મજૂર મહાજનઃ મારું અસ્તિત્વ અને મારા જીવનનો ઉદ્દેશ

ગાંધીજીની સલાહથી મેં મજૂરોના પ્રશ્નો ઉપાડ્યા. મજૂરોની હડતાળ પડી. 21 દિવસ હડતાળ ચાલી. એ
પછી ચર્ચા શરૂ થઈ. હડતાળ દરમિયાન હું ભાઈનો વિરોધ કરવા માટે સાબરમતી નદીના પટમાં રેતી પર તંબૂમાં રહેવા
ચાલી ગઈ. એક પક્ષે નાનો ભાઈ અને સામે પક્ષે હું, મોટી સગી બહેન. ગાંધીજી અમને બંનેને સાથે બેસાડીને
જમાડતા. બહેન જાતે ભાઈને જમાડે. ભાઈબહેન આમનેસામને હોવા છતાં સાથે ભોજન લેતાં.

નામ : અનસુયા સારાભાઈ
સ્થળ : અમદાવાદ
સમય : 1971
ઉંમર : 86 વર્ષ

મારી જિંદગી હજી યે સારાભાઈ પરિવારના કાર્યક્રમો કે લાઈબ્રેરી પૂરતી સિમીત હતી. હું એ સમયની સ્ત્રીઓ
કરતાં જુદી હતી પણ એ જુદાપણા પાસે કોઈ લક્ષ્ય કે ધ્યેય નહોતું.

આઝાદીની લડત હવે વેગ પકડી રહી હતી. એ વખતે અંબાલાલ સારાભાઈ મિલમાલિક મંડળના પ્રમુખ
હતા, પરંતુ શહેરની મિલોના મજદૂરોની અવદશા જોઈ મારું દિલ કકળી ઊઠ્યું. મજૂરોએ 14 કલાક કામ કરવું પડતું.
નાના બાળકો અને સ્ત્રીઓએ પણ કાળી મજૂરી કરવી પડતી. એક મિલમાલિકની બહેન હતી હું છતાં, મજૂરોની ગંદી-
ગંદી ચાલીઓમાં ફરી મજૂરોનાં બાળકોને નવરાવવાનું—ભણાવવાનું કામ શરૂ કર્યું.

1914માં અમદાવાદમાં પ્લેગ થયો. દવા અને બીજા ખર્ચ ન ઉપાડી શકતા મજૂરો મારી પાસે આવ્યા. એમણે
મને એમનો કેસ લેવાની વિનંતી કરી. મેં એમનો કેસ લીધો અને સાબરમતીના કાંઠે પહેલી વખત મજૂરોની સભાને
સંબોધી. હું કોઈ નેતા બનવાના ઉદ્દેશ્યથી આ કરતી નહોતી, પરંતુ લગભગ પંદરેક જેટલા મજૂરો મને પહેલીવાર
મળવા આવ્યા ત્યારે મને ખબર પડી કે, એમની સ્થિતિ શું છે… એમાંના એક જણે મને કહ્યું, ‘અમે 36 કલાક કામ
કરીને આવ્યા છીએ અને ઘરે જઈ રહ્યા છીએ, પરંતુ જો કોઈ રજા પર હશે કે જરૂર પડશે તો અમને બોલાવવામાં
આવશે અને અમારે જવું પડશે…’ આ સાંભળીને મારું હૃદય કંપી ગયું. હું મજૂરોના પક્ષે બેસી ગઈ. એમને પૂરતા વેતન
અને સરખી જીવવાની વ્યવસ્થા મળે એ માટે મેં મિલમાલિકોની સામે મજૂરોનો અવાજ પહોંચાડવાનું નક્કી કર્યું.

અમે સૌ મહાત્મા ગાંધીના વિચારોથી બહુ જ પ્રભાવિત હતા. ગાંધીજીની સલાહથી મેં મજૂરોના પ્રશ્નો
ઉપાડ્યા. મજૂરોની હડતાળ પડી. 21 દિવસ હડતાળ ચાલી. એ પછી ચર્ચા શરૂ થઈ. હડતાળ દરમિયાન હું ભાઈનો
વિરોધ કરવા માટે સાબરમતી નદીના પટમાં રેતી પર તંબૂમાં રહેવા ચાલી ગઈ. એક પક્ષે નાનો ભાઈ અને સામે પક્ષે હું,
મોટી સગી બહેન. ગાંધીજી અમને બંનેને સાથે બેસાડીને જમાડતા. બહેન જાતે ભાઈને જમાડે. ભાઈબહેન
આમનેસામને હોવા છતાં સાથે ભોજન લેતાં. એક દિવસ મિલમાલિકે અંબાલાલ સારાભાઈને સલાહ આપી, ‘તમારાં
બહેન મજૂરોના પક્ષે છે, તમે એને આર્થિક મદદ આપવી બંધ કરી દો… જખ મારતાં નમતાં આવશે.’

અંબાલાલ સારાભાઈએ કોઈનીયે સલાહ માનવાને બદલે મજૂરોનો પક્ષ લેતી હોવા છતાં મારી આર્થિક મદદ
કરી. ગાંધીજીએ ઉપવાસ કર્યા, છેવટે મિલમાલિકો અને મજૂરો વચ્ચે લવાદ દ્વારા પ્રશ્નો હલ કરવાની સમજૂતી થઈ.
અમદાવાદ શહેરનો ઔદ્યોગિક વિકાસ, આબાદી અને શાંતિ આ કારણે સ્થપાયાં. તેમાંથી મજૂર મહાજન સંઘની
સ્થાપના થઈ, 25 ફેબ્રુઆરી, 1920 મિરજાપુરના મારા બંગલે પહેલી મિટિંગ થઈ જેમાં પ્રમુખ તરીકે એક મિલમાલિક
એવાં અંબાલાલની સગી બહેન હોવા છતાં મારી વરણી થઈ. એ સભામાં ગાંધીજી હાજર રહ્યા અને એમણે જાહેરાત
કરી કે, હું આજીવન પ્રમુખ રહીશ. અંબાલાલ સારાભાઈએ મને મજૂરો અને હરિજનોના કામ માટે ઓફિસ ચલાવવા
મકાનો આપ્યાં. મિરજાપુરનો બંગલો અને આઉટહાઉસ મજૂરોના કામ માટે અપાઈ ગયાં. તેની બાજુમાં રહેવા માટે
એક સ્વતંત્ર બંગલો પણ આપવામાં આવ્યો. ભાઈએ બહેનને મજૂરોનું કામ કરવા માટે ફરવા માટે એક મોટર પણ
આપી. બેંકમાં એક ખાતું પણ ખોલી આપ્યું. ચેકબુક આપી દીધી. મારા ખાતામાં પૈસા ખૂટે એટલે ભરી દેવાના પણ
બહેન પાસે પૈસાનો હિસાબ માંગવો નહીં એ અંબાલાલ સારાભાઈનો સિદ્ધાંત હતો. 1978માં યુનિયન (મજૂર
મહાજન)માં દોઢ લાખ મેમ્બર હતા અને 65 ટેક્સટાઈલ મિલોમાં કામ કરતા તમામ મજૂરો અમારા મેમ્બર હતા.

મને સૌ મોટાબેન તરીકે ઓળખતા એટલે સમય સાથે હું મજૂર મહાજનની ઓફિસમાં પણ ‘મોટાબેન’ બની
ગઈ. જ્યારે જ્યારે મજૂરોનો પ્રશ્ન ઊભો થતો ત્યારે ભાઈ સાથે દલીલો કરવામાં હું જરાય પાછી પડતી નહીં.
અંબાલાલભાઈ પણ એક મિલમાલિકની જેમ બીજા ઉદ્યોગપતિઓનું હિત વિચારીને મારી સાથે દલીલ કરતા, પરંતુ
રાત્રે અમે એક જ ટેબલ પર જમવા બેસતા. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ઘરના ડાઈનિંગ ટેબલ ઉપર અમારે એ
વિશે ચર્ચા કરવી નહીં.

કામ વધતું જતું હતું. હું એકલી પહોંચીવળું એમ નહોતું. એ વખતે 1950માં એક યુવા કોલેજ ગ્રેજ્યુએટ,
ઈલા ભટ્ટે મારી સાથે કામ કરવાનું શરૂ કર્યું. એ પણ માથું ઢાંકતી નહીં. વિચારો એના પણ મારા જેવા જ હતા. સમય
જતાં ઈલા મારી ખૂબ જ નજીક આવી અને એણે મજૂર મહાજનની સાથે સાથે સેલ્ફ એમ્પલોઈડ વિમેન્સ
એસોસિએશનની સ્થાપના કરી. શાકભાજીની લારી કે છૂટક ફેરી કરતી બહેનો, કન્સ્ટ્રક્શન લેબરની બહેનો કે બીજા
નાના મોટા ધંધા કરતી, વાસણની ફેરી કરતી બહેનો માટે એમણે એક જુદા જ પ્રકારની સંસ્થાની સ્થાપના કરી. સમય
સાથે આજે ‘સેવા’ એ ખૂબ મોટી સંસ્થા બની ગઈ છે જેનો મને આનંદ છે.
(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *