14 ડિસેમ્બર, રાજ કપૂરનો જન્મદિવસ. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમનો જન્મદિવસ
ધામધૂમથી ઊજવાતો. આર.કે. સ્ટુડિયોમાં13 ડિસેમ્બરની રાત્રે બોલિવુડના મોટામોટા સ્ટાર્સ
રાજસા’બને જન્મદિવસની શુભેચ્છા આપવા ઊમટી પડતા. એ સિવાય આર.કે.ની હોળી, રાજસા’બ
જીવ્યા ત્યાં સુધી એક અનોખો પ્રસંગ બની રહેતી. આર.કે.ની હોળીમાં નિમંત્રણ મળે એ સ્ટારનું
સદભાગ્ય કહેવાતું…
17 સપ્ટેમ્બર, 2017… બપોરે 2.20, આર.કે. સ્ટુડિયોમાં લાગેલી ભયાનક આગની ફરિયાદ
ચેમ્બુરના ફાયર સ્ટેશન પર એક વોચમેનેલખાવી. છ જેટલા આગ બુઝાવવાના સાધનો લઈને પી.એસ.
રાહંગડાલે, મુંબઈ ફાયર બ્રિગેડના અધ્યક્ષ જાતે પહોંચ્યા. આખા વિસ્તારમાં કાળા ધૂમાડા સિવાય બીજું
કશું દેખાતું નહોતું. દાયકાઓ સુધી જ્યાં ફિલ્મો બનતી રહી ત્યાં એક પણ વ્યક્તિ દાઝ્યાની કે મૃત્યુની
એક પણ ઘટના વગર આખો સ્ટુડિયો સળગી ગયો. સ્ટુડિયોની સાથે સાથે ‘મેરા નામ જોકર’માં રાજ કપૂરે
પહેરેલા માસ્ક, એમના વસ્ત્રો, ‘મૂડ મૂડ કે ના દેખ’ વખતે નાદિરાજીએ પહેરેલા ડ્રેસ, નરગીસજીએ
ફિલ્મમાં પહેરેલા વસ્ત્રો અને રાજ કપૂરનો ચાર્લી ચેપ્લીન લુકનો ડ્રેસ, હેટ અને બીજી કેટલીયે
ચીજવસ્તુઓ ત્યાં સળગી ગઈ. મેક-અપ રૂમ બરબાદ થઈ ગયા… ‘ચંચલ શીતલ નિર્મલ કોમલ’ ગીતમાં
ઝિનત અમાને પહેરેલો આખો ડાયમંડ જડેલો ડ્રેસ,’બોબી’ની બિકીની અને લતા મંગેશકરની સહીવાળી
ફિલ્મફેરની ટ્રોફી પણ આ આગમાં પીગળીને રાખ થઈ ગઈ…
17થી 21… પાંચ વર્ષ, એ પછી આ આગ વિશે કોઈ ચર્ચા કે તપાસના સમાચાર મળ્યા નથી.
કદાચ, નવાઈ લાગે, પરંતુ હિન્દી સિનેમાના ઈતિહાસના સૌથી મહત્વના પાનામાંનું એક ગણી શકાય
એવા આર.કે. સ્ટુડિયો અને રાજ કપૂરની સ્મૃતિ રાખ થઈ જાય પછી એક નાનકડી, ધીમા અવાજે ચર્ચાતી
ગોસિપ સંભળાય છે, ‘ચેમ્બુરની વચોવચ આવી જમીન ક્યાં મળે ? સ્ટુડિયોનું ભાડું તો જમીનની
કિંમતના વ્યાજ કરતાં દસ ટકા પણ નથી…’
વ્યક્તિ સ્મૃતિ બની જાય પછી, જાણે-અજાણે આપણે બધા જ એની સાથે જોડાયેલી કેટલી બધી
બાબતોને રફેદફે કરી નાખતાં જરાય અચકાતા નથી. ટાગોરનું નોબલ ઈનામ ચોરાઈ જાય એ પછી પણ
છાપાના ખૂણામાં એક નાનકડા સમાચારથી વધુ એનું કોઈ મહત્વ આપણા સમાજ કે એની સાથે
જોડાયેલા આપણે સમજી શકતા નથી કે પછી સમજવા માગતા નથી… સાબરમતી રિવરફ્રન્ટ ઉપર
મૂકેલા ડો. વિક્રમ સારાભાઈનાપૂતળાનું ટેબલ હોય કે ગાંધીજીની હસ્તપ્રત…આર્કાઈવ, મ્યુઝિયમ કે
આપણી પરંપરાને જીવિત રાખતા, આપણાઈતિહાસને સાચવતા કોઈ પુરાવાઓની આપણને કિંમત પણ
નથી અને મૂલ્ય પણ નથી. આ દેશનું દુર્ભાગ્ય છે કે, આપણી પાસે આપણા કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકો,
નેતાઓ, કલાકારો કે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા, આ દેશનું નામ ઊજાળનાર વ્યક્તિઓ વિશે આપણી પાસે
પછીની પેઢીને આપી જવા માટે જોઈએ તેટલી માહિતી કે સ્મૃતિઓ ઉપલબ્ધ નથી.
આપણા દેશમાં જેટલા મંદિર બને છે એટલા મ્યુઝિયમ નથી બનતા, કારણ કે ઈતિહાસ કરતા
વધારે મહત્વ આપણને ધર્મનું લાગે છે. વાચકને કદાચ નવાઈ લાગે, પણ પુરાતન મંદિરોમાંથી મૂળ
મૂર્તિઓની ચોરી કરીને એને ‘એન્ટિક’ તરીકે વિદેશોમાં કરોડો રૂપિયામાં વેચી નાખવામાં આવે છે. પુરાણા
પેઈન્ટિંગ્સ કે જાણીતી વ્યક્તિઓએ ઊપયોગમાં લીધેલી વસ્તુઓ પણ ‘એન્ટિક’ તરીકે વેચી નાખવામાં
આપણા દેશના ચોર કે વિદેશી ખરીદારોને જરાય અચકાટ થતો નથી.
આપણે સંસ્કૃતિ, પરંપરા અને વારસાની મોટી મોટી વાતો જરૂર કરીએ છીએ, પરંતુ એ વારસાને
આપણે માટે મૂકી જનારા કેટલા લોકોને આપણે ઓળખીએ છીએ કે યાદ કરીએ છીએ ? અખબારમાં
પ્રકાશિત થતી લગભગ તમામ કોલમ સાંપ્રત છે. આ સાંપ્રત કોલમ આવનારા દિવસોમાં ઈતિહાસ બનશે,
પરંતુ એ કોલમમાં લખાયેલી તમામ વિગતો બીજા દિવસે ‘પસ્તી’ બનાવી દેતાં આપણને એકવાર પણ
હિચકિચાટ થતો નથી. મોટાભાગના લોકો એવો દાવો કરે છે કે, ‘હવે કાગળિયા સંઘરવાની શી જરૂર છે ?
હવે તો બધું ગુગલ પર ઉપલબ્ધ છે.’ ખાસ કરીને, નવી પેઢીને કંઈ પણ માહિતી જોઈતી હોય તો એ
ગુગલ પર શોધે છે. આ ‘ગુગલ’ દરેક વખતે સાચું અને ઓથેન્ટિક હોય એવું જરૂરી નથી.
જે સાચે જ આપણા ઈતિહાસને જાળવે છે, જેની પાસે માહિતી છે, વિગતો છે એવી એક આખી
પેઢીને આપણે ‘વડીલ’ને બદલે,’વૃધ્ધ’ અને પછી તો ‘ઘરડા’ અને ‘ડોસા’ કહેતા થઈ ગયા છીએ !દાદાજી
સ્વાતંત્ર્યસેનાની હતા કે સંગીતકાર, દાદી પોતાના સમયના ગ્રેજ્યુએટ હતા કે શિક્ષક… આપણને જાણ
નથી, કદાચ રસ પણ નથી ! એમની દરેક વાત આપણને ‘આઉટ ડેટેડ’ લાગે છે. એમના મુદ્દા આપણને
‘ઈર્રરેલેવન્ટ’ લાગે છે, કારણ કે એ ‘આજના’ મુદ્દા નથી. સત્ય તો એ છે કે, આપણા ઘરમાં જીવતી વડીલ
કે વૃધ્ધ વ્યક્તિનું મૂલ્ય એક મ્યુઝિયમથી ઓછું નથી. એમની પાસેથી આપણને કેટલીય આર્કાઈવ અને
ઐતિહાસિક સ્મૃતિઓ મળે એમ છે, પરંતુ આપણને તો ‘વિકાસ’માં રસ છે.
મોટાભાગના લોકો એવું ભૂલી ગયા છે અથવા ભૂલી રહ્યા છે કે જે ઈતિહાસને ભૂલી જાય છે એને
વિતી ગયેલા સમય, સમસ્યા અને સંવેદનાની સ્મૃતિ પાછી ફરે એ માટે ઈતિહાસ પોતાને જ પુનરાવર્તિત
કરે છે. આપણે જો ઈતિહાસ પાસેથી કંઈ શીખવું હશે તો આ જીવતા જાગતા મ્યુઝિયમની સાથે સાથે
આપણા દેશના એવા લોકોની સ્મૃતિને જાળવવી પડશે જેમણે આપણને આપણી ‘આજ’ આપી છે.