અયોધ્યામાં રામ પાછા પધાર્યા છે… આ વખતે 14 નહીં, પણ 21 વર્ષે પાછા ફર્યા છે.
1992માં બાબરી મસ્જિદ પડી ત્યારથી શરૂ કરીને રામ મંદિરનો વિવાદ અનેક ચૂંટણીઓનો મુદ્દો
રહ્યો. કાશ્મીર કે ભારતની અન્ય સરહદોની જેમ એ મુદ્દો સળગતો રાખવામાં અનેક રાજકીય પક્ષોને
રસ હતો, કારણ કે એમની પાસે સાચા અર્થમાં પોતે કરેલું કામ બતાવી શકાય એવા કોઈ દસ્તાવેજ
નહોતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ વિધિ પહેલાં આપેલું વચન આજે પૂરું કર્યું છે કારણ કે,
એમની પાસે પોતે કરેલા કામના મજબૂત અને મહત્વના દસ્તાવેજ છે. રામ મંદિરને મુદ્દો બનાવવાની
એમને જરૂર નથી, માટે કદાચ એમણે રામને પુનઃ પ્રસ્થાપિત કરવાનું કામ અંતે પૂરું કર્યું છે.
સૌથી મોટી વાત તો એ છે કે, અત્યાર સુધી અંગ્રેજી માધ્યમના જે બાળકો ‘રામા’ કહેતા
હતા એ સૌને રામ મંદિરના પુનઃનિર્માણ પછી ‘રામ’નું સાચું નામ સમજાયું છે! આપણે હજારો વર્ષો
પછી પણ જો આ ઘટનાને આટલા આનંદ અને ઉમંગથી ઉજવતા હોઈએ તો આજથી સદીઓ
પહેલાં સાચે જ રામ અયોધ્યા પાછા ફર્યા હશે ત્યારનું દ્રશ્ય કેવું હોઈ શકે એ વિચાર પણ આપણી
ભીતર રોમાંચ જગાડે છે. ‘અયોધ્યા’ કોઈ એક નગરનું નામ નથી, બલ્કે આપણી ભીતર એક અયોધ્યા
છે. આપણા મનની અયોધ્યા. અહીં જો રામ પાછા ફરે તો રામરાજ્ય સ્થપાય છે, પરંતુ જો રામ આ
અયોધ્યા છોડીને ચાલી જાય તો સમગ્ર નગર ઉદાસી અને એકલતાના અંધારામાં ગર્ત થઈ જાય છે.
મનની આ અયોધ્યામાં એક રાજા છે જે પુત્રને તરસે છે, ઉત્તરાધિકારીને ઝંખે છે. શ્રવણ એને શાપ
આપે છે, ‘પુત્ર વિયોગમાં તારું મૃત્યુ થશે.’ હવે જો કર્મની રીતે વિચારીએ અને ભગવદ્ ગીતાના
સંદર્ભને યાદ કરીએ તો પ્રશ્ન એ થાય કે, પુત્રહીન રાજાને અપાયેલો આ શાપ એક રીતે જોતાં
આશીર્વાદ નથી? જેને પુત્રની ઝંખના છે એવા રાજાને ‘પુત્રવિયોગનો શાપ…’ એટલે પુત્ર જન્મનું
વચન પણ ખરું જ ને? અયોધ્યાને ઉત્તરાધિકારી મળે છે, પરંતુ એની સાથે એ અયોધ્યા છોડીને જશે
એવો એક ભય પણ સતત જોડાયેલો છે. આપણા મનની અયોધ્યામાં પણ રામનો જન્મ થાય છે,
પરંતુ કોઈ મંથરા, કોઈ કૈકેયી ક્યારેય એમને અયોધ્યા છોડવા મજબૂર કરશે એ વાતનો ભય સતત
તોળાતો જ રહે છે. અયોધ્યામાં ત્રણ રાણીઓ છે, મનની અયોધ્યામાં પણ ત્રણ છે, સત્વ, રજસ અને
તમસ. સત્વ કૌશલ્યા છે, રજસ સુમિત્રા છે અને કૈકેયી તમસ છે. આ તમસ જ્યાં સુધી પોતાનું સુખ
ઝંખે-મારા દીકરાને ગાદી,ત્યાં સુધી એનો કોઈ વિરોધ નથી, ન કુદરતને,ન રામને સ્વયં! પરંતુ, આ
તમસ જ્યારે અન્યનું અહિત ઈચ્છે-રામને વનવાસ ત્યારે મનની અયોધ્યામાં અરાજકતા સર્જાય છે.
આ રામ, અવતાર છે, ઈશ્વર છે, નારાયણ છે… પણ કદાચ એમને જુદી રીતે જોવાનો
પ્રયાસ કરીએ તો સમજાય કે, એ એક બેલેન્સ છે. ત્રણ મા વચ્ચે, પત્ની અને ભાઈ વચ્ચે, સુખ અને
દુઃખ વચ્ચે, વૈભવ અને ત્યાગ વચ્ચે, ક્રોધ અને શાંતિ વચ્ચે… એમની આજ્ઞાકારિતા કે વચન
નિભાવવાની નિષ્ઠા આ બેલેન્સમાંથી જન્મે છે. મનની અયોધ્યામાં વસતા રામ આપણને ભીતરનું
બેલેન્સ શોધવામાં-જડી જાય તો ટકાવી રાખવામાં મદદ કરે છે. રામના પાત્રને-ચારિત્ર્ય અને ચરિત્રને
સાચી રીતે સમજીએ તો, એ વર્ણવ્યવસ્થાને વળોટીને સ્નેહ અને સ્વીકારને મહત્વ આપતા એક એવા
વ્યક્તિ છે જેમને શબરીનાં બોર ખાવામાં વાંધો નથી. એની સામે એકલવ્યનો અંગૂઠો લઈ લેતા દ્રોણને
મૂકીએ તો રામના ચારિત્ર્યની ઉંચાઈ આપોઆપ પ્રગટ થઈ જાય. પત્થર બની ગયેલી અહલ્યાને
સજીવન કરતા રામ કદાચ પ્રતીક છે એવા પુરુષનું જે સદીઓથી અત્યાચાર અને સામાજિક દબાણ,
નિયંત્રણનો ભોગ બનીને ભીતરથી પત્થર બની ગઈ છે. એની સંવેદનાને પુનઃ જગાડતા રામ એને
શિલામાંથી અહલ્યા બનાવે છે. નારીત્વની ગરિમા અને ગૌરવ એ પુનઃ પ્રસ્થાપિત કરે છે. એક પત્થર
બની ગયેલી સ્ત્રીને જગાડીને કહે છે, ‘જીવ! તને જીવવાનો અધિકાર છે.’ એ પ્રતીક છે ક્ષમાનું. આજે
પણ બળાત્કાર કે છેતરપિંડીનો ભોગ બનેલી સ્ત્રીને સમાજ ક્ષમા નથી કરતો. એની સામે બળાત્કાર
કરનાર કે સ્ત્રીને છેતરનાર પુરુષને એના ‘પુરુષ’ હોવાનો લાભ મળતો રહે છે. રામ આવી સ્ત્રીને
પુનઃજીવિત કરીને કહે છે, ‘જેણે તને છેતરી છે એ ગુનેગાર છે, તું નહીં.’
ધોબીની કથા અને અગ્નિપરીક્ષા જેવી કથાઓને આજના યુવાનો સમક્ષ જ્યારે
મૂકવામાં આવે છે ત્યારે એનું અર્થઘટન મુઘલ અને અંગ્રેજ કલમનો રંગ પકડીને મૂકવામાં આવે છે.
એક ડૉક્ટર એની દીકરીનાં લગ્નના માંડવામાં હોય અને કોઈ દર્દી મરી રહ્યો છે એવા સમાચાર મળે તો
ડૉક્ટર શું કરે? એ દર્દીનો જીવ બચાવવા માટે દીકરીનાં લગ્ન છોડીને જાય, તો એને દીકરી માટે પ્રેમ
નથી? એ પૈસા કમાવા ગયો છે? ના, એના કર્તવ્યના પાલન માટે એણે અંગત સુખને પ્રાથમિકતા
નહીં આપવાનું નક્કી કર્યું. કર્તવ્યની કથાને કદાચ આ રીતે જોવામાં આવે તો આપણને ધોબીની
કથાનો સાર સમજાય. એક રાજા પોતાના કર્તવ્યમાંથી વિમુખ ન જ થઈ શકે-પિતાની આજ્ઞા પાળે
ત્યારે એને શાબાશી મળે અને રાજાનું ઉત્તરદાયિત્વ નિભાવે ત્યારે એ પતિ તરીકે ગુનેગાર ગણાય આ
તો આપણું અર્થઘટન છે… ભગવદ્ ગીતા કહે છે, ‘કર્મ સૌથી ઉપર છે’ ક્ષત્રિય તરીકેનું કર્મ જો યુધ્ધ
છે, તો રાજા તરીકેનું કર્મ સતત ઉદાહરણ બનીને પ્રજાની દ્રષ્ટિએ નિષ્કલંક ચારિત્ર્યને પુનઃ પુનઃ
પ્રસ્થાપિત કરતા રહેવાનું છે. આપણે સીતાનાં ત્યાગને યાદ રાખીએ છીએ, પરંતુ અશ્વમેધમાં પત્નીને
જ પોતાની બાજુમાં બેસાડવાનો ‘સ્વર્ણમૂર્તિનો પ્રસંગ’ ભૂલી જઈએ છીએ કારણ કે, આપણી પાસે
આપણું અર્થઘટન નથી, ઉધાર લીધેલું, મુઘલ અને અંગ્રેજોએ આપણને આપેલું અર્થઘટન છે.
સાચું પૂછો તો માતા કૈકેયી પછી આપણા મનની અયોધ્યામાંથી આપણે જ રામને
અનેકવાર વનવાસ મોકલ્યા છે. એમની નિષ્ઠા, પ્રામાણિકતા, અજ્ઞાકારિતા, નિષ્કલંક ચારિત્ર્ય,
સ્વીકાર, સમરસતા જેવા ગુણોને આપણે જેટલીવાર વખોડીએ છીએ, જેટલીવાર આપણે અસત્ય,
અપ્રમાણિકતા, દંભ કે માતા-પિતાના અપમાન જેવી ખોટી દિશામાં જઈએ છીએ એ પ્રત્યેક વખતે
આપણે આપણી ભીતર વસતા રામને વનવાસમાં ધકેલીએ છીએ.
હવે રામ આર્યાવ્રત-જંબુદ્વીપના અયોધ્યામાં પુનઃ પ્રસ્થાપિત થયા છે ત્યારે, ચાલો ફરી
એકવાર આપણા મનની અયોધ્યામાં પણ એક મર્યાદા પુરુષોત્તમ, આદર્શ ચરિત અને નિષ્ઠાવાન,
આજ્ઞાકારી રામને પુનઃ પ્રસ્થાપિત કરીએ. રામરાજ્ય માત્ર દેશમાં નહીં, ભીતર પણ ફરી એકવાર
જીવંત કરીએ.