૂકીને અન્ય પુરુષ સાથે ચાલી
ગયેલી માને દીકરાએ આખી જિંદગી મીસ કરી છે. માના આ વર્તનને કારણે દીકરો (ફીરોઝ ખાન)
પોતાની પત્ની પર ભરોસો કરી શકતો નથી… એ પૈસા આપીને એક છોકરી સાથે લગ્ન કરે છે… ત્રણ
દીકરીઓની મા પોતાનું ભાડાનું ઘર ખરીદી લેવા માટે જમાઈ પાસેથી પૈસા લે છે.
એની સામે ભારતીય ઓટીટી પર એક બીજી ફિલ્મ રજૂ થઈ છે, ‘રક્ષાબંધન’. પોતાની ત્રણ
સાવકી બહેનોને પરણાવવા માટે ભાઈ લગ્ન નથી કરતો એવી કથા સાથે અક્ષયકુમારની આ ફિલ્મ
આપણી ભારતીય પરંપરા અને ભાઈ-બહેનના સંબંધોને ખૂબ સુંદર રીતે આપણી સામે મૂકે છે.
ફિલ્મોમાં ચોક્કસ સમાજનું દર્પણ દેખાય છે. આપણે માનીએ કે નહીં, સ્વીકારીએ કે નહીં,
પરંતુ દીકરીના લગ્ન આજે પણ મધ્યમવર્ગીય પરિવાર માટે એક સમસ્યા છે. ભણેલી-ગણેલી અને
કાબિલ દીકરી માટે પણ મુરતિયો શોધતા માતા-પિતાને પગે પાણી ઉતરે છે. ‘અમારે કંઈ નથી જોઈતું’
નો દંભ કરીને લાંબું લિસ્ટ પકડાવતા છોકરાના પરિવારને કેમ એવું નહીં સમજાતું હોય કે માતા-પિતા
પોતાની ભણાવેલી સંસ્કારી દીકરીને એમનું કુળ વધારવા માટે એક ગૃહલક્ષ્મીને મોકલે છે. ઉત્તર પ્રદેશ,
બિહાર જેવા રાજ્યોની વાત ન કરીએ તો પણ આપણે સૌ એવું માનીએ છીએ કે, ગુજરાત બહુ
એડવાન્સ અને માનસિક રીતે આગળ વધેલું રાજ્ય છે. સત્ય એ છે કે, આજે સરકાર ‘બેટી પઢાઓ’ની
વાત કરે છે, પરંતુ મુરતિયો વધુ ભણેલો નહીં મળે એમ વિચારીને માતા-પિતા દીકરીને ભણાવતા
અચકાય છે. બીજી તરફ દીકરી કરતા વધુ ભણેલી છોકરીને પુત્રવધૂ બનાવીને લાવતા પરિવાર અચકાય
છે કારણ કે, આજે પણ આપણા દેશમાં સ્ત્રી-પુરુષ કરતાં ઓછું ભણેલી, ઓછી ઊંચાઈ ધરાવતી અને
સાસરા કરતા ઓછાં સંપન્ન ઘરની હોવી જોઈએ એવું માનનારા લોકોની સંખ્યા ઓછી નથી.
એક તરફથી આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ ને બીજી તરફ દહેજ માટેનું
ડોમેસ્ટિક વાયોલેન્સ જે હદે વકર્યું છે એના સાચા આંકડા આપણા સુધી ક્યારેય પહોંચતા નથી. દેવું
કરીને કે નોકરીમાંથી લોન ઉપાડીને પોતાની તમામ બચત વાપરીને જે માતા-પિતા દીકરીના લગ્ન
કરાવે છે એમણે ખરેખર વિચારવું જોઈએ કે, લગ્નમાં ખર્ચો કરવા કરતા એટલા પૈસા દીકરીના નામે
મૂકી દે તો વ્યાજમાંથી દીકરી આત્મગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે. નવાઈની વાત એ છે કે,
કોઈ માતા-પિતા આવું કરે તો ‘સમાજ’ને મંજૂર નથી! બીજી તરફ કોઈ માતા-પિતા પોતાના દીકરાના
લગ્ન દહેજ લીધા વિના કરાવે તો પણ એમણે દીકરી માટે તો દહેજ આપવું જ પડે છે… લગ્નનો
ખર્ચો કે જમણવાર નહીં કરનાર લોકો શહેરોમાં કદાચ ‘સુધારાવાદી’ કહેવાતા હશે, પરંતુ નાના શહેરો
અને ગામડાંમાં આવા લોકોનું જીવવું અઘરું થઈ જાય છે.
આપણે આજે પણ સમાજથી ડરીએ છીએ. મુઠ્ઠીભર લોકો જે પોતાની જાતને સમાજના
અગ્રણી કે સરપંચ, વડીલ કહેવડાવે છે એ સૌ કશું બદલવા કે સુધારવાને બદલે એવો આગ્રહ રાખે છે
કે, સૌએ સમાજની એ રૂઢિઓ અને જૂનવાણી વિચારોને વળગી રહેવું જોઈએ. એક બીજો મહત્વનો
મુદ્દો એ છે કે ભણેલી દીકરીને કેટલાક ઘરોમાં નોકરી કે વ્યવસાય કરવા દેવામાં આવતો નથી.
સાસરાવાળાને એવો ભય હોય છે કે, જો વહુ ‘કમાવા’ માંડશે તો વંઠી જશે, હાથમાંથી નીકળી જશે!
આપણે ગમે તેટલા મોર્ડન હોવાનો દેખાવ કરીએ, પરંતુ આપણે સૌએ એવું સ્વીકારવું પડશે કે આપણી
માનસિકતામાં હજી કોઈ ફેરફાર થયો નથી. કમાતી દીકરી સાસરે ગયા પછી પોતાના માતા-પિતાને
થોડીક આર્થિક મદદ કરવા માંડે તો એની સામે વાંધો લેનારા લોકો પણ ઓછા નથી. બીજી તરફ
કમાતી પુત્રવધૂ કેટલીકવાર પોતાના સાસરિયા સાથે એટલી તોછડી અને મ્હોંફાટ હોય છે, કમાતી
હોવાને કારણે ઘરનું કામ ન કરે કે પૈસાનું અભિમાન બતાવે ત્યારે આવા દાખલાને કારણે બીજી
દીકરીઓને સહન કરવું પડે છે…
ભારત હોય કે પાકિસ્તાન દીકરીના લગ્ન આજે પણ માતા-પિતા માટે સમસ્યા કેમ છે?
‘કન્યાદાન’નું શાસ્ત્રોમાં કેટલું બધું મહત્વ છે, પોતાના જીગરનો ટુકડો, ઉછેરેલી, ભણાવેલી દીકરી
જ્યારે માતા-પિતા બીજાને ઘેર વળાવે છે ત્યારે એમનું માથું ગર્વથી ઊંચું થવાને બદલે ડર અને
સંકોચથી નીચું કેમ થાય છે?