મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આપણી નજર સામે છે. ભારતીય જનતા પક્ષ છએ
મહાનગરપાલિકામાં સરસાઈથી પોતાની બેઠકો મેળવી ચૂક્યો છે. આપણેને આશ્ચર્ય ન થવું જોઈએ કે કોંગ્રેસને કેટલીક પાલિકામાં ઝીરો બેઠક મળી છે, એની સામે ‘આપ’ને વિરધ પક્ષ સુધી પહોંચવાની એક સીડી મળી છે. લોકોના ચૂકાદા અથવા મતદારનો અભિપ્રાય આપણી સામે ઉઘડીને આવ્યો છે. નવાઈની વાત એ છે કે મતદાન પ્રમાણમાં ઘણું ઓછું થયું છે અને દરેક વર્ષે મતદારની સંખ્યા વધે છે, મતદાનની સંખ્યા ઘટે છે. શહેરમાં વસતા લોકો પોતાનો મત આપવાનું ટાળવા લાગ્યા છે. આના કારણો ગમે તે હોય પરંતુ સત્તા ઉપર આવનાર વ્યક્તિ કે પક્ષ વિશેનો એક સ્પષ્ટ અવિશ્વાસ આ ઓછા મતદાનમાંથી પ્રગટ થતો હશે ? છેલ્લા અઢી કલાકમાં થયેલા ભારે મતદાન વિશે ઝીણી ગૂસપૂસ થઈ રહી છે ત્યારે, એક સવાલ એવો પણ થાય છે કે જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે મિડિયા અને ગૂસપૂસ કરનારા ક્યાં હતા ?
“બધા સરખા” અથવા “ચોરનો ભાઈ ઘંટી ચોર” જેવા શબ્દો આપણે અનેકવાર વાપર્યા પણ છે, અને સાંભળ્યા પણ છે. વાત સાવ ખોટી પણ નથી. ચૂંટણી ઢંઢેરા વખતે અને સત્તા પર આવ્યા પછી લગભગ દરેક પક્ષ પાસે બે જુદા વ્યવહાર હોય છે. આ કોઈ પ્રેમીના વચન જેવું છે. ચાંદ-તારા ઉતારી આપવાનું વચન આપતો પ્રેમી જ્યારે પતિ બને છે ત્યારે અભરાઈ પર મૂકેલું વાસણ પણ ઉતારી આપવામાં ગલ્લા-તલ્લા કરે છે. જીવનભર સમર્પિત થવાનું વચન આપતી પ્રેમિકા જ્યારે પત્ની બને છે ત્યારે એક કલાક રાહ જોવી પડે ત્યારે સાત પેઢીનો ઈતિહાસ ખોલતી હોય છે.
કોઈપણ પક્ષનો ચૂંટણી ઢંઢેરો હોય, એમાં અતિશયોક્તિ હોય જ છે, પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પક્ષ છએ છ મનપા ઉપર સત્તા સ્થાપિત કરી ચૂક્યો છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણે આ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોને થોડી ગંભીરતાથી તપાસવા જોઈએ. છેલ્લા કેટલાય સમયથી ઘરોમાં બંધ રહેલા લોકો અને આર્થિક નુકસાન, ડોમેસ્ટિક વાયોલેન્સ, સાઈબર હેકિંગ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલી સરકાર મહાનગરપાલિકાની આ ચૂંટણીઓમાં સાથે છે કે સામે છે એનું સ્પષ્ટ ચિત્ર જ્યારે આપણી નજર સમક્ષ ઊભું છે ત્યારે ભાજપના જીતવાના કારણો વિશે ચર્ચા થવી જોઈએ.
કોંગ્રેસની બિનકાર્યક્ષમતા અને અંદરો-અંદરની લડાઈ સૌથી પહેલું કારણ છે. ચૂંટણીની પહેલાં જ જ્યારે ટિકિટો નક્કી થતી હતી ત્યારે એકબીજાની સામે આક્ષેપ કરતાં નેતાઓને જોઈને પ્રજાને અવિશ્વાસ ઊભો થાય એ સ્વાભાવિક છે. કોઈ એક વ્યક્તિ કે નેતાની ચર્ચા કરવાનો અર્થ નથી, પરંતુ કોંગ્રેસ પાસે હવે એવો કોઈ ચહેરો નથી જે એમના પક્ષને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ આપી શકે. બીજી તરફ નરેન્દ્ર મોદીનો ચહેરો માત્ર ભાજપ જ નહીં, ગુજરાત અને આ દેશ માટે એક મજબૂત નેતૃત્વનું પ્રતિક બની રહ્યો છે. જરૂર પડ્યે એમણે કડક વલણ અપનાવીને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય ખોટો હતો કે સાચો, એ તો સમય જ કહી શકે, પરંતુ ઘણા વર્ષો પછી ભારતીય રાજકારણને એક એવો નેતા મળ્યો જેણે નિર્ણય લેવાની હિંમત કરી. આ નિર્ણયમાં નોટબંધીથી શરૂ કરીને રામમંદિરના નિર્માણ સુધીની અનેક બાબતોને આવરી શકાય. એ પહેલાંના કોંગ્રેસી નેતાઓ ચૂંટણી ઢંઢેરામાં અનેક વચન આપતા રહ્યા, પરંતુ સત્તા પર આવ્યા પછી એ વચનોનો અમલ કરવાનું કદાચ એ ચૂકી ગયા.
બીજું કારણ એ છે કે કોવિડના આ છેલ્લા એક વર્ષ દરમિયાન કોર્પોરેશનની કામગીરી લોકોએ જાણી અને વખાણી. સોસાયટીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી ત્યારે જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનું કામ સેવાભાવી સંસ્થાઓએ તો કર્યું જ, પરંતુ કોર્પોરેશને પણ પોતાના તરફથી ઘણી સુવ્યવસ્થિત કામગીરી કરી બતાવી. ભૂલો તો દરેક કામમાં થવાની અને થાય જ. મિડિયાએ પહેલી વાર એ ભૂલો પર ફોકસ કરવાને બદલે થઈ રહેલી કામગીરીને પોતાની ફરજ સમજીને સંવેદનશીલતાથી લોકો સુધી પહોંચાડી. કેટલીકવાર આપણે આપણા ઘરોમાં બંધ હોઈએ ત્યારે આપણને કલ્પના પણ ન હોય એવી રીતે એક શહેરની, રાજ્યની કે દેશની મશીનરી કામ કરતી હોય છે. છેલ્લા અગિયાર મહિના દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ રજા નથી લીધી, એટલું જ નહીં કોવિડ થયો હોવા છતાં હોસ્પિટલમાંથી પણ કામ કરીને પોતાની જવાબદારી પૂરી કરી હોવાના દાખલા આપણી સામે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકારે કરેલી કામગીરીનો પણ ફાયદો મળ્યો, આ ત્રીજું કારણ છે. રાજ્ય સરકાર વિશે લોકોને અને મિડિયાને જે કહેવું હોય તે કહે પરંતુ જે ખુરશી પર બેઠા છે એને માટે આટલી મોટી સંખ્યામાં લોકોને સંભાળવા, હોસ્પિટલોને કાર્યરત રાખવી અને સાથે સાથે માઈગ્રેશન કરી રહેલા લોકો માટે વ્યવસ્થા ઊભી કરવી એ કેટલું અઘરું છે એનો અંદાજ આપણને આ અખબાર વાંચતી વખતે આવી શકે એમ નથી. ઘરમાં એક સાદું લગ્ન કે પ્રસંગ લઈને બેઠા હોઈએ તો પણ બે-ચાર વસ્તુઓ તો ધાર્યા પ્રમાણે નથી જ થતી, તેમ છતાં ગૂગલમાં મળતા સત્તાવાર આંકડા પ્રમાણે 6.27 કરોડ લોકોને આ મહામારી વખતે સાચવવા અને બચાવવાનું કામ રાજ્ય સરકારે સુપેરે સંભાળ્યું.
લૉકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનો, દવાની દુકાનો ખુલ્લી રહી અને લોકોને સાચે જ જે ચીજોની જરૂરિયાત હોય તે મળતી રહી. કરફ્યુ અને લૉકડાઉન કડક રીતે પાળવામાં આવ્યા, એ દરમિયાન રાજ્યની પોલીસની કામગીરી પણ સરાહનિય રહી. માસ્કના દંડ વિશે કેટલાક લોકોએ ઉહાપોહ કર્યો, પરંતુ જે સમજદાર હતા એમણે માસ્કની જરૂરિયાતને સમજીને પોતાની જ સલામતી માટે એ દંડના કાયદાનો સ્વીકાર કર્યો.
કેટલીક વાર એવું બન્યું હશે કે કોઈ એકાદ પક્ષ ડીફોલ્ટમાં જીતી જાય. ભારતીય જનતા પક્ષ સાથે આ વાત બિલકુલ સાચી નથી. ભાજપે પોતાની જીત ડિઝાઈન કરી છે. સી.આર. પાટીલ જેવી વ્યક્તિને લાવીને ગુજરાતમાં એક દ્રઢ અને પ્રતિબદ્ધ નેતૃત્વ ઊભું કર્યું. મુખ્યમંત્રીની સંવેદનશીલતાને કારણે ક્યારેક એમના નિર્ણયો થોડા ઈમોશનલ પુરવાર થયા, પરંતુ સામે સી.આર. પાટીલે આવીને એક મજબૂત અને ત્વરિત નિર્ણય લઈ શકનાર પ્રદેશ અધ્યક્ષની ફરજ નિભાવી બતાવી. સી.આર. પાટીલનો એક ગુણ સમજવા જેવો છે. એ સાવ નાના કાર્યકર્તાથી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધીના સહુના મન અને મગજ બંનેને ઓળખે છે, સમજે છે અને કોની સાથે કઈ રીતે કામ પાડવું એનો નિર્ણય એ સાચા સમયે સારી રીતે કરી શકે છે. પ્રદેશ અધ્યક્ષ માટે આ અનિવાર્ય જરૂરિયાત છે. એમનો એક બીજો ગુણ એ છે કે એ ટ્રોલિંગથી ડરતા નથી. ટ્રોલિંગ અથવા ટીકાથી ડરીને ઘડી ઘડી નિર્ણય ફેરવે એ વ્યક્તિ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાલી શકે નહીં. જો વ્યક્તિને પોતાના નિર્ણયમાં વિશ્વાસ ન હોય, તો જ એ બીજા લોકોના અભિપ્રાય પર પોતાના નિર્ણયની ફેરબદલ કર્યા કરે… સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે “ધાર્યું કરે છે” એ કદાચ સાચું હોય તો ય, એ “સાચું જ ધારે છે” એ પણ સમજવું તો પડે જ.
ભ્રષ્ટાચારની ફરિયાદ આપણે ત્યારે (પહેલાંના રાજકીય પક્ષો સત્તા પર હતા) પણ કરતાં હતાં અને આજે પણ કરીએ છીએ, એની સામે જો વિચારીએ તો સમજાય કે ભાજપની આ સરકાર દરમિયાન કેટલાંય અટકેલા કામો પૂરાં થયાં છે. સાબરમતીનો રિવર ફ્રન્ટ હોય કે શહેરના મુખ્ય વિસ્તારોને જોડતા બ્રિજ. મેટ્રો રેલવે હોય કે હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની જવાબદારી… જેમ સમસ્યા ઊભી થતી ગઈ તેમ તેમ એને વધુ ફૂલપ્રુફ બનાવવાનો પ્રયાસ સતત ચાલતો રહ્યો છે એ તો સ્વીકારવું જ પડે !
એક છેલ્લી અને સૌથી મહત્વની વાત, ભારતીય જનતા પક્ષ પાસે એક મજબૂત મિડિયા ટીમ છે. જે પ્રચાર અને પ્રસાર ઉપર કન્ટ્રોલ રાખે છે. એમના ચૂંટણી ઢંઢેરાથી શરૂ કરીને પક્ષ જીતી જાય એ પછીનો મેસેજ પણ એક જ ટેબલ પરથી, યુનિફોર્મ ડિઝાઈન સાથે આપણા સુધી પહોંચે છે. આનો એક ફાયદો એ છે કે દરેક વ્યક્તિ પોત-પોતાનું બ્યૂગલ વગાડીને ઘોંઘાટ કરવાને બદલે પક્ષની સિમ્ફનીમાં પોતાનું ઈન્સ્ટ્રુમેન્ટ નેતાના ઈશારે વગાડે છે.
આ બધું સાચું છે કે ખોટું, સારું છે કે ખરાબ એ નક્કી કરવાનો અધિકાર તો મતદાર પાસે જ છે. આ લેખમાં કોઈના વખાણ કરવાનો કે કોઈને ઓછા દેખાડવાનો ઈરાદો નથી. એક સમજણ મારા વાચક સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. ચૂંટણી મહાનગરપાલિકાની હોય કે રાજ્ય કે દેશની… કોઈપણ એક પક્ષ જ્યારે જીતે છે ત્યારે એની જીતના કારણો હોય જ છે. એક વ્યક્તિ તરીકે, નાગરિક અને મતદાર તરીકે જો આપણે આ કારણો સમજી શકીએ તો આજ પછી આવનારી સરકાર પાસેથી શું અપેક્ષા રાખવી અને એ પછીની ચૂંટણીઓને કઈ રીતે એનાલાઈઝ કરવી એની સમજણ દરેક સામાન્ય નાગરિક કેળવી શકે…