મારુ મૃત્યુ ભારતના અખબારો માટે ચટપટા સમાચાર હતું…

17 જાન્યુઆરી 2014, ના દિવસે રાત્રે સાડા આઠ વાગે મને મૃત જાહેર કરવામાં આવી… આ ખૂબ નાટકીય ઘટના હતી.
BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુ
પામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા.

નામ : સુનંદા પુષ્કર
સ્થળ : # 345, લીલા પેલેસ હોટેલ, ચાણક્યપુરી, દિલ્હી.
સમય : 2014
ઉંમર : 49

કોઈ એક વ્યક્તિની જિંદગી કેટલી રસપ્રદ હોઈ શકે? એના મૃત્યુ જેટલી! એક વ્યક્તિના મૃત્યુ પછી વર્ષો સુધી એ ચર્ચામાં રહે,
એને જાણતા સહુ એના વિશે જુદું જ માનતા કે વિચારતા હોય… એના જીવનમાં આવેલા પુરુષો અને એના એકથી વધુ પતિ
હોવા છતા, એના સૌંદર્ય અને સ્ટાઈલ માટે બીજી સ્ત્રીઓ એની ઈર્ષા કરે અને કેટલાય પુરુષો એને પામવા તત્પર હોય એવી કોઈ
સ્ત્રીના જીવન વિશે કલ્પના કરી શકો છો? જીવનની અડધી સદી પણ પૂરી ન કરી હોય તેમ છતા અફવાઓના બજારમાં જેના
નામે સેંકડો દંતકથાઓ મશહૂર હોય એવી કોઈ વ્યક્તિને ઓળખો છો તમે? અખબારોના પેજ 3ની રોનક અને દિલ્હીના
સોશિયલ સર્કલમાં જો એ હાજર હોય તો લોકોની નજર એના પર જ હોય, અને જો એ ગેરહાજર હોય તો વાતોનો વિષય એની
જ આસપાસ ઘુંટાતો હોય એવું કોઈ નામ યાદ આવે છે?

છ વર્ષ થયા, હું આ જગતમાં નથી તેમ છતા મીડિયા અને ટેલિવિઝન ચેનલ મને ભૂલી શક્યા નથી. પચાસ વર્ષની ઉંમરે પહોંચેલી
હોવા છતા 20-22ની યુવતીઓને પણ જેના સુડોળ શરીરની, જેના નમણા ચહેરાની ઈર્ષા થતી હોય એવી સ્ત્રી… એટલે હું.
સુનંદા પુષ્કર.

17 જાન્યુઆરી 2014, ના દિવસે રાત્રે સાડા આઠ વાગે મને મૃત જાહેર કરવામાં આવી… આ ખૂબ નાટકીય ઘટના હતી.
BBCના સમાચારમાં કહેવામાં આવ્યું કે શશી થરૂર નામના મિનિસ્ટરના પત્ની લીલા પેલેસ હોટેલના રૂમ નંબર 345માં મૃત્યુ
પામેલી હાલતમાં મળી આવ્યા… જેવા આ સમાચાર બ્રેક થયા કે મીડિયા અને પોલીસ એકસાથે તૂટી પડ્યા. એ વખતે સરકાર
કોંગ્રેસની હતી, શશી થરૂર, મારા પતિ એ વખતે હ્યુમન રિસોર્સ મિનિસ્ટર હતા. દેખાવડા અને જબરદસ્ત અંગ્રેજી બોલતા,
ઈન્ટેલિજેન્ટ અને ચાર્મિંગ શશી થરૂર આમ પણ મીડિયાની નજરમાં હતા. થિરુવંતપુરમના રિઈલેક્શનમાં ઓ રાજગોપાલને
હરાવીને એ જીત્યા ત્યારે 15,700 વોટનો ફરક હતો. પરંતુ ત્યારે એ વિરોધ પક્ષમાં બેઠા. એ પહેલાં મનમોહનસિંહની સરકારમાં,
એમને યુનિયન કાઉન્સિલ ઓફ મિનસ્ટરમાં દાખલ કરવામાં આવ્યા અને હ્યુમન રિસોર્સનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો.
એમણે પોતાની કામગીરી સારી રીતે નિભાવી એ તો મારે સ્વીકારવું જ જોઈએ! એ હતા જ એવા મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ!
કેરાલાના થિરુવંતપુરમમાંથી ચૂંટણી લડતાં પહેલાં એમની પાસે એક ડિપ્લોમેટની કારકિર્દી હતી. એ યુ એનના અંડર સેક્રેટરી તરીકે
કામ કરી ચૂક્યા હતા. એ પછી એમણે 2006ના યુ એન સેક્રેટરી જનરલના ઈલેક્શન માટે ભારત સરકારનું નોમિનેશન મેળવ્યું.
જો એ જીત્યા હોત, તો શશી થરૂર યુ એનના બીજા નંબરના સૌથી યુવાન સેક્રેટરી જનરલ હોત!

યુ એનના ઈલેક્શનનું એક જુદુ જ રાજકારણ હોય છે. યુ એસ એમ્બેસેડર જ્હોન બોલ્ટને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મને
સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, આપણે કોઈ સ્ટ્રોંગ અને સ્વતંત્ર મિજાજનો સેક્રેટરી જનરલ જોઈતો નથી.” કોન્ડોલિઝા
રાઈસ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાના પગલે બધા જ મોહરાં ગુંચવાયા અને શશીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી
લીધી, એ પછી એમની સામે સાઉથ કોરિયાના બેન કિ મૂન જીત્યા. એમણે શશીને પોતાની સાથે યુ એનમાં કામ કરવા આમંત્રણ
આપ્યું, પરંતુ શશીએ પોતાની અંડર સેક્રેટરી જનરલની ટર્મ પૂરી થતા રાજીનામું આપી દીધું.

શશી જ્યારે ભારત આવ્યા ત્યારે એમના મનમાં રાજકીય કારકિર્દી બનાવવાનો કોઈ નિશ્ચય નહોતો, પરંતુ માર્ચ 2009માં એમણે
કોંગ્રેસ તરફથી પહેલી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કેરાલાના લોકલ અખબારોએ એમને ‘ઈલાઈટ આઉટસાઈડર’ (બુદ્ધિશાળી
બહારની વ્યક્તિ) કહીને અનેક વાર એમની મજાક ઉડાવી એમ છતા, થિરુવંતપુરમમાંથી 9989 વોટથી એ જીત્યા. એ વખતે
એમને એક્સટર્નલ અફેર્સના મિનિસ્ટર બનાવવામાં આવ્યા…

ત્યારે હું એમને બહુ સારી રીતે ઓળખતી નહોતી, પરંતુ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરતી હતી. એ મારાથી નવ વર્ષ મોટા
હતા. અમે 2009માં દિલ્હીમાં એક પાર્ટીમાં મળ્યા હતા. મેં ક્યારેય નહોતુ ધાર્યું કે હું આ માણસના પ્રેમમાં પડીશ!

2009 સુધી હું મારી દુનિયામાં અને મારા સંઘર્ષોમાં વ્યસ્ત હતી. મારા બે લગ્ન થઈ ચૂક્યા હતા, અને એક દીકરો હતો…
1997માં મારા બીજા પતિ સુજીત મેનનનું મૃત્યુ થયું હતું. હું સાવ એકલી હતી. સુજીત મારા બીજા પતિ હતા. હું એમની સાથે
દુબઈ રહેતી હતી. સુજીત સારા માણસ હતા અને અમે ખુશ હતા. એમને બિઝનેસમાં બહુ જ મોટી ખોટ ગઈ, અને એ સમયે
ફાઈનાન્સ ઉભું કરવા માટે મારા પતિ સુજીત મેનન ભારત આવ્યા હતા. હું મારા દીકરા શિવ સાથે દુબઈ જ હતી. મારો દીકરો
ચાર વર્ષનો હતો. અમને જ્યારે ખબર પડી કે મારા પતિ સુજીત મેનનનું દિલ્હીમાં એક અકસ્માતમાં અવસાન થયું છે ત્યારે મારા
માથે લાખો રૂપિયાનું દેવું હતું અને દીકરાની જવાબદારી.

હું મારા દીકરાને લઈને ભારત આવી ગઈ. મારા દીકરાને થોડો સમય મારી બહેન પાસે રાખ્યો અને પછી મારા માતા-પિતા પાસે
એને મુકીને હું કોઈ કામ શોધવા માટે દિલ્હી આવી હતી. મારે મારા પતિનું દેવું ચૂકવવાનું બાકી હતું, એમાંથી મને છુટકારો મળે
એમ નહોતો, કારણ કે, હું એમના બિઝનેસમાં ભાગીદાર હતી. એક તરફ મારા દીકરા- શિવથી દૂર રહેવાનું, બીજી તરફ મારા
માતા-પિતાની જવાબદારી પણ સંભાળવાની અને ત્રીજી તરફ મારા પતિનું દેવું ધીરે-ધીરે ચૂકવવાનું… મને મારા વિશે કે મારા
અંગત ભવિષ્ય વિશે વિચારવાનો તો સમય જ નહોતો!

સાચું પૂછો તો મેં મારા વિશે ક્યારેય વિચાર્યું જ નહોતું. જો વિચારીને જીવી હોત તો મારી પાસે એક જુદી જ જિંદગી હોત! હું
એક કશ્મીરી પંડિત પરિવારમાં જન્મી છું. મારા પિતા લેફ્ટનન્ટ કર્નલ પુષ્કરનાથ દાસ, આર્મીમાં હતા. મારે બે ભાઈઓ જેમાંથી
એક ગ્લોબલ સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો અને બીજો આજે ઈન્ડિયન આર્મીમાં બ્રિગેડિયર છે. અમે બોમાઈમાં રહેતા
હતા, જે જમ્મુની નજીક છે, પરંતુ અમારા મિલિટન્ટસ દ્વારા સળગાવી દેવામાં આવ્યું, એટલે મારા પિતાએ આખા પરિવારને
બોમાઈથી જમ્મુ લઈ જવાનું નક્કી કર્યું. હું ત્યારે બહુ નાની હતી. પરંતુ મને એ ભયાવહ દ્રશ્યો આજે પણ યાદ છે. બાળકોને
પોતાની સાથે નહીં રાખવાનો મારા માતા-પિતાએ નિર્ણય કર્યો. એટલે મને કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરીમાં અંબાલામાં
મુકવામાં આવી. મારા બંને ભાઈઓને પણ હોસ્ટેલમાં મુકી દેવામાં આવ્યા.

હું પરિવાર સાથે બહુ રહી નથી, કારણ કે, બાળપણથી જ હું બોર્ડિંગ સ્કૂલમાં ભણી છું. બોર્ડિંગમાં હું એક ખૂબ સીધી ઓછું
બોલતી અને શરમાળ છોકરી હતી. મારી મમ્મીએ મને કહ્યું હતું કે હું જન્મી ત્યારે ક્યાંય સુધી રડી નહોતી. ડોકટરોએ મને મૃત
ધારી લીધેલી. ઘણા પ્રયત્નો પછી મેં પહેલો શ્વાસ લીધો અને હું રડી ત્યારે મારા માતા-પિતાએ સુવર્ણ મંદિર પગે લગાડવાની
બાધા લીધેલી. મારી માં, જયા દાસ જીવનભર માનતી રહી કે હું અમૃતસરના સુવર્ણ મંદિરના આશીર્વાદનું ફળ છું. 27 જૂન
1964ની એ રાત્રે પી. એન દાસ, મારા પિતાને એ દિવસે આર્મી ઓફિસરનો રેન્ક મળ્યો, અને મારો જન્મ થયો…

જો કે, મારા પિતાને આર્મીમાં જોડાવાનો કોઈ ઈરાદો કે રસ નહોતો. એ તો અભિનેતા બનવા માંગતા હતા. હસવું આવે એવી
વાત એ છે કે, મારા પિતા અભિનેતા બનવા માટે ઘરેથી ચોરી કરીને ભાગી ગયેલા. એમને મુંબઈ જવું હતું. પરંતુ સોપોરે
(શ્રીનગર)થી અમૃતસર પહોંચે તે પહેલાં જ એમના પૈસા ચોરાઈ ગયા. એમણે અમૃતસર રોકાઈ જવું પડ્યું અને ગ્રેજ્યુએટ
હોવાને કારણે એક જગ્યાએ કારકૂનની નોકરી સ્વીકારી લીધી. થોડો વખત કામ કરીને ઘરે પાછા ફર્યા અને પરિવારની માફી માંગી
લીધી, પરંતુ ખેતી તેમના બસનો રોગ નહોતો… લગભગ એ જ સમયે 1962માં સિનો-ઈન્ડિયા વોર શરૂ થઈ. મોટા પ્રમાણમાં
સૈન્યમાં ભરતી શરૂ કરવામાં આવી, મારા પિતા આર્મીમાં જોડાઈ ગયા.

મારો ઉછેર એક મધ્યમ વર્ગીય સૈનિક પરિવારમાં થાય તેવો જ થયો છે… મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે હું દેશના અખબારોની
હેડલાઈન બનીશ! મીડિયા અને વિરોધ પક્ષ માટે આ જબરદસ્ત સમાચાર હતા. કેમ નહીં? લોકસભાની ચૂંટણીઓ માથા પર
હતી, કોંગ્રેસ પોતાના રહ્યા સહ્યા વર્ચસ્વને ટકાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું મહત્વ વધતું જતું હતું.
આવા સમયે કોંગ્રેસના એક મિનિસ્ટરની પત્ની આત્મહત્યા કરે, એ પણ દિલ્હીમાં ઘર હોવા છતા હોટેલના રૂમમાં… આનાથી
વધુ રસપ્રદ અને ચટપટી ખબર કઈ હોઈ શકે?
ક્રમશ:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *