‘ક્યારે મારી પ્રિયાના નિવાસસ્થાનમાં અત્તરથી યુક્ત ફૂલની પથારીમાં સૂતેલો. શ્યામા-યુવાન
સુંદરીના વક્ષસ્થળને મારી છાતી પર ધારણ કરતો ‘હે પ્રિયે! હે મુગ્ધા! હે ચંચળ નેત્રોવાળી! હે
ચંદ્રમુખી!’ તું મારી પર પ્રસન્ન થા એમ મોટેથી બોલતો હું (મારા જીવનના બાકીના) દિવસો એક
ક્ષણની માફક પસાર કરી શકીશ?’
આ કાલિદાસના શબ્દો છે… મહાકવિ કાલિદાસને જ્યારે દરબારમાંથી કાઢી મૂકવાની ચેષ્ટા
કરવામાં આવી ત્યારે કાલિદાસે પોતાની ચતુરાઈ કેવી રીતે વાપરી એની એક સુંદર કથા છે. મહાકવિ
કાલિદાસ માટે રાજા ભોજને ખૂબ જ માન હતું. એટલો બધો પ્રેમ કે નવા કવિને જગ્યા મળતી નહીં.
કેટલાક દરબારીઓએ નક્કી કર્યું કે હવે સંન્યાસ લેવો… કાલિદાસની ઉંમર પણ વાનપ્રસ્થની હતી
એટલે આશ્રમના મઠાધિપતિએ આજ્ઞા કરી કે, ‘સૌએ પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરતો શ્લોક
લખવો, સંન્યાસ આપવો કે નહીં એનો નિર્ણય એ શ્લોક સાંભળીને કરવામાં આવશે…’ ચાર
દરબારીઓએ ઈશ્વરની સ્તુતિ કરી, જ્યારે કાલિદાસે આ શ્લોક કહ્યો… એમને સંન્યાસ ન મળ્યો અને
વૃધ્ધ દરબારીઓ દરબારમાંથી બહાર થઈ ગયા.
કાલિ માતાની ઉપાસના કરીને જે શ્રેષ્ઠ કવિ કહેવાયા તે ‘કાલિના દાસ’ એટલે કવિ કાલિદાસ!
ઉજ્જયિનીની રાજ્યકન્યા સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં અને પત્નીએ મહેણું મારતાં એમણે
કાલિની ઉપાસના કરી એમ કહેવાય છે. એમ પણ કહેવાય છે કે રાજ્યકન્યાએ જ કાલિની
ઉપાસનાનો માર્ગ બતાવ્યો. માતા શિકાર માટે બહાર ગયાં ત્યારે કાલિદાસે મંદિરની મૂર્તિનાં બારણાં
અંદરથી બંધ કરી દીધાં, પાછા ફર્યાં પછી બારણાં બંધ જોયાં એટલે માએ પ્રશ્ન પૂછ્યો, ‘અંદર કોણ
છે?’ સામે પ્રશ્ન થયો, ‘બહાર કોણ છે?’
‘હું કાલિ છું.’
‘તો હું કાલિનો દાસ છું.’ માતા ખુશ થયાં અને એમણે કાલિદાસની જિહ્વા પર સતત
વસવાનું વચન આપ્યું…
શબ્દની આરાધના કરવા માટે મા સરસ્વતી તો છે જ, પરંતુ મા કાલિના નામોમાં પણ
‘કવિત્વામૃતસાગરાય નમઃ’, કવિત્વસિધ્ધિસંહૃષ્ટાયૈ નમઃ, કવિત્વાદાનકારિણ્યૈ નમઃ, કવિપૂજ્યાયૈ નમઃ,
કવિગત્યૈ નમઃ, કવિરૂપાયૈ નમઃ, કવિપ્રિપાયૈ નમઃ, કવિબ્રહ્માનન્દરૂપાયૈ નમઃ, કવિત્વવ્રતતોષિતાયૈ
નમઃ, કવિત્વવ્રતસંસ્થાનાયૈ નમઃ, કવિવાઝ્છાપ્રપૂરિણ્યૈ નમઃ, કવિકણ્ઠસ્થિતાયૈ નમઃ’ જેવા નામોનો
સમાવેશ કરાયો છે. લલિતાત્રિપુરસુંદરીનું જ્ઞાન એ જ બ્રહ્મજ્ઞાન છે. એમ કહેવાય છે કે શિવ જ
શક્તિને સંપૂર્ણપણે જાણે છે. ભગવાન વિષ્ણુ એક ચતુર્થાંશ જેટલું અને બ્રહ્મા સોળમાંથી એક ભાગ
જેટલું જાણે છે. ચોસઠ કલાસ્વરૂપે વિકસેલા મા ત્રિપુરસુંદરી જડ અને ચેતન બધે જ વ્યાપ્ત છે.
મનુષ્ય દેહમાં તે કુંડલિની સ્વરૂપે છે. કાલિસહસ્ત્રનામમાં ‘કદમ્બવનવાસિની’ શબ્દનો પ્રયોગ કરવામાં
આવ્યો છે. ચિંતામણિપ્રસાદ મણિમંડપથી ઘેરાયેલો છે… મણિમંડપની અંદર ચિંતામણિ મહેલ છે અને
એની મધ્યમાં સાત યોજન ફેલાવો ધરાવતા સોનાના અને ચાંદીના કોટ છે. એની ઉપર બે યોજન
ઊંચું કદમ્બ વૃક્ષ છે. આ ચિંતામણિ ભવન એક એવું આવાસ છે, એવું મૂળસ્થાન છે જ્યાંથી બધા જ
મંત્રોનો ઉદભવ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને ઈશ્વર એ માના મંચના ચાર પાયા છે. મૂલાધાર,
સ્વાધિષ્ઠાન, સહસ્ત્રર અને અનાહતચક્ર પણ આ ચાર પાયા સ્વરૂપે છે.
‘લલિતાસહસ્ત્રનામ’ વિશે એક સુંદર પુસ્તક રાજેશ વ્યાસ (મિસ્કીને) લખ્યું છે. એમાં માના
એક હજાર નામોનો અર્થ વિસ્તૃત અને વિષદ રીતે સમજાવ્યો છે. લલિતાસહસ્ત્રનામનો 145મો શ્લોક
છે, મહેશ્વરી મહાકાલી મહાગ્રાસા મહાશના, અપર્ણા ચણ્ડિકા ચણ્ડમુણ્ડાસુર-નિષૂદિની…
માનું સ્થાન મન અને ઈચ્છાશક્તિની ઉપર છે. મા મન પર નિયંત્રણ કરે છે, એને વિસ્તારે છે.
જ્ઞાનથી શૃંગાર કરે છે, એ હંમેશાં શાંત, આશ્ચર્ય આપનારી અને મહાન રહે છે. એને કશું પણ
આશ્ચર્યચકિત નથી કરી શકતું કારણ કે એના જ્ઞાનના સાગરમાં બધું જ સમાયેલું છે. એની ઈચ્છા
વિરુધ્ધ કશું થઈ શકતું નથી અને સૃષ્ટિનું રહસ્ય ફક્ત એ જ જાણે છે. અહીં ‘મહાકાલિ’ શબ્દનો પ્રયોગ
કરવામાં આવ્યો છે. ‘મહા’ એટલે જ સૌથી ઉપર છે, સૌથી વિસ્તૃત છે અને શ્રેષ્ઠ છે તે. જે કાળને પણ
વળોટી ગયાં છે તે. એ કાળની ઉપર શાસન કરે છે અને કાળ એમને આધિન છે. મહાકાલ અને
મહાકાલિની પૂજા થાય છે. એ મહાકાલની પત્ની છે અને ત્રણ મહાદેવીઓમાં એમનું સ્થાન પ્રથમ છે.
‘ભદ્રકાલિ’ અને ‘મહાકાલિ’-આવાં બે સ્વરૂપ છે. ‘સર્વલોકેશ્વરી’… તમામ જગતની
અધિષ્ઠાત્રી અને ઈશ્વરી, ‘નટેશ્વરી’… અર્થાત્ નટરાજની પત્ની… લાસ્યનૃત્યની પારંગત, ‘લયકરી’
લય કરવાવાળી… તાલ, નૃત્ય અને ગીતની એકાગ્રતા એટલે લય, બધું જ એક થઈ જાય ત્યારે લય
પ્રગટે છે. લય ધ્યાનની અવસ્થા છે! લય એટલે વિનાશ… વિનાશ કરનારી કાલિ, જે લય સાથે
જોડાયેલી છે!
એકવાર નારદમુનિએ જિજ્ઞાસા થતાં ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો, ‘પ્રભુ! આખું જગત
આપનું ધ્યાન ધરે છે, તો આપ કોનું ધ્યાન ધરો છો?’
તેના જવાબમાં ભગવાન વિષ્ણુ કહે છે કે, ‘જગતમાં ત્રિદેવ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે કાર્ય
કરે છે તે કરવા માટે જરૂરી શક્તિ અર્થે હું અને જગતના સર્વ જીવાત્માઓ પરામ્બા-શક્તિનું જ ધ્યાન
ધરીએ છીએ.’
દેવી ભાગવત અનુસારઃ
નિર્ગુણા યા સદા નિત્યા વ્યાપિકાવિકૃતા શિવા ।
યોગગમ્યાબિલાધારા તુરીયા યા ચ સંસ્થિતા ।।
તસ્યાસ્તુ સાત્વિકી શક્તિ રાજસી તામસી તથા ।
મહાલક્ષ્મીઃ સરસ્વતી, મહાકાલિ તાઃ સ્ત્રિયઃ ।।
અર્થાત્
નિર્ગુણ, નિત્ય, વ્યાપક, કલ્યાણરૂપા, યોગસાધનૈકગમ્યા, સર્વાધાર-સ્વરૂપા, પુણ્યપ્રદા,
ત્રિગુણાત્મિકા ભગવતી જગદમ્બિકા જ પોતાના ગુણોના અલગ અલગ પ્રધાનતાવશ મહાકાલિ,
મહાલક્ષ્મી તથા મહાસરસ્વતીની સંજ્ઞાઓથી ઓળખાય છે.
ભગવાન પારાશર્ય વેદવ્યાસે, ‘મા ભગવતીને જ શિવપ્રિયા, ષટ્કોણમધ્યસ્થા,
યંત્રરાજોપરિવિરાજિતા તથા અગણિતગુણગણાન્વિતા કહ્યાં છે, તો ક્યાંક અસંખ્ય દેવીઓથી
સમાવેષ્ટિત રમ્યાતિરમ્યા, સહસ્ત્રમુખી, નાનામણ્યલંકૃતા, કનકાગંદ-કેયૂરકીરિટપરિશોભિતા તથા
જયાનુરક્તજનહૃલ્લેખા કહ્યાં છે. એમણે શ્રી માતાજીની સ્તુતિ ગાતાં ચારુહાસિની, મહામાયા,
દિવ્યા, વેદગર્ભા, પુણ્યપ્રકૃતિ, વિશાલાક્ષી, અવ્યયા, સર્વબીજમયી, દિવ્યગન્ધાનુલેપના,
રત્નમાલ્યામ્બરધરા, કટિવિદ્યુત્સમપ્રભા, સુચારુવદના, રક્તદન્તચ્છદ-વિરાજિતા, સર્વશૃંગારવેષાઢયા
અને મન્દસ્મિતમુખામ્બુજા પ્રભૃતિ વિશેષણોથી વિશિષ્ટ દર્શાવ્યાં છે.’
આ પ્રકારે અન્ય ગ્રંથોમાં માતેશ્વરી કાલિકાને નીલામ્બરા, રક્તામ્બરા, પીતામ્બરા કહ્યાં છે, તો
ક્યાંક પ્રમુદિતાકારા, સર્વાધિષ્ઠાનરૂપા, કૂટસ્થા, સર્વજ્ઞાનમયી, સચ્ચિદાનંદરૂપિણી, કલ્યાણી, કામદા,
વૃધ્ધિ, સિધ્ધિ તથા પંચકૃત્યવિધાત્રીના રૂપમાં સ્વીકાર કર્યો છે. આપણે ક્યારેક શચી, દુર્ગા, સાવિત્રી,
કામાક્ષી, વિન્ધ્યવાસિની, અંબા અને રાધાના સ્વરૂપે તો ક્યારેક ગંગા, ગાયત્રી, સરસ્વતી અને
લક્ષ્મીના રૂપે પૂજન-અર્ચન કરીએ છીએ.