હજી હમણા જ રજૂ થયેલી ઓટીટીની એક ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’માં રેસ્ટોરાંમાં ગયેલા
પતિ-પત્ની રાધિકા આપ્ટે અને સાહેબ ચેટર્જીને સ્પેશ્યલ ફોર્સના ચીફ વેઈટરના ડ્રેસમાં આવીને એક
જબરજસ્ત વાત કહે છે, “જસ્ટ હાઉસવાઈફ… એ યોગ્ય ઓળખ નથી. એક સ્ત્રી કેટલું કરે છે. પતિ-
પત્ની, બાળકો, સાસુ-સસરાની કાળજી લે છે. આખો દિવસ કામ કરે છે… વગેરે…” આ સાંભળતાં
રાધિકા આપ્ટેની આંખોમાં આંસુ આવે છે. મોટાભાગની સ્ત્રીઓને લાગે છે કે, એમના કામની કદર
નથી થતી. મોટાભાગની પત્નીઓ પોતાની અપેક્ષા પૂરી નહીં થયાની ફરિયાદ કરે છે, પરંતુ શું આપણે
ક્યારેય વિચાર્યું છે કે એક પત્ની તરીકે આપણી પાસેથી આપણા પતિને શું અપેક્ષા છે? આપણે સ્ત્રી
તરીકે હંમેશાં માત્ર એ જ વિચાર્યું છે કે, આપણી કઈ કઈ અપેક્ષાઓ પૂરી નથી થઈ. આપણા માટે
નાના સુખો અથવા નાની ક્ષણોનું મહત્વ ઘણું વધારે હોય છે, પરંતુ પુરુષો કદાચ આવી નાની ક્ષણો કે
નાના સુખોની વાત સમજી શકતા નથી, એવું આપણને લાગે છે. સત્ય એ છે કે, પુરુષને ઘણી
જવાબદારીઓ હોય છે. એમને નાનપણથી જ એવું શીખવવામાં આવ્યું છે કે, એમણે ‘કડક’,
‘મજબૂત’ અને ‘ઈમોશન અભિવ્યક્ત કર્યા વગર’ વર્તવાનું છે. ખાસ કરીને, લગ્ન પછી નિરસ થઈ
જતા પુરુષોની ફરિયાદ કરતી પત્નીઓએ એકવાર એમના પત્નીનું રૂટિન અને પોતાના તરફથી કેટલો
પ્રયાસ થયો છે એ બંને બાબતોને તપાસવાની જરૂર છે.
નાનાં નાનાં આશ્ચર્યો, નાનાં નાનાં સુખો જે લગ્ન પહેલાં તમને ખૂબ વહાલાં લાગતાં હતાં
એ અચાનક કેમ નકામા થઈ ગયા છે? વરસાદમાં સાથે પલળવું, આઈસ્ક્રીમ ખાવો, સવારના સાથે
ચાલવા જવું કે લારી પર બેસીને ચા પીવી… કોઈ એક દિવસ કારણ વગર વહેલા આવવું અને સાથે
સમય ગાળવો… કે કોઈ સારા સંગીતની કેસેટ કોઈ પ્રસંગ વગર ભેટ આપવી… આ બધું જ સામાન્ય
નહોતું. થોડાંક જ વર્ષો પહેલાં? તો અચાનક એવું શું બન્યું જેનાથી સંબંધો ઠરી ગયા…
મોટાભાગના લોકો સંબંધોની સાથે સાથે વ્યક્તિઓને પણ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ની જેમ ટ્રીટ કરે
છે… પત્ની બની ગયેલી સ્ત્રી પ્રેમિકા મટી જાય છે, પરંતુ પતિ બની ગયેલો પુરુષ હજી યે ક્યારેક
બોયફ્રેન્ડની જેમ વર્તવાનું પસંદ કરે છે… એ જ્યારે પત્નીને અમુક પ્રકારના વસ્ત્રો પહેરવાનું કહે કે
રોમેન્ટિક મૂડમાં હોય ત્યારે જ પત્નીને જૂના ઝઘડા યાદ આવે કે પછી એમના મમ્મી, બહેન વિશે
મ્હેણાં મારીને એનો મૂડ બગાડવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પુરુષ બીજી વખતે એવી હિંમત
કરતાં પહેલાં અચકાય છે. પતિ પહેલ કરે ત્યારે, ‘હવે તમારે જરૂર છે એટલે અમારે સારા મૂડમાં આવી
જવાનું?’ જેવાં મ્હેણાં મારીને પરિસ્થિતિ ગૂંચવવાને બદલે સારા મૂડ અને રોમેન્સનો રસ જાળવી
રાખવાનો પ્રયાસ લગ્નજીવનને અકબંધ રાખવામાં ઘણી મોટી મદદ કરશે.
વ્યક્તિની ભૂલાઈ ગયેલી ઈચ્છાઓ એકબીજાને સાથે ન સંતોષાય ત્યારે માણસ ઘરની બહાર
પગ મૂકે છે. આજના જમાનામાં સ્ત્રી વ્યવસાય કે નોકરી કરે છે, જ્યારે એના કામની ઘરમાં કદર ન
થાય કે એને જોઈતો પ્રતિસાદ ન મળે ત્યારે બહાર સહકર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ પરત્વેનું આકર્ષણ
નોર્મલ છે. એ પત્ની હોય કે પતિ, ઈમોશન્સ સૌની જરૂરિયાત છે! લાગણી હોય એ પૂરતું નથી, વ્યક્ત
થાય એ જરૂરી છે.
ફક્ત એકવાર ઘરે આવીને આઠથી દસ વરસ જૂની, દિવસભર કામ કરીને થાકેલી, કંટાળેલી
પત્નીને એટલું કહી જોજો, ‘તું ખૂબ સુંદર લાગે છે…’ શરૂઆતમાં કદાચ છણકો કરે કારણ કે, એને
માટે આ ઘણા વર્ષની પ્રતીક્ષા પછી બનેલી ઘટના છે, પરંતુ જો આવું બે-ચાર વાર બનશે તો એને
સમજાશે કે, પતિ એને સમજે છે! ક્યારેક કહી શકાય, ‘ચાલ, આજે હું તારા માટે ચા બનાવું…’ અથવા
‘તને યાદ છે આપણે એકવાર સાંજે નહેરુબ્રિજ બેસીને કોફી પીધેલી… આજે ફરી ત્યાં કોફી પીવાની
ઈચ્છા છે…’ આમાંનું કોઈપણ એક વાક્ય કે આવી લાગણીની એક નાનકડી અભિવ્યક્તિ એને માટે
આવનારા કેટલા દિવસ પ્રાણવાયુ પૂરે છે, એ આપણે જાતે જ અનુભવી શકીએ…
એવી જ રીતે, પતિ ઘરે આવે ત્યારે એની સામે બગડેલા નળની કે છોકરાંઓ હોમવર્ક નથી
કરતા, એના માતા-પિતા સાથે પત્નીને કેટલી તકલીફ પડે છે એની ફરિયાદ કરવાને બદલે… એને માત્ર
એટલું કહીએ કે, ‘આજે હું જૂના આલ્બમ કાઢીને બેઠી હતી… અને આઈ રિયલી મિસ્ડ યુ…’ અથવા
એને એમ પૂછી જોઈએ કે, ‘આજના ટિફિનમાં મેં મૂકેલી ચિઠ્ઠી મળી? (ચિઠ્ઠીમાં આઈ લવ યૂ
સિવાય પણ ઘણું લખી શકાય!)
ઘણા લોકો એમ માને છે કે રોજ રોજની જિંદગીમાં વખાણ શું કામ કરવા જોઈએ? દરેક
માણસ પોતાનું કામ કરે અને એ એની ફરજ છે. ફરજ પૂરી કરવા માટે વળી વખાણ શેના કરવાના?
જો રોજેરોજ જીવનસાથીને રિએશ્યોરન્સ આપવું પડે તો એ સંબંધનો અર્થ શું છે? આ સવાલો ખોટા
છે. લગ્ન પહેલાં સતત એકમેકની સારી વાતો શોધતા હતા, કહેતા હતા, વખાણતા હતા-હવે અચાનક
માત્ર ભૂલો શોધવા લાગીએ અને ફરિયાદ કરવા લાગીએ તો સંબંધો ગૂંચવાઈ જાય એ સ્વાભાવિક છે.
મોટાભાગે પુરુષો સામે લગ્નેતર સંબંધની ફરિયાદ થાય છે, પરંતુ સવાલ એ છે કે, પુરુષ લગ્નેતર
સંબંધ કરે છે, કોની સાથે? સ્ત્રી પણ એટલી જ જવાબદાર છે ને?
એકસ્ટ્રા મેરિટલ સંબંધોનું મુખ્ય કારણ સંબંધોમાં ખુલ્લી હવાની ઝંખના છે. ઘરમાં પણ જો
બારીબારણાં ખુલ્લા રાખીએ, તાજી-ખુલ્લી હવાની અવરજવર થતી રહે તો ઘર ચોખ્ખું અને ફ્રેશ
લાગે છે. જ્યારે બારી-બારણા સતત બંધ હોય ત્યારે આપણને જે બહાર નીકળવાની ઈચ્છા થાય છે
(કોરોનામાં થતી હતી એમ) એવી જ રીતે સંબંધોમાં ગૂંગળામણ થાય ત્યારે માણસ બહારના કોઈ
સંબંધમાં તાજી હવા શોધે છે. પતિ કે પત્ની, લગ્નેતર સંબંધની ફરિયાદ કરતાં પહેલાં જો એકવાર
પોતાનું વર્તન તપાસી જુએ તો કદાચ એને કારણો બીજા કોઈને પૂછવાની જરૂર નહીં પડે.
પત્ની રડી નાખે છે, ઝઘડી નાખે-બૂમાબૂમ કરે કે ગુસ્સો કાઢી નાખે, પરંતુ પુરુષ કે પતિ માટે
એ સહજ નથી. જો ખરેખર લગ્નજીવન અકબંધ રહે, સુખી રહે એવું ઈચ્છતા હોઈએ તો પત્ની
તરીકે આપણે ક્યારેક પતિની અપેક્ષા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆત કોણ કરે એ
અગત્યનું નથી, શરૂઆત થવી જોઈએ.