સરદાર પટેલ. ભારતના લોખંડી પુરુષ તરીકે સૌ એમને આદર આપે અને યાદ કરે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે આજે જેમને સન્માન મળ્યું છે એ સરદાર કેસ લડતા હતા અને
પત્નીના મૃત્યુનો તાર આવ્યો. સરદારે તાર વાંચીને ખીસામાં મૂકી દીધો અને કેસ આગળ ચલાવ્યો એ
કિસ્સો બહુ મશહૂર છે, ત્યારે સવાલ એ થાય કે, સરદારને પોતાના ઈમોશન્સ પર, લાગણીઓ પર
ગજબના કાબૂ હશે? બીજા લોકો જે પરિસ્થિતિમાં વિચલિત થઈ જાય કે હચમચી જાય એ
પરિસ્થિતિમાં સરદાર કદાચ પોતાની લાગણીઓ પર પૂરેપૂરો કાબૂ રાખી શકતા હશે!
1924ના જાન્યુઆરીમાં વલ્લભભાઈ જ્યારે કરમસદ આવ્યા ત્યારે લાડબાએ વાત
કાઢી. લાડબા 77 વર્ષના અને એમના ચોથા દીકરા વલ્લભભાઈની ઉંમર 48 વર્ષની. વિદ્યાપીઠમાં
ગુજરાતી સાહિત્ય, બંગાળીનો અભ્યાસ કરતા મણિબેન ત્રીજી એપ્રિલે 20 વર્ષના થવાના હતા ત્યારે
લાડબાએ કહ્યું, ‘મણિના લગ્નની ચિંતા કર.’ વલ્લભભાઈએ જવાબ આપેલો, ‘થવાનું હશે તે થશે.’
લાડબાએ કહેલું, ‘ભગવાને મને મણિનું લગ્ન જોવા જ જીવતી રાખી છે.’ પરંતુ વલ્લભભાઈએ
આગળ જવાબ પણ ન આપ્યો અને એમણે કોઈ લાયક મૂરતિયો શોધવા માટે ધમાલ કરી નહીં. એ
ખરેખર એમ જ માનતા હતા, થવાનું હશે તે થશે! રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે,
દીકરાના લગ્ન અંગે વલ્લભભાઈની ઉદાસીનતા કદાચ પરણેલી સ્ત્રીઓના નાની વયે થતા મરણના
અનુભવો જોડે સંકળાયેલી હતી. એમના ભાઈ સોમાભાઈ અને કાશીભાઈની પત્નીઓ યુવાન વયે
ગુજરી ગયેલી. ઝવેરબા અને દિવાળીબા પણ નાની ઉંમરે ગુજરી ગયેલા. સરદાર સહિત ભાઈઓ
વિધુર થયા ત્યારે બધા 30થી 40ની વચ્ચે હતા, પણ કોઈએ ફરી લગ્ન કર્યું નહીં. લાડબા (સરદારના
મા) ગાંધીજીને ફરિયાદ કરતા, ‘છોકરા શું ભણે છે એની પણ બાપને ખબર નથી તે વળી જમાઈ ક્યાં
શોધવાના?’
સરદારે સાચે જ દીકરીના લગ્ન માટે કોઈ ઉતાવળ કે ઉદ્વેગ કર્યા નહીં. એ પોતાના
બાળકોની સંભાળ રાખતા, પણ કોઈ ગોઠવણ કે યોજના કરવાનું એમના સ્વભાવમાં જ નહોતું.
ઉલ્ટાના મોટા થયા પછી મણિબેન પિતાની સંભાળ રાખતા થયા. બાપ-દીકરી વચ્ચે વાતચીતનો
અભાવ હતો. 1921માં ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈએ સરદારને બેસાડીને આ વિશે ચર્ચા કરી
ત્યારે એમણે કહેલું, ‘આમાં દોષ મારો છે, પણ કામને કારણે મોડી રાત સુધી મારે બહાર રહેવું પડે છે.
ઘણી વખત હું બહાર દા. કાનૂગાને ત્યાં જમી લઉં છું. તે (મણિ) મારી જોડે છૂટથી વાત કરી શકતી
નથી અને હું વાત કરવા જાઉં તો તેને ફાવતું નથી, પણ આમાં તેનો વાંક નથી. અમારા ઘરની રીત જ
એવી છે. હું 30 વર્ષનો થયો, ત્યાં સુધી મોટેરાઓની હાજરીમાં બોલતો નહીં… મોટી ઉંમરના વડીલો
પણ નાના જોડે ભાગ્યે જ બોલતા.’
એ જ સરદાર અમદાવાદ સ્ટેશન પર દીકરીને જ્યારે વર્ધા મોકલવા માટે ઊભા હતા
ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતા. આ વાતની નોંધ બી.જી. ખેરના એક પત્રમાં
મળે છે. સરદારને દીકરી માટે અત્યંત પ્રેમ હતો અને મણિબેન માટે પણ પિતા સર્વસ્વ હતા.
1927ના જાન્યુઆરીમાં વલ્લભભાઈ પર ગાંધીજીએ એક પત્ર લખ્યો હતો એમાં વલ્લભભાઈએ
મણિબેન વિશે કરેલી ચિંતાના જવાબ સ્વરૂપે લખાયું હોય એમ ગાંધીજીએ લખ્યું હતું, ‘મણિબેન
અત્યારે તો કોઈ જોડે પરણવા માગતાં નથી. આપણે આ બાબતમાં તેમને સાથ આપવો જોઈએ. આ
બાબતમાં તમે જરા પણ ચિંતા કરતા નહીં અને મારા પર છોડી દેજો.’
સરદારે 31મી માર્ચ, 1924માં પોતાની દીકરીને લખ્યું છે, ‘અત્યાર સુધી હું તમારી
ફિકર ચિંતા કર્યા સિવાય ફરતો હતો, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તમારી ઉદાસીનતાથી મને ફિકર
થાય છે. ડાહ્યાભાઈ પણ દુઃખી છે. શું કારણ છે તે તમે મને સાચી રીતે જણાવતાં નથી. હું પૂછું છું
ત્યારે તમે બોલતાં નથી, વધારે પૂછું તો રડવા લાગો છો અને મારી સામે ફરિયાદ કરો છો. તમને શું
દુઃખ છે તે હું સમજી શકતો નથી. નાના બાળકો જોડે રમું છું અને હસીમજાક કરું છું તેવું તમારી જોડે
તો કરી શકાય નહીં. હું અને તમે છૂટથી એકબીજા જોડે વાતો કરી શકતાં નથી તેમાં મને મારા કરતાં
તમારો દોષ વધારે દેખાય છે. મેં ઘણી મહેનત કરી છે, પણ હવે થાક્યો છું. મારી સામેની તમારી
ફરિયાદ ચાલુ રહી છે અને વધારામાં તમે રડવા માંડો છો. તેનાથી હું હારી જાઉં છું. તમારે જે કહેવું
હોય તે સાંભળવાની મારી તૈયારી છે, પણ તમારા આંસુ મારાથી સહન થતાં નથી… તમે બરાબર થઈ
જાઓ પછી આપણે એકબીજાના દોષ સરખાવી જોઈશું અને કોનો કેટલો વાંક છે તે ઠરાવશું. હું
તમારા કરતાં તમારા ભાઈ જોડે વધારે બોલતો નથી, પણ તે મારો પ્રેમ પારખી શકે છે અને જે કહેવું
હોય તે વિના સંકોચે મને કહી શકે છે. તમારા બે જણનાં સુખ સિવાય મારા માટે બીજું છે પણ શું?
…તમે સાજાં થાઓ પછી આપણે બંને લાંબી વાત કરશું. મારી ઈચ્છા એવી છે કે તમારા મનમાં જે
કાંઈ હોય તે તમારે નિખાલસ રીતે બાપ પાસે ઠાલવી દેવું જોઈએ તેનાથી તમને ઘણી શાંતિ મળશે.’ –
પિતાના આશીર્વાદ.
મણિબેનની ડાયરીમાં એક નોંધ હતી જેમાં એમણે લખ્યું હતું કે, વલ્લભભાઈના વૃધ્ધ
માતા છેલ્લે સુધી રસોડામાં કામ કરતા. કાશીભાઈ (વલ્લભભાઈના ભાઈ) બધું લાવીને મૂકે, ને
ડોશીમા દાળભાત ને શાક રાંધી આપતા. પિતા-પુત્રી બંને જેલમાં હતા ત્યારે દાદીનું અવસાન થયું.
માતાના અવસાનના સમાચાર સાંભળીને વલ્લભભાઈએ દીકરીને પત્ર લખેલો, ‘આજે કરમસદથી
કાશીકાકાનો કાગળ આવ્યો છે. તેમાં ખબર છે કે આપણાં વૃધ્ધ માતુશ્રી ઓક્ટોબરની 11મી તારીખ
ને બુધવારે સવારે નવ વાગ્યે દેવલોક પામ્યાં છે. શાંતિથી અને કશી વેદના વગર તેમનું અવસાન થયું.
જીવતાં રહ્યાં હોત તો વધારે દુઃખી થયાં હોત. તેથી તેમનું અવસાન થયું તે છૂટ્યાં ગણાય. તમે જઈને
છેલ્લી વખત મળી આવ્યાં તે બહુ સારું થયું.’
આખો દેશ જેને અખંડ ભારતના પ્રણેતા તરીકે યાદ કરે છે, નમન કરે છે એવા સરદાર
પોતાની પુત્રી પરત્વે કેટલા સંવેદનશીલ અને લાગણીશીલ હતા એનો પરિચય આપણને અહીં મળે
છે. આજે મણિબેન પટેલનો જન્મદિવસ છે. 121 વર્ષ પહેલાં, 1903માં એમનો જન્મ થયેલો.