મથુરાનગરપતિ, કાહે તુમ ગોકુલ જાઓ…

‘તુમરી પ્રિયા અબ પૂરી ઘરવાલી, દૂધ નાવન ઘીવું દિનભર ખાલી…’ ગઈકાલ સુધી જે પ્રેમિકા
હતી એ આજે કોઈની પત્ની છે. દૂધે નહાય છે, પરંતુ કરવા માટે એની પાસે કશું નથી (જીવવાનું કોઈ
કારણ નથી). ‘બિરહ કે આંસુ કબ કે પોંછ ડાલે, અબ કાહે દરદ જગાઓ…’ જે ગઈકાલ સુધી તમને મિસ
કરતી હતી કે જેને તમારા વગરનું જીવન અસહ્ય લાગતું હતું એણે પોતાની જાતને ગોઠવી લીધી છે,
જીવન સાથે સમાધાન કરી લીધું છે. હવે, એના જીવનમાં ફરીથી પ્રવેશીને દર્દ જગાડવાનો કોઈ અધિકાર
નથી…

વીતી ગયેલા સમય, છૂટી ગયેલા કે તૂટી ગયેલા સંબંધોના ટૂકડાને શોધીને, ફરી ફરીને એ જ
ભૂતકાળનું ચિત્ર બનાવવાનો પ્રયત્ન મહેનત અને લાગણીનો સ્પષ્ટ વેડફાટ છે. જિંદગીમાં ક્યારેય
રિવાઈન્ડ બટન નથી હોતું એ આપણે બધા જાણીએ છીએ તેમ છતાં, કોઈ એક સંબંધને ફરી ફરીને
જીવતો કરવાનો પ્રયત્ન કેટલાંક લોકો સતત કર્યા કરે છે. નવાઈ એ વાતની લાગે છે કે, ભૂતકાળના એ
સંબંધમાં હવે કશું નથી બચ્યું એવી ખાત્રી હોવા છતાં ફરી ફરીને એ મરી ગયેલા સંબંધને જીવાડવાનો વ્યર્થ
પ્રયાસ કરીને આવા લોકો ફક્ત નિરાશા સુધી પહોંચે છે. સામેની વ્યક્તિ, અથવા ભૂતકાળના પ્રિયજન,
પ્રેમિકા-પ્રેમી કદાચ પોતાના જીવનમાં ‘મૂવ ઓન’ થઈ ગયા હોય એ પછી પણ પોતે ત્યાં જ ઊભા છે એવું
કહીને, પોતાની પીડાની કે એકલતાની ફરિયાદ કરીને એ વ્યક્તિને સતત પાછી બોલાવવાનો પ્રયત્ન
કરનારાએ એવું સમજી લેવું જોઈએ કે નદીમાં ડૂબકી મારીને આપણે ઊભા થઈએ, અને ફરી બીજી ડૂબકી
મારીએ ત્યારે પણ જો જળ એનું એ ન રહેતું હોય તો એકવાર આપણને છોડીને ગયેલી વ્યક્તિ (કોઈપણ
કારણસર) પાછી ફરે તો પણ એ વ્યક્તિ ‘એ’ તો નહીં જ હોય !

છૂટી પડી ગયેલી બે વ્યક્તિમાંથી કોઈ એક અથવા બંને પોતપોતાની દિશામાં પ્રવાસ કરે છે. જ્યાં
છોડવામાં આવ્યા હતા, ‘ત્યાં જ ઊભા હોવાનો’ દાવો કરનાર પણ થોડુંક તો બદલાયા જ હોય છે. બીજો
એક મુદ્દો એ છે કે, છૂટા પડેલા બે જણાં મોટાભાગે એકબીજાને આ વિયોગ માટે કે છૂટા પડવા માટે
જવાબદાર ઠેરવતા હોય છે. આવા સમયે ઈગોના પ્રશ્નો પણ થાય જ છે. એક વખત સંબંધમાં જ્યારે
કડવાશ, ફરિયાદ કે પોતાની પ્રિય વ્યક્તિ વિશે નાનકડો ગુસ્સો કે તિરસ્કાર ભળી જાય છે ત્યારે એ સંબંધને
ફરીથી ત્યાં જ પહોંચાડવો, એ જ રીતે જીવાડવો કે અનુભવવો લગભગ અશક્ય હોય છે.

‘મથુરાનગરપતિ, કાહે તુમ ગોકુલ જાઓ…’ રાધા અને કૃષ્ણના રૂપકને લઈને શોભા મુદગલના
અવાજમાં ગવાયેલું આ દર્દભર્યું ગીત બંગાળીના જાણીતા લેખક મનોજ બાસુની વાર્તા ‘પ્રથિંગ્શા’ ઉપર
આધારિત ફિલ્મ ‘રેઈનકોટ’ માટે રિતુપર્ણા ઘોષે લખ્યું છે. આ ગીતના શબ્દો લગભગ દરેક વ્યક્તિના
જીવનમાં પૂછાવો જોઈએ એવો સવાલ પૂછે છે, ‘કાહે આધી રાત સારથિ બુલાઓ ?’ મથુરામાં વસતા
કૃષ્ણને રાધા યાદ આવે એ સહજ, અથવા સ્વાભાવિક છે, પરંતુ ત્યાં પાછા જવાનો એમનો પ્રયાસ અને
પ્રવાસ બંને કેટલા નિરર્થક છે એની વાત આ ગીતમાં કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા આમ જુઓ તો સાવ સામાન્ય છે. એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં છૂટા પડી ગયેલા
બે જણાં ફરી એકવાર બીજાને મળે છે. બંને એકબીજાની સામે ‘સુખી હોવાનું’ મહોરું પહેરીને એવો
દેખાવ કરે છે કે જાણે પોતે જે ખોયું છે અથવા જેને પ્રેમ કરતા હતા એના જવાથી પોતાના જીવનમાં કોઈ
ફેર જ પડ્યો નથી… સ્વાભિમાન ગણો કે અભિમાન, અકબંધ રાખીને એક સમયે જે પ્રિય હતી એવી
વ્યક્તિને પોતે ‘દુઃખ’ પહોંચાડ્યું છે એવો સંતોષ થતો હશે ? કોઈક કારણસર છૂટા પડી ગયેલા બે પ્રેમીઓ
જ્યારે મળે છે ત્યારે ‘એ’ વ્યક્તિના જવાથી પોતાના જીવનનો કોઈ હિસ્સો ખાલી થઈ ગયો છે અથવા પોતે અધૂરપ
અનુભવે છે એવું સ્વીકારવાની સહજતા ભાગ્યે જ કોઈની પાસે હોય છે. આનું કારણ કદાચ એ છે કે, આપણે પ્રેમને
પણ અહંકારના વાઘા પહેરાવીને જ ઓળખીએ છીએ. નકરો, નર્યો, નીતર્યો, વાઘા વગરનો પ્રેમ આપણને ઓળખાતો
નથી. સામેની વ્યક્તિએ કોઈક કારણસર જીવનનો સૌથી મહત્વનો સંબંધ તોડવો પડ્યો હોય તો એ વાતને ‘અંગત’
માન-અપમાનનો મુદ્દો બનાવીને આપણે જીવનભર એ વ્યક્તિ વિશે કડવાશ સંઘરી રાખીએ છીએ જેને
એક સમયે દિલ ફાડીને પ્રેમ કર્યો હોય ! આ કેવી પેરાડોક્સ અથવા કોમ્પ્લેક્સ પરિસ્થિતિ છે ! ક્યારેક જે
જીવથી પણ વધુ વહાલી હતી એવી વ્યક્તિનો જીવ લેવા આપણે તૈયાર થઈ જઈએ છીએ… છેક
મહાભારત કાળમાં અંબા અને ભિષ્મની કથાથી શરૂ કરીને હજી હમણા જ બનેલા આયેશાના કિસ્સા
સુધી અખબારોમાં પણ આવા નિષ્ફળ પ્રેમના કિસ્સામાં થયેલા લોહિયાળ અંતની કથાઓ આપણે વાંચતા
રહ્યા છીએ.

આવી પરિસ્થિતિ આપણા સૌની થતી જ હોય છે. આપણને આપણી પીડા કે અભાવ પ્રગટ
કરતા કોઈક અહંકાર, ઈગો રોકી લે છે… ખાસ કરીને, એ વ્યક્તિની સામે જેને ક્યારેક આપણે પૂરા
હૃદયથી ચાહી હોય ! જેને સૌથી વધુ પ્રેમ કર્યો હોય એની સામે એના જ અભાવની પીડા પ્રગટ કરવામાં
આપણને વધુ પીડા થાય છે.

જે જ્યાં છૂટી જાય, એને ત્યાં જ છોડીને આગળ વધી જવું એ જીવનનો, નિયતિનો અને
અસ્તિત્વનો નિયમ છે. ખરી ગયેલાં પાંદડાં ફરી ડાળ પર ચોંટાડી શકાતાં નથી, વહી ગયેલું પાણી ફરીથી
નદીના મુખ સુધી જઈ શકતું નથી, પરંતુ નવા પાંદડાં ઊગે છે, વરસાદ નવું જળ લઈને આવે છે, એવી
જ રીતે સરી ગયેલા સંબંધને પકડવા કે રોકવાના પ્રયત્નને બદલે નવી દિશા અને નવા સંબંધ તરફ આગળ
વધવું એ જ સાચો રસ્તો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *