મનમોહન દેસાઈઃ દિલ કો દેખો, ચહેરા ન દેખો…

પહેલી માર્ચ, 1994… ગીરગાંવની બિલ્ડીંગમાંથી પડી જવાને કારણે મનમોહન દેસાઈનું
મૃત્યુ થયું. પેરામાઉન્ટ સ્ટુડિયોઝના નિર્માતા કિકુભાઈ દેસાઈ અને કલાવતીબહેનનો દીકરો, સુભાષ
દેસાઈનો ભાઈ અને નીતિન મનમોહનના પિતા… પહેલી માર્ચની સાંજે એ પડી ગયા કે એમણે જાતે
કૂદીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે. 26 ફેબ્રુઆરીએ એમનો
જન્મદિવસ, અને પહેલી માર્ચ એમની મૃત્યુ તિથિ. 1994માં એ ગુજરી ગયા ત્યારે એ 57 વર્ષના
હતા. એમણે આગલા વર્ષે જ અભિનેત્રી નંદા સાથે સગાઈ કરી હતી. આમ તો એ નંદાને ઘણા
સમયથી પસંદ કરતા હતા કે એમનો ક્રશ હતો, પરંતુ 60ના દાયકામાં નંદાજી સ્ટાર હતાં, જ્યારે
મનમોહન દેસાઈ પાસે એવી કોઈ કારકિર્દી નહોતી. વળી, નંદાજીને છ ભાઈ-બહેન હતા. જેમનો
ઉછેર અને ભણતર, લગ્ન જેવી જવાબદારીઓ નંદાજીના માથે હતી. અનેક લોકોએ એમને લગ્નની
ઓફર આપી હતી, પરંતુ નંદાજીએ એ ઓફર સ્વીકારી નહોતી. કદાચ એ કારણે પણ મનમોહન
દેસાઈ ડરતા હતા…

એમના પત્ની જીવનપ્રભા ગાંધીનું 1979માં અવસાન થયું. એ પછી મનમોહન દેસાઈએ ફરી
લગ્ન નહોતા કર્યા. 1979માં ‘સુહાગ’ ફિલ્મ પછી એ ખૂબ એકલા પડી ગયા હતા છતાં, એમણે
‘નસીબ’, ‘દેશપ્રેમી’, ‘કુલી’ જેવી સુપરહિટ ફિલ્મો આપી… રાજ કપૂર, શમ્મી કપૂર, રાજેશ ખન્ના,
અમિતાભ બચ્ચન, રણધીર કપૂર, શશી કપૂર અને શત્રઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર અને જિતેન્દ્રની કારકિર્દીમાં
મનમોહન દેસાઈનો ફાળો બહુ જ મોટો છે. એમની પહેલી ફિલ્મ ‘જનમ જનમ કે ફેરે’ના હીરોઈન
નિરૂપા રોયને જીવનભર એક યા બીજી રીતે પોતાની ફિલ્મોમાં કામ આપીને પોતાની સફળતાના
ભાગીદાર હોવાનો આભાર મનમોહન દેસાઈ વ્યક્ત કરતા રહ્યા. એમની ફિલ્મ ‘સચ્ચા જુઠ્ઠા’ જેની
કથા એમનાં પત્ની ‘જીવનપ્રભા દેસાઈ’ એ લખી હતી અને સંવાદ પ્રયાગરાજે લખ્યા હતા. આ ફિલ્મ
રાજેશ ખન્નાની જ નહીં, મનમોહન દેસાઈની પણ સુપરહિટ ફિલ્મ પૂરવાર થઈ. મનમોહન
દેસાઈની ઘણી ફિલ્મોની કથા એમનાં પત્ની જીવનપ્રભા દેસાઈએ લખી હતી, પરંતુ આ સત્યની જાણ
બહુ જ ઓછા લોકોને થઈ. એમનાં પત્ની બહુ જ વાંચતાં. જેને કારણે એમને અવનવી કથાઓ
સૂઝતી રહેતી. જીવનપ્રભા ગાંધી (દેસાઈ) એક સમજદાર અને આદર્શ જીવનસાથી પૂરવાર થયાં.
શક્યતા એવી પણ છે કે, જીવનપ્રભાએ આપેલા વિચાર પરથી વાર્તા મનમોહન દેસાઈએ જ લખી
હોય કે, કોઈ પાસે ક્રેડિટ આપ્યા વગર લખાવી હોય, પરંતુ મનમોહન દેસાઈની ફિલ્મોમાં એમની
પત્નીને સ્ટોરીની ક્રેડિટ દર વખતે મળતી રહી. મનમોહન દેસાઈ વિશે એક એવી મજાક ફિલ્મ
ઈન્ડસ્ટ્રીમાં સતત વહેતી રહી કે, એમની વાર્તાઓ ઢંગધડા વગરની અને ગળે ન ઉતરે એવી રહેતી.
જેમ કે, ‘અમર અકબર એન્થની’માં નિરૂપા રોયના ત્રણ દીકરા એનાથી છૂટા પડી જાય અને પાછા મળે
ત્યારે એ ત્રણ દીકરા પોતાની માને રક્તદાન કરીને જીવ બચાવે… આંધળી માની આંખો અચાનક
પાછી આવે. એક વણઝારો અને એક રાજકુમાર (ધરમવીર)… ભાઈ હોય કે, એક ટાંગાવાળો
રાજકુમારીના પ્રેમમાં પડે (મર્દ). એ એક સમય હતો કે જ્યારે મનમોહન દેસાઈએ અમિતાભ
બચ્ચનની એન્ગ્રી યંગમેનની ઈમેજનો બહુ જ પ્રચાર કર્યો.

બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક એમના જીવનની ફિલ્મને કેમ ગૂંચવી બેઠા એ
પ્રશ્ન આજે પણ એમના પરિવાર અને પ્રેક્ષકોને થતો જ હશે… મલ્ટી સ્ટારર ફિલ્મ એમની ખાસિયત
હતી. એક સાથે અનેક એક્ટર્સને પોતાની ફિલ્મમાં એકઠા કરવા સહેલા નથી. એમની તારીખો,
નખરા, ગમા-અણગમા અને ઈગોને સાચવીને મનમોહન દેસાઈએ અનેક સ્ટાર્સને એકબીજાની સાથે
કામ કરવા રાજી કર્યા અને ફિલ્મોને સફળતા પણ મળી ! એમને ગયાને લગભગ ત્રણ દાયકા થવા
આવ્યા તેમ છતાં, એમની ફિલ્મોના અવિસ્મરણિય દૃશ્યો અને ગીતો લોકોને યાદ છે.

ક્યારેક એવો સવાલ થાય કે, એક સફળ માણસ જે આજે પણ એક મિસાલ છે. એની છેલ્લી
ત્રણ ફિલ્મો નિષ્ફળ ગઈ. ‘ગંગા જમના સરસ્વતી’, ‘તુફાન’ અને ‘અનમોલ’. કહેવાય છે કે, એ પોતાની
નિષ્ફળતાથી અને પીઠના દર્દથી કંટાળી ગયા હતા. જો આ વાત સાચી હોય તો ત્રણ ફિલ્મોની
નિષ્ફળતા સામે એમની પાસે 1960થી 1983 સુધી 23 વર્ષમાં 18 ફિલ્મોની સફળતા હતી.
‘મનમોહન દેસાઈ’ ભારતીય સિનેમાના એક ગ્રેટેસ્ટ શૉ મેન તરીકે આજે પણ સેલ્યુટને પાત્ર છે ત્યારે
એમને આવી નિરાશા કે કંટાળો શું કામ આવવા જોઈએ ?

જેણે અમિતાભ બચ્ચનને સફળતાના શિખરો બતાવ્યાં, એમણે અમિતાભ પાસેથી આટલું તો શીખવું
જોઈતું તો હતું ! બચ્ચન સાહેબે ઓછી નિષ્ફળતા કે તકલીફ નથી જોઈ. રાજ કપૂર, શત્રુઘ્ન સિન્હા કે
રાજેશ ખન્નાએ પણ નિષ્ફળતાના દોરમાંથી પસાર થવું જ પડ્યું છે. એમને જરૂર તકલીફ થઈ હશે,
પરંતુ એમણે હારી જવાને બદલે આગળ વધીને જિંદગીમાં એક વધુ પ્રયત્ન કરવાની હિંમત બતાવી
એટલે ‘મેરા નામ જોકર’ પછી ‘બોબી’ કે ‘મહોબ્બતે’ અને ‘કૌન બનેગા કરોડપતિ’ સુધી પહોંચી શક્યા.

આપણે બધા જિંદગીના કેટલાક તબક્કાઓને શાશ્વત ગણી લેવાની ભૂલ કરીએ છીએ.
સફળતા હોય કે સંબંધ આપણે એવું માની લઈએ છીએ કે એ કાયમ રહેશે, પરંતુ એવું બનતું નથી.
દુનિયામાં કશુંય ટકતું નથી, એ સત્યની આપણને બધાને ખબર છે તેમ છતાં, આપણે આપણી જાતને
અપવાદ માની લઈએ છીએ. બીજો મુદ્દો એ છે કે, જેમ સફળતા ટકી નહીં અને નિષ્ફળતા આવી
એમ નિષ્ફળતા પણ નહીં ટકે એટલી ધીરજ આપણામાં નથી. (મનમોહન દેસાઈનો વિચાર કરીએ તો
57 વર્ષની ઉંમર, હારી જવાની કે થાકી જવાની ઉંમર નથી હોતી.) આપણે નાનકડી નિષ્ફળતાઓ કે
સહેજ અમથા નકારથી તરત જ વિચલિત થઈ જઈએ છીએ, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે, કુદરત,
અસ્તિત્વ કે ઈશ્વર (જેમાં આપણને શ્રધ્ધા હોય) એ સતત આપણા પર મહેરબાન ન રહી શકે ! એને
બીજાં પણ કામ છે !

મનમોહન દેસાઈથી સુશાંતસિંહ રાજપૂત સુધીના સિનેમાની દુનિયાના કિસ્સા તપાસીએ તો
સમજાય કે, એકવાર સફળતા, સ્ટારડમ અને વાહવાહી જોયા પછી નાનકડી પણ નિષ્ફળતા બરદાશ્ત
નથી થઈ શકતી. આવાં અપમૃત્યુ સામાન્ય રીતે એક રહસ્ય બનીને રહી જાય છે. દિવ્યા ભારતી,
શ્રીદેવી કે, જીયા ખાન હોય કે પ્રત્યુષા બેનરજી. આ બધાં, જિંદગી પાસેથી મળેલી ભેટ તો આનંદથી
સ્વીકારે છે, પરંતુ જિંદગી જ્યારે નાનકડી તકલીફ આપે, સમસ્યા લઈને આવે કે એમણે માણેલી
મજાનું બીલ ફાડે ત્યારે આ બધા જ ભીતરથી હચમચી જાય છે. કોઈ પણ વ્યક્તિ સતત સુખમાં કે
સફળ ન જ રહી શકે. ઈશ્વર કે કુદરત પાસે માગવાનો આપણને સૌને અધિકાર છે, પરંતુ આપણી
દરેક માગણીમાં એ ‘હા’ જ પાડે, આપણી દરેક ઈચ્છા પૂરી થાય કે માગણી મંજૂર થાય એવો આગ્રહ
કેવી રીતે રાખી શકાય ? સત્ય તો એ છે કે, જેટલા આનંદથી સફળતાને ઉજવો એટલી જ
સહજતાથી નકાર કે નિષ્ફળતાને સ્વીકારવાની હિંમત આપણામાં હોવી જોઈએ.

માત્ર કારકિર્દીની સફળતા કે નિષ્ફળતાની વાત નથી. સંબંધ અને જીવન વિશે પણ આ જ
નિયમ લાગુ પડે છે. આપણે કોઈને પ્રેમ કરીએ અથવા એની સાથે આપણા બાકીના વર્ષો વીતાવવા
માગીએ એથી સામેની વ્યક્તિ પણ એમ જ ઈચ્છે અથવા એણે આપણી ઈચ્છા સ્વીકારીને આપણે
કહીએ તેમ કરવું જ પડે એવો આગ્રહ કેવી રીતે રાખી શકાય ? જેમ દરેક વ્યક્તિના ચહેરા અને ફિંગર
પ્રિન્ટ અલગ છે એવી જ રીતે એની જરૂરિયાત, માનસિકતા અને વિચાર અલગ છે… આપણે જેને
આપણા માટે આદર્શ જીવનસાથી, મિત્ર કે પ્રિયજન માનતા હોઈએ એ વ્યક્તિ આપણા માટે એવું ન
વિચારે તેથી આખી જિંદગી નકામી થઈ જાય છે ? એ નહીં તો કોઈ બીજું, આપણને ચાહતું હશે ! એ
સંબંધ નહીં તો કોઈ બીજો સંબંધ કે કોઈ બીજું સુખ આપણી પ્રતીક્ષા કરતું હશે, એવું કેમ ન વિચારી
શકાય ? કિસ્સો આજથી ત્રણ દાયકા પહેલાંના મનમોહન દેસાઈનો હોય કે એથીયે પહેલાંના મીના
કુમારી, કુંદનલાલ સહગલ કે ગુરુ દત્તનો…

નિરાશા કે નિષ્ફળતા ત્યારે જ આપણને બાંધી લે છે જ્યારે આપણે એને નિરાશા કે નિષ્ફળતા
તરીકે સ્વીકારીએ. એને એક નાનકડા અસફળ પ્રયત્ન તરીકે જોઈએ તો ભવિષ્યમાં ઘણા સુખ, સંબંધ
કે સફળતા આપણી પ્રતીક્ષા કરતા હોય એના સુધી પહોંચી શકીએ. રસ્તામાં હારી જનારા ત્યાં જ
અટકી જાય છે, પરંતુ આવી અડચણ કે પીડાને ધીમા પણ મક્કમ પગલે પસાર કરી જનારા અંતે જ્યાં
પહોંચવુ હોય ત્યાં પહોંચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *